સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૨) સફળતા માટે સમાધાન


નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

ફિલ્મી સંગીત મહદઅંશે સમાધાનો ઉપર ટકી રહ્યું છે. એ બાબતે અધિકૃતતા સાથે કેટલી હદે સમાધાન કરવું એ સંગીતનિર્દેશકની ક્ષમતા અને ચોક્કસ પરિસ્થિતિમાં એની પહોંચ કેટલી છે એના પર આધાર રાખે છે. પણ એક હકીકત છે કે અન્ય કોઈ પણ પરિબળ કરતાં સંગીતની લોકપ્રિયતા વધારે પ્રાથમિકતા ધરાવે છે.

એક વાર નૌશાદે કહેલું કે એક સ્વરનિયોજકે જે તે ગીતની લોકપ્રિયતાને લક્ષ્યમાં રાખવાની સાથેસાથે શ્રોતાઓનાં રસરુચિ વિકસે એ પણ જોવું જોઈએ. વાત સાચી છે. પહેલાંના સમયના સંગીતકારોને બહુ યાદગાર નહીં એવાં ગીતો બનાવવા માટે દોષ આપી શકાય. પણ, સાથે એ લોકો એટલી કાળજી એ પણ લેતા કે કલા અને લોકસ્વીકૃતિ વચ્ચે સમતુલા જળવાઈ રહે. ત્યારે ઝંડેખાન, માસ્ટર ક્રિશ્નરાવ અને સરસ્વતીદેવી જેવાં સર્જકો પણ હતાં, જે એમની શાસ્ત્રીય પરંપરાને બરકરાર રાખવા માટે કટીબધ્ધ હતાં

અત્યારના સંગીતની વાત કરીએ તો ૧૯૭૦માં ઉભરી આવેલા વનરાજ ભાટીયા બહુ થોડા સર્જકો પૈકીના એક હતા, જેમને ખરા અર્થમાં સ્વરકાર કહી શકાય.

‘પદ્મ’ એવૉર્ડ સ્વીકારતા વનરાજ ભાટીયા

પોતાની નિષ્ઠા તેમ જ બિનસમાધાનકારી વલણને તેમના હાંસિયામાં ધકેલાઈ જવાનું સંભવિત કારણ છે. એમને યોગ્ય ન્યાય આપવા માટે શ્યામ બેનેગલ જેવા સર્જકે બનાવેલી ફિલ્મોનો ઉલ્લેખ જરૂરી બની જાય. પણ, ‘સરદારી બેગમ’ કે ‘જુનૂન’ જેવી ફિલ્મો તો કેટલીક બની શકે? અને એવી ફિલ્મો બને તો પણ બેનેગલ અને ભાટીયા એકદંડીયા મહેલમાં જ રહી જાય.

પોતાના જમાનાના જ સ્વરનિયોજકોની સફળતાની નકલ કરવાની કે પછી જે તે સમયના પ્રવાહને અનુસારવાની ફરજ પાડવામાં આવે ત્યારે સંગીતકાર માટે પોતાની સર્જકતા અને બિનસમાધાનકારી મિજાજ બંધનરૂપ બની જાય છે. ૧૯૫૯ની ફિલ્મ ‘લવ મેરેજ’નું ગીત ટીન કનસ્તર પીટપીટ કે ગલા ફાડકર ચીલ્લાના એ સમયે ઘોંઘાટીયા અને રોક એન્ડ રોલ શૈલીના સંગીત પરત્વેના શંકર જયકિશનના ટીકાત્મક અભિગમવાળા સ્વરનિયોજન તરીકે જાણીતું થયું હતું. પણ, એ પછીનાં બે જ વરસમાં એમને સમજાયું કે એ સમયે ઘોંઘાટીયું સંગીત જ ચલણી બની રહ્યું હતું. આથી ૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી’ માટે એમણે જરાયે હિચકિચાટ વગર ‘યાહૂ’ ’જેવું સંગીત પીરસ્યું. આ ગીત તે સક્ષમ સંગીતકારોની ઘણી જ માધુર્યસભર ધૂનો બનાવવા માટેની સર્જકતાથી સાવ વિપરીત હતું.

લોકપ્રિયતા માટે કરાયેલ સમાધાન ઘણી વાર હાસ્યાસ્પદ બનીને રહી જાય છે. જેમ કે ૧૯૫૬ની ફિલ્મ ‘બસંત બહાર’ના ગીત ‘કેતકી ગુલાબ જુહી’ની જુગલબંધીમાં દિગ્ગજ શાસ્ત્રીય ગાયક પંડીત ભીમસેન જોશીના ગાન ઉપર મન્ના ડેનો અવાજ છવાઈ જાય છે.

શંકર, શૈલેન્દ્ર, ભીમસેન જોશી, મન્ના ડે, જયકિશન. સાથે અન્ય વાદકો.

