તેને મા મળી ગઈ…

અમિતા દવે

[અપંગ બાળકને સ્વીકારવા સપના કોઈ પણ રીતે તૈયાર નહોતી, પરંતુ એક દિવસ એવો આવ્યો કે સપનાએ પોતાના અપંગ દીકરાને ઊંચકીને છાતીએ વળગાડી દીધો…કેમ?]

“અરે, તું જરા વિચાર કર, કેટલો નાનો, કુમળો આ જીવ…અબોલ છે એ, નથી બોલતાં આવડતું કે નથી ચાલતાં…તારી સામે અપલક નજરે જોયા જ કરે છે! તું તેની પાસે થઈને આવજા કરે છે ત્યારે તેની આંખોમાં આતુરતા, તલસાટ દેખાય છે કે તું તેને હમણાં જ તેડી લેશે, પ્રેમ કરશે, તારાં વહાલથી તેને તરબોળ કરી દેશે પણ…તું…તું તો…”

“અરે, આટલું બધું શું બોલ્યે જ જાઓ છો!  મારી હાલતનો તો વિચાર કરો. હું તે ઘર સંભાળું કે બહારનું કામ ! મારે કેટલા બધા પ્રોગ્રામ અટેન્ડ કરવાના હોય છે! આ લોચા જેવા નિશ્ચેતન જીવને લઈને હું શું કરું! એની પાછળ મારો ટાઈમ બગાડવાનો છે? જુઓ, સાંભળી લો, આ ગેસ પર જમવાનું ઢાંક્યું છે, જમી લેજો અને તમારા લાડકાની દૂધની બોટલ ભરીને રાખી છે તે રડે ત્યારે આપી દેજો. સાંજે આવતાં મોડું થાય તો ફ્રિજમાં રોટલી કરવા માટેનો બાંધેલો લોટ પડ્યો છે, થોડાં પરોઠાં કરી રાખજો અને…”

અને એ ચાલી ગઈ…એનાં સૂચનો અને ફરિયાદોના શબ્દો હવામાં ક્યાંય સુધી પડઘાતાં રહ્યાં અને હું તેના ભાર નીચે દબાતો રહ્યો. એ ભારણોથી દબાતો હું ચાલ્યો ગયો ભૂતકાળના એ સમયમાં…

જ્યારે મારા બંગલાની અગાસીમાં હું રોજની જેમ હિંચકે ઝૂલતો એક પુસ્તક વાંચી રહ્યો હતો. અચાનક, ઘુંઘરુનો મીઠો અવાજ અને તેની સાથે સંગીતની મીઠી ધૂન સાંભળી. નજર દોડાવી તો સામેના બંગલાની અગાસીમાં એક યુવતી સંગીતના સૂરે નૃત્ય કરી રહી હતી. તેની પીઠ મારી તરફ હતી. તેની સુંદર અંગભંગિમા ઘુંઘરુના તાલે ડોલે રહી હતી. મને લાગ્યું કે તે નૃત્યનો રિયાજ કરી રહી હતી. હું એને નજીકથી ઓળખું તે પહેલાં નીચેથી કોઈકે બૂમ પાડી, “સપના, જરા નીચે આવ તો બેટા”.

અને એ સપના વિશે વધુ કાંઈ આગળ જાણવા મળે તે પહેલાં તો એ ચપળ હરણીની જેમ કૂદતી-કૂદતી ચાલી ગઈ અને હું…અચાનક વાદળોની ઘટામાં છુપાઈ ગયેલા એ સુંદર ચંદ્રની ફરી બહાર નીકળવાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. પણ, એનાં દર્શન તો ના થયાં અને હું ફરી બીજા દિવસની પ્રતીક્ષામાં નીચે આવ્યો.

“આજે તારે કૉલેજ નથી જવાનું દીકરા?”મમ્મીએ રસોડામાંથી જ પૂછ્યું.

“મમ્મી, જવાનું તો છે પણ આજે મારા વર્ગના સ્ટુડન્ટ્સ પિકનિક પર જવાના છે એટલે ખાલી હાજરી પુરાવવા જવાનું છે”મેં જવાબ આપ્યો.

પેલી યુવતી વિશે કાંઈ વધુ જાણવા મળે તે હેતુથી મેં પૂછ્યું, “મમ્મી, આપણી સામેના બંગલામાં કોણ રહેવા આવ્યું છે?”

“સ્નેહલ બેટા, એ મકાન હૈદરાબાદની કોઈ મોટી પાર્ટીએ ખરીદ્યું છે, મા-દીકરી એકલાં જ છે. પૈસો જ પૈસો છે. એની દીકરી સપના કોઈ ડાન્સિંગ સ્કૂલ ચલાવે છે. હજુ તો રહેવા આવ્યાને થોડા જ દિવસ થયા છે”.

