શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: મૂડીવાદી સમાજમાં માનવી

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે મનુષ્યની માનવીય જરૂરિયાત જેવી કે મિલનસારતા, બંધુતા, સર્જનશીલતા, સ્વતંત્રતા અને વિવેકબુદ્ધિ વગેરે સંતોષવા માટે અનુકૂળ હોય તેને સ્વસ્થ  સમાજ કહી શકાય. આ અનુકૂલન આજના મૂડીવાદી સમાજમાં કેટલે અંશે સાધી શકાય છે તે બાબતે આ પ્રકરણમાં વાત કરીશું

જીવનસંઘર્ષની હરીફાઈમાં જે જીતશે તે (જીવ) ટકી રહેશે એવી સ્પર્ધાત્મક જીવનની વાત  ડાર્વિને તેના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત ‘યોગ્યતમની ચિરંજીવીતા(survival of the fittest)’માં કરી હતી. જીવશાસ્ત્રના અને કુદરતી ક્રમના આ સિદ્ધાંતને  સિગ્મંડ ફ્રોઈડે (1856 થી 1939)માનસશાસ્ત્રના ક્ષેત્રમાં લાગુ કરતા જણાવ્યું કે સ્પર્ધા અને પરસ્પર દુશ્મનાવટ એ માનવ -સ્વભાવનાં મૂળભૂત તત્વો છે. એક રીતે ફ્રો‌ઇડે માણસ ઉપર એવા સ્વભાવનું આરોપણ કર્યું કે તે મૂળભૂત રીતે જ અતડો, સમાજવિરોધી, લોભી અને પ્રતિસ્પર્ધામાં રાચનારો છે. આ પહેલા  ડેવિડ રિકાર્ડોએ(1772થી 1823) અર્થશાસ્ત્રના  ક્ષેત્રમાં આ વાત લાગુ કરીને એવું પ્રતિપાદિત કર્યું  હતું કે મૂડીવાદ એ (આવા માની લીધેલા) માનવ-સ્વભાવને સંપૂર્ણપણે અનુકૂળ છે. અર્થશાસ્ત્રીઓએ આ આકલન માત્ર સ્વીકારી જ ન લીધું પણ એરિક ફ્રોમના કહ્યાં મુજબ તેઓ તેની વકીલાત પણ કરવા લાગ્યા. એવી માન્યતાને સ્વીકૃતિ મળવા લાગી કે આધુનિક મૂડીવાદ એ સંપૂર્ણપણે આદર્શ વ્યવસ્થા છે અને તેને માટેની ટીકાને કોઈ સ્થાન જ નથી.

પરંતુ એરિક ફ્રોમ આ તારણ પર પ્રશ્નચિહ્ન લગાવતા કહે છે  કે માનવ-સ્વભાવ અને તેમાંથી ઉદ્દભવતી  આગળ  જણાવેલી તેની જરૂરિયાતોને ખ્યાલમાં રાખીને જ આપણી સમાજવ્યવસ્થા અંગે તટસ્થતાથી વિચારવું જોઈએ. વળી આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડાર્વિનનો પ્રાકૃતિક અને માત્ર જીવશાસ્ત્રનાં ક્ષેત્રનો આ સિદ્ધાંત, પ્રકૃતિથી વિખૂટા પડેલા માણસ અને માનવસમાજને લાગુ પાડવો કેટલે અંશે યોગ્ય છે. છતાં મોટાભાગના સમાજશાસ્ત્રના વિદ્વાનોએ આધુનિક સમાજવ્યવસ્થાના ઘણાંબધાં ગુણ ગાયા છે.  જે કાંઈ હોય પણ લેખક તો તેનાં કેટલાક રોગિષ્ટ લક્ષણો પર જ આપણું  ધ્યાન દોરવા માગે છે.

આ લક્ષણો વિષે વાત કરતા પહેલા આપણે જેને  સમાજ કહીએ છીએ તે અને તેનું સ્વરૂપ  શું છે  એ અંગે વિચારીએ.

