નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૯

કોઈ પગે પડે તો એને આશીર્વાદ આપવા એ આ ઘરનો શિરસ્તો છે

નલિન શાહ

વહેલી સવારે ઓપરેશન હોવાથી મહેમાનો વિદાય થયા કે તુરંત પરાગ જઈને સૂઈ ગયો હતો. માનસી પણ સાસુની પ્રતિક્રિયા જાણવા ન રોકાઈ અને જઈને પથારીમાં પડી પાસાં ફેરવતી રહી. તે થાક અનુભવતી હતી, પણ ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. શશી અને સ્વામીના સંવાદે કેટલાયને આંચકો આપ્યો હશે, કેટલાંયે નવી દૃષ્ટિ પામી હશે, અને પરાગ જેવાયે કોક હશે જેને એમના વિચારો હાસ્યાસ્પદ લાગ્યા હશે. પરાગની પૈસાની હવસે એના હૃદયમાં ઘૃણાની ભાવના પેદા કરી હતી. જ્યારે જ્યારે એ વ્યથા અનુભવતી ત્યારે અનાયાસે આસિતની યાદ મનમાં ઊભરાઈ આવતી હતી. એની માનવતાની ભાવના અને એની સંવેદનાએ એને સાચું માર્ગદર્શન આપ્યું હતું. ‘આજે આસિત મારી પડખે હોત તો હું કેટલી મીઠી નીંદરડીમાં ગરકાવ થઈ ગઈ હોત! શું એનો વિચાર કરવો ગુન્હો હતો? અને જો એમ હોય તો જેણે મને પ્રાપ્ત કરવા મુખવટો પહેરી એની સાચી ઓળખ છુપાવી હતી એને શું કહેવાય?’ માનસી આંખ મીંચીને વિચારતી રહી, ‘આસિત ક્યાં હશે? એને તો ખબર પણ નહીં હોય કે મારે ખાતર આપેલો એનો ભોગ વ્યર્થ હતો. વિધિને પણ હું શું દોષ આપું? મારી જ નાસમજે મને વિસંગત સ્થિતિમાં મૂકી છે. પ્રભુનો પાડ છે કે મારી વિટંબણા અનુભવવા હાજર નથી.’ મોડી રાતે માનસી સપનાંની દુનિયામાં સરી ગઈ. આસિતનું સાંત્વનાભર્યું સાન્નિધ્ય પામવા આ એક જ ઉપાય હતો. જે વાસ્તવિકતામાં શક્ય ન હોય એ બધું સપનામાં પ્રાપ્ત કરી શકાય.

સવારે માનસી મોડી ઊઠીને ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેઠી. ‘બહુ મોડી ઊઠી આજે, થાકી ગઈ હશે ને? ધનલક્ષ્મીએ પૂછ્યું, ‘હા.’

‘મને તો માનવામાં એ નથી આવતું હજી કે આપણાં ઘરમાં આટલાં મોટાં મોટાં માણસો આવ્યાં હતાં!’

‘પરાગને પણ ધંધામાં કામ આવે એવાં હતાં નહીં?’ માનસીએ ચાનો ઘૂંટડો લેતાં કહ્યું.

માનસીનો કટાક્ષ ધનલક્ષ્મીને ના કળાયો.

‘સુનિતાબેને ફંક્શન એમના બંગલામાં કેમ ના રાખ્યું?’

‘અરે, એ તો ત્યાં જ રાખવાના હતા પણ મેં આગ્રહ કરીને અહીં રખાવ્યું. મને એમ થયું કે સ્વામીજી, અમિતકુમાર અને બીજી નામાંકિત વ્યક્તિઓ અહીં ભેગી થાય તો તમારી પ્રતિષ્ઠા વધે અને કુટુંબની આબરૂ વધે. ઉપરાંત પરાગને પણ ધંધામાં ક્યારે ને ક્યારે ઉપયોગી થાય.’

સાંભળીને ધનલક્ષ્મી ફુલાઈ અને સાથે સાથે ગુસ્સો પણ આવ્યો, ‘શરમ પણ નથી આવતી વરને નામ દઈ બોલાવતાં. અને તે પણ તુંકારે! પણ એના વિચારોને વાચા આપવાની હિમ્મત ના કરી શકી. એણે ગુસ્સો દબાવી નરમાશથી પૂછ્યું, ‘આ શશીને તું ક્યારથી ઓળખે છે?’

‘એ તો સુનિતાબેનને લીધે ઓળખાણ થઈ એક સમાજસેવિકા તરીકે. બાકી વધારે હું કાંઈ જાણતી નથી. એને માટે માનસીએ સમજીને જૂઠાણું ઉચ્ચાર્યું.

‘અને સુનિતાબેનની વહુ કેમ ના આવી?’

‘અરે, એને બોલાવવી કાંઈ સહેલું છે? એટલી અઢળક સંપત્તિની માલિક છે કે આપણી તો કોઈ ગણતરી પણ ના કરે એમની સરખામણીમાં! અને પાછી પ્રખ્યાત કલાકાર પણ છે. પણ માનશો મમ્મી, ઘમંડનો અંશ પણ નથી એનામાં. મને કહ્યું, ‘માનસી સાગરની હાજરીમાં મારી સમજી લેજે. આજે પેઢીના મુનિમને ટાઈમ આપ્યો છે હિસાબકિતાબ કરવા અને કેટલાયે ચેકો પણ મારે સહી કરવાના છે. શું થાય?  પેઢીની આવક વધતી જ રહે છે એટલે મારે ડોનેશનની માત્રાય વધારવી પડશે. આ બધું આજે જ કરવાનું છે. મને તેં આગળથી જણાવ્યું હોત તો કાલ પર રાખત. શું કરું? લાચાર છું. મમ્મી તો પૈસાની વાતમાં જરાયે માથું નથી મારતાં એટલે બધા નિર્ણયો મારે જ લેવા પડે છે.’ સાંભળીને સુનિતાની એ વહુને જોવા અને જાણવાની ધનલક્ષ્મીની ઉત્કંઠા વધી ગઈ. ‘એટલે મમ્મી મેં પણ બહુ દબાણ ના કર્યું,’ માનસીએ સમજીને વાતને વિસ્તારપૂર્વક લંબાવીને તુરંત વાત બદલી અને પૂછ્યું, ‘મમ્મી, મને એ ના સમજાયું કે શશીબેનને સ્વામીજીએ કેટલું મોટું માન આપ્યું છતાં એ તમને કેમ પગે લાગ્યા?’

