“વાહોપું”: વાડી રક્ષણની એક અગત્યની કામગીરી

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

માલપરાની લોકશાળામાં ભણતા ત્યારે અમે નાટકો ભજવતા. તેમાંનું એક નાટક : દીકરીનું આણું સીવવા પટેલે ઘેર સઇ બેસાડેલો. આ દરજીને થોડું યે કપડું ચોર્યા વિના ચેન ન પડે – એવી છાપ ! પટેલને એની બરાબરની ખબર. એટલે દરજીને આખો ‘દિ રેઢો નહીં મૂકેલો. બન્ને જણ આંખોથી વાત કરી લે. પણ બોલે નહીં. તો યે દરજી બોલી ગયેલો કે “અમે કપડું ન ચોરીએ તો તો અમારા ધંધામાં ધૂળ પડી કહેવાય પટેલ !”

પટેલ તો દરજીભગતની સામે સવારથી ખાટલી ઢાળીને બેસી ગયેલા. સાંજ પડવા આવી એટલે પટેલે પોરહાઇને ભગતને પડકાર્યા : “કાં ભગત ! આજની મારી ચોકી કેવી જડબેસલાક રહી ?”  “ના હો પટેલ ! હજુ કલાકનો ‘દિ બાકી છે. તમ તમારે ખબરદાર રહેવું. ખબર પડી જાય એને ચોરી થોડી કહેવાય ?” આમ વાતો હાલતી હતી ત્યાં દરજીભગતનું છોકરું આવીને એક રૂપિયો માગવા માંડ્યું. દરજી કહે “બેટા ! આજ રૂપિયો ખિસ્સામાં નથી. હું ઘેર આવીશ ત્યારે જરૂરથી આપીશ. અત્યારે ઘેર જા બેટા !”  પણ એમ માની જવાનું ઘેરથી ભગતાણીએ નહીં સમજાવેલું. ખૂબ રકઝક પછી છોકરે તો તાણ્યો ભેંકડો – ને મચાવ્યો કાળો દેકારો ! પટેલને દયા આવી ગઇ, અને કહે “ભગત ! એક રૂપિયા માટે આટલું બધું વઢોમાં ! રૂપિયો હું આપુ છું.”  “ના, ના, તમે રહેવા દ્યો ! હું જ એને આપી દઉં છું. એ…..લે  લેતો જા !” એમ કરી, મેરાઇએ છૂટ્ટો કર્યો ખાહડાનો ઘા ! પટેલને અરેરાટી થઇ ગઇ “હં, હં,  ભગત ! આવા નાના બાળકને ખાહડું મરાય ?” મેરાઇ કહે “ મારું બેટું ! તમારા કપાહના જીંડવા જેવડું છે, ને તીખા મરચા જેવી હઠ કરે છે ! ક્યારનો કહું છું, કે ભૈ ઘેર આવીને આપીશ, પણ હા-ના માં કંઇ સમજે જ નહીં ને ! ઇ જ લાગનું છે એ !”  અને છોકરું માળું એવું ભરાડી નીકળ્યું કે એના બાપનો ફેંકેલો જોડો લેતુંકને  ભાગી ગયું ! પટેલ કહે “ ભગત ! તમે તો લુગડું ન ચોરાયાની દાજ્ય છોકરા ઊપર ઉતારીને ?” “ ના પટેલ ! એ તો બેય વાના થઇ ગયા છે !” પટેલને મર્મી વાતની સમજણ ન પડી, કે છોકરાની વાંહે ફરફરતાં મેલેલાં ખાહડાંમાં ખોસેલો પોલકાનો પીસ છોકરાની હારો હાર ઘેર પહોંચી ગયો છે !

કંઇક આવું જ ખેડૂતોની સીમ-એટલેકે વાડી-ખેતરના રક્ષણ અર્થે થતી ચોકી બાબતનું. ખેતર-વાડીમાં યે વેળા ક વેળા અને રાત-વરત ચોર લોકો જે ખાહડાં ફેંકતાં રહેતાં હોય છે, એની થોડી વાત કરવી છે.

“રખોપું” અને “વાહોપું” આ બેય શબ્દો કેટલાકને કદાચ અજાણ્યા લાગશે. પણ ખેડૂતોને અને એમાંય જેણે રાત-વરત વાડી ખેતરના ઊભા મોલ કે તૈયાર થયેલ પેદાશને કોઇ બગાડી કે ઉપાડી ન જાય તે માટે ઉજાગરા વેઠી રાત-જગો અને હડિયાપાટી કરવા પડતાં હોય, એને આ શબ્દોનો પરિચય રોજિંદો છે.