એક  જ  સંસ્કૃતિ હેઠળ જીવતા  ઘણા માણસોના સમૂહને આપણે સમાજ કહીએ છીએ. આમ જોવા જઈએ તો કોઇપણ એક સમાજના લોકોની વ્યક્તિગત ખાસિયતો-રહેણીકરણીમાં ફરક હોય છે.  તો પણ કેટલીક ખાસિયતો મોટાભાગના લોકોમાં એકસરખી જણાતી હોય છે. આ સમાન ખાસિયતોથી સમાજનું  સ્વરૂપ બને છે. સમાજનું આ  સ્વરૂપ  તેના સભ્યોની શક્તિઓને એ રીતે ઘડે છે કે તેમને અમુક  પ્રકારના વહેવાર કરવાની આદત પડી જાય પરિણામે એ મુજબ વર્તન કરવા માટે તેમણે સભાનપણે નિર્ણય કરવો પડતો નથી. આ વર્તન એ જ સમાજની સંસ્કૃતિ. સમાજના સભ્યો સંસ્કૃતિની આવશ્યકતા મુજબ જીવવામાં સંતોષ અને ક્યારેક ગૌરવ અનુભવતા હોય છે. આ અર્થમાં એક જ્ઞાતિ, એક જ ધાર્મિક સંપ્રદાય હેઠળ કે એક  જ દેશમાં  રહેતા લોકોનો સમૂહ એ એક સ્વતંત્ર સમાજ જ છે. પરંતુ આ બધાથી ઉપર- વિશ્વની તમામ પ્રજાઓ પર ઔદ્યોગિકરણની સૌથી વધારે અસર હોવાના કારણે- વ્યાપક અર્થમાં આજનો સમાજ ઔદ્યોગિક સમાજ છે. આજના આ ઔદ્યોગિક સમાજને જોઇએ તેવો ઘાટ આપવા માટે  માણસોના અગાઉ કહેલ સર્વસમાન વર્તનને એ રીતે ઘડવું રહ્યું કે સ્વતંત્ર માણસ પોતાની તમામ શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડી શકે. ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ સ્વતંત્ર રીતે અને સભાનતાથી એવો નિર્ણય કરે કે આજે કામ પર જવું કે નહિ કે સમયસર પહોંચવું કે નહિ, તો આજનો સમાજ બરાબર ચાલી શકે નહિ.  વળી મધ્યયુગની જેમ આજે તેના પર બળજબરી પણ કરી શકાય નહિ. આથી સમાજે તેને એવાં  વર્તનમાં ઢાળવો રહ્યો કે કામ કરવાની નિયમિતતા અને વ્યવસ્થિતતા તેની અંદરની  જ લગની બની રહે.

સમાજનું   ઘડતર   માણસની   આ પ્રકારની લગની ઉપરાંત બીજી બાબતો પર પણ આધાર રાખે છે. ઉત્પાદનની પદ્ધતિ સામાજિક સબંધો પર અસર કરવા ઉપરાંત જીવનપ્રણાલિ અને જીવનવ્યવહારને આકાર આપતી હોય છે. રાજકીય, ધાર્મિક અને તત્વજ્ઞાનાત્મક વિચારો અને કાંઇક અંશે માણસનો સ્વભાવ પણ સમાજને ઘડવામાં ફાળો આપતા હોય છે. સમાજ અંગેના આવા ખ્યાલને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિકરણને કારણે ઉભા થયેલા મૂડીવાદી સમાજનાં લક્ષણો જાણવા જરૂરી છે, કારણ કે આ લક્ષણો જ માણસના માનસિક સ્વાથ્યને ખલેલ પહોંચાડવા માટે જવાબદાર છે. આ માટે લેખક મૂડીવાદને સત્તરમી – અઢારમી સદીનો મૂડીવાદ, ઓગણસમી સદીનો મૂડીવાદ અને વીસમી સદીનો મૂડીવાદ એમ સમયના ત્રણ તબક્કામાં વિભાજિત કરે છે.  જો કે ત્રણેય સમયગાળામાં મૂડીવાદી  સમાજમાં કેટલાક લક્ષણો સરખા જ રહ્યા છે. આ રહ્યા તે મુખ્ય લક્ષણો જે મૂડીવાદી સમાજને વ્યાખ્યાયિત કરે છે.

