નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૦

….એ તો વાઘ ફળાહાર પર જીવતો હોય એવી વાત કહેવાય

નલિન શાહ

સાગર-રાજુલનાં લગ્નની એનિવર્સરિનો દિવસ આવી ગયો હતો. બંગલાની ભવ્ય ઇમારતને આખરી સ્વરૂપ અપાઈ ગયું હતું. એનિવર્સરિની આડમાં દીકરી કરતાંયે વ્હાલી વહુને નવાજવા સુનિતાએ ઘડેલી યોજનાની સાગર સિવાય કોઈને જાણ નહોતી. રાજુલના પેઈન્ટિંગમાં દર્શાવ્યા પ્રમાણે બંગલાને ઢાંકવા વેલથી છવાયેલી જર્જરીત દેખાતી પથ્થરની લાંબી એવી દીવાલ અને વૃક્ષોથી છવાયેલાં વાતાવરણમાં આમંત્રીતો માટે ખુરશીઓ મૂકાઈ હતી, જે રિબન કાપવાની વિધિ પહેલાં આવેલાં મહેમાનો માટે તત્પૂરતી વ્યવસ્થારૂપે હતી. સુનિતાના આગ્રહથી એ વિધિની ક્રિયા શશીએ નછૂટકે માન્ય રાખવી પડી હતી. રાજુલને ફક્ત એટલો જ સંદેશો હતો કે આ પ્રસંગને ઉજવવા કદાચ સો વરસ જૂના બંગલાનું સમારકામ કરી નવો ઓપ અપાયો હશે. પણ રીબન કાપવાનું મહત્ત્વ એને નહોતું સમજાયું.

ધનલક્ષ્મી સુનિતાના સમારંભનો વૈભવ અને અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિ માણવાના વિચારે રોમાંચ અનુભવતી હતી. એ દ્વિધામાં હતી કે કેવાં કપડાં અને કેવાં દાગીના એ પહેરે કે જેથી એની આર્થિક સમૃદ્ધિ છતી થાય. પરાગનું એ કથન ‘આપણે એમની સામે કોઈ વિસાતમાં નથી’ એના મગજ પર ભારરૂપ હતું ને એ જ કારણે આવાં લોકોની ઓળખાણ કરવાને એમનું સાન્નિધ્ય માણવા એ તલપાપડ હતી. સૌથી વધુ તો એ સાગરની અલૌકિક પત્નીને જોવા અને ઓળખાણ કરવા આતુર હતી.

પરાગ સારી રીતે જાણતો હતો કે એની માની વર્તણૂંક સુનિતાબેન જેવાંના વર્તુળમાં એને માટે સંકોચજનક સ્થિતિ ઊભી કરે તેવી હતી. એટલે એ નહોતો ઇચ્છતો કે એ સાથે આવે. એણે માનસીની સામે એની દ્વિઘા રજૂ કરી તો માનસીએ એની વાતનો વિરોધ કરતાં કહ્યું કે મમ્મી કેટલા દિવસથી એ ફંક્શનમાં જવા આતુર હતી અને ના લઈ જઈને એમને આઘાતજનક સ્થિતિમાં મૂકવા યોગ્ય નહોતું. ત્યાં જ ધનલક્ષ્મીએ આવીને માનસીને પૂછ્યું, ‘માનસી, જરા મારા બેડરૂમમાં આવીને મને દાગીના અને સાડીની પસંદગી કરવામાં મદદ કરશે?’

‘મમ્મી,’ પરાગે કહ્યું, ‘સુનિતાબેનની એ વહુના એક દાગીના સામે તારા બધા દાગીના ઝાંખા પડી જશે. એટલે મારું માને તો તું દાગીના ના પહેરે એમાં વધારે શોભા દેખાશે.’

‘પરાગ,’ માનસીએ જરા સખ્તાઈથી કહ્યું, ‘મમ્મી પાસે ઘણા દાગીના છે અને એ આવા પ્રસંગે ના પહેરે તો ક્યારે પહેરશે?’ માનસીને એનો પક્ષ લેતાં સાંભળી ધનલક્ષ્મી હરખાઈ ગઈ.

‘ચાલો મમ્મી, હું તમને મદદ કરુ છું.’ કહીને માનસી સાસુ સાથે એના બેડરૂમમાં ચાલી ગઈ.

માનસીના વર્તને પરાગને અચંબામાં નાખી દીધો.

