નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૬

જેટલો આનંદ અને સંતોષ આપવામાં છે એટલો લેવામાં નથી

નલિન શાહ

સવાર પડી અને સમારંભની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ. ફૂલોના ટોપલા ખડકાઈ ગયા. માળાની જેમ ગૂંથેલી સેરો પરોવવા માંડી. કુશનવાળી આરામદાયક ખુરશીઓમાં ગોઠવાઈ. હોલમાંથી બધું ફર્નિચર હટાવી દેવામાં આવ્યું હતું, સર્વત્ર સુગંધ પ્રસારવા ધૂપસળીઓની ગોઠવણી થઈ. બધું વ્યવસાયી ડેકોરેટરની દેખરેખ નીચે થઈ રહ્યું હતું. કેટરર્સ પણ ખાવાપીવાની વ્યવસ્થામાં ગૂંથાઈ ગયા હતા. હોલને છેડે એક ફુટ ઊંચુ મોટું પ્લેટફાર્મ બન્યું હતું, જેના પર બંને તરફ દીવાન જેવી શુભ્ર ચાદર બિછાવેલી ગાદીઓની બેઠકો હતી અને અઢેલવા માટે લાંબા ગોળ તકિયા હતા. એક મોટી કોતરકામવાળી, મખમલ બિછાવેલી, લગ્નમાં વર-વધૂને શોભે એવી ખુરશી બે દીવાનોની વચ્ચે મૂકાઈ હતી. સાઉન્ડ સિસ્ટમ અને મૂવિ કેમેરાની વ્યવસ્થા અમિતકુમાર થકી યોગ્ય માણસોને સોંપાઈ હતી. માનસીની નિર્ધારિત યોજના પ્રમાણે બધું વ્યવસ્થિત રીતે ગોઠવાય એની તકેદારી ફિલોમિના જાળવતી હતી. ધનલક્ષ્મી મૂક સાક્ષી બનીને બધું જોતી રહી. એને ખાતરી હતી કે પ્લેટફોર્મ પર એક માત્ર ભવ્ય ખુરશી કેવળ સ્વામી માટે હશે, પણ બંને બાજુની બેઠકો અમિતકુમાર સિવાય બીજા કોને માટે હશે એની કલ્પના ના કરી શકી. ‘શક્ય છે સુનિતા શેઠ માટે હોય!’ એને માટે સુનિતાની ઓળખાણ એક અતિ સમૃદ્ધ મોટા ઘરની મહિલા સિવાય કશું નહોતી. ‘સાંભળ્યું છે કે દાનવીર છે અને સમાજસેવાનું કામ કરે છે. તે મારે શું?નવરી બેઠી બેઠી બીજું કાંઈ સૂઝતું નહીં હોય!’

માનસી અને સુનિતાએ આપસમાં મસલત કરીને ઠેરવ્યું હતું કે સર્વે આમંત્રિતો આવી જાય પછી જ થોડો મોડેથી શશી અને સુધાકર આગમન કરે. ડ્રાઇવરને એ મુજબ જરૂરી સૂચના આપી દીધી હતી. ફંક્શનની શુભ શરૂઆત કરવા એક પ્રખ્યાત ભજનગાયકને ચાર-પાંચ પ્રચલિત ભજનો ગાવા આમંત્રિત કર્યા હતા.

નિર્ધારિત સમય પહેલાં જ આમંત્રિત મહેમાનોથી હોલ ભરાઈ ગયો. ધૂપસળીઓથી વાતાવરણમાં સુવાસ ફેલાઈ ગઈ હતી. અભિનેતા અમિતકુમાર પણ સમયસર આવી પહોચ્યા હતા. એમને જોઈ લોકોએ રોમાંચની લાગણી અનુભવી. સુનિતા શેઠ અને અમિતકુમારને એક બાજુની ઊંચી બેઠક પર સાથે જગ્યા આપી હતી. સ્વામી પધાર્યા અને લોકોએ ઊભા થઈ એમનું અભિવાદન કર્યું. ધનલક્ષ્મી તો ડઘાઈ ગઈ, જ્યારે સ્વામીએ બીજી તરફના દીવાન પર સ્થાન ગ્રહણ કર્યું. એમની પાછળ એમના બે શિષ્યો ધાર ઉપર સંકડાઈને બેઠા હતા એ સમજી ના શકી કે વચ્ચેની ભવ્ય ખુરશી કોને માટે હતી?

