આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૪

પ્રવાસી યુ. ધોળકિયા

આપણે અગાઉના બે લેખોમાં ભારતીય મુળના લગભગ ૩૦ વંશોનો રાજકીય ઇતિહાસ જોયો, જેનો સમયગાળો ઈ.સ.૬૦૦ થી ઈ. સ. ૧૨૦૦નો હતો. તેના અનુસંધાને આપણે તે સમયની રાજકીય વ્યવસ્થા, સાહિત્ય, કળા, સ્થાપત્ય, શિક્ષણ, ધર્મ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં એ સમયગાળામાં આપણો દેશ કઈ કક્ષાએ હતો તે વિશે થોડું વિવેચન કરીશું. આ વિવેચન ‘કોમ્પ્રીહેન્સિવ હિસ્ટ્રી ઑફ એન્સિયન્ટ ઈન્ડિયા’  નામનાં પુસ્તક પર આધારીત છે.

રાજકીય વ્યવસ્થા

રાજાશાહી સાર્વત્રિક અને દૈવી ગણાતી. રાજવીઓ પ્રજા વત્સલ હતા. વહીવટીતંત્રને ગુપ્ત સામ્રાજ્ય નાં માળખા મુજબ ગોઠવવામાં આવેલું. રાજધાનીથી નગરો અને ગામડાંઓ સુધી અનેક અમલદારો તેમાં કાર્યરત હતા. ધીરે ધીરે આપણા દેશમાં સામ્રાજ્યનો હ્રાસ થતાં રાજવીઓને પોતાના સામંતો પર વધારે આધાર રાખવો પડતો હતો. આમ અહીં પણ ધીરે ધીરે સામંતશાહી વ્યવસ્થા સ્થાયી થવા લાગી, સામંતશાહી વ્યવસ્થામાં મૂળ રાજવી પોતે પાટનગર અને આજુબાજુના વિસ્તારો પર શાસન કરતો. પ્રાંતો અને અન્ય વિસ્તારો રાજવી પોતાના સગાંસંબંધીઓ અને શક્તિશાળી વ્યક્તિઓને શાસન કરવા માટે આપતો. સામંતો મૂળ રાજવીને એક ચોક્કસ પ્રમાણમાં પોતાના વિસ્તારનું મહેસુલ અને અન્ય આવકનો હિસ્સો દરેક વર્ષે આપતો. કોઈ શત્રુ રાજ્ય પર આક્રમણ કરે તો આ સામંતોએ રાજ્યને લશ્કરી સહાય પણ કરવી પડતી. .

આમ છતાં મુળ રાજવીનું સ્થાન પ્રમુખ રહેતું. સ્મૃતિ પુરાણો અને કામન્દક તેમજ મેઘાતિથિએ ક્ષત્રિયો જ રાજવી બને તેવું પોતાના સુત્રોમાં પ્રતિપાદન કર્યું હતું. કાયદાના રાજ્યને બદલે રૂઢિઓ અને સામાજિક માન્યતાઓને વધારે ઉચ્ચ સ્થાન આપવામાં આવતું. વિષ્ણુધર્મોતર ગ્રંથ પ્રમાણે રાજાનું મુળ કર્તવ્ય  સારા મણસોનું રક્ષણ કરવાનું તથા ધર્મ અને આધ્યાત્મ જળવાઈ રહે તે માટે સતત જાગૃત રહેવાનું છે.

વાચકોને આશ્ચર્ય થશે કે દક્ષિણ ભારતમાં ત્યારે પણ ગ્રામ પંચાયતોની ઉત્તમ વ્યવસ્થા હતી. કોઈ પણ પ્રકારની બાહ્ય દખલ  આ પંચાયતોમાં કરવામાં આવતી ન હતી. તેથી ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારત વધારે પ્રગતિશીલ રહેવા પામ્યું હતું.