માનસી જાણતી હતી કે એની સાસુનો આડંબર અને એના મિથ્યા અહંકારનો ધ્વંસ કરવાનો આવો મોકો કદાચ બીજો ના સાંપડે. ગરીબ માબાપ અને બહેનો પ્રત્યેના એના અમાનુષી વર્તનની સજા ક્યારે ને ક્યારે તો એણે ભોગવવી રહી. આજે જો એ હિસાબ ચૂકવાઈ જાય તો વેરની વસૂલાતના છેલ્લા અંક પર પરદો પડી જાય. જ્યારે એની સાસુ રાજુલને જાણશે ત્યારે એને એકલી મળી તો એના ઠાકોરજી પણ પીઠ ફેરવી લેશે.

માનસીએ બેડરૂમમાં સાસુની મોંઘીદાટ સાડીઓ અને દાગીના પર નજર ફેરવીને એટલું જ કહ્યું ‘મમ્મી, તમને તો બધું જ શોભે એવું છે. કયું વધુ સારું ને કયું ઓછુ સારું એ નિર્ણય લેવો કેટલો અઘરો છે!  તમને પ્રસંગરૂપ મનમાં શું જચે છે એ તમે જ નક્કી કરો તો વધુ સારું.’

ધનલક્ષ્મીએ આધુનિક ડિઝાઇનનો ચાર-પાંચ વરસ પહેલાં બનાવડાવેલો સોનાનો ભારે સેટ પસંદ પડ્યો. ‘આ લગભગ ત્રીસ તોલાનો હશે. આજે તોલાનો ભાવ અઢારસો પર પહોંચી ગયો છે ને આવો બનાવવા જાવ તો પચાસ-સાઠ હજારથી ઓછા ના થાય. કેવો લાગશે? અંજાઈ જશે એમ નથી લાગતું?’

“ગધેડા પર અંબાડી” માનસીને વિચાર આવ્યો, પણ ફક્ત એટલું જ કહ્યું કે લોકોનું ધ્યાન ખેંચે એવો છે.

ધનલક્ષ્મી માનસીના અભિપ્રાયનું તાત્પર્ય ના સમજી, પણ એના વક્તવ્યને એની પસંદગીનું રૂપ આપીને પહેરવા બહાર રાખ્યો. બનારસી સિલ્કની જરીની બોર્ડરવાળી લીલા રંગની સાડી કાઢીને માનસીને કહ્યું, ‘આ પણ ધ્યાન ખેંચે એવી છે. તું શું પહેરવાની છે?’

‘તમને ખબર છે કે મને ઘરેણાંનો કોઈ શોખ નથી અને ગ્રે રંગની ખાદી સિલ્કની વગર બોર્ડરની સાડી મને ચાલશે.’

‘અરે પણ દાગીના…’

‘ના, મમ્મી તમારી સાથે હરીફાઈ ના થાય મારાથી, એ યોગ્ય નથી.’

ધનલક્ષ્મી માનસીનો કટાક્ષ ના સમજી. ‘તમારી સાથે હરીફાઈ ના થાય.’ એટલું કહ્યું એમાં એનો અહમ્‍ પોષાયો.

બહાર આવી ધનલક્ષ્મી પરાગને ઉદ્દેશીને બોલી, ‘હજી તો સાંજ પડવાને ઘણી વાર છે.’

‘તેનું શું?’ પરાગે પૂછ્યું.

‘ના, મને એમ હતું કે જરા હેયર ડ્રેસર પાસે જઈ આવું.’

‘મમ્મી’ પરાગે ચિડમાં કહ્યું, ‘જ્યારે માનસીને બાળક આવશે ત્યારે એનાં લગ્નનો પ્રસંગ પણ આવશે, ત્યારે જજે હેયર ડ્રેસર પાસે અને જરૂર લાગે તો ફેશન ડિઝાઇનર પાસે.’ પણ ધનલક્ષ્મી એનો મર્મ ના સમજી. એટલે કહ્યું, ‘લે, હું કાંઈ ત્યાં લગી જીવતી રહેવાની છું?’

‘મને કાંઈ તારા એટલાં જલદી મરવાનાં લક્ષણ દેખાતાં નથી.’

‘પરાગ!’ માનસીએ ગુસ્સામાં કહ્યું, ‘તને કાંઈ ભાન છે તું શું બોલે છે, ને તે પણ તારી માને!’

