ચારસો વર્ષની ગુલામીના અંધકાર પછી લોકતંત્રનો સૂર્યોદય

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ગારફિલ્ડ સોબર્સ, ફ્રેન્‍ક વૉરેલ, વૉલ્કોટ, એવર્ટન વિક્સ, ગોર્ડન ગ્રિનીજ, વેસ્લી હૉલ, ચાર્લી ગ્રિફિથ, જોએલ ગાર્નર, ડેસમન્‍ડ હેન્‍સ, માલ્કમ માર્શલ જેવા ક્રિકેટરોનાં નામ ક્રિકેટપ્રેમીઓથી અજાણ્યાં હોય એમ બને જ નહીં. ક્રિકેટપ્રેમીઓ આમાંથી પોતાના સમયના ક્રિકેટરની સિદ્ધિઓ વિશે જાણતા હોય એ સ્વાભાવિક છે. આ સહુ નામોમાં સામાન્ય શું? આ સહુ વેસ્ટ ઈ‍ન્ડિઝના ક્રિકેટરો છે એ કંઈ જણાવવાની જરૂર નથી. એ પછી આ નામોમાં સામ્ય હોય તો એ કે તેઓ સહુ બાર્બાડોસના વતનીઓ છે. વેસ્ટ ઇન્‍ડિઝ ખરેખર કોઈ એક દેશ નથી, બલકે નાના ટાપુઓના બનેલા અનેક દેશોનો સમૂહ છે. આ ટાપુસમૂહમાંનો એક મહત્ત્વનો ટાપુ એટલે બાર્બાડોસ.

એકવીસમી સદીના ત્રીજા દાયકાના આરંભિક વર્ષના આ અંત ભાગમાં બાર્બાડોસે એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 30 નવેમ્બર, ૨૦૨૧ના રોજ આ દેશ લોકતાંત્રિક બન્યો છે. એ સાથે અહીં ચચ્ચાર શતાબ્દિ જૂના અંગ્રેજી શાસનનો યુગ અધિકૃત રીતે પૂર્ણ થયો છે. અત્યાર સુધી આ દેશનાં વડા રાણી એલિઝાબેથ ગણાતાં હતાં. ઈ.સ.1625માં અહીં પહેલવહેલું અંગ્રેજી જહાજ આવ્યું હતું, અને એ પછી ગુલામીના દીર્ઘ યુગનો આરંભ અહીં થયો હતો. અહીંની શેરડીની ખેતીને કારણે આફ્રિકાથી લવાયેલા હબસી ગુલામોની આ મોટી વસાહત બની રહી હતી. ઈતિહાસમાં નોંધાયાં ન હોય એવાં અનેક કાળાં પ્રકરણોએ બાર્બાડોસ સહિત અનેક ટાપુમાં આકાર લીધો હતો. અંગ્રેજી શાસનને સર્વોપરિ બનાવવામાં અહીંના વેપારમાંથી મળેલાં અઢળક નાણાંએ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

બાર્બાડોસને સ્વાતંત્ર્યપ્રાપ્તિ છેક ૧૯૬૬માં થઈ હતી. જો કે, કૉમનવેલ્થ દેશોનું સભ્યપદ તેણે ચાલુ રાખ્યું હતું. એટલે કે બંધારણીય રાજાશાહીનો વિકલ્પ સ્વિકારીને ઈન્‍ગ્લેન્‍ડનાં રાણી એલિઝાબેથ દ્વિતીયને ‘બાર્બાડોસનાં રાણી’ તરીકે ચાલુ રખાયાં હતાં, અને રાણીનું પ્રતિનિધિત્વ ગવર્નર જનરલ કરતા હતા. આમ, આઝાદ બનવા છતાં તે રાણીના તાબા હેઠળનો દેશ બની રહ્યો હતો. પંચાવન વરસના સમયગાળા પછી આખરે તે ખરા અર્થમાં લોકતાંત્રિક બન્યો છે, જેના સૌ પ્રથમ પ્રમુખ સાન્‍ડ્રા મેસન નામનાં બાર્બેડિયન મહિલા બન્યાં છે.

એક દીર્ઘ પરંપરાનો અંત આવે એટલે અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. આવી પરંપરા ગમે એવી ખરાબ હોય તો પણ લોકો તેનાથી ટેવાઈ ગયા હોય છે. પરિણામે સત્તાનું હસ્તાંતરણ તેઓ ઝટ સ્વીકારી શકતા નથી. બીજી તરફ એક લોકતાંત્રિક દેશનો જન્મ સ્વાભાવિકપણે જ આશાવાદીઓ માટે આનંદનો અવસર પૂરો પાડતો હોય છે, કેમ કે, ગુલામીનું સ્વરૂપ ચાહે ગમે એવું અનુકૂળ આવી ગયેલું હોય, આખરે એ ગુલામી જ હોય છે. લોકતાંત્રિક બનેલા દેશના શાસકો આગળ ઉપર દેશને કઈ દિશામાં દોરી જાય છે એ મહત્ત્વનું છે. જેમ કે, સ્વાતંત્ર્યપ્રાપ્તિના સાત દાયકા વીતવા છતાં આપણા પોતાના દેશમાં ઘણા લોકો એવા છે કે જે અંગ્રેજી શાસનને વખાણે છે.