આપણે જાણીએ છીએ તેમ ભારત હંમેશાં ખેતીપ્રધાન દેશ રહ્યો છે. આપણે જે સમયની વાત કરીએ છીએ તે સમયમાં ઉપજાઉ જમીન ખેડૂતોને સારૂં વળતર આપતી. તેથી, તે સુખી હતો. ખેતીની સાથે ભારતમાં વેપાર અને વાણિજ્ય પણ વિકાસ પામ્યાં હતાં. વેપારનાં જુદાં જુદાં સંગઠનો (Guilds) હતાં. ભારતના જુદા જુદા પ્રદેશોમાં વેપાર વ્યવહાર સલામત રીતે ચાલે તે આ સંગઠનો જોતાં. સિંધમાં દેવલ, મહારાષ્ટ્રમાં સોપારા, ગુજરાતમાં દ્વારકા અને કેરળના મલબાર કિનારા પર આવેલાં ક્વિલોન બંદરોએથી વિશ્વનાં અનેક બંદરો સાથે વેપાર ચાલતો. તે ઉપરાંત પૂર્વમાં બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુનાં બંદરોએથી પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયા સાથે વિપુલ પ્રમાણમાં વેપાર થતો હતો. આપણા દેશમાં ત્યારે બહારથી ઘોડા, રેશમી કાપડ, દારૂ, મરી મસાલા અને યાકના વાળથી બનેલ ચામર વગેરે આયાત થતાં. સામે, નિકાસમાં અહીંથી ગળી, હિમાલયમાં થતી ખાસ વનસ્પતિ, આસામનું સાગનું લાકડું અને કિંમતી હીરા મુખ્ય હતાં. આપણો વેપાર સુરક્ષિત રહે તે માટે ચોલ રાજવીઓએ દક્ષિણપૂર્વી એશિયાના મહાન શ્રીવિજય રાજ્યને એ રીતે બાધ્ય કર્યું કે ભારતનો બધો માલ સામાન સારી રીતે ઈન્ડોનેશિયા, મલેશિયા, કંબોડિયા, વિયેતનામ અને ચીન સુધી પહોંચે.

સમાજ અને ધર્મ

દક્ષિણ ભારતમાં આ સમયગાળા દરમ્યાન બ્રાહ્મણોએ પોતાનું વર્ચસ્વ સમગ્ર સમાજ પર સ્થાપી દીધું. વર્ણ વ્યવસ્થા પણ અહીં પ્રમાણમાં જડ હતી. શ્રમણ ધર્મ અને પંચ દેવોમાં માનતો સનાતન ધર્મ સર્વદા પ્રજાને માંસાહાર ત્યાગ કરવાનું કહેતો. પરિણામે સમાજ પણ શાકાહારી બન્યો.. નાલંદા, વિક્ર્મશીલા અને વલ્લભી વિદ્યાપીઠો  બૌદ્ધ ધર્મ વિશે વધારે જ્ઞાન આપતી. તેના પ્રતિસાદરૂપે કાંચીમાં સનાતન વૈદીક અને સનાતન ધર્મનું જ્ઞાન આપતી વિદ્યાપીઠ સ્થપાઈ જે  ભારતની એ પ્રકારની સર્વપ્રથમ વિદ્યાપીઠ હતી. આ વિદ્યાપીઠની પ્રેરણાથી જ દંડીએ દશકુમારચરિત્ર અને ભારવીએ કિરાતાર્જુનિય લખ્યાં. ત્યાંના શાશક મહેન્દ્રવર્મને મત્તવિલાસ લખ્યું. જૈન કવિ રવિકીર્તિએ બાલરામાયણ, બાલ મહાભારત જેવા અનેક ગ્રંથો લખ્યા.

આ સમયકાળમાં મનુસ્મૃતિ જેવી અન્ય સોએક સ્મૃતિઓ અને ગ્રંથો  પણ રચાયાં, જેમાં પ્રતિપાદિત આદર્શો સમાજ વ્યવસ્થાના પ્રમાણભૂત આધાર બનવાની સાથે ધીરે ધીરે તે સમયની ન્યાયવ્યવસ્થામાં પણ પરિવર્તીત થઈ ગયા.