રખોપું = ‘રખોપું રાખવું’ એટલે રક્ષણ કરવું. માલ, મિલ્કત કે જણસને કોઇ નુકશાન ન પહોંચાડી જાય, કે ઉઠાવી ન જાય તે બાબતનું ‘બરાબરનું ધ્યાન રાખવું’ એવો થાય.

તમે જ કહો ! ખેડૂતને ઝીણી-મોટી, તાળા વગરની, વેરવિખેર મિલ્કતોનો કોઇ પાર હોતો નથી. કૂવા, બોર, પાઇપલાઇનો, એંજીન, ઇ.મોટર, સ્ટાર્ટર, ઊભીમોલાતો, વાડીનામાલઢોર, મજૂરો, જમીનનાકટકા, મકાનો, સાંતીડાં, વખાર, કૂંડી-દાટા, ગંજી-ઓઘા, ખળા-ખળવટ વગેરે. એમાં નથી કોઇ મિલ્કત એક જગાએ એકઠી કરી શકાય તેમ હોતી કે નથી કોઇને  લૉક એન્ડ  કી માં રાખી શકવાની સ્થિતિ હોતી ! એ બધું સલામત રાખ્યા કરવાની ચિંતા ખેડૂતના માથાપર ભારણનું વાદળ બની છવાઇ રહેતી હોય છે; એટલે એના જીવને ક્યારેય સાવ નિરાંત હોતી નથી. આંટો ફેરો મારતા રહી, દરેક સ્થળે નજર તો ફરતી જ રહેતી હોય છે. છતાં કેટલાક ખાસ પ્રસંગ-પરિસ્થિતિઓમાં વિશેષ દરકારની જરૂર ઊભી થતાં, વધારે ચીવટ દાખવવા ખાસ માણસ-“રખોપિયો” મૂકી કે પોતે રખોપિયો બની જે રક્ષણ કરવું પડતું હોય છે તેને આપણે ખેડુતો “રખોપું કરવું” એમ કહેતા હોઇએ છીએ.

રખોપું બે બાબતોનું …..= પહેલું રખોપું પશુ-પંખીઓનું = ખેતી માટે કહેવત પડી ગઇ છે “મોર ખાય, ઢોર ખાય અને ચોર ખાય, પછી વધે તે ખેડૂતને ઘેર જાય” ! વાતેય સાવ સાચી છે હો મિત્રો !

[અ]….અમારી વાડીમાં તો 30-32 મોર-ઢેલનું ઝૂંડ, અરે ! એકવાર તો ઘઉં ટાણે અમે ગણતરી કરી, તો 35 ની સંખ્યા ભાળી ! પણ 30-32 ની સંખ્યા તો કાયમ હાજર જ હોય છે. મરચાં, ટમેટાં, ચોળા, મગ, કૂણાં તૂરિયાં, ગલકાં, દૂધી, કાકડી, જેવા શાકભાજીનાં કણકાં, ઉપરાંત કપાસના કૂણાં જીંડવાં અને રજકાના કૂણાં ડોકાં ખાતા પણ ભાળ્યા છે. પણ “મોર” એ તો આપણું ‘રાષ્ટ્રીય પંખી’ છે. અને પાછા વાડીમાં વ્યવસ્થિત રાઉંડ લગાવી, કેટલાય જીવડાં ખાઇ જઇ, મોલાતોને લાભ પણ કરતા હોઇ એને અમારી વાડીમાં નિર્ભય થઇ હરવા-ફરવા અને ચરવાની છૂટ આપી છે.

પણ જુવાર-બાજરાના ઘેરામાં દાણા ચડવાની શરૂઆત થઇ નથી કે કેટલાંક ચકલાં, વૈયાં, કાબરો જેવા પંખીડાં સીધા ડુંડા પર બેસીને એમાંથી દાણા વીણી ખાવાનું શરૂ કરે, તો પોપટ-સૂડા વળી આખેઆખા ડૂંડાં ચાંચેથી કાપી-પકડી-ઝાડવે લઇ જઇ મોજથી ખાય છે ! અને કાગડા ? કાગડા તો મારા વાલીડા મકાઇના ડોડામાં હજુ દાણા દૂધફૂલિયા ય ના થયા હોય ત્યાં ચાંચે ચાંચે છાલા ઉખાડી ડોડા બધા ટોચી નાખે, કે કબુતરાં જેવાં વળી વાવણી અર્થે છાંટેલ-પૂંકેલ જુવાર, ઘઉં, મકાઇ જેવાના બીયાં ચાંચે ચાંચે ઘરકોલી-શોધી-ઉગાવો નષ્ટ કરી દેવા લાગી પડ્યા હોય, ત્યારે ગોફણના ઘા અને હાંકલા-પડકારાથી એનું કામચલાઉ રખોપું કરવું પડતું હોય છે.