વયોવૃદ્ધ સ્વામી ગુજરાતમાં સ્થાયી હોવાથી તેઓ શશીના ગ્રામસેવાનાં કાર્યથી વાકેફ હતા અને સુનિતાના સસરાના સમયથી એમના કુટુંબ સાથે સંકળાયેલા હતા. સુનિતાએ એમને કેવળ સમારંભની યોજનાથી અવગત કર્યા, જે શશીની સંસ્થાને મદદરૂપ થવા, એના કાર્યને દાખલારૂપે પ્રસિદ્ધિ અપાવવા યોજાયો હતો. સુનિતાએ શશી જેવી તેજસ્વી ત્યાગમૂર્તિને યોગ્ય રીતે બિરદાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. સ્વામી ઉદાર અને નમ્ર હતા. એમણે સહર્ષ શશીને નવાજવા તત્પરતા દાખવી.

નિર્ધારિત યોજના પ્રમાણે સ્વામીના આગમન બાદ ભજનોનો દોર પૂરો થતાં જ શશી અને સુધાકરનું આગમન થયું. સુનિતા, અમિતકુમાર અને માનસીએ આગળ આવી એમને આવકાર્યાં. કતારમાં ઊભેલી માનસીની સહેલીઓએ એમના પર ગુલાબનાં ફૂલની પાંદડીઓની વર્ષા કરી. સ્વામીએ પણ ઊભા થઈ નમસ્કાર કર્યા. એમને જોઈ બધા મહેમાનો પણ ઊભા થઈ એમનું અભિવાદન કર્યું. ધનલક્ષ્મીને પણ એની સહેલીઓની સાથે કાંપતા પગે ઊભા થવું પડ્યું. સુધાકરે મહેમાનોની સાથે જગ્યા લીધી. માનસી અને સુનિતા શશીને ખુરશી પાસે દોરી ગઈ. શશી ખચકાઈને થંભી ગઈ. સિંહાસન જેવી ખુરશી પર બેસવું એને સંકોચજનક લાગ્યું. ત્યાં જ સ્વામીએ હાથ જોડી એને ખુરશી પર બેસાડી. ધનલક્ષ્મીનો ચહેરો ફિક્કો પડી ગયો. ઘડીભર થયું ધરતી ફાટે ને હું સમાઈ જઉં.’

પરાગ વિસ્મયથી જોઈ રહ્યો. જે થઈ રહ્યું હતું એ બધું એની જાણ બહાર હતું.

માનસીએ પોતાનું કોઈ સ્થાન સ્ટેજ ઉપર નહોતું રાખ્યું. એણે કેવળ સંચાલન કરવા ઉપર આવીને માઇક સાંભળ્યું. આમંત્રિતોનું અભિવાદન કરી સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવોને નામથી સંબોધી ધન્યવાદ આપ્યા અને શશીની વાત આદરી. પરાગ જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ એનો એના વાક્‍ચાતુર્યનો ઘમંડ પીગળતો ગયો. એને કલ્પના પણ નહોતી કે એની પત્ની એની વક્તૃત્વશક્તિથી સાંભળનારને મંત્રમુગ્ધ કરી શકે છે. માનસીએ શશીના સિદ્ધાંતો, સમાજસેવાની ધગશ, એણે કરેલો ત્યાગ અને સંઘર્ષની વાતો એટલી રસપ્રદ રીતે રજૂ કરી, જાણે કોઈ રોમાંચક વાર્તા ના કહેતી હોય! થોડા સમયમાં એણે શશીની પ્રતિભા એટલી અસરકારક રીતે ઉપસાવી કે એના વ્યક્તિત્વને લોકોએ તાળીના ગડગડાટથી વધાવ્યું. ધનલક્ષ્મી નીચું મોં રાખીને સાંભળી રહી. જ્યારે એની સહેલીએ કહ્યું, ‘વાહ, નસીબદાર છે તારો દીકરો. અમને એમ કે તારી વહુ બહુ સારી ડૉક્ટર જ છે પણ એ તો વક્તા પણ છે.’ ધનલક્ષ્મીએ જવાબ ન વાળ્યો. ત્યાર બાદ માનસીએ સુનિતાને માઇક ઉપર આમંત્રણ આપ્યું. સુનિતાએ શશીની મુશ્કેલીઓ, સફળતા અને ઉપલબ્ધિઓની વાતો કરી અને ગ્રામ્ય જીવનનો આનંદ માણવાનો મોકો પ્રદાન કરવા માટે એનો આભાર વ્યક્ત કર્યો.