રાજકીય અને કાયદાની દૃષ્ટિએ માણસ સંપૂર્ણપણે સ્વતંત્ર છે.  એક એવું ખુલ્લું બજાર હોય છે જેના વડે ચીજવસ્તુના ભાવો નક્કી થાય છે તથા ચીજવસ્તુના વિનિમયનું નિયમન થાય છે. આ બજારની જોડાજોડ શ્રમનું એક બજાર હોય છે જેમાં આપણો આ સ્વતંત્ર માણસ પોતાનો શ્રમ મૂડીના માલિકને વેચે છે. સૌથી મોટો સિધ્ધાંત એ ધારી લેવામાં આવ્યો છે કે માણસની પ્રવૃતિનો હેતુ નફો મેળવવો એ છે અને નફો મેળવવા ઊભી થતી સ્પર્ધાનાં પરિણામે સહુને વધારેમાં વધારે લાભ થાય છે. દરેક સમયના  મૂડીવાદનાં આ સર્વસામાન્ય લક્ષણો છે.

હરીફાઈને લીધે ઉત્પાદકો ચીજવસ્તુઓ ઓછા ભાવે વેચે તેને આજે આપણે સ્વભાવિક અને ગ્રાહક તરીકે લાભકારક માનીએ છીએ. પરંતુ સત્તરમી અને અઢારમી સદીના મૂડીવાદ પર મધ્યયુગના વિચારોની અસર હોવાથી અઢારમી સદી સુધી ગ્રાહકને ઓછા ભાવ વડે લલચાવવું એ અનૈતિક અને એક ધાર્મિક(ખ્રિસ્તિ) વ્યક્તિને તો આ જરાય ન શોભે એમ મનાતું. આખા અઢારમાં સૈકા દરમ્યાન જર્મની અને ફ્રાંસમાં હરીફાઇને ખાતર ઓછા ભાવે વેચવાની મનાઈ હતી.

કોઇપણ નવી બાબતે બનતું આવ્યું છે તેમ નવાંસવાં આવેલા યંત્રો પ્રત્યે લોકોનું વલણ શંકાશીલ હતું. મધ્યયુગનાં ગમે તે દુષણો હોય પરંતુ તેનાં કે‌ન્દ્રમાં તો માણસ જ હતો. સત્તરમી સદીના મૂડીવાદમાં આ ખ્યાલ ભૂંસાયો ન હતો. આથી માનવી પાસેથી તેનું કામ ઝૂંટવી લેનારા યંત્રોને ફ્રાંન્સના એક ચિંતક કોલ્બર્ટે(1619  થી 1683)મજૂરોના દુશ્મન કહેલા તે જ રીતે ફ્રાંન્સના જ બીજા એક લેખક મોટેસ્ક્યુએ(1689થી 1755) યંત્રોને ‘દુષ્ટ’ કહ્યા હતા કરણ કે તે કામદારોની સંખ્યા ઘટાડે છે. કોઈપણ એક વર્ગને હાનિકારક એવો આર્થિક વિકાસ ગમે તેવો હોય તો પણ આપત્તિજનક જ ગણાતો. શક્ય છે  કે કોઈપણ  નવો ફેરફાર થાય તે નુક્શાનકર્તા જ હોય તેવું રૂઢિગત માનસ પણ આ માટે જવાબદાર હોય.

જેમ જેમ ઓગણીસમી સદી આગળ વધતી ગઈ તેમ તેમ સમાજનાં   કે‌ન્દ્રમાંથી માણસ દૂર ખસતો ગયો અને તેને સ્થાને ઉત્પાદન  અને બજાર ગોઠવાતાં ગયાં. બજારને મન જેવો યંત્રનો પૂર્જો તેવો માણસ. એથી જ  મજૂરોનું અમર્યાદિત શોષણ કરવામાં કશું અનૈતિક લાગતું નહિ.  બજાર અને ઉત્પાદન તો માણસ ઉપર ચડી બેઠા ઉપરાંત આપણને ખ્યાલ ના રહે તેવી રીતે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ પણ માણસ પર અંકુશ જમાવી દીધો. કઈ શોધ કરવી એ માણસના સ્વતંત્ર નિર્ણયની વાત ન રહી.  વિજ્ઞાન અને ટેક્નોલોજી અંગેની આ વાત વિગતે સમજીએ.

