અમેરિકન દરિયાભોમિયો

વાંચનમાંથી ટાંચણ

– સુરેશ જાની

 

 

૧૮૧૬ , બોસ્ટન

સાંજે નેટ ( નેથેનિયલ બાઉડિચ )  ઘેર પાછો ફર્યો ત્યારે તેના દિવાનખંડમાં એક પરબિડિયું ખુલવાની રાહ જોતું પડ્યું હતું. એક અઠવાડિયા પછી ‘હાર્વર્ડ યુનિ. ના પદવીદાન સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ’ – એવી સૂચના પરબિડિયા પર હતી.  નાનો હતો ત્યારે હાર્વર્ડના સ્નાતક બનવાની ઉમેદ તેને યાદ આવી ગઈ. ચાર ચોપડી ભણેલા નેટને નાહકની એ દુખતી નસ દબાઈ જાય, એ ભયથી એ સમારંભમાં નહીં જવાનું નક્કી કર્યું અને ખોલ્યા વિના જ પરબિડિયું બાજુએ મુકી દીધું.

પંદરેક દિવસ પછી ટપાલી એક મોટું પાર્સલ એના ઘેર મુકી ગયો. એને ખોલતાં નેટને ખબર પડી કે, હાર્વર્ડ યુનિ.એ એણે કરેલા અભૂતપૂર્વ સંશોધનોની કદર કરીને તેને ડોક્ટર ઓફ લોઝ ( D.L.) ની પદવી એનાયત કરી હતી!  હવે નેટે પેલું ઉશેટી દીધેલું પરબિડિયું ખોલ્યું. એમાં જાતે હાજર રહીને આ પદવી સ્વીકારવાનું આમંત્રણ હતું! જો કે, વૈજ્ઞાનિકો અને બુદ્ધિશાળીઓની આલમમાં નેટની પ્રતીષ્ઠા એટલી બધી જામેલી હતી કે, આ તો તેણે કરેલ કામની નાનીશી જ કદર હતી.

૨૬ , માર્ચ – ૧૭૭૩ ના દિવસે અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના સેલમમાં જન્મેલ નેથનિયલની શરૂઆતની જિદગી તો સુખમય હતી. પણ તે બે  વર્ષનો હતો ત્યારે તેના પિતા હબાકુકનું વહાણ ચાંચિયાઓએ લૂંટી લીધું હતું. આ સાથે કુટુંબની સમૃદ્ધિનો અંત આવ્યો હતો. દારૂ ભરવાના બેરલ બનાવવાનો કૂપરનો ધંધો હબાકૂકે શરૂ કર્યો, પણ એમાં ખાસ કશી બરકત ન હતી. નેથનિયલ દસ વર્ષનો હતો ત્યારે એનું શાળાજીવન સમાપ્ત થઈ ગયું, અને બાપના ધંધામાં એને જોડાઈ જવું પડ્યું. છતાં ધીમે  ધીમે હબાબૂક દેવાના ગર્તામાં ડૂબતો જ રહ્યો.

જમવા માટે એક પેટ ઓછું થાય તે મકસદથી  નેટ બાર વર્ષનો હતો ત્યારે, એના બાપે  વહાણને જરૂરી સામાન વેચતા વેપારીને ત્યાં નેટને ઇન્ડેન્ચર (તાલીમાર્થી) તરીકે ભરતી કરાવી દીધો. માલિકની દુકાનમાં જ રહેવાનું અને તેની પરવાનગી વિના તે કુટુમ્બને મળવા પણ ન જઈ શકે! ગુલામી જેવી જ આ નોકરીની સાથે નવ વર્ષ માટે નેટના આગળ ભણવાના સપના પર ચોકડી મૂકાઈ ગઈ.

અહીં એનું કામ બધા સામાનનો હિસાબ રાખવાનું હતું. ગણિતમાં પહેલેથી રસ ધરાવતા નેટને આ કામ બેરલ બનાવવા કરતાં વધારે રસપ્રદ નીવડ્યું. વહાણના સામાન અંગેની જાણકારી મળવા ઉપરાંત ઘરાકો સાથેની વાતચીતથી વહાણવટા અંગે નેટનું જ્ઞાન વધતું રહ્યું. એના માલિક  પાસે અંગત લાયબ્રેરીમાં ઘણી બધી ચોપડીઓ હતી. ઉદાર માલિકે  એ વાપરવા એને પહેલેથી છૂટ આપી હતી. તેણે એની જ્ઞાનભૂખ પારખી, પોતાના મિત્રો સાથેના સહિયારી મિલ્કત જેવા, ખાનગી પુસ્તકાલયનો ઉપયોગ કરવાની છૂટ પણ નેટ માટે મેળવી આપી. આ સવલતથી નેટ માટે જ્ઞાનના અગાધ દરવાજા ફટાબાર ખુલ્લા થઈ ગયા.  આ તકનો લાભ લઈ, નેટ  જાતમહેનતથી બીજગણિત( algebra)  કલનશાસ્ત્ર(calculus), ફ્રેન્ચ, લેટિન અને ગ્રીક પણ શીખી ગયો!

