વાર્તા જેવા શેર

ભગવાન થાવરાણી

ઘણા શેર પોતાની અંદર એક આખી વાર્તા સમાવીને બેઠા હોય છે. ક્યારેક એ શેરમાં કોઈક ઐતિહાસિક કે પૌરાણિક પાત્રનો નામોલ્લેખ હોય પરંતુ એ શેર ઉકેલવા માટે એ કિરદાર સાથે સંકળાયેલી સમગ્ર કથા જાણવી પડે. એ કથા જાણ્યા પછી પણ ક્વચિત, શાયર એ સંદર્ભ આપીને શું સંદેશ આપે છે એ સમજવું પડે. કેટલાક શેરમાં વળી કોઈ પાત્રના નામ વિના કોઈક ઘટના કે દ્રષ્ય – માત્રનો ઉલ્લેખ હોય પણ એની પાછળ છુપાયેલી કહાણીને શાયર જાણી – જોઈને અધ્યાહાર રાખે અને આપણા માટે એ દ્વાર ખુલ્લા રાખે કે આપણે એ ઘટના આસપાસ સ્વાનુભવ – આપવીતીની કોઈક કથા મનોમન ઘડી કાઢીએ !

આવા કેટલાક ઉર્દૂ શેર જોઈએ.
                                               ક્યા વો નમરૂદ કી ખુદાઈ થી
                                             બંદગી મેં મેરા ભલા ન હુઆ
 
                                                – ગાલિબ
 
અહીં નમરૂદ એટલે કોણ એ જાણ્યા વિના શેરના નિહિતાર્થ તો શું, વાચ્યાર્થ સુધી પણ પહોંચાય નહીં. નમરૂદ પ્રાચીન કાબુલનો એક જુલમગાર બાદશાહ હતો. એણે એલાન કરેલું કે એ પોતે જ સ્વયં ઈશ્વર છે માટે રૈયતે અન્ય કોઈ પણ ખુદાની બંદગી કરવી નહીં, કેવળ એને જ ખુદાના અવતાર તરીકે પૂજવો. કોઈ ફકીરે જ્યારે એવી ભવિષ્યવાણી કરી કે હવે ટૂંક સમયમાં નમરૂદને ખોટો પાડી અસલી ખુદાની પુન:પ્રતિષ્ઠા કરનાર કોઈ અવતારી બાળક જનમવાનું છે તો નમરૂદે દેશમાં જન્મ લેનારા પ્રત્યેક બાળકની હત્યાનો આદેશ આપેલો.
ગાલિબ અહીં કહે છે કે બંદગી કરવા છતાં મારું કોઈ ભલું ન થયું તો જે ખુદા અને ખુદાઈના મેં આજીવન ગુણગાન ગાયાં એ શું નમરૂદની ( એટલે કે નકલી ) ખુદાઈ હતી ? એક રીતે આ એક ઈમાનદાર માણસની ફરિયાદ છે જેની ઈમાનદારીની વ્યવહારુ જગતમાં કોઈ કિંમત નથી.
– ગાલિબની જેમ મોહમ્મદ ઈકબાલના પણ અનેક શેર અત્યંત ક્લિષ્ટ, એમાં પણ આ શેર :
                                 ન વો ગઝનવી મેં તડપ રહી, ન વો ખ઼મ હૈ ઝુલ્ફે – અયાઝ મેં
 
અહીં પણ શેરના પહેલા મિસરા લગી બધું બરાબર ચાલે છે. હવે ઈશ્કમાં પહેલાં જેવી ઉષ્મા નથી અને હવે હુસ્નમાં પહેલાં સમી શોખી – શરારત નથી વગેરે. સરળ વાત. પણ જેવી  ‘ ગઝનવીની તડપ ‘ અને  ‘ અયાઝની ઝુલ્ફોના ખ઼મ ‘ ની વાત આવે એટલે મામલો ગૂંચવાય.
સુલતાન મોહમ્મદ ગઝનવીના નામથી પરિચિત છીએ આપણે. મલિક અયાઝ એમનો ગુલામ હતો . સુલતાન પ્રત્યેની પોતાની અદમ્ય વફાદારીના જોરે એ ગુલામમાંથી સુલતાનના સેનાપતિના પદે પહોંચેલો. એ બન્ને વચ્ચેનો  ‘ પ્રેમ સંબંધ ‘ પણ ચર્ચાનો વિષય હતો. અા શેરમાં ઈકબાલ એ બન્ને વચ્ચેના પ્રેમ અને વફાદારીના સંબંધોનો આડકતરો ઉલ્લેખ કરી, હવે ન તો ગઝનવીમાં અયાઝ માટે એ તડપ રહી છે ન તો અયાઝની ઘુંઘરાળી લટોમાં પોતાના પ્રેમી માટેની એ નજાકત અને એ દ્વારા વર્તમાન યુગમાં પ્રેમમાં પણ પ્રવેશી ગયેલા તકલાદીપણાની શિકાયત કરે છે !  વાત ઇતિહાસની, સંદર્ભ વર્તમાનનો !
– એક અજ્ઞાત શાયરનો શેર છે :
                                વો કબૂતર છોડ દેગા દૂસરા ભી હાથ સે
                                ઈશ્ક યે બેસાખ્તાપન દેખતા રહ જાએગા 
 