મારી મમ્મી પણ કેવી ભોળી છે કે એકસાથે બધું જ બોલી ગઈ! એને બિચારીને ક્યાં ખબર છે કે એના દીકરાને પણ એટલું જ જોઈતું હતું કે મમ્મી કાંઈક બોલે.

બીજા દિવસે…હું જરા વહેલો અગાસીમાં પહોંચી ગયો. મનમાં લાલચ હતી કે હું એને વધુ વખત નિહાળી શકું, પણ એ ત્યાં નહોતી. પાંચ મિનિટ…દસ મિનિટ…અડધો કલાક…એક કલાક…હું મનમાં સમય ગણતો રહ્યો અને મારી ધીરજ ખૂટતી ગઈ.

હું વિચારતો રહ્યો, કેવો છે આ પ્રેમ ! માત્ર એકવાર એને પાછળથી જોઈ છે અને હું રાહ જોઉં છું જાણે જનમોજનમથી. એને ખબર નથી કે એની પ્રતીક્ષામાં હું પાગલ થઈ ગયો છું અને મને પણ ક્યાં ખબર હતી કે એ પ્રેમ જ એક દિવસ ભીંત ભુલાવશે !

એ દિવસે હું કોલેજ જવા તૈયાર થતો હતો ત્યાં એક પ્રૌઢ વયની જાજરમાન દેખાતી સ્ત્રી અધખુલ્લાં બારણાંમાંથી ડોકિયું કરી પૂછી રહી હતી, “આ મીનામાસીનું ઘર છે ને?”

“હા, આવોને અંદર.મમ્મી અંદર જ છે” મેં આવકાર આપ્યો.

“બેટા, આજે અમારે ત્યાં સપનાના જન્મદિનની એક પાર્ટી રાખી છે. તમારે બધાંએ આવવાનું છે.”

સપના…!! સપનાનું નામ સાંભળી દિલ ધડકી ઊઠ્યું.

‘સપના…હું તને ક્યારે જોઈ શકીશ?’મારું મન ચિત્કાર કરી ઊઠ્યું.

એ દિવસે પાર્ટીમાં સપનાનો નૃત્ય કાર્યક્રમ પણ હતો. સપનાને જોવાની મારી ઇચ્છા પૂરી થઈ. ઓહ…તેને જોતાં જ દિલ જાણે એક ધડકન ચૂકી ગયું. તેની કમનીય કાયાના વળાંકો…અંગેઅંગમાંથી નીતરતું સ્ફટિક સમું લાવણ્ય…ઓહ જાણે સ્વર્ગની ભૂલી પડેલી કોઈ અપ્સરા ન હોય !

હું…હું તો તેનાં રૂપસૌંદર્યનું રસપાન કરતો જ રહ્યો હોત, પણ…

“તમે જ સ્નેહબાબુ ને?” મીઠો મધુરો સ્વર મારા કાનમાં અમૃત ઘોળી રહ્યો અને હું ભાવસમાધિમાંથી ઝબકીને જાગી ગયો.

“સોરી સપનાજી, હું ખોવાઈ ગયો હતો. હું તમારી નૃત્યભંગિમાં અટવાઈ ગયો અને તમે ક્યારે મારી સામે આવ્યાં તે ખબર પણ ના પડી. તમે ખૂબ સુંદર નૃત્ય કરો છો.”

“થેન્ક્સ. તમારાં મધર અમારે ત્યાં ક્યારેક આવે છે. તમે ગુજરાતી સાહિત્ય ભણાવો છો એ જાણ્યું ત્યારથી તમને મળવાનું મન હતું. મને કવિતા લખવાનો શોખ છે.”

“હા, સમય મળે તો જરૂર આવજો. કૉલેજના સ્ટાફરૂમમાં પણ મળી શકો છો.” અને હું કદાચ અવિરતપણે બોલતો જ રહ્યો હોત પણ કોઈએ બૂમ મારતા તે “ઍક્સક્યૂઝ મી” કહીને સરકી ગઈ.

ઘરે પહોંચીને મમ્મીએ સપનાના કુટુંબની વાત કાઢતા કહ્યું, “કેવી લાગી સપના? એકનું એક સંતાન છે. કુટુંબમાં પુષ્કળ પૈસો છે પણ તેના પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા ત્યારથી મા-દીકરી એકલાં જ રહે છે. સપનાનાં લગ્નની વાત ચાલે છે. બોલ, તારી વાત ચલાવું?”