દક્ષિણમાં શૈવ અને વૈષ્ણવ ધર્મની બોલબાલા હતી. છતાં પણ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પણ વિકાસ પામ્યા. કોઈ પણ જાતના દબાણ વિના લોકો પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મી બની શકતા હતા. જોકે આઠમી સદી પછી મુસલમાનોએ ભારતના મુળ નિવાસીઓને મુસલમાન બનવા ફરજ પાડી. તેની સામે દેવલસ્મૃતિ નામના ગ્રંથમાં આવા વટલાયલા ભારતીય મુળના લોકોનું શુદ્ધિકરણ કરીને તેઓને સ્વધર્મમાં પાછા ફરવાનો માર્ગ સુચવાયો. આમ છતાં રાજકીય ઉથલપાથલ અને ભારતીય સમાજમાં વિધર્મીઓના પ્રવેશને કારણે દૂરગામી અસરો પડી. બહુપત્નીત્વ સ્વીકાર્ય હતું છતાં કુટુંબોમાં એકાકારો હતો. રાજશેખર નામના કવિએ પોતાની પત્ની અવંતિસુંદરી અને અન્ય નારીઓની બુદ્ધિપ્રતિભાનાં ભારે વખાણ કર્યાં છે. સ્ત્રીઓના શણગાર, વેશભૂષા અપ્રતિમ હતાં, અને તેમ છતાં કોઈ પોતાની મર્યાદા ઓળંગતું ન હતું.

ઉત્તર ભારતમાં નાથ સંપ્રદાય અને કાશ્મીરના વિશિષ્ટ પ્રકારના શૈવ ધર્મે સનાતન ધર્મને ભારે મજબૂત બનાવ્યો.

કાશ્મીરના રામકંથ અને અભિનવગુપ્તે કાશ્મીરના શિવને બ્રહ્મસ્વરૂપે સ્થાપી દીધા. શ્રી શંકરાચાર્યે ઉપનિષદ અને ભગવદ્‍ગીતા પરની ટીકા ઉપરાંત બ્રહ્મસૂત્ર ટીકાની રચના કરી. તેઓએ વેદાંત માર્ગમાં અદ્વૈતવાદનું એટલું પ્રચંડ સમર્થન કર્યું કે બૌદ્ધ ધર્મનાં મુળ ભારતમાંથી ઉખડી ગયાં. શંકરાચાર્યના તત્ત્વજ્ઞાનના જ્ઞાનમાર્ગ સામે દક્ષિણમાં દેવવાદ ઉપરાંત ભક્તિવાદની પણ પરંપરા ભારે મજબૂત બની. ભક્તિવાદની આ પરંપરાને સમગ્ર ભારતમાં પ્રસારિત કરવાનું શ્રેય મણક્કા વાચાકાર, રામાનુજ, માધવાચાર્ય, વલ્લભાચાર્યો જેવા વિદ્વાનોને ફાળે કહી શકાય.

તે ઉપરાંત જૈન ધર્મમાં પણ ભારે નવું જોમ ઉમેરાયું. જીનસેન નામના સંતે હરિવંશ લખ્યું, અસંગે મહાવીરચરિત્ર અને વાદી રાજે યશોધરા ચરિત્ર લખ્યાં. વાચસ્પતિ મિશ્રા નામના જ્ઞાનીએ ભારતીય તત્ત્વજ્ઞાન પર ન્યાય-વાર્તિકા-તાત્ત્પર્ય અને ન્યાયસૂત્ર પર અનુક્ર્મણિકા લખી. તેના અન્ય ગ્રંથોમાં તત્ત્વ કૌમુદી, તત્ત્વ શારદી, અને તત્ત્વ સમીક્ષા અને ભામતિ નામના ગંથો મુખ્ય છે. પતંજલિના યોગસુત્ર પર ભોજ નામના વિદ્વાને ટીકા લખી. તે ઉપરાંત તેમણે યોગવાતિકા, યોગસંગ્રહ પર પોતાના વિચારો રજૂ કર્યા. ઉદયન અને જયંતે પણ ન્યાયસૂત્ર પર ગ્રંથોનું નિર્માણ કર્યું. શ્રીધર ભટ્ટે ન્યાય-કંડતી લખ્યું.

સાહિત્ય

શ્રીહર્ષ નામના સમ્રાટે જેમ સાહિત્ય ગ્રંથોની રચના કરી હતી તેમ બાણભટ્ટ, મધુર, હરદત્ત અને જયસેને પણ સમાજને કેન્દ્રમાં રાખીને સાહિત્યના કેટલાક ગ્રંથો રચ્યા. વિશાખદત્તે મુદ્રારાક્ષસ લખ્યું. ભીમ, મુરારી, રાજશેખર, ક્ષેમીસ્વર વગેરે પણ અન્ય જાણીતા લેખકો હતા. નળ અને દમયંતીની કથા પરથી નૈષદંડ નામનું , લોકોમાં પ્રિય થઈ રહેલું પુસ્તક, ક્ષેમીસ્વરે લખેલું. ધનપાલ નામના વિદ્વાને તિલકમંજરી નામનો સ્ત્રી-પુરુષના પ્રેમનું આરોપણ કરતો ગ્રંથ લખ્યો. સામાન્ય રીતે આ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા છે, પરંતુ તેમાં પ્રાકૃત ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિજ્ઞાન