અહીં પણ પૂરી વાત સમજવા અને શેરને પામવા ઈતિહાસ / દંતકથામાં જવું પડે. બાદશાહ જહાંગીર અને મલ્લિકા નૂરજહાંની પ્રેમકથા અને બાદશાહે એમને સામ્રાજ્ઞી બનાવ્યાની વાત આપણે જાણીએ છીએ. કહેવાય છે કે એ બન્ને એક વાર બાગમાં સૈર માટે ગયેલા. અચાનક બાદશાહની નજર એક ખૂબસુરત ફૂલ પર પડી. બાદશાહના બન્ને હાથમાં એમના બે પ્રિય કબૂતર હતા. નૂરજહાંના હાથમાં એ બન્ને કબૂતર સોંપી બાદશાહ ફૂલ તોડવા ગયા. પાછા ફર્યા તો જોયું કે નૂરજહાંના હાથમાં બેને બદલે એક જ કબૂતર હતું ! એમણે પૂછ્યું, ‘ બીજું કબૂતર ? ‘ નૂરજહાં ‘ એ ઊડી ગયું. ‘ બાદશાહ ‘ અરે ! કેમ કરતાં ? ‘ અને નૂરજહાંએ  ‘ આમ ! ‘ કહીને બીજું કબૂતર પણ ઉડાડી મૂક્યું !  જહાંગીર આ બેસાખ્તાપન – સ્વાભાવિકતા – માસૂમિયત જોતા રહી ગયા !
પ્રેમ હોય ત્યારે ભલભલી મૂર્ખામીઓ ઉપર ગુસ્સો આવવાનું બદલે વહાલ ઊભરાઈ આવે છે ! એટલે જ કહ્યું છે, ‘ ઉનકો આતા હૈ પ્યાર પર ગુસ્સા, હમ કો ગુસ્સે પે પ્યાર આતા હૈ ‘
–  હવે કેટલાક એવા શેર જેમાં કોઈ સંદર્ભ નથી. માત્ર વાર્તા છે. એ વાર્તા દરેક ભાવકે પોતાની સંવેદના, અનુભવ અને કલ્પનાના આધારે રચી કાઢવાની છે. જમાલ રહેમાનીનો આ શેર જૂઓ :
                                        ઉસી મકામ પે કલ મુજકો દેખ કર તન્હા
                                      બહુત  ઉદાસ  હુએ  ફૂલ  બેચને  વાલે …
 
શાયર તો કેવળ એટલું કહીને થંભી જાય છે કે ગઈકાલે એ જ જગ્યાએ મને એકલો જોઈને ફૂલ વેચવાવાળા ઉદાસ થઈ ગયા, પણ વાત માત્ર એટલેથી થોડી અટકે છે ? અહીંથી જ ભાવકના મનમાં સવાલો અને સંભવિત જવાબોનો સિલસિલો શરુ થઈ જાય છે. સામાન્ય રીતે વેપારમાં લાગણીને કોઈ સ્થાન ન હોય, તેમ છતાં ફૂલ બજારમાં નાયકને એકલો જોઈને ફૂલ વેચવાવાળા ઉદાસ થઈ ગયા. કેમ ? શું પહેલાં નાયક કાયમ કોઈકની સાથે ફૂલબજારમાં ફૂલ ( સંભવત: ગજરો કે વેણી ! ) લેવા જતો ? કોની સાથે ? અને ગઈકાલે એવું તો શું થયું કે એ એકલો ગયો ? કોઈ સાથે જ નહોતું તો હવે ફૂલનો શો અર્થ ? કોના માટે ? કે પછી એ ફૂલ લેવા નહીં, કેવળ લટાર મારવા ( જૂની યાદોની ગલીઓમાં ફેરો કરવા ) ગયો ? સંબંધ – વિચ્છેદ ? માંદગી ? મૃત્યુ ? વળી અહીં  ‘ ઉસી મકામ ‘ ની વાત છે એટલે કે જૂની ને જાણીતી જગ્યા. સવાલો એટલા જવાબો.  હરેક શખ્સકી અપની અલગ કહાની હૈ …
– જાંનિસ્સાર અખ્તરનો આ શેર જૂઓ :
                                        સસ્તે દામોં લે તો આતે, લેકિન દિલ થા, ભર આયા
                                       જાને કિસકા નામ ખુદા થા પીતલ કે ગુલદાનોં પર ..
 