[બ]……જે તે વિસ્તારમાં, પર્યાવરણ પ્રમાણે-ક્યાંક હરણાં તો ક્યાંક મોટાં હરણાં એટલેકે રોઝડાં [નીલગાય], તો ક્યાંક વળી રામધણ અને નહીંતો જંગલી ભૂંડડાંનાં ટોળાં તો ખેડૂતની મોલાત ખૂંદી-ખાઇ બગાડવા વાટ જ જોઇ રહ્યાં હોય છે.કેટલાક પહોંચવાળા ખેડૂતો કાંટા-થોરની વ્યવસ્થિત ઘાટી વાડ કે તાર-થાંભલાનું ફેંન્સીંગ કરીને રેઢિયાર ઢોરાકે રામધણના નુકશાન રોકી શકતા હોય છે. પરંતુ રોઝડાં ? રોઝડાં તો આવી 7 ફૂટ ઊંચી વાડને પણ ધારેતો ઉપરથી રમ….કરતા કૂદી જઇને કે વાળામાં માથું મારી-એકાદ વાયર તોડી નાખી-અંદરથી ગરકી જઇ-નુકશાન કર્યા વિના રહેતાં નથી. અને ભૂંડડાં ? ભૂંડડાંને તો ઘડીને ભગવાને હાથ ભૂંડ જેવા ગંદા કરી નાખ્યા છે મિત્રો ! ભૂંડના ત્રાસથી તો 100 વિઘાની આખી વાડીમાં મગફળી, મકાઇ કે બાજરાનો એક છોડવો પણ ઉગાડી શકાતો નથી બોલો !

વાડી ફરતે ફેંસીંગ, અને ફેંસીંગ સાથે જમીનને અડીને અઢી ફૂટ ઉંચી લોખંડની ઝાળી-નેટ લગાડી છે. તો જમીનમાં બખોલ ખોદી, ઝાળી નીચેથી ગરકી ગરકી, એકલ-દોકલ નહીં, ડઝન ડઝનની વણજાર વાડીમાં પ્રવેશી જઇ મોલાતને હતી નહોતી કર્યે પાર કરતી હોય છે. મોલાત ફરતે કપડાં બાંધી આડશ કરી જોઇ, સોલાર બેટરીનો ઝટકો મૂકી જોયો, પણ ભૂંડડાંનો ત્રાસ હળવો કરી શક્યા નથી.

બીજું રખોપું અસાગરા-નખેધ માણસોનું = બીજું રખોપું – પૂછ્યા ગાચ્છ્યા વિના વાડીમાં ઘૂસી જઇ નુકશાન પહોંચાડનારા માણસોનું જ વળી ! ભરી બંદૂકના પહેરેદાર વાળી બેંકના લોકરો પણ જો માણસ તોડી શકતો હોય, તો વાડીની વાડ્ય એની શી વિસાતમાં ? થોરની વાડ્ય કે કાંટાળા તાર નઠારા માણસોને વાડીમાં આવતા રોકી શકતા નથી. એટલે ખેડૂતે પોતે અગરતો રખોપિયો રાખીને ય રખોપું કરવું પડે છે. જેથી વાડી એની રંજાડથી બચી રહે.

પણ વધુ આકરું હોય છે  વાહોપું  =  રાત્રિ દરમ્યાન જે રખોપું કરવાનું થાય તેને “વાહોપું કર્યું”  કહેવાય છે. વાહોપામાં ય રોઝડા-ભૂંડડાંનો ત્રાસ તો દિવસ કરતાં રાત્રે વધારે રહેવાનો ! ઊભા મોલમાં રખોપું કરવા રખોલિયો ઊભો છે, તેવો ભાસ ઊભો કરવા ખેડૂતો પ્લાસ્ટિકના ધોળા કકડા ફરફરે તેમ ઊંચા બાંધીને કે ચાડિયા [ઓડા] ઊભા કરી રોઝ-ભૂંડને આઘા રાખવાના પ્રયત્નો કરતા હોય છે. પણ જમાના પ્રમાણે એની નવી પેઢી  હોંશિયાર બની ગઇ હોય તેવું લાગે છે. આવા ચાડિયા સાથે તો એને બરડો ઘસતી ભાળી છે, એમાં બીકથી  દૂર રહેવાનું ક્યાં રહ્યું ? એટલે આંટો-ફેરો મારતા રહેવા ઉજાગરો વેઠ્યા સિવાય આરો વારો હોતો નથી.

