લુત્ફ-એ-શેર: મણકો # ૮૩

ભગવાન થાવરાણી

જેમ જેમ આ લેખમાળાનો અંત નજીક આવતો જાય છે તેમ તેમ એક ફિકર ઘેરતી જાય છે કે કોઈક અગત્યના શાયર અને એમના કોઈક અદ્ભૂત શેર રહી ન જાય ! જો કે એ પણ નક્કી છે કે ૧૦૧ હપ્તા અને એમાં સમાવિષ્ટ એટલા જ ઉર્દૂ શાયરો થકી ઉર્દૂ સુખનવરીને પૂર્ણ પ્રતિનિધિત્વ ન જ મળે. એ દરિયો બહુ વિશાળ છે. નાચીઝે લખ્યું છે :

ઝિંદગી  હાથોં  સે  નિકલી જા રહી
હાં, યે બિલકુલ માયુસી કી બાત હૈ
જી  ગએ  ઇતને  બરસ તફરીહ સે
યે ભી કોઈ કમ ખુશી કી બાત હૈ ?
વાત કરીએ ‘ ફારિગ ‘ બુખારીની. બહુ જાણીતું નામ નથી પણ એમના શેર જોઈને લાગશે કે એમને ભૂલી જઈએ એ અનર્થ કહેવાય . એમનો શેર જૂઓ :
આઓ  તામીર  કરેં  અપની  વફા  કા  માબદ
હમ ન મસ્જિદ કે લિયે હૈં ન શિવાલોં કે લિયે..
અર્થાત સૌ પોતપોતાની આસ્થા અનુસાર ઉપાસના-ગૃહનું જાતે સર્જન કરે. મંદિર મસ્જિદ બનાવવાનો કોઈ અર્થ નથી. એમનો વધુ એક શેર :
પુકારા જબ મુજે તન્હાઈને તો યાદ આયા
કિ અપને સાથ બહુત મુખ્તસર રહા  હૂં મૈં..
( મુખ્તસર = સંક્ષિપ્ત )
અને આ વાત પરથી યાદ આવે એમનો આ મુખ્તસર પરંતુ અદ્ભૂત શેર :
મંસૂર  સે  કમ  નહીં  હૈ વો ભી
જો અપની ઝુબાં સે બોલતા હૈ 
 
પોતાની જબાનથી, મૌલિક રીતે વિચારીને, કોઈ વિચાર ઉધાર લીધા વિના બોલનારાઓની જમાત જ ક્યાં બચી છે ? જે બોલાય છે એ બધું અહીં-તહીંથી એકત્ર કરેલું બોલાય છે. આ વાતાવરણમાં જો કોઈ કશીક નવી વાત કહે તો એને મંસૂર સમકક્ષ માનવો જોઈએ . મંસૂર ઇસ્લામના એ સૂફી હતા જેમણે અનલહકનું ઉચ્ચારણ કરેલું. ( હું જ ખુદા છું, હું સત્ય છું, અહમ્ બ્રહ્માસ્મિ )  અને એ અપરાધ બદલ એમને મૃત્યુદંડ અપાયેલો.

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૮૩

Leave a Reply

Your email address will not be published.