સીધો ને સપાટ તરજુમો એટલો કે ગુજરી બજારમાં પિત્તળની ફૂલદાની મળતી હતી સસ્તા ભાવે. ન લીધી. લેવાની લાલચ તો થઈ પણ પછી ધ્યાનપૂર્વક જોયું તો એ ફૂલદાનીઓ ઉપર કોઈક અજાણ્યું નામ કોતરાયેલું હતું ! આ ભાવે તો લઈ જ લેવાય, તો ? કદાચ અપરાધભાવ. કોઈકે એ મજબૂરીવશ વેંચી હશે. કદાચ કોઈએ કોઈને પ્રેમથી ભેટ આપી હશે. એવી તે કેવી તંગી કે એ વેચવી પડે !  એવું પણ હોય કે એ ફૂલદાનીઓ આવેશમાં, ગુસ્સામાં વેચી દેવામાં આવી હોય, કોઈની ( છેલ્લી ! ) સ્મૃતિ ભુલાવવા. સામે પક્ષે ખરીદનારની સંવેદના એવી કેવી કે એણે એ ન જ લીધી ? ભુક્તભોગી હશે એ ? ફૂલદાનીઓ વેચનારને ઓળખતો હશે એ ?
ફરીથી એ જ વાત. જેટલા મન, એટલી વાતો.
જાવેદ અખ્તરે ફિલ્મ  ‘ સાથ સાથ ‘ માટે એક ગઝલ લખેલી. જગજીત સિંગે એ ગાયેલી. એનો મત્લો છે :
ઝિંદગી  ધૂપ  તુમ  ઘના  સાયા
એ ગઝલનો એક શેર આમ છે :
                                             હમ જિસે ગુનગુના નહીં સકતે
                                             વક્ત ને ઐસા ગીત ક્યોં ગાયા ?
 
એનો ગુજરાતી ભાવાનુવાદ :
                                           જે ગીત ગણગણી નથી શકવાના આપણે
                                           – ને ક્રૂર સમય એ જ ગીત ગાય – એ કેવું ?
 
અહીં પણ વાર્તા છે. સ્થૂળ રીતે તો વાત કોઈક એવા ‘ ગીત ‘ ની છે જે જિંદગીએ ગાઈ નાંખ્યું, આપણે ( કે કોઈકે ) એ સાંભળ્યું પણ ખરું. ખૂબ ગમ્યું એ  ‘ ગીત ‘ પણ આપણે એ જાતે  ‘ ગાઈ ‘ શકીએ કે ગણગણી સુદ્ધાં શકીએ એવી ક્ષમતા નથી, ત્રેવડ નથી, સંજોગો પણ નથી. અહીં સંતાપ છે કે જે ‘ ગીત ‘ આપણે ગાઈ જ શકવાના નહોતા એ સમયે ગાયું જ કેમ ? આપણને રંજાડવા ?
હવે આ વાત જીવનમાં મળેલી કોઈક મનગમતી વ્યક્તિના સંદર્ભમાં મૂલવજો. બધું સ્પષ્ટ થઈ જશે !
 – અને અંતમાં નાચીઝનો એક શેર :
                                       ઘર ભી જદીદ, ઘર કા સબ સામાં નયા – નયા
                                       ઐસે  મેં  એક  ઝર્દ – સી  પર્ચીકા  ક્યા  કરેં ? 
ગુજરાતી ભાવાનુવાદ :
                                      ઘર ચકચકિત, રાચરચીલું નવું નકોર
                                      પીળી પડેલ એક ચબરખીનું શું કરું ?
 
ફરી એક વાર આ પંક્તિઓનો માત્ર વાચ્યાર્થ લખીને એના અર્થો, ઉપાર્થો અને નિહિતાર્થો ભાવક ઉપર છોડીએ. નવું આધુનિક મકાન છે. એમાં બધું નવુંનક્કોર છે. અકસ્માતે એમાં નાયકને એક પીળી પડી ગયેલ જરીપુરાણી ચબરખી મળી આવે છે. કદાચ એ ચિઠ્ઠી છે. એમાં માંડ ઉકેલાતા અક્ષરોમાં કશુંક લખેલું છે. બધું ઝગમગ અને જક્કાસ હોય એમાં આવી ચબરખી તો ફેંકી જ દેવાની હોય ને ? પણ ફેંકી દેવાય ? ફેંકી શકાય ??

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “વાર્તા જેવા શેર

Leave a Reply

Your email address will not be published.