ભક્ત, કવિ અને સાધક: નરસિંહ મહેતા

શબ્દસંગ

નિરુપમ છાયા

ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન યુગમાં ભક્ત કવિ નરસિંહ મહેતાનું સ્થાન  સર્વોપરિ ગણાય છે. મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોષી એ તેમને ‘આદિ કવિ’ કહ્યા છે, અને ક. મા. મુનશી તેમનો ઉલ્લેખ “નરસૈંયો ભક્ત હરિનો” તરીકે કરે છે. પણ નરસિંહ મહેતા તો એથીયે વિશેષ છે એવું આપણને  એમનાં જીવન અને  પદકૃતિઓ પરથી જણાય છે. જાણીતા વિદ્વાન વિવેચક સર્જક બળવંતરાય ઠાકોર તો તેમને “ત્રીજા નેત્ર”ની પ્રસાદી ગણાવે છે. આ બધાં વિધાનોને ધ્યાનમાં રાખીને આપણે નરસિંહ મહેતા વિષે જાણવાનો પ્રયત્ન કરીશું.

પ્રશ્ન જરૂર થાય કે નરસિંહ મહેતા વિષે આપણે શા માટે વાત કરી રહ્યા છીએ. કારણ એટલું જ કે હમણાં નરસિંહ મહેતાની હારમાળા જયંતિ આવી ગઈ. એની પાછળની કથા બહુ જાણીતી છે. નરસિંહને સમજી ન શકતા લોકો છેવટે જૂનાગઢના  રા’ માંડલિક પાસે જાય છે અને પછી રા’ તેમને જેલમાં પૂરી, એની ભક્તિની કસોટી આપવા માટે કહે છે જેમાં એ શરત મૂકે છે કે કૃષ્ણ પોતાનાં ગળામાં રહેલો હાર નરસિંહને પહેરાવી દે.કથામાં ઘણા વળાંકો આવે છે પણ છેવટે નરસિંહના ગળામાં હાર આવી જાય છે અને કસોટીમાંથી પાર ઉતરે છે. એ ઘટનાની ઉજવણી થતી હોય છે. ભુજમાં પણ નાગર વ્યવસ્થાપક મંડળ દ્વારા એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થાય છે. ચાલુ વર્ષે પણ આવું આયોજન થયેલું અને વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય, રાસ વગેરે કાર્યક્રમો યોજાયેલા. ખેર, આ તો આડવાત થઈ. આપણે ફરી મૂળ વાત નરસિંહની કરવાની છે એના પર  આવીએ.

અહીં જે વિગતો આપી છે એ સંશોધકો અને વિદ્વાનોએ, પ્રાપ્ત વિવિધ દસ્તાવેજો, હસ્તપ્રતો અને એનાં ઝીણવટભર્યાં આકલન પર આધારિત છે. અને એમાં પણ ઘણા ભિન્ન મત છે. એ અંગે સામયિકોમાં વિદ્વાનોની ચર્ચાઓ પણ થયેલી છે. એક તો એમનો  જન્મસમય નિશ્ચિત થઇ શકતો નથી. પણ કેટલાક તર્કને આધારે ઈ. સ. ૧૪૧૪માં એમનો જન્મ થયો એવું મનાય છે. એમનાં પદોની પહેલી હસ્તપ્રત ઈ. સ. ૧૬૧૨માં મળી છે. આપણે ત્યાં મોટી સમસ્યા દસ્તાવેજીકરણની રહી છે. એક નરસિંહ મહેતા જ નહીં, કેટલીયે બાબતોમાં આ સમસ્યા છે.. એની સામે પશ્ચિમના દેશોમાં આ કાર્ય ઘણું સભાનતાપૂર્વક થયું છે. ઉદાહરણ તરીકે શેક્સપીઅર વિષે સાંગોપાંગ વિગતો મળે છે, એમની કૃતિઓ પણ યથાતથ સચવાઈ છે, આદ્યકવિ ગણાતા નરસિંહ મહેતાનાં પદો એમનાં છે કે નહીં એ વિષે હજુએ ચર્ચા ચાલે છે.

પણ અગાઉ જોયું તેમ વિદ્વાનોના મતને ટાંકીએ તો ભલે વિવાદાસ્પદ હોય, પણ નરસિંહ મહેતાનાં ૮૦૭ પદો મળે છે એમ કહેવાય છે. આ પદોના પણ અનેકવિધ પ્રકારો જણાવાયા છે. જેમાં આત્મચરિત્રાત્મક, જ્ઞાન, સૂફી ભાવ, દાણલીલા, વાત્સલ્ય જેમાં કૃષ્ણજન્મ અને તેની લીલા,ચાતુરી, શૃંગાર, રાસ, વાંસળી, ઝારી, ચાંલ્લા, ગોપીસંદેશ વગેરેનો સમાવેશ થાય છે.

નરસિંહ મહેતાનાં વ્યક્તિત્વને સમજીએ તો એ ફક્ત ભક્ત નથી, પણ એમનામાં જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગનો સમન્વય થયો છે.  આ પાસાંઓને આપણે ઉદાહરણો સાથે સમજવા પ્રયત્ન કરીશું.