બહુ જ પ્રાચીન યુગની વાત કરીએ તો ઉચ્ચાલન  કે પદાર્થની ઘનતા અંગેની શોધ આર્કિમિડિઝની મોજ હતી. એ જ રીતે મધ્યયુગમાં ગુરૂત્વાકર્ષણની શોધ કરવા માટે ન્યુટનને કોઈએ હુકમ કર્યો ન હતો. આવી જ વાત કાંઈ જેમ્સ વોટની વરાળયંત્રની શોધ બાબતે હતી. પરંતુ આધુનિક યુગમાં મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને કરેલી ‘પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થવા માટેના સમીકરણ’ની શોધ ભલે તેમનાં મૌલિક ચિંતનમાંથી થઈ હોય, પરંતુ તેના ઉપરથી અણુબોંબ બનવવા માટે વૈજ્ઞાનિકોને જોતરવામાં આવ્યા હતા. શીતળાની રસીની શોધ ડૉ. એડવર્ડ જેનરની પોતાની લગની હતી પરંતુ આપણને આશીર્વાદ રૂપ બની રહેલી કોવિદ 19ની રસીની શોધ એ વૈજ્ઞાનિકો ઉપર ફાર્મા કંપનીઓ તરફથી લાદવામાં આવેલું કામ છે.

અગાઉના સમયમાં બીજાને વંચિત રાખીને ચીજવસ્તુઓનો ઉપભોગ કરવા માટે શારીરિક, રાજકીય, ધાર્મિક કે અન્ય સામજિક બળ અથવા સત્તાનો ઉપયોગ થતો. પરંતુ હવે સ્વનિયંત્રિત એવું બજારનું તંત્ર પેલી સત્તાઓ કરતા પણ વધારે બળવાન બની ગયું. આ પરિબળ અદૃશ્ય રહીને કામ કરતું હોવાથી વંચિતોને ખ્યાલામાં નથી આવતું કે તેની પાસેથી કોણ ખૂચવી રહ્યું છે.  કોઈ શ્રમિક પાસેથી બંદૂકની અણીએ ઓછા વેતને કામ લેવામાં આવતું નથી, પરંતુ બજાર પરિસ્થિતિ જ એવી સર્જે છે કે તેણે ઓછા વેતને જોતરાવું પડે અન્યથા ભૂખમરાનો સામનો કરવો પડે. આમછતાં લેખક બજારનાં અર્થતંત્ર દ્વારા ચાલતી આ મૂડીવાદી વિતરણ-વ્યવસ્થાને અગાઉનાં સામંતશાહી સમાજ કરતા બહેતર માને છે કારણ કે તે વ્યક્તિની રાજકીય સ્વતંત્રતા માટે આધારભૂત છે.

કોઇપણ યુગમાં માણસને અર્થોપાર્જન માટે પ્રવૃતિ કરવી જ પડે છે. અગાઉના સમયમાં પણ ઉત્પાદનની કિંમત કરતા વેચાણની કિંમત વધારે રાખીને નફો મેળવવામાં આવતો. પરંતુ આ પ્રક્રિયામાં તેને નફા ઉપરાંત એક પ્રકારનો સંતોષ અને આનંદ રહેતો કે પોતે કોઇને ઉપયોગી થઈ રહ્યો છે. પરંતુ ઓગણીસમી સદીમાં આ આનંદ અને સંતોષ વિલુપ્ત થવા લાગ્યા અને માત્ર અને માત્ર નફો જ મહત્વનો બની ગયો. પોતાની ચીજવસ્તુ ગ્રાહકને કેટલી ઉપયોગી છે એ બાબતમાં મૂડીપતિને રસ રહ્યો નહિ.