ખરું વાહોપું પાકની કાપણી વખતનું = કેટલાક પાકો જ એવા હોય છે, કે જે છોડ-ઝાડ પર પાકીને તૈયાર થયા પછી, માર્કેટમાં મોકલતાં પહેલાં ખળા-ખળવટની  વિધિ કરવી પડતી હોય છે. એટલે કાપણી પછી સુકવણી કરવાની થાય, તે કંઇ સંકડાશમાં-સૂર્યતાપની હાજરી ન હોય એવી જગ્યામાં તો થઇ જ શકે નહીં ? વળી એ કામ કંઇ એક દિવસમાં પતે એમ હોય નહીં ! આવા ટાણે કેટલીક રાત્રિઓ સીમચોરીના અઠંગ સાગરિતો સામેનું રખોપું વધુ હિંમત અને ચીવટ માગી લે તેવું બનતું હોય છે. કારણ કે એવા જણ ચાલાકી, બેશરમી અને નફ્ફટાઇ-ત્રણે વાતે પૂરા હોય છે. તેમની સાથે કામ લેવું એટલે ખૂબ સાવચેતી રાખવી પડે. દા. ત. બાજરો કે જુવારનો પાક લણ્યા પછી એના ડૂંડા-કણસલાં ને ખળામાં સુકવવાં પડે. મગફળી ખેંચ્યા પછી અને કઠોળના છોડવા વાઢ્યા પછી તેના પાથરા પડામાં જ સુકાવા દેવા પડે. તલને વાઢી લીધા પછી ખંખેરતાં પહેલાં પહોળી જગ્યામાં ઊભડીઓ કરી, છોડવા સુકાવા દેવા પડે. એ સમયગાળા દરમિયાન કોઇ ઉપાડી કે ખંખેરી ન જાય, તે માટે વાહોપું કરવું પડે છે.

તો કેટલાક પાકો જ એવા હોય છે કે જે રાત્રિ દરમ્યાન-અંધારામાં પણ ચોરી જઇ શકાય તેવા હોય ! દા.ત. બગીચામાંથી દાડમ ઉતારી લેવા, કપાસ વીણી જવો, જીરુ ખેંચી જવું, ખળેથી બાજરો, જુવાર, મકાઇ, મગફળી કે ઘઉં, જીરુ, મેથી જેવો તૈયાર માલ ચોરી જવો. આ બધી વેળાઓ ખેડૂતે ખરું ધ્યાન રાખ્યા જેવી હોય છે મિત્રો !

અરે ! એકવાર અમારી વાડીના ફરજામાંથી લોહીએ લથબથ એવા કાબરા દેશી બળદને રાત્રિ દરમ્યાન વેડવા ચોરી ગયા હતા. એતો બાજુના ગામના જાયું ભાયુંની બાતમીના આધારે બીજા જ દિવસે ચોરનારા પકડાઇ ગયા. જો એક રાત્રિ ઉપરથી પસાર થઇ ગઇ હોત તો એકાદ શિંગડું તોડી કે આંખો ફોડી કતલખાને જ પહોંચાડી દીધો હોત, બોલો ! રાત્રિ દરમિયાન લીલો ચારો વાઢી જવો કે ઓઘા-ગંજીમાંથી સૂકી કડબના ભારા બાંધી જવા –એ ય ગણાય તો ‘સીમ ચોરી’ જ ! પણ થોડી હળવા પ્રકારની. અરે ! એકવાર વાડીમાં વાવેલ બકાલાના પ્લોટમાંથી ગાડું ભરાય એટલા ચીભડાં અને તરબૂચ બાજુના ગામના જુવાનિયાની ટણક ટોળી ઊપાડી ગયેલી. પણ ચીભડાંના ચોરને કંઇ ફાંસીની સજા તો ન જ હોયને ? ઠપકો દઇ, ફરી આવું નહીં કરવાના ‘સમ’ ખવરાવી પ્રશ્ન ઉકેલેલો.