મને એવું લાગે છે કે નરસિંહની ભક્તિનો આરંભ સાધનાથી થાય છે. આ સાધના પણ પ્રયત્નપૂર્વકની નથી, સહજ થઇ છે. ભાભી મહેણું મારે છે અને એ ઘર છોડી નીકળી પડે છે.એક અપૂજ શિવલિંગને  જોતાં એના આકર્ષણથી ત્યાં જ એકાકાર થઇ જાય છે. આને  ધ્યાનયોગ નહીં તો બીજું શું નામ આપી શકાય? આ રીતે થોડા દિવસ રહ્યા પછી શિવ એના પર પ્રસન્ન થાય છે અને એમની પાસે ‘તમને જે પ્રિય હોય એનાં દર્શન કરાવો’ એવું માગતાં એમને કૃષ્ણની રાસલીલા સદેહે જોવા મળે છે, એમાં પણ એ એટલા ધ્યાનસ્થ થઈ જાય છે કે દંતકથા પ્રમાણે એમનો મશાલ પકડેલો હાથ સળગે છે એનો પણ ખ્યાલ રહેતો નથી! ધ્યાનયોગની આ પરાકાષ્ઠા! ( જો કે એક મત એવો પણ છે કે આ નકરી જોડી કાઢેલી વાત કહેવાય કારણ કે  જ્યાં પરમાત્મા હોય, સૃષ્ટિનો પરમ પ્રકાશ વ્યાપ્ત હોય ત્યાં મશાલની શી  જરૂર?) પણ ગોપનાથ મહાદેવથી ઈશ્વરદર્શન સુધીની યાત્રા એ શૂન્ય, નિરાકારથી સાકાર, યોગમાર્ગથી ભક્તિમાર્ગની યાત્રા છે એવું આપણે સમજી શકીએ. પછી તો એમની ભક્તિની યાત્રા આરંભાય છે, કિર્તન અને સત્સંગથી સમાજને દંભ અને અનેક દૂષણો પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કરે છે. તેમની અનેક  કસોટી થાય છે, પણ એમાંથી એ શુદ્ધ કંચનની જેમ બહાર આવે છે. એ તો ગાય છે કે, ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે..” અને  “હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે, નિત્ય કિર્તન, નિત્ય ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે…” આવાં તો અનેક ભક્તિપદો સહુની જાણમાં છે.

પરંતુ નરસિંહ  ભક્ત માત્ર નથી.  આત્મતત્વને પામેલો જ્ઞાની છે, એટલે જ એનું જ્ઞાન કોરું નથી, અનુભૂતિથી રસાયેલું છે. એથી એ ગાઈ શકે છે કે ‘ગ્રંથ ગરબડ કરી.’.એના મતે  શાસ્ત્રોનું પોપટીયું રટણ,કરી, અંધપણે એને અનુસરવાં  એ જ્ઞાન નથી. સામે પક્ષે એ પોતાની અનુભૂતિ માટે  ગ્રંથોનું પ્રમાણ પણ આપે છે, “વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનકકુંડલ વિશે ભેદ ન હોયે” આપણે ત્યાં અખાને જ્ઞાનમાર્ગી કવિ કહેવાય છે પણ આ નરસિંહ તો એનાથીયે પહેલાં જ્ઞાનની વાત કરે છે. ગીતા, ઉપનિષદ અને વેદ વચનોને સમાંતર એની પંક્તિઓ મૂકી શકાય છે. “નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે..”  જ્ઞાન પ્રાપ્તિ થતાં આતમ કેવો પ્રકાશી ઉઠે છે એનું વર્ણન કરે છે, “ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોરમાં હેમની કોર જ્યાં નિરસે તોલે, નેત્રવિણ નીરખવો રૂપ વિણ પરખવો”, અને “અચેત ચેતન થયો,ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી”  જાગી ગયા પછી માયારૂપ જગત  અદૃશ્ય થઇ જાય છે.. ભ્રમનો પરદો ખસી જાય છે અને સાચું દર્શન લાધે છે, “જાગીને જોઉં તો જગત દિસે નહીં, ઊંઘમાં અટપટા ભાસ ભાસે…” અને  “જાગને જાદવા..” પદ વાચ્યાર્થમાં નહીં પણ ગહનતાથી સમજવાનું છે… “ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા…” પંક્તિઓ જ અનંત વર્તુળાકાર   બ્રહ્માંડનું દર્શન કરાવે છે..   આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી જ એ શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને પણ જાણે પડકાર ફેંકી શકે છે, “ હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું હઈશ ત્યાં લાગી તું રહેશે, હું જતે તું ગયો અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે?” પ્રશ્ન પણ થાય કે આટલો જ્ઞાની આત્મા બીજાં સામાન્ય  પદો કેમ રચે? નરસિંહ એનો પણ ફોડ પાડે છે, ‘મન વચન ચાતુરી, અગમઅગોચર જેહ છે, બ્રહ્મવાદ નિર્બોધ છે તેને સમજશે કોણ ?”