‘હું તો એક ડૉક્ટર તરીકે કહું છું, દીકરાના નાતે નહીં.’ પરાગ બેદરકારીથી બોલ્યો.

‘મમ્મી, તમે ગયાં હતાં એની પાસે ચેક-અપ માટે?’

‘ના ભાઈ, જરૂર લાગે ત્યારે હું તો તારી પાસે જ આવીશ. મારી પાસે તો તું પૈસા નહીં જ લે ને!’ ધનલક્ષ્મીએ રમૂજમાં કહ્યું.

‘આજે પહેલી વાર સમજણની વાત કરી.’ પરાગે પણ એવા જ લહેજામાં જવાબ આપ્યો.

‘એ તો હંમેશાં કહું છું. પણ સાંભળે છે કોણ?’  કહીને ધનલક્ષ્મી બેડરૂમમાં ચાલી ગઈ.

ધનલક્ષ્મીનું સુનિતાના સમારંભમાં આમંત્રિત થવું એ પોતાની સહેલીઓમાં મોભો વધારવા જેવી વાત હતી. એટલું જ નહીં, પણ એના બહુમૂલ્ય ઘરેણાંનું પ્રદર્શન કરવાનો મોકો પણ હતો. સૌથી વધુ તો સુનિતાની એ રહસ્યમય અને માનીતી વહુને જોવા, મળવા અને જાણવા ઉત્સુક હતી. એની ઓળખાણ એનાં પોતાના વર્તુળમાં એની મહત્તા વધારવા જેવું હતું.

સમારંભ માટે સજવામાં ધનલક્ષ્મીએ સારો એવો સમય ગાળ્યો અને જ્યારે બહાર આવી ત્યારે એનો ભપકો અને સજાવટ જોઈ માનસી હેબતાઈ ગઈ. પરાગને ગુસ્સો આવ્યો અને શૃંગાર કરતાં પહેલાં એની ઉંમરનો તો વિચાર કરવો જોઈતો હતો એવું કંઈક કહેવા જતો હતો ત્યાં જ માનસીએ એને ઇશારો કરી ચુપ રહેવા સૂચવ્યું.

‘કેવું લાગે છે?’ ધનલક્ષ્મીએ પૂછ્યું.

‘ઘરેણાં ધ્યાન ખેંચે એવાં છે.’

‘ને સાડી?’

‘એ પણ.’

ધનલક્ષ્મીને માનસીના જવાબોના સાચો અર્થ ના સમજાયો. લોકોનું ધ્યાન ખેંચવાની વાતને પ્રશંસાનું રૂપ આપી એ ખુશ થઈ ગઈ અને ઊંચી એડીના સેન્ડલ પગમાં નાખી કોઈ રણમેદાન સર કરવા જતી હોય એવા ભાવથી ગાડીમાં એનું આસન ગ્રહણ કર્યું. પરાગ મનમાં એટલો ધૂંધવાતો હતો કે માનસીના ઇશારાથી નાછૂટકે એને મોં બંધ રાખી ડ્રાઇવિંગ પર ધ્યાન આપવું પડ્યું. છતાં એને માનસીને સાનમાં કહેવું પડ્યું કે મા પર નજર રાખે, ક્યાંક બફાટ ના કરી બેસે.

ગાડીમાં ધનલક્ષ્મીએ કહ્યું, ‘માનસી, તને યાદ છે ને કે મારે સુનિતાબેનની એ વહુને મળવું છે, બહુ અભિમાની હશે, નહીં?’

‘ના મમ્મી, જરા પણ નહીં. ખૂબ જ સૌજન્યશીલ છે. અબજોપતિ હોવા છતાં કોઈ ઘમંડ કે દેખાડો નથી. મોકો મળશે તો એની સાથે તમારી વાત પણ કરાવીશ.

માનસીની વાત ધનલક્ષ્મીના માનવામાં ન આવી, ‘પૈસા જો હોય અને ઘમંડ ના હોય તો એ પૈસા શા કામના? એ તો સુનિતાના સંબંધનાં કારણે માનસી સારું સારું બોલતી હશે. બાકી તો અબજોપતિ હોય ને પાછા દયાળુ ને માયાળુ હોય એ તો વાઘ ફળાહાર પર જીવતો હોય એવી વાત કહેવાય. જોઉં તો ખરી એ કેટલા પાણીમાં છે. બસ ત્યાં પહોંચ્યાં એટલી વાર છે.’

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.