ત્યાર બાદ અમિતકુમારે માઇક સંભાળ્યું. લોકોએ એને સાંભળવા એકાગ્રતાથી કાન માંડ્યા. એણે એમના ધીરગંભીર અવાજમાં કહ્યું કે માનસી એક અતિશય કાબેલ ડૉક્ટર હતી અને એની નિદાન કરવાની ક્ષમતા અને સલાહે એને ચિંતામુક્ત કર્યો હતો. આજના યુગમાં આવી મસીહા સમાજ માટે વરદાનરૂપ હતી અને શશીના સત્કાર્યમાં ભાગીદાર થવાનો મોકો આપવા માટે પોતે એનો ઋણી હતો. લોકોએ એને સફળ અભિનેતાનું બિરુદ આપ્યું હતું, પણ એક સફળ માનવી થવાનો રસ્તો ચીંધવા માટે એ માનસીનો આભારી હતો. તેમણે કહ્યું, ‘આ પ્રસંગે હું શશીદેવીને વચન આપું છું કે જ્યારે જ્યારે જેની પણ જરૂર ઊભી થાય એ મારા પર અવલંબી શકે છે. સમાજસેવામાં નડતી મુશ્કેલીઓનો સામનો કરવાની મારી ક્ષમતા નથી, પણ હું ઇચ્છું છું કે વારે-તહેવારે આર્થિક રીતે એમને મદદરૂપ થવાનો મોકો પ્રદાન કરે, જેના થકી હું પણ થોડું પુણ્ય કમાઇ શકું. તમે એને મારી સ્વાર્થની ભાવના કહી શકો, પણ ડૉક્ટર માનસી અને શશીદેવી જેવી ત્યાગમૂર્તિઓને જોઈને મને ખ્યાલ આવે છે કે જેટલો આનંદ અને સંતોષ આપવામાં છે એટલો લેવામાં નથી. ધન્યવાદ!’ સાંભળનારા એ ખ્યાતનામ અભિનેતાને એની પ્રચલિત ફિલ્મી અદાથી બોલતો સાંભળી રોમાંચિત થઈ ઉઠ્યાં.

ધનલક્ષ્મી શશીને મળતાં માનપાન જોઈ ડઘાઈ ગઈ હતી અને આવો મહાન અભિનેતા એને દેવી કહીને સંબોધતો હતો! જ્યારે એવું વિશેષણ તો એને માટે એક સપનું જ રહેવાનું હતું.

અમિતકુમારને સાંભળી પરાગના હૃદયમાં ઇર્ષ્યાની જ્વાળા પ્રગટી. શશીને તો એણે ના ઓળખી કે જાણી પણ આવો માલદાર અને દિલદાર પેશન્ટ હાથમાંથી જવાનું દુઃખ જરૂર થયું. માનસની વધતી જતી ખ્યાતિ એના સિદ્ધાંતો અને માનવતાની ભાવના ભવિષ્યમાં એના કેટલાય અપેક્ષિત ઘરાકો છીનવી જશે એની કલ્પના કરવી મુશ્કેલ હતી. અને સંપત્તિની ભાગીદાર જ એના રસ્તામાં અડચણરૂપ બની ગઈ હતી. એ મૂક સાક્ષી બનીને સમારંભની વિધિ નિહાળતો રહ્યો.