ભક્ત, જ્ઞાનીની સાથે એ કર્મયોગી પણ છે. દામોદર કુંડમાં નાહવા જતી વેળા દલિત સમાજના લોકો તેને પોતાના વાસમાં કિર્તન માટે આમંત્રણ આપે છે ત્યારે સર્વમાં ઈશદર્શન કરી સહુને સમાન ગણતા આ ભક્ત એ આમંત્રણ સ્વીકારે છે એટલું જ નહીં, સમાજને ભેદભાવ દૂર કરવા એક સંદેશ પણ આપે છે. સામાજિક ક્રાંતિના  જાણે કે અગ્રેસર બને છે. એ સમયે આ હિંમત કરવી એ પણ મોટી ક્રાંતિ હતી. એમના જીવનના સર્વવિદિત પ્રસંગોમાં જયારે જયારે એની ઠેકડી ઉડાડવાનો પ્રયત્ન થાય છે ત્યારે ઈશ્વર પરની શ્રદ્ધાનું દર્શન કરાવી, વામણા સમાજને, પરંપરાને પડકારી, સર્વોપરિ એવાં  શ્રદ્ધાપૂર્ણ જ્ઞાન, ભક્તિનો માર્ગ પ્રકાશિત કરે છે.

યોગી તરીકેનો પણ એનો નાનો એવો પરિચય પ્રારંભમાં મેળવ્યો પણ યોગશાસ્ત્ર, પ્રક્રિયા, એની અનુભૂતિ પણ ઊંડી  છે. બહુ જાણીતું પદ છે. ‘જળકમળ છાંડીને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે..’  સામાન્ય લાગતાં આ પદમાં યૌગિક સાધનાનું દર્શન અદભૂત રીતે કરાવ્યું છે. જાણીતા સર્જક શ્રી જવાહર બક્ષી યોગી પરંપરા, યોગગ્રંથોના ઊંડા અભ્યાસી તો છે જ પણ એક વિશેષ બાબત એ પણ છે કે તેઓ પોતે અધ્યાત્મમાર્ગના પથિક પણ છે. તેઓ નરસિંહન આ પદને પશ્ચિમના  આધુનિક સાહિત્યની  ABSORD શૈલીમાં મૂકતાં  કહે છે કે આ પદમાં અર્થ સમજાય નહીં એ રીતે પંક્તિઓ આવે છે. પણ પછી એને યૌગિક સાધના સાથે જોડી એનું સુંદર રસદર્શન કરાવે છે. તેઓ નાગણને કુંડલીનીનું પ્રતિક ગણાવી, એનાં જાગરણની સાધના કરતાં કરતાં યોગશાસ્ત્રોમાં દર્શાવેલાં મનુષ્યમાં રહેલાં સાત ચક્રો-મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણીપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા,માંથી આગળ વધતાં એનું ઊર્ધ્વીકરણ થતાં થતાં મનુષ્યમાં જે પરિવર્તન આવતું જાય અને  અંતિમ સહસ્ત્રાધાર સુધી પહોંચતાં દર્શન અને અનુભૂતિના વિસ્ફોટ સુધીની યાત્રા સુંદર રીતે સ્પષ્ટ કરે છે. એક એક અર્થઘટન બહુ તાત્વિક, ગહન અને વિશદ છે, એટલે  આજના વિષય પુરતું જ આપણે એમાંથી આચમન કરીએ છીએ. એક મજાની ઘટના બને છે. પ્રારંભમાં  નાગણ, ‘સ્વામી અમારો જાગશે..’ એમ કહી નાગને સ્વામી દર્શાવે છે. પણ કૃષ્ણ નાગનું દમન કરી લે છે એટલે કુંડલિનીનું સ્વરૂપ જાણે બદલાઈ જાય છે. એ જાણે કે સાધકની આજ્ઞામાં આવી જાય છે. એટલે જ, અંતે પંક્તિમાં આવે છે, “બેઉ કર જોડી વીનવે સ્વામી! મૂકો અમારા કંથને”….આમ કંથ એ જ રહે છે પણ  સ્વામી બદલાઈ જાય છે. આમ અહીં આપણને નરસિંહનાં એક અગાધ અમાપ વ્યક્તિત્વનો પરિચય થાય છે.

નરસિંહને કોઈ એક આયામમાં કે ઉપલક રીતે જ સમજવા કરતાં તલસ્પર્શી રીતે   વિવિધ આયામોમાં સમજવાનો પ્રયત્ન થાય એ જરૂરી છે.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ભક્ત, કવિ અને સાધક: નરસિંહ મહેતા

    1. જરા વિશેષ સ્પષ્ટ કરશો તો મારી સમજ વિકસાવવામાં ઉપયોગી થશે. ક્યાંય કચાશ , અધૂરાશ હોય તો ચીંધવા વિનંતી.. પ્રતિભાવ પાઠવ્યો એ માટે આભાર, આનંદ..

Leave a Reply

Your email address will not be published.