અંગ્રેજી શાસનની વિવિધ પદ્ધતિઓથી બાર્બાડોસ તબક્કાવાર છેડો ફાડતું રહ્યું હતું. જેમ કે, ઈ.સ.2005માં તેણે લંડનસ્થિત પ્રિવી કાઉન્‍સિલને અપીલ કરવા માટેની આખરી અદાલત તરીકે પડતી મૂકીને ટ્રિનિદાદ સ્થિત કેરિબીયન કોર્ટ ઑફ જસ્ટિસની પસંદગી કરી હતી. ૨૦૦૮માં દેશને લોકતાંત્રિક બનાવવાના મુદ્દે લોકમત લેવાની દરખાસ્ત મૂકવામાં પણ આવી હતી, જેને અનિશ્ચિત મુદત માટે પાછળ ધકેલી દેવામાં આવી હતી. આખરે ૨૦૨૦માં બાર્બાડોસે બંધારણીય રાજાશાહીને અટકાવવાની ઘોષણા કરી હતી, જેને પગલે બ્રિટિશ વાઈસ એડમિરલ હોરેશિયો નેલ્‍સનના પૂતળાને નેશનલ હીરોઝ સ્ક્વેરમાંથી હટાવી લેવાયું હતું.

બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ, કૉટ ઑફ આર્મ્સ (રાજચિહ્નો), રાષ્ટ્રગીત એનાં એ રહેશે, પણ તેમાં આવતા અમુક સંદર્ભ બદલવામાં આવશે. અંગ્રેજી રાજાશાહી શાસનની ઓળખ જેવા ‘શાહી’ (રૉયલ), ‘તાજ'(ક્રાઉન) વગેરે શબ્દોનો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવશે. જેમ કે, ‘રૉયલ બાર્બાડોસ પોલિસ ફોર્સ’ હવે પછી ‘બાર્બાડોસ પોલિસ સર્વિસ’ બનશે. ‘ક્રાઉન લૅન્‍ડ’ (શાહી જમીન) હવેથી ‘સ્ટેટ લૅન્‍ડ’ (રાજ્યની જમીન) તરીકે ઓળખાશે.

આટલા દીર્ઘ અંગ્રેજી શાસનની અનેક ગંભીર આર્થિક, વ્યાપારી, સામાજિક અસરો હોય એ સ્વાભાવિક છે, જે કેમે કરીને વીસરી ન શકાય, કે ન તેને નજરઅંદાજ કરી શકાય. બીજી બધી વાતને ઘડીક બાજુએ રાખીએ અને માત્ર આર્થિક વાત કરીએ તો, શાહી પરિવારે અહીંના ગુલામોના વ્યાપાર થકી જ અઢળક નાણાં બનાવ્યાં છે. આ નાણાં હવે બાર્બાડોસને પાછા મળવા જોઈએ એવી પણ એક માંગણી છે. વૈશ્વિક મહામારીને કારણે આ દેશનું તંત્ર બૂરી રીતે અસરગ્રસ્ત થયેલું છે એવી પરિસ્થિતિમાં તો ખાસ.

અંગ્રેજી શાસન ધરાવતા મોટા ભાગના દેશોમાં વાહનને સડકની ડાબી બાજુએ હંકારવાનો નિયમ અનુસરાય છે, જેને કારણે ત્યાંનાં વાહનોમાં સ્ટિયરિંગ વ્હીલ જમણી તરફ મૂકાયેલાં હોય છે. અંગ્રેજી શાસનની દેન સમી આ બાબતને પણ હવે અંગ્રેજી શાસનની વિદાય સાથે હંમેશ માટે વિદાય આપવી? કે પછી એનાથી બીજું ખાસ નુકસાન નથી એટલે તેને ચાલુ રાખવી? આવી તો કેટકેટલી બાબતો હશે કે જેની સાથે અંગ્રેજી શાસનની યાદ અભિન્નપણે સંકળાયેલી હોય.

Dame Sandra Mason, the governor-general of Barbados, will replace the Queen as the island’s head of state. Photograph: Steve Parsons/PA- Source: The Guradian

બાર્બાડોસનાં પ્રમુખ સાન્‍ડ્રા મેસને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે (અંગ્રેજોના) વસાહતી ભૂતકાળને સંપૂર્ણપણે પાછળ મૂકી દેવાનો સમય આવી ગયો છે. બાર્બેડિયનોને હવે રાષ્ટ્રના વડા તરીકે બાર્બેડિયનની જરૂર છે.

વડાપ્રધાન મીઆ એમોર મોટલીએ કહ્યું હતું કે હવે દેશનો એ સમય આવી ગયો છે કે પોતાની નિયતિ એ પૂર્ણપણે પોતે જ નિર્ધારીત કરે. તેમણે એમ પણ કહ્યું કે બાર્બાડોસ પૂર્ણપણે લોકતાંત્રિક દેશ બની જાય ત્યારથી જ ખરેખરા કામનો આરંભ થશે.

આ નાનકડા દેશની પ્રગતિનો માર્ગ કઈ દિશામાં હશે એનો આધાર ત્યાંના રાજનેતાઓ અને લોકો પર છે. કેમ કે, લોકતાંત્રિક બન્યા પછી પણ રાજનેતાઓ ઘણી વાર વસાહતી શાસનને પણ સારું કહેવડાવે એ રીતે વર્તતા હોય છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૧૨ –૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.