‘તેં જોયું?’

‘અરે! બધાંએ જોયું અને અચરજ પામ્યાં. તમને કેટલું મોટું માન મળ્યું. તમને ત્યારે જ પૂછવાનું મન થયું, પછી થયું કે સવારે શાંતિથી પૂછીશ.’

‘એ તો અમારા ગામની જ છે. થીંગડાં મારેલાં ફ્રોકમાં ફરતી હતી, ગરીબ હતી અને એ જાણતી હતી કે અમે બહુ મોટા ઘરનાં કહેવાઈએ.’

‘જો એ આટલાં ગરીબ હતાં તો તમે કદી મદદ ના કરી?’

‘ગરીબ તો ખરી, પણ અભિમાન જોયું હોય તો જાણે રાજરાણીનું. માંગવા આવી હોત તો કંઈને કંઈ આપત. ઘરમાં પેટ ભરીને ખાવા પણ ના મળતું હોય, પણ બીજાની સામે ઓડકાર ખાય એવા અભિમાનીને દૂર જ રાખવા સારા.’

‘અભિમાની કે સ્વમાની?’

‘એ બધું એક જ કહેવાય.’

‘તમે એનાં મા-બાપને જાણતાં હતાં?’

‘ગામમાં તો બધાં એકબીજાને જાણે.’ ધનલક્ષ્મીને વાત લંબાવવી અકળામણભરી લાગતી હતી. એણે વિષય બદલ્યો, ‘એ કહે કે જે ફિલમ ઊતારી છે એમાં મને પગે લાગવાનું દૃશ્ય છે?’

‘આવું અગત્યનું દૃશ્ય તો હોય જ ને? કેમેરા તમારા તરફ જ હતો એ મેં જોયું હતું. પણ તમને પગે કેમ લાગી એ જરા ના સમજાયું.’

‘છેવટે કહેવાય તો ગરીબ ગામડીયણ જ ને. આ ઘરનો ભપકો જોઈને અંજાઈ ગઈ હશે અને કદાચ જાણતી પણ હશે કે હું આ ઘરની માલકણ છું એટલે પગે પડી હશે.’

‘પણ તમે તો એને આશીર્વાદ પણ આપ્યા!’

‘હા, જરા માથે હાથ અડાડ્યો; ને એને આશીર્વાદ કહેવાય તો ભલે એમ. કોઈ પગે પડે તો એને આશીર્વાદ આપવા એ આ ઘરનો શિરસ્તો છે.’

‘શિરસ્તો એટલે?’

‘રિવાજ.’

‘આવા મોટા શબ્દો તમને ક્યાંથી સુઝે છે?’

‘એ તો એવું છે ને કે મુંબઈમાં રહી બધું શીખવું પડે; તો જ લોકો અંજાય. જોતી નથી? પરાગ એના મેડિકલના ચોપડામાંથી કેવા મોટા મોટા ના સમજાય એવા શબ્દો વાપરે છે? પેશન્ટ ગભરાઈને તરત ઓપરેશન માટે તૈયાર થઈ જાય છે.’

સાંભળીને માનસીને ગુસ્સે થવું કે રમૂજ પામવી એ નક્કી ના કરી શકી, પણ વિચાર્યું જરૂર કે એ ગામડીયણ લગ્ન કરીને નાની બહેન તરીકેની ફરજ નિભાવવા એના આશીર્વાદ લેવા આવી હતી ત્યારે એ શિરસ્તો ક્યાં અભરાઈએ ચઢાવી દીધો હતો? પણ કાંઈ બોલી નહીં અને ઊઠીને છાપાં ઉથલાવતી સોફામાં બેઠી.

અંગ્રેજી અને ગુજરાતી છાપાંઓમાં એક જ તસવીર ધ્યાન ખેંચે તેવી હતી અને એ હતી સ્વામીના શશીની સામે નતમસ્તક થવાની. રિપોર્ટ પણ વિસ્તારથી છપાયો હતો. ગ્રામસેવાનું કાર્ય જોવા પત્રકારો માટે સુનિતાએ કરેલી જોગવાઈએ પણ ભાગ ભજવ્યો હતો અને અમિતકુમારની હાજરી અને વ્યક્તવ્યે પણ સમારંભની મહત્તા વધારી હતી. માનસીએ ફિલોમિનાને ફોન કરીને બધાં છાપાંઓની વધારે નકલો ખરીદવાની સૂચના આપી અને ઘરનાં છાપાં ત્યાં જ રહેવા દીધાં. એને ખાતરી હતી કે જ્યારે એકલી પડશે ત્યારે સાસુ એની તસવીર શોધવા છાપાંઓ ફેંદ્યા વગર નહીં રહે. સ્વામી અને શશીની એ તસવીર જોઈને એના મન પર શું વીતશે એની કલ્પના એને હતી અને એ જ એના ફંક્શનનો ઉદ્દેશ પૂરો કરવા પૂરતું હતું.

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.