મમ્મીએ મારા મનની વાત કેવી રીતે જાણી લીધી કે હું તો એ ઇચ્છતો જ હતો ! મેં મમ્મીના ચહેરા તરફ ક્ષણેક જોયું અને પછી નીચું જોઈ વિચારવા લાગ્યો, શ્રીમંત ઘરની છોકરી છે. ના પાડી દેશે તો…હું તો રહ્યો સાવ સાદોસીધો, છતાં મારું મન સપનામાં ઠર્યું છે એ મનને હવે ક્યાંય જંપ નહીં વળે.

“બેટા, શું વિચારે છે? હું કાલે જ તેની મમ્મી સાથે વાત કરીશ”.

અને…એક દિવસ સપના સાથે લગ્ન પણ થઈ ગયાં. બધું કેટલું જલદી બની ગયું!!

અરે, આ રડવાનો અવાજ ક્યાંથી? ઓહ! હું ભૂતકાળમાંથી સફાળો જાગી ગયો ને પછડાયો વર્તમાનમાં. મુન્નો રડતો હતો. મુન્નો…અમારા પ્રથમ પ્રેમનું પ્રથમ સંતાન.લગ્ન પછી એકાદ વર્ષમાં જ સપનાએ મને વધામણી આપતા કહેલું કે તમે હવે પિતા બનવાના છો. હું પિતા બનવાનાં ઘેલાં સપનાં આંખોમાં આંજી આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.

એક દિવસ…પુત્ર વધામણીની ખુશી જાહેર કરતો હર્ષોલ્લાસ મારા કાનમાં ગુંજી રહ્યો હતો અને હું સપનાને મળવા હરખભેર હોસ્પિટલના તેના વોર્ડ સુધી દોડ્યો ત્યાં જ ડૉક્ટરનો અવાજ સંભળાયો, “મિસ્ટર ભારદ્વાજ, તમારાં પત્નીનો કેસ થોડો કૉમ્પ્લિકેટેડ હતો. દીકરાનો જન્મ થયો છે પણ બાળક વિકૃત જન્મ્યું છે. શારીરિક કે માનસિક રીતે તે વિકસિત થઈ શકે તેવી કોઈ જ શક્યતા નથી. તે જીવે ત્યાંસુધી તેની તમારે સારસંભાળ કરવાની રહેશે.”

હું સ્તબ્ધ બની ત્યાં ખોડાઈ ગયો.

“ધીરજ રાખો મિસ્ટર ભારદ્વાજ, હિંમતથી કામ લો.” ડૉક્ટરે મારા ખભા પર હળવો સ્પર્શ કરી મને હિંમત આપી.

હું લથડાતી ચાલે સપનાના વોર્ડ તરફ ચાલ્યો.

“ક્યાં છે આપણું બાળક? છોકરો છે કે છોકરી? હજુ સુધી મારી પાસે કેમ નથી લઇ આવ્યા?” એમ કહી મને વળગીને સપના અધીરાઈથી મને અસંખ્ય સવાલો પૂછી રહી હતી.

હવે હિંમત રાખવાનો મારો વારો હતો. “સપના, ડૉક્ટરસાહેબ તેને તપાસી રહ્યા છે. થોડીવારમાં નર્સ તેને લઈ આવશે.” મેં સાંત્વન આપ્યું.

સપના પોતાના જીગરના ટુકડાને જોવા ઉતાવળી થઈ રહી હતી અને હું ‘એ પળ જેટલી પાછી ઠેલાય તેમ સારું’ એવું વિચારી રહ્યો હતો.

નર્સ બાળકને લઈને આવતી દેખાઈ અને મને ધ્રાસકો પડ્યો. તેણે બાળકને લાવીને સપનાના પડખામાં સુવડાવ્યું. મોટું માથું અને સંકોચાઈ ગયેલાં વિકૃત અંગો જોઈને સપના છળી ઊઠી, “અરે, આ શું? આને શું થયું છે?” સપના રડતી રહી.હું એને કહેતો રહ્યો, “સપના, જે છે તેને સ્વીકારી લે. આપણે એની સારવાર કરાવીશું તો બધું સારું થઈ જશે.” મેં ઠાલાં આશ્વાસનોથી ધીરજ બંધાવતા કહ્યું.

બાળક રડવા લાગ્યું અને નર્સે સપનાને કહ્યું, “એને છાતીએ વળગાડો એ ભૂખ્યું થયું છે.”