જો ધ્યાન ન રહ્યું તો આર્થિક દ્રષ્ટિએ નબળા અને આળસુ, હરામી-શરમ વગરના લોકો કોઇના એંજીનની ટાંકીમાંથી ક્રુડ ઠાલવી જાય, મશીનના નોઝલ-પ્લંજર કાઢી જાય, પટ્ટો કાપી જાય, ઇ.મોટરનો કેબલ કાપી-ઉપાડી જવાના ઉંદર પ્રયાસો રાત્રિ દરમિયાન જ કરવા ગાળો શોધતા હોય છે.

દિવસના રખોપા કરતાં રાતનું વાહોપું વહમું એટલા માટે લાગે કે રાત્રિ દરમ્યાન હોય અંધારું ! શેઢે ઊભેલ આંકડો પણ જો હૈયું દુબળું હોય અને બીક લાગતી હોય તો કોઇ માણહ ઊભો હોય એવો જ ભાસ થાય ! એટલે જે જણને જરીકેય બીક લાગતી હોય એનું કામ વાહોપું કરવાનું નહીં ! છાતી 36 ઇંચની હોય, અને પગમાં ફીટ જોડા, હાથમાં બેટરી અને રક્ષણાર્થે કે જરૂર પડ્યે શકદાર માથે ઘા વાળી લેવા બીજા હાથમાં લાકડી હોય પછી બીક શાની ? કોની મા એ સવાશેર સૂંઠ ખાધી હોય કે આપણા વાહોપાનું પાણી માપી જાય ? આપણે ક્યાં બીજાનું જરીકે ય જોઇએ છે ? જે આપણા હક્કનું, પરસેવાની કમાણીનું છે. એનું રખોપું કરવાની તો ત્રેવડ હોવી જોઇશેને ?

હા, એટલું ખરું કે આખો દિવસ ખેતીકામમાં બથોડા ભર્યા હોય, એટલે થાક જ એટલો લાગ્યો હોય કે ભૂલ્યમાં ય જો આડા પડ્યા, તો એકવાર તો આંખ મિંચાઇ જ જવાની ! અને ચોર લોકો તો એની જ ટાંપમાં હોય કે ચૂક ક્યારે પડે ? એટલે બે જણા હોઇએ તો ય વારાફરતી –ગાળો મળ્યે નિંદર નહીં, પણ કાગાનિંદરથી જ સંતોષ લેવો પડે !

કપાણ્યે ચડી જવાયું હોય તો ? = ક્યારેક એ લોકો ઝાઝા હોય, અને આપણને ઘેરી લઇ મંડી પડ્યા હોય મારવા તો ? અમારે દિયાળદાદા વાત કરતા કે “ હું એકલો વાડીએ વાહુ ગયેલો, અને માળા ભરવાડોએ પહર ઢોરાં લાવી મોલાતમાં છૂટા મૂક્યાં હું થયો સામો. હું હતો એકલો અને એ હતા જણા ત્રણ. મને પકડી થોડા ધોલ-થપાટ કર્યા. પણ મારાથી એવું બોલાઇ ગયું કે “દીકરાઓ ! કંઇ વાંધો નહીં ! ભાગી ભાગીને જશો ક્યાં ? હું તમને બધાને ઓળખી ગયો છું. સવારે તમારી વાત છે !” અને માળું “ઓળખી ગયો છું” વેણ સાંભળ્યા ભેળા ત્રણે જણ પાછા ફર્યા અને મને એવો માર્યો, એવો માર્યો કે મારું હવે ઢીમ ઢળી ગયું છે એમ લાગ્યું, ત્યારે ‘મરેલો’ જાણી ભાગી ગયેલા. જોકે કુદરતની દયાથી હું જીવી ગયો ને સાજો થઇ ગયો. પણ વાહોપું કરનારે ધીંગાણામાં સામાવાળાને ભલે ઓળખી ગયા હોઇએ તો પણ તે ટાણે તો મનમાં જ રાખવું. તંઇ જાહેર કર્યે તો મારી જેવા જ હાલ થાય ભાઇઓ !”

પણ મોટાં રખવાળાં તો રાજા રામનાં ! અને આ બધી મિલ્કતો કોની ? એની જ ને ! इशा वास्यम इदम सर्वम यकिंचित जगत्यां जगत [ઇશનું રાજ્ય છે આખું, જે જે આ જગની વિશે] છતાં આપણે તો એના મૂકેલા રખોપિયાઓ એની મિલ્કતનું રખોપું કરી રહ્યા છીએ એમ માનવું.  કોઇપણ જાતનો પાક બગાડો આપણને ઈશ્વરે સોંપેલ ફરજમાં ખામી ગણાય. કર્તવ્ય આપણી ફરજ છે – ફળ હરિને હાથ છે !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.