ચરક  અને સુશ્રુતના આયુર્વેદના ગ્રંથો પરથી પ્રેરણા લઈને વાગ્‍ભટ્ટ નામના આયુર્વેદના વિદ્વાને અષ્ટાંગ-સંગ્રહ અને અષ્ટાંગ-હૃદય-સંહિતા લખ્યાં. રસાયણશાસ્ત્રનો પણ ભારતમાં વિકાસ થયો હતો. તેથી તે સમયના વૈજ્ઞાનિકોએ આજ સુધી જેના પર કાટ નથી લાગ્યો તેવો મેહરૌલી (દિલ્હી) સ્થિત લોહસ્તંભ બનાવ્યો. આપણા તે સમયના વૈજ્ઞાનિકોને ભૌતિક વિજ્ઞાનના પદાર્થ અને ગતિના સિધ્ધાંતો વિશે પ્રમાણભૂત જ્ઞાન હતું. ગુરૂત્વાકર્ષણથી પણ તેઓ પરિચિત હતા, કેમકે ઉદ્યોતકાર  નામના વિદ્વાને ન્યાયવાર્તિકા નામના ગ્રંથમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે  વજનમાં હળવી વસ્તુ કરતાં ભારે વસ્તુ વધારે વેગ (ગતિ)થી નીચે પડે છે.  આપણા એન્જિનિયરોએ સુદર્શન નામની નદી પર ડેમ પણ બાંધેલો.

વૈદિક કાળમાં વિજ્ઞાન અને ગણિતે ભારતમાં સારી પ્રગતિ કરી હતી, જે  મધ્ય કાળમાં પણ ગતિશીલ રહી. વરાહ મિહિર નામના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રીએ પંચસિધ્ધાંતિકા નામના ગ્રંથમાં પોતાના સમયથી અગાઉ  થઈ ગયેલ પાંચ ખગોળશાસ્ત્રીઓનાં નામ જણાવ્યાં છે. વરાહ મિહિરે આ ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રને તંત્ર (ખગોળ વિજ્ઞાન અને ગણિત), હોરા (જન્મપત્રિકા) અને સંહિતા (જ્યોતિષશાસ્ત્ર) એમ ત્રણ શાખાઓમાં વહેંચ્યું છે. તેનો એક અન્ય ગ્રંથ બૃહતસંહિતા ‍આજે પણ દરેક જ્યોતિષ અને વૈજ્ઞાનિકનો માનીતો ગ્રંથ છે.

આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે આર્યભટ્ટિય ગ્રંથમાં (ઈ. સ. ૪૯૯) ગણિતને જુદો વિષય ગણાવી તેમાં ઉત્ક્રાંતિ, નિષ્ક્રાંતિ (involution), વિસ્તાર અને કદ, ગતિશીલતા અને બીજગણિત પર નવા સિધ્ધાંતો આપ્યા છે.  આર્યભટ્ટે જ વિશ્વમાં પ્રથમ વખત પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એવો વૈજ્ઞાનિક સિધ્ધાંત પ્રતિપાદિત કરેલો. ગણિતશાસ્ત્રમાં પણ  ∏ (Pi )નું મૂલ્ય ૩.૧૪૧૬ છે એવું શોધી કાઢેલું. આમ ગણિતમાં પણ દશાંશ સિધ્ધાંતો તેમણે વિશ્વને સર્વ પ્રથમ વાર આપેલા. બ્રહ્મ ગુપ્ત નામના વિદ્વાને બ્રહ્મસિધ્ધાંત લખીને વિજ્ઞાનના અનેક નવા સિધ્ધાંતો વિશ્વને આપ્યા. આ પુસ્તકોનો અનુવાદ આરબોએ મધ્યકાળમાં કર્યો અને ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને યુરોપમાં પહોંચાડ્યાં. યુરોપનું વિજ્ઞાન તે પછી ખુબ સમૃદ્ધ થયું. જોકે પશ્ચિમ જગત શુન્યની શોધ સિવાયનાં આપણા વૈજ્ઞાનિકોનાં પાયાનાં પ્રદાનને માન્યતા નથી આપતું, તે આપણને દુઃખદાયક જરૂર લાગે.