છેવટે ૧૭૯૫માં નેટ એની પહેલી દરિયાઈ મુસાફરી પર જઈ  શક્યો. એના રોજિંદા કામ ઉપરાંત વહાણના કેપ્ટનને ક્લાર્ક તરીકે પણ સહાય કરવાની હતી.  કેપ્ટનને એની કાબેલિયતનો તરત ખ્યાલ આવી ગયો. આના કારણે નટને વહાણ ચલાવવાની જ નહીં પણ હંકારવાની અને ખાસ તો દિશા અને ગતિ માપવાની વિદ્યાનું જ્ઞાન પણ મળવા લાગ્યું. એની કુશાગ્ર બુદ્ધિના કારણે એને તારાઓના સ્થાન પરથી વહાણનું સ્થાન નક્કી કરવા વપરાતા, જહોન હેમિલ્ટન મૂરના The New Practical Navigator માં અસંખ્ય ભૂલો જણાઈ આવી. આ માટે વપરાતા સાધન ક્વોડ્રન્ટમાં પણ ઘણી બધી ભૂલો તેને જણાઈ આવી અને એમાં પણ તેણે સુધારા કર્યા.

ત્યાર પછી તો નેટની જીવન નૌકા એને યોગ્ય રાજમાર્ગ પર સડસડાટ દોડવા લાગી અને છેક ફિલિપાઈન્સ સુધીની દુનિયા તેણે ખેડી નાંખી. તેની પાંચમી સફરમાં તો તે વહાણનો કેપ્ટન બની ગયો હતો! અલબત્ત તેની આર્થિક હાલત પણ ઘણી ઊંચી આવી ગઈ હતી.

છેવટે ૧૮૦૩ની સાલમાં તે માદરે વતન સેલમમાં સ્થાયી થયો અને વિમાના ધંધામાં પલોટાયો. સાથે સાથે એની જ્ઞાન તરસ તો વણછીપી જ હતી. ખગોળશાસ્ત્રમાં તે બહુ ઊંડે સુધી ખૂંપી શક્યો અને એનાં લખાણોથી વૈજ્ઞાનિકોની દુનિયામાં પણ એનો પગપેસારો શરૂ થઈ ગયો. ૧૮૦૨ની સાલમાં એના જગપ્રસિદ્ધ પુસ્તક The American Practical Navigator ની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ, જે હજુ સુધી દરેક વહાણ પર અવશ્ય રાખવામાં આવે છે. અમેરિકાની ઘણી ખ્યાતનામ વૈજ્ઞાનિક સંસ્થાઓમાં નેથેનિયલ બોડવિચ માત્ર સભ્ય જ નહીં પણ અનેક સંશોધન લેખો અને અન્ય  અમૂલ્ય પ્રદાનના કારણે  યાદગાર બની ગયો છે.

અંગત જીવનમાં ૧૭૯૮માં એની બાળપણની દોસ્ત ઇલીઝાબેથ સાથે તેણે લગ્ન કર્યાં , પણ સાત જ મહિના બાદ તે અવસાન પામી. ૧૮૦૦ ની સાલમાં પોલી સાથે બીજાં  લગ્ન કર્યાં, આ લગ્નથી છ પુત્રો બે પુત્રીઓ પણ જન્મ્યાં. પોલી પણ એને યોગ્ય જીવનસાથી નીવડી અને એનાં સંશોધન કાર્યમાં મદદનીશ અને પ્રેરણાસ્રોત બની રહી.

૧૮૩૮ માં બોસ્ટનમાં નેટનું અવસાન થયું, ત્યારે અમેરિકાના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાં તેનું સ્થાન અમર બની ગયું.

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Nathaniel_Bowditch

https://seahistory.org/sea-history-for-kids/nathaniel-bowditch-navigator/

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.