લુત્ફ-એ-શેર: મણકો # ૮૨

ભગવાન થાવરાણી

લોકપ્રિય હોવું અને ગુણવત્તાપૂર્ણ પણ, આ બન્ને ચીજ ઘણી વાર એકમેકથી વિપરીત હોય છે. સાબિર ઝફર આ બન્ને છે. પાકિસ્તાનના મશહૂર બેંડ ‘ જુનૂન ‘ માટે એમણે અનેક ગીત લખ્યાં જે નવી અને જૂની બન્ને પેઢીની પસંદગી પામ્યા. કેટલી બધી ફિલ્મો અને ટીવી સિરિયલના શીર્ષક ગીતો પણ એમણે લખ્યા. મને એમનો પરિચય થયો ગુલામ અલી સાહેબે ગાયેલી આ ગઝલથી :

દરીચા બે-સદા કોઈ નહીં હૈ
અગરચે બોલતા કોઈ નહીં ..
( દરીચા = બારી અથવા નાનકડું બારણું )
એમની કલમ વિષે શું કહું ? આપ જ જોઈ લો :
મૈને  ઘાટે  કા ભી એક સૌદા કિયા
જિસસે જો વાદા કિયા, પૂરા કિયા ..
‘ ઉજાલા ‘ ફિલ્મના શૈલેન્દ્ર લિખિત ગીત  ‘ અબ કિસી કો કિસી પર ભરોસા નહીંમાં નિહિત વ્યથાને સાબિર સાહેબ આમ વ્યક્ત કરે છે :
અજબ એક બે-યકીની કી ફઝા હૈ
યહાં હોના ન હોના એક – સા હૈ ..
( તરજુમો :  અજબ અવિશ્વાસનું વાતાવરણ છે
                 અહીં હોવું ન હોવું  એક – સમ છે.. )
અને કેટલાક ઘાવને તાજા જ રહેવા દેવાનો એમનો તર્ક જૂઓ :
ઝખ્મ – એ – ઈશ્ક હૈ, કોશિશ કરો હરા હી રહે
કસક તો જા ન સકેગી અગર યે ભર ભી ગયા..
પરંતુ હૂં ઓળઘોળ છૂં એમના આ શેર પર :
મિલું  તો  કૈસે  મિલું  બે-તલબ  કિસી  સે  મૈં
જિસે મિલું વો કહે, ‘ મુજ સે કોઈ કામ થા ક્યા ! ‘
 
આ આજના દૌર વિષે એક બહુ જ કડવી પરંતુ વ્યાજબી નુકતેચીની છે. કોઈને અમથું અને અકારણ મળવાની વાત તો જવા દો, અકારણ જ ફોન કરીને ખબરઅંતર પૂછવાનો યુગ પણ ચાલ્યો ગયો ! મને રહી-રહીને એ કાર્ટૂન યાદ આવે છે જેમાં સવારના પહોરમાં એક યુગલ નૂતન વર્ષની વધાઈ આપવા કોઈ મિત્રના ઘરનો દરવાજો ખટખટાવે છે. મિત્ર દંપતિ આંખો ચોળતાં દરવાજો ખોલે છે અને આશ્ચર્ય જતાવી પૂછે છે, ‘ અરે ! રૂબરૂ આવ્યા ? વ્હોટસેપ નથી ? ‘ !
વગર કારણે મળતા રહેવાનો એક શિરસ્તો હતો . સારું છે, મારી પેઢીના લોકોમાં એ હજી જીવંત છે અને એને સ્વાભાવિક માનવામાં આવે છે ..

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૮૨

  1. અદ્ભૂત વાત.. દર વખત ની જેમજ..સાચી વાત છે.આજકાલ એટલો બારીક યુગ ચાલી રહ્યો છે કે કોઈ ને વિશ્વાસ જ ના આવે કે ખાલી ખાલી કોઈ કોઈ ને મળવા જાય અથવા ફોન કરે!!!!!!!
    આ વાત તો બહુ જ નિષ્ઠા ની જ છે કે “મૈને ઘાટે કા ભી એક સૌદા કિયા
    જિસસે જો વાદા કિયા, પૂરા કિયા…… સોદો ભલે નુકસાન નો હોય વચન પૂરું કર્યા ના નફા નો તો જોટો જ ના મળે….
    આભાર સાહેબ… આભાર.

Leave a Reply

Your email address will not be published.