માનસીએ આવીને સુનિતાના હાથમાં એક પરબીડિયું આપી એને એનું મંતવ્ય રજૂ કરવા વિનંતી કરી.

સુનિતાનું વ્યક્તિત્વ અને ખ્યાતિ એવાં હતાં કે એ જે બોલે એમાં સચ્ચાઈ અને ઇમાનદારીનો આભાસ થયા વિના ના રહે.

સુનિતાએ નમ્રતાથી કહ્યું, ‘શશી અને સુધાકરની નિઃસ્વાર્થ સેવાઓનું સચોટ વર્ણન કરવા હું અસમર્થ છું, એટલે કે મેં એ જોઈ છે, જાણી છે ને અનુભવી છે. એના ભોગે આજે કેટલાંયે ગામડાંની સૂરત બદલાઈ ગઈ છે. એણે કેટલાંયે પીડિતોને નરક જેવી જિંદગીમાંથી ઉગાર્યા છે. કેટલાંયે રઝળતાં બાળકોને શિક્ષણ પામતાં કર્યાં છે. કેટલાંયે બીમારોને સારવારનાં સાધનો ઉપલબ્ધ કરાવ્યાં છે. ઇલેક્ટ્રિસિટી, રસ્તાઓ, નાના ઉદ્યોગો ને સારવાર કેન્દ્રો ફાળવવા માટે સરકારને ફરજ પાડી છે. સ્ત્રીઓને સ્વાવલંબી બનવા પ્રેરી છે. આવું તો ઘણું બધું છે, જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. શશી સ્વરૂપવાન છે. એ ધારત તો કોઈ પૈસાપાત્ર સાથે લગ્ન કરી સુખમાં મ્હાલતી હોત. પણ એને માટે સુખની વ્યાખ્યા જુદી છે.’ અને હસતાં હસતાં કહ્યું, ‘એમ જોવા જાઓ તો દરેક વાતમાં એની વ્યાખ્યા જુદી છે. એના દિલમાં કોઈ દ્વેષ કે વેરની ભાવનાને અવકાશ નથી. સ્વામીજીને કદાચ આ ન રુચે, પણ એ હકીકત છે કે શશી કદી મંદિર નથી જતી, નથી પૂજાપાઠ કરતી કે નથી સંસ્કૃતના કોઈ ગોખેલા શ્લોક બોલતી કે નથી ભગવાનને કોઈ યાચના કરતી. એનું ચાલે તો બધાં ધર્મસ્થળોની જગ્યાએ અનાથ આશ્રમ, મહિલાશ્રમ કે અસ્પતાલ બનાવે. ન સ્વર્ગનો લોભ એને લલચાવી શકે કે નરકનો ડર ડગાવી શકે.’

‘સડશે નરકમાં મારે શું?’ સાંભળીને ધનલક્ષ્મી બબડી. સુનિતા આગળ બોલી, ‘મેં એક વાર એને કહ્યું કે શશી, તું પોતે જ દેવી સ્વરૂપ છો. એક દિવસ લોકો તારી પણ મૂર્તિ સ્થાપિત કરીને મંદિર બનાવશે. ત્યારે એણે હસીને કહ્યું કે “સુનિતાબેન, તેત્રીસ કરોડ દેવતામાં ઘટાડો કરવાને બદલે તમે તો વધારો કરો છો, જેની સાથે સાથે અંધશ્રદ્ધામાં પણ વધારો થાય. જેનું લોકોના હૃદયમાં સ્થાન નથી એ જ ઇચ્છે છે કે એમના પૂતળાં સ્થપાય જે થકી તેઓ અમરત્વ પ્રાપ્ત કરે. મને ભવિષ્યમાં કોઈ યાદ કરે, ના કરે, કાંઈ ફર્ક નથી પડવાનો. આ જિંદગીમાં જે ભોગવીએ છીએ એ જ નક્કર હકીકત છે, બાકી બધું મિથ્યા છે.” અમે ઇચ્છીએ છીએ કે શશીનો ભોગ એળે ન જાય. એની સંસ્થા હંમેશાં કાર્યરત રહે ને વધારે વિકસે. સમાજ એના કાર્યને વધાવે ને એને મદદરૂપ થવા પ્રેરાય.’ અને સુનિતાએ હાથમાંનું પરબીડિયું બતાવી કહ્યું, ‘આ ડોનેશનનો ચેક જે શશીની સંસ્થાને સ્વામીજીના હસ્તક અર્પણ કરવાનું નિર્ધારિત કર્યું છે એ ડૉક્ટર માનસીના પ્રયાસને આભારી છે. દાનવીરો પાસે હાથ લંબાવતા પહેલાં એણે પોતાનો ફાળો પહેલો નોંધાવ્યો છે. એની એક મહીનાની કમાણી એમાં દાન કરીને શરૂઆત કરી છે.’ ‘ધન્ય છે તારી વહુને’ એની સહેલીએ ઉચ્ચારેલી માનસીની પ્રશંસા ધનલક્ષ્મીને કાંટાની જેમ ખૂંચી. ‘ઘર બાળીને તીર્થ કરે એવી વહુ મળી છે.’ એ મનમાં બબડી.