શિલ્પ અને સ્થાપત્ય

ઈ. સ. ૬૦૦થી ૧૨૦૦ વચ્ચેના કાળખંડમાં આપણા દેશના શિલ્પ અને સ્થાપત્યમાં નવા પ્રકારની સર્જનશીલતા આવી. સિંધુ અને સરસ્વતી સંસ્કૃતિમાં મૂર્તિઓ, આધુનિક સમય જેવી નગરરચનાઓ, સ્નાનાગારો અને એક સાથે બેસીને ચર્ચાઓ કરી શકાય એ માટેનાં સભાગૃહો વગેરેના સુંદર શિલ્પ અને સ્થાપત્યના નમૂનાઓ આજે પણ વિશ્વને અચંબિત કરે છે.  ઈ. સ. ૬૦૦ થી ૧૨૦૦ વચ્ચે ફક્ત મૂર્તિકળા અને મંદિરોનાં જ શિલ્પ અને સ્થાપત્યનું જેટલું બાહુલ્ય જોવા મળે છે, તેની સામે સિંધુ સંસ્કૃતિ જેવી જાહેર નાગરીક સગવડો વિકસી નથી એ વાતની પણ નોંધ લેવી રહે.

આપણે જે ચાલુક્યો અને પલ્લવોનો રાજકીય ઇતિહાસ જોઈ ગયા છીએ તેઓએ પણ  ભારતીય શિલ્પ અને સ્થાપત્યમાં અનોખું પ્રદાન કર્યું. ચાલુક્યોએ કાંચીપુરમમાં લોકેશ્વરને સમર્પિત કરતું વિરૂપક્ષનું ભવ્ય મંદિર ઈ. સ. ૭૪૦માં બનાવ્યું. આ મંદિરોમાં  ભગવાન શિવ, નાગ, રામાયણનાં અન્ય હિંદુ દેવી દેવતાઓનાં શિલ્પો કોતરાયેલાં જોવા મળે છે. હિંદુ હોવા છતાં દક્ષિણના રાજવીઓએ એઈહોલ (કર્ણાટક) ખાતે જૈન તિથંકરોનું મંદિર પણબનાવ્યું છે.

ઈલોરાની ગુફામાં ઈ.સ. ૬૫૦થી ૭૫૦ દરમ્યાન નર્તન કરતા શિવ અને દશાવતારોને ભવ્ય રીતે બતાવવામાં આવ્યા છે. અત્રે નૃસિંહ અવતાર દ્વારા હિરણ્યકશિપુના વધની મૂર્તિ ભારે આકર્ષણનું કેન્દ્ર છે. આ જ સ્થાને અજંતામાં ૧ થી ૫ નંબરની અને ૨૧ થી ૨૭ નંબરની ગુફાઓમાં બૌધ્ધધર્મના બોધિસત્વ, મારા દ્વારા બુદ્ધના માર્ગમાં અવરોધો ઊભા કરવા ઇત્યાદિનાં વિશ્વપ્રસિદ્ધ ચિત્રો છે. આ ગુફાઓમાં જ ભગવાન બુદ્ધના શ્રાવસ્તિ ખાતેના ચમત્કારો, ઈન્દ્રલોક અને જાતક કથાઓનાં ચિત્રો પણ કંડારવામાં આવ્યાં છે.

ઈલોરાનું કૈલાસનાથ મંદિર સ્થાપત્યકળાની એક અજાયબી ગણાય છે. રાષ્ટ્રકૂટના રાજવી કૃષ્ણ(૨)એ ઈ. સ. ૭૬૦થી ૮૦૦ વચ્ચે, ૨૦૦ ફૂટ x ૧૫૦ ફૂટની એક મહાકાય શિલાને કંડારી ૧૦૦ ફૂટ ઊંચું શિવનું મંદિર બનાવ્યું. તે હિમાલયમાં આવેલા કૈલાસની પ્રતિકૃતિ છે. અહીં સિંહ અને હાથીના જીવંત પુતળાંઓ કંડારવામાં આવેલાં છે. અન્ય એક શિલ્પમાં રાવણ દ્વારા કૈલાસ પર્વતને શ્રીલંકા લઈ જવાના નિષ્ફળ પ્રયાસને પણ કોતરવામાં આવેલ છે. કૈલાસમાં તપ કરતા શિવને રીઝવતાં પાર્વતીનાં શિલ્પ પણ વિશ્વખ્યાતિ પામેલ છે.