પણ સપના પીઠ ફેરવીને સૂઈ ગઈ. ‘મારે નથી જોઈતું બાળક, એને લઈ જાઓ મારી નજર સામેથી, એ મારું બાળક નથી. મારું બાળક આવું હોય જ નહીં. હું જેવી છું એવું સુંદર અને તંદુરસ્ત બાળક મારે જોઈએ છે.’ તે ચીસો પાડીને બોલતી રહી.

નર્સે બાળક માટે દૂધની વ્યવસ્થા કરી. સપના માની નહીં.

“આપણે આ બાળકને હોસ્પિટલમાં જ છોડી દઈએ?” સપનાએ હોસ્પિટલમાંથી ઘરે જતી વખતે જીદ કરતા કહ્યું.

“ના, એવું નહીં બને. હું એને ઉછેરીશ. એ આપણું એક અંગ છે સપના, આ કુમળા ફૂલનો શો વાંક?” મેં તેને સમજાવતા કહ્યું.

“ના, હું મારી જિંદગી આવા માંસના લોચાની સંભાળ રાખવામાં વેડફી નાખવા નથી માગતી. મારે તો નૃત્યમાં હજુ નામના મેળવવાની છે.” તિરસ્કાર અને અહંકાર તેના શબ્દેશબ્દમાંથી ટપકતો હતો.

“તું ના માને તો હું બીજું તો શું કરી શકું? પણ જ્યાંસુધી આ બાળક જીવે છે ત્યાંસુધી હું મારા જીવથી પણ વધું તેની સંભાળ લઈશ. તારે જે કરવું હોય તે કરી શકે છે. હું મારા બહારનાં કામકાજ છોડી દઈશ અને ઘરમાં બેસીને બીજાં નવાં કામ શરૂ કરીશ પણ બાળકને કોઈ અજાણ્યાના હાથમાં હું ક્યારેય નહીં છોડું.”

અને આમ અમારા સંસારનું ગાડું તેની ગતિએ જઈ રહ્યું છે. બાળકના જન્મને બે વર્ષ થઈ ગયાં છે. તેની સારવાર ચાલુ છે, પણ એનો ખાસ વિકાસ નથી દેખાતો. સપના એના શિડ્યૂલ મુજબ પોતાની કેરિયર બનાવવામાં વ્યસ્ત છે. આજે અહીં તો કાલે ત્યાં.બાળકની સામે જોવાનો તેને ટાઈમ નથી, એ મરે કે જીવે એને શું !

મેં એક કોમ્પ્યુટર લીધું છે અને તેના પર કામ કરીને આખી દુનિયા સાથે સંબંધો જાળવીને લેખનકાર્ય કરું છું. સાથે મુન્નાની સંભાળ પણ રાખું છું. મારા હ્રદયના એક ખૂણામાં ઊંડે ઊંડે આશાનો એક દીપક ટમટમે છે કે ક્યારેક તો સપનાની અંદર રહેલું માતૃત્વ જાગશે અને ત્યારે… …

અને એક દિવસ એવું બન્યું કે મોડી રાત્રે હું ડ્રોઈંગરૂમમાં બેસીને કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો. સપના બેડરૂમમાં સૂઈ ગઈ હતી અને પારણામાં મુન્નો સૂઈ ગયો હતો.

અચાનક મુન્નાના રડવાનો અવાજ સંભળાયો અને રુદન સાથે મા…મા…નું આક્રંદ પણ ભળ્યું. હું ચમક્યો કે મુન્નો તો બોલી જ નથી શકતો, તો પછી આ મા…મા…નું આક્રંદ !! અને મેં દોટ મૂકી બેડરૂમ તરફ. ત્યાં જે અપ્રતિમ દ્રશ્ય જોયું તેનાથી હું બારણામાં જ સ્થિર થઈ ગયો. મેં શું જોયું ! સપના ઊંઘમાં આકળવિકળ થઈને દોડતી દોડતી મુન્નાના પારણા પાસે ગઈ અને ઝડપથી તેને બે હાથમાં ઊંચકી છાતીએ વળગાડી, તેને પ્રેમના અમીરસમાં ભીંજવતા બોલવા લાગી, “હા, મારા બેટા, હું તારી મા, તને છોડીને ક્યાંય નહીં જાઉં મારા દીકરા !”  આ એ ધન્ય ઘડી હતી જેની હું વરસોથી રાહ જોઈ રહ્યો હતો. હા, સપનાનું માતૃત્વ જાગી ઊઠ્યું હતું.


‘તેને મા મળી ગઈ’ કૃતિ અગાઉ  સાલ-2006માં વિશ્વવિજય પ્રકાશન-દિલ્હી પ્રેસના ‘ગૃહશોભા’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલી છે.


અમિતા દવે, અમદાવાદ  -ફોન નંબર-+91 7567679811

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.