સુનિતાએ આગળ કહ્યું, ‘આ ફાળામાં પૂરી રકમ અમિતકુમારજીએ આપવાની જોગવાઈ કરી હતી, પણ માનસીએ ના સ્વીકારી કારણ એ માનતી હતી કે આવાં સત્કાર્યમાં જેટલા વધુ લોકો સામેલ થાય એટલી એની મહત્તા વધે. અહીં આમંત્રિત મહેમાનોમાંથી ઘણાએ એમાં ફાળો નોંધાવ્યો છે, જો કે, ઘણાં એવાંયે છે જેને આ ફાળાની જાણ પણ નથી. એમને ભવિષ્યના ફાળા માટે અનામત રાખ્યા છે. અમિતકુમારજી તો માનસીની ડૉક્ટર તરીકેની કાબેલિયતથી ને સેવાવૃત્તિથી એટલા પ્રભાવિત થયા છે કે એમણે માનસીને ખાતરી આપી છે કે જ્યારે જ્યારે જરૂર લાગે ત્યારે આવા કાર્ય માટે માનસી એના પર અવલંબી શકે છે. મને આશા છે કે આવી વિચારસરણીવાળા લોકોની સંખ્યા વધે તો ગાંધીજીનું રામરાજનું સપનું ક્યારેક ને ક્યારેક જરૂર સાકાર થશે. હું સ્વામીજીને વિનંતી કરીશ રૂપિયા પચ્ચીસ લાખનો આ ચેક એમના શુભ હસ્તે પદ્મશ્રી શશીને પ્રદાન કરે.’

રકમ સાંભળીને શ્રોતાઓ પ્રભાવિત થયાં. શશી સજળ નેત્રે જોઈ રહી. ધનલક્ષ્મીનો તો શ્વાસ થંભી ગયો.

સુનિતાએ વાતનું પૂર્ણવિરામ કરતાં કહ્યું ‘આજે ઈંદિરા ગાંધીના યુગમાં આ રકમ બહુ મોટી તો ના કહેવાય. કારણ હવે બાયપાસ સર્જરીની શરૂઆત થઈ છે, જેના ઓપરેશનને હોસ્પિટલ વગેરેનો ખર્ચો લગભગ એંશી હજારથી એક લાખનો થાય છે. શક્ય છે કે ભવિષ્યમાં એ આંકડો ચારથી પાંચ લાખ પર પહોંચી જાય! અત્યારે હું એટલું જ કહીશ કે આ તો એક શુભ શરૂઆત છે ને સમય પ્રમાણે આ આંકડાનું સ્વરૂપ મોટું થતું રહેશે. એની હું પદ્મશ્રી શશીને ખાતરી આપું છું.’ કહીને એણે પરબીડિયું સ્વામીના હાથમાં મૂક્યું ને તાળીઓના ગડગડાટ વચ્ચે એનું સ્થાન ગ્રહણ કર્યું.

માનસીએ આવીને માઇક સંભાળ્યું, ‘હવે હું પદ્મશ્રી શશીબેનને વિનંતી કરીશ કે એમનું મંતવ્ય રજૂ કરે.’

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.