વ્યક્તિની મહેનત તથા તેને મળતું આર્થિક વળતર એ બે વચ્ચે  સમપ્રમાણ ને બદલે વ્યસ્તપ્રમાણ થવા લાગ્યું. ઉદાહરણ તરીકે એક ખાણિયાએ આરોગ્યનું તેમજ જાનનું જોખમ લઈને  ખૂબ કામ કરવું પડે છે, તો પણ તેના મેનેજરનાં વેતનનાં પ્રમાણમાં તેને નગણ્ય  વેતન મળે છે. આ તો એક જ ઉદાહરણ છે,  પરંતુ ઉત્પાદન તેમ જ સેવા એમ બન્ને ક્ષેત્રમાં આ વિષમતા ખૂબ વ્યાપક  જોવા મળે છે તથા દિનપ્રતિદિન વધતી જાય છે.  પરિણામે એક બાજુ એશારામ અને બીજી બાજુ કંગાલિયત પ્રવર્તે છે.  ઊડીને આંખે વળગે તેવી આ અનૈતિકતા મૂડીવાદી સમાજને કોઠે પડી ગઈ છે. લેખક આ વિષમતાને કારણે ઉદભવતી માનસશાસ્ત્રીય અસર વિષે વાત કરતા જણાવે છે કે જ્યાં સુધી વ્યક્તિને મળતું વળતર તેણે કરેલી મહેનતની મર્યાદામાં રહેતું ત્યાં સુધી તેની મહાત્વાકંક્ષાઓ પણ મર્યાદામાં રહેતી. પરંતુ જો ઓછી મહેનતે વધુ વળતર મળવા લાગશે તો માણસની આકાંક્ષા અને અભિલષા આભને અડવા જશે. આ માટેનું એક સાદું અને કદાચ સ્થુળ લાગે તેવું પરંતુ આપણો મધ્યમ વર્ગ જેનો સીધો અનુભવ કરે છે તેવું ઉદાહરણ  શેરબજારનો ચસ્કો છે.

મધ્યયુગમાં રાજા કે જાગીરદાર બીજા પાસેથી ચીજાસ્તુઓ અને સેવાઓ લેવાનો પોતાનો દૈવી હક માનતા. શોષણ તો ત્યારે પણ  હતું, પરંતુ સમાજનાં કે‌ન્દ્રમાં માણસ હોવાથી સામંતો કે રાજાઓ પ્રજાને અલ્પતમ જીવન જરૂરિયાતની ચીજો મળી રહે તેને પોતાની ફરજ માનતા. પરંતુ હવે શ્રમ એ કિંમત આપીને લીધેલી ચીજવસ્તુ ગણાવાથી શ્રમિકને માત્ર પગાર આપવા સુધીની જ જવાબદારી રહી. લાખો મજૂરો બેકાર હોય કે ભૂખમરાની કગાર ઉપર હોય તે તેમનું દુર્ભાગ્ય ગણાતું, અથવા તો આ બેકારી કે ભૂખમરો એ  તેમનામાં  કૌશલ્ય ના હોવાનું પરિણામ છે એમ સમજાવવામાં આવ્યું. આપણે ત્યાં ભારતમાં તો ખૂબ સગવડતા પૂર્વક કર્મનો સિદ્ધાંત ઉભો કરવામાં આવ્યો છે.

મૂડીવાદી સમાજમાં મૂડીનું સ્થાન  શ્રમ કરતા ઉંચુ મનાયું. બીજી રીતે કહીએ કે નિર્જીવ અને નિશ્ચેતન એવી મૂડી જીવંત અને ચેતન એવી પ્રાણશક્તિને રોજી આપે છે. અહીં જે સંઘર્ષ ઊભો થાય છે તે ભૌતિક પેદાશોનો વધારે હિસ્સો મેળવવા માટેનો  માત્ર  બે વર્ગો વચ્ચેનો સંઘર્ષ જ નથી પરંતુ ચીજવસ્તુઓનો ઉપભોગ-પરિગ્રહ અને ચેતનવંતા જીવનની સર્જનાત્મકતા વચ્ચેનો સંઘર્ષ છે જેમાં જીવંત સર્જનાત્મક્તા હારતી હોય એમ દેખાય છે.