પલ્લવ શાસકોએ મહાબલિપુરમનાં વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યોનું નિર્માણ કર્યું છે, જેમાં ગંગાનું અવતરણ, પાંચ ભવ્ય રથો, અર્જુનનો પશ્ચાતાપ અને ગુફામંદિરોમાં ત્રિમૂર્તિ, વરાહ અવતાર, દુર્ગામાતા અને પાંડવોનાં સ્થાપત્યો જોવાલાયક છે.  એ જ રીતે વરાહ ગુફામાં વરાહ અવતાર, વામન અવતાર, સૂર્ય, દુર્ગા અને ગજલક્ષ્મીનાં સ્થાપત્યો વિશ્વપ્રસિદ્ધ છે. કાંચીપુરમનું પ્રખ્યાત કૈલાસ મંદિર વિશ્વની ધરોહર છે.

ઉત્તર ભારતમાં નગર શૈલીનાં મંદિરો જોવા મળે છે, જેની યાદી નીચે પ્રમાણે છે –

(૧) ઓશિયા ખાતેનું ગુર્જર પ્રતિહારોનું મંદિર

(૨) કનોજ ખાતે શિવ અને પાર્વતીનાં લગ્નની વિધિ દર્શાવતાં સ્થાપત્યો

(૩) હિમાચલ પ્રદેશ ખાતે બૈજનાથ અને અન્ય મંદિરો

(૪) બુંદેલખંડ ખતે ખજુરાહોમાં સોથી વધારે હિંદુ અને જૈન મંદિરો મળી આવેલાં છે, તેમાંનાં કંડેરિયાનાં મહાદેવનાં મંદિરમાં કુલ્લ શિલ્પોમાંથી માત્ર  ૧૦ પ્રતિશત શિલ્પો જ મૈથુન વિશેનાં શિલ્પનાં છે. પરંતુ વિદેશી પ્રવાસીઓ માટે માત્ર તે જ આકર્ષણનું કેન્દ્ર  બની રહેલ છે.. ખજૂરાહો ખાતે વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ અને આદીનાથ મંદિરો છે. ગ્વાલિયરમાં સાસુવહુ અને વૈષ્ણવોનું તૈલી મંદિર પણ જાણીતાં છે.

ઓરિસ્સા રાજયમાં પણ ભુવનેશ્વર, પુરી, કોણાર્ક ખાતે પણ ભવ્ય મંદિરોનું નિર્માણ થયું છે. આ મંદિરોમાં પરશુરામેશ્વર, મુક્તેશ્વર, લિગરાજ, રાજારાણી, જગન્નાથ અને સૂર્યરથનાં મંદિરો વિશ્વવિખ્યાત છે. અહીં આપણે કોણાર્કનાં સૂર્યરથ મંદિરનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. આ મંદિરનું બાંધકામ નરસિંહદેવે ઈ. સ. ૧૨૩૮થી ૧૨૬૪ વચ્ચે કરેલું છે. અહીં પથ્થરનાં ભવ્ય ૨૪ ચક્રોમાં ભગવાન સૂર્ય અને ચંન્દ્ર દ્વારા સંચાલિત પળ પળની ઘટિકાઓ અને કલાકો ની ગણતરી કરતાં ચિહ્નો અંકિત કરવામાં આવેલ છે જે એ સમયનાં વિજ્ઞાનનાં જ્ઞાનની સાક્ષી પુરાવે છે.

આબુ અને દેલવડામાં વિમલશા નામના ધનિકે ૧૧મી સદીંઆં જૈન ધર્મના તિર્થંકરોના મંદિરો બનાવવાનો આરંભ કર્યો. કુલ્લ ચાર તિર્થોમાં ઋષભદેવ, આદીનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનાં ભવ્ય મંદિરો પૂર્ણ કરતાં ૬૦૦ વર્ષ લાગ્યાં. એ માટે મોટા ભાગનું ધન ગુજરાતના જૈનોએ પ્રદાન કર્યું હતું.