ફિલ્મ જેવા કાલ્પનિક માધ્યમમાં પણ તથ્યનો થોડો-ઘણો ઢોળ હોવો જોઈએ. જ્યારે મે આ બાબતે મન્ના ડેને પૃચ્છા કરી, ત્યારે એમણે કહેલું, “પંડીત ભીમસેન જોશી કરતાં આગળ નીકળી જવાની તો વાત જ દૂર રહી, મને તેમની સાથે હરિફાઈ કરવાના વિચારમાત્રથી જ તિરસ્કાર છૂટ્યો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી છટકવા માટે થઈને મેં ગાવાની ના પાડી જોઈ, પણ મને કહેતાં દિલગીરી થાય છે કે સંગીતનિર્દેશકોએ એમ જ કરવાનો આગ્રહ રાખ્યો.”

એ વાત ખરી કે તે એક ફિલ્મનો માહોલ હતો. ફિલ્મોમાં નાયકે પોતાના કરતાં ઘણા બળવાન એવા ખલનાયકને હરાવી દેવાનો હોય છે. પણ આ ગીત માટે સંગીતકારોએ પંડીત ભીમસેન જોશી જેવા માનવંતા શાસ્ત્રીય ગાયક સાથે હરિફાઈ કરવા માટે તેમની જેવા જ કોઈ શાસ્ત્રીય ગાયકને મન્ના ડેની જગ્યાએ લીધા હોત તો એ વધારે વાજબી અને અધિકૃત લેખાત. યાદ કરીએ ૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’નુ ગીત, ‘આજ ગાવત મન મેરો ઝૂમ કે’. આ ગીતના ધ્વનિમુદ્રણ સમયે નૌશાદે બૈજુના અવાજ માટે  ઉસ્તાદ અમીરખાનની પસંદગી કરી ત્યારે તાનસેનના ગાન માટે વિવેકબુધ્ધિનો ઉપયોગ કર્યો અને એટલા જ સુખ્યાત એવા પંડીત ડી.વી.પલુસકરને આમંત્રિત કર્યા. તેમણે આ માટે તે રફીને ન લીધા. આ જ ફિલ્મનાં અન્ય ગીતો બૈજુ માટે તેમણે ગાયાં હોવા છતાં!

નૌશાદ, પલુસકર, અમીરખાન

એક વખત પંડીત રવિશંકરે ફિલ્મમાં તાનસેન ઠૂમરી ગાતા હોય એ વિશે કટાક્ષભરી ટીકા કરી હતી. તે સમયે એમનો ઈશારો ફિલ્મ ‘મુગલ એ આઝમ’ તરફ હતો. પોતાના સમયમાં તાનસેન ધ્રુપદ ગાતા હતા. આ શૈલી ખયાલ ગાયકી કે જે તેમના પછીનાં બસો વર્ષ બાદ ચલણમાં આવી એની સરખામણીએ વધુ સૌમ્ય અને સન્માનિય ગણાતી હતી. કેટલાક ધ્રુપદ ગાયકો તો ઠૂમરી ગાયકીને ઉતરતી ગણતા હતા. આથી એક ધ્રુપદ ગાયક માટે તાનસેન ઠૂમરી ગાય એ વિચારવું પણ અશક્ય હતું. પણ, એ ફિલ્મ માટે તાનસેને રાગ સોહીણીમાં ઠૂમરી ‘પ્રેમ જોગન બન કે’ ગાઈ. એ લોકપ્રિયતા માટે કરાયેલું સમાધાન હતું.

એ અગાઉ ૧૯૪૩ની ફિલ્મ ‘તાનસેન’ માટે ધ્રુપદ ગાયકીમાં ‘સપ્ત સૂરન તીન ગ્રામ’ ગાયું હતું. પણ, (એ જ ફિલ્મમાં) એમણે લાક્ષણિક ફિલ્મી શૈલીનું પ્રણયગીત ‘મોરે બાલાપન કે સાથી છલીયા ભૂલ જઈયો ના’  પણ ગાયું હતું. ફિલ્મની સફળતા માટે સંગીતનિર્દેશક ખેમચંદ પ્રકાશ કે જે ખુદ  ધ્રુપદ ગાયક હતા, એમણે આ સમાધાન કરવું પડ્યું હતું. આજે સાત દાયકા પછી પણ ફિલ્મ ‘તાનસેન’ નું એકે એક ગીત યાદ કરાય છે. અને ધ્યાનથી જોતાં સમજાય છે કે સફળતા માટે કરાયેલાં એ સમાધાન સદનસીબે ભૂલાઈ ગયાં છે. આ રીતે ફિલ્મી સંગીતને એક અલગ જ વર્ગમાં મૂકી શકાય કે જ્યાં થોડી ઘણી પણ અધિકૃતતા માત્ર દેખાડાની હોય છે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.