આખી ઓગણસીમી સદી દરમિયાન યુરોપના મૂડીવાદે માણસને ખૂબ જ યાતના આપી તેમજ માનવગૌરવની ઉપેક્ષા કરીને એશિયા- આફ્રિકા અને પોતાના ઘરઆંગણના મજૂરોનું સુદ્ધા  નિર્દયપણે શોષણ કર્યું.  તેથી કાર્લ માર્ક્સ જેવા સમાજવાદી વિચારકોએ શ્રમજીવીઓને માણસનો દરજ્જો આપવા પર ભાર મૂક્યો. તેમનું માનવું હતું કે આર્થિક શોષણ બંધ થશે તો શ્રમજીવી મૂડીદારના પ્રભુત્વમાંથી મુક્ત થશે અને ઓગણીસમી સદી તેનાં બધા જ દુષણોમાંથી મુક્ત થશે.

પરંતુ લેખક (ખાસ કરીને અમેરિકાના સમાજને અનુલક્ષીને) જણાવે છે કે વીસમી સદી જેમ જેમ આગળ વધતી ગઇ તેમ તેમ માર્કસના જમાનામાં કોઈએ કલ્પના પણ  ના કરી હોય તે રીતે  શ્રમજીવીનું શોષણ ઘટતું ગયું તે પણ મૂડીવાદી સમાજમાં જ.  શ્રમજીવીની રાજકીય સ્થિતિમાં તથા તેના માનવીય દરજ્જામાં પણ સુધારો થયો છે. પહેલાની જેમ હવે તેને હુકમ આપીને કે તતડાવીને હડધૂત કરી શકાતો નથી. પોતાના ઉપરીને તે હવે નથી પૂજતો કે નથી ધિક્કારતો, કદાચ તેની ઈર્ષ્યા કરતો હોય અને મૂડીદારની જેમ ઝડપથી પ્રગતિ કરવાની મહત્વાકાંક્ષા સેવતો હોય.

આમ ઓગણીસમી સદીની સરખામણીમાં આપણે ખૂબ પ્રગતિ કરી છે. આપણને આજનો સમાજ  સ્વસ્થ જ  લાગે છે અને “હવે તો ખાધુપીધુ ને રાજ કર્યું” એવી સ્થિતિ લાગે છે. પરંતુ લેખક જણાવે છે કે ભૌતિક રીતે સમૃદ્ધ અને રાજકીય તથા સામાજિક રીતે સ્વતંત્ર થયો હોવા છતાં આજે આપણો સમાજ માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પહેલા કરતાં વધુ પછાત છે. આજે ખતરો ગુલામીનો નહિ પણ આપણે યંત્રમાનવ બની રહ્યા છીએ તેનો છે. દેખીતા આપણે કોઈના તાબેદાર નથી પરંતુ  આપણું આગવું વ્યક્તિત્વ પણ નથી. આપણા રોગનું જો નિદાન કરવું હોય તો આપણે  ઓગણીસમી સદીમાં હતા તેના કરતા ભૌતિક રીતે વધારે સમૃદ્ધ થયા છીએ અને શોષણ તો હવે રહ્યું જ નથી તેવા વિચારો વડે આજના સમયના સમાજનાં બિમારીના લક્ષણો તરફ આંખ આડા કાન કરીએ છીએ તે છોડી દેવું પડશે.  રોગનાં આ લક્ષણોનું સ્પષ્ટ નિદાન અને *વીસમી સદીનાં સમાજિક માળખાની ચર્ચાની સાથે સાથે જ કરીશું, પરંતુ તે હવે પછીનાં પ્રકરણમાં.


*લેખકે કરેલી વીસમી સદીની આ  વાત આજે એકવીસમી સદીના પૂર્વાર્ધમાં કદાચ વધારે પ્રસ્તુત છે.


(ક્રમશ:)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269

Author: Web Gurjari

2 thoughts on “શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: મૂડીવાદી સમાજમાં માનવી

  1. બહુ જ મનનીય લેખ. મનમાં ઊઠતા વિચારોને સરસ દિશા મળી. હવેના પ્રકરણની અને સૂચિત નવી દિશાની આતૂરતાથી રાહ જોવી રહી.

Leave a Reply

Your email address will not be published.