અન્ય ધાર્મિક સ્થાપત્યોમાં દક્ષિણમાં બાહુબલિની ૫૭ ફૂટ ઊંચી મૂર્તિ વિશ્વવિખ્યાત છે. તે શ્રવણ બેલાગોલ અને ગોમતેશ્વરના નામે પણ ઓળખાય છે. દર વર્ષે આ મૂર્તિ પર  જ્યારે અભિષેક કરવામાં આવે છે ત્યારે લાખો જૈનો અને અન્ય શ્રધ્ધાળુઓ તેના દર્શને ઊમટે છે. બાહુબલી તિર્થંકર ન હતા, પરંતુ જૈન ધર્મના સ્થાપક ઋષભદેવ અને સુનંદાદેવીના તેઓ સંતાન હતા. આ ભવ્ય મૂર્તિનું નિર્માણ ગંગ વંશના કર્ણાટકના શાસનકાળ દરમ્યાન ચામુંડરાય નામના પ્રધાને ઈ. સ. ૯૭૯થી ૯૯૩ની વચ્ચે કર્યું.

ચોલ શાસકોમાં મહાન રાજરાજાએ ઈ. સ. ૧૦૦૦માં શિવનું ભવ્ય રાજરાજેશ્વર મંદિરનું નિર્માણ કર્યું. ચોલ રાજવીના શાસન દરમ્યાન જ કાંસાની ભવ્ય મૂતિઓ બનાવવાની કળા વિકસીત થઈ. તાંડવ નૃત્ય કરતા શિવની વિશ્વપ્રખ્યાત મૂર્તિમાં વિશ્વની ઉત્પત્તિ અને વિનાશને એવાં અજબ રીતે દર્શાવાયેલ છે કે પશ્ચિમના વૈજ્ઞાનિકો તેને જોઈને આશ્ચર્યમાં ડૂબી જાય છે.

બૃહદ્‍ ભારત

આ સમયગાળા દરમ્યાન બૌદ્ધ અને હિંદુ ધર્મને કેન્દ્રમાં રાખીને આપણી જે સંસ્કૃતિ સમગ્ર દક્ષિણપૂર્વ એશિયા અને પૂર્વ એશિયામાં ફેલાઈ તેની બૃહદ્‍ ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જાવા (આજનું ઇન્ડોનેશિયા) અને કંબોજ (આજનું કંબોડિયા)માં શૈલેન્દ્ર સામ્રાજ્ય સ્થપાયું. આ રાજવીઓ પૂર્ણપણે મહાયાન ધર્મ પાળતા હતા. તેઓએ જાવામાં વિશ્વવિખ્યાત બોરોબુદુર નામના ભવ્ય બૌદ્ધ તિર્થનું નિર્માણ કર્યું.આ મંદિર એક ટેકરી પર આવેલું છે, જેના પર નવ જેટલાં સ્તરોવાળાં સ્થાપત્યમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ અને બૌદ્ધગ્રંથમાં આવેલી કથાઓને કંડારવામાં આવેલી છે.

આજના વિયેતનામ અને કંબોડિયાના બાકીના વિસ્તારોમાં હિંદુ ધર્મને કેન્દ્રમાં રાખીને સામ્રાજ્યનું નિર્માણ કરવામાં આવ્યું. આ વંશના રાજવીઓએ અંકોરવાટ ખાતે વિષ્ણુનું જગપ્રસિદ્ધ મંદિર બનાવ્યું, આજે પણ ઇતિહાસવિદો તેનું રહસ્ય આપણી સમક્ષ છતું નથી કરી શક્યા. બોધિસત્વને સમર્પિત એક અન્ય મંદિર બેયોન અંકોરધામમાં સ્થાપિત કરાયું છે.

મધ્ય એશિયા, તિબેટ, કોરિયા, જાપાન અને ચીનમાં પણ ભારતીય કળાની અસર ત્યાંના શિલ્પ અને સાહિત્ય પર જોવા મળે છે.

આ સમગ્ર વિષય પર લખવા માટે એક પુસ્તક પણ ઓછું પડે. અત્યારે તો એટલું કહીને વિરમીએ કે ઈ. સ. ૬૦૦થી ૧૨૦૦ દરમ્યાન ‘મેરા ભારત મહાન’નું સૂત્ર ખરેખર સાચું પડે છે.


ક્રમશ :….ભાગ ૧૫ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.