અરે, આ પક્ષીનું નામ ‘અમનદાવા’ અમદાવાદ નામ ઉપરથી પડ્યું છે – અવાદવાત/ અમનદાવા

ફરી કુદરતના ખોળે

લાલ ટપૂસીયૂં/ લાલ મુનિયા/ Red avadavat / Strawberry* finch / Amandava amandava /

કદ: ૩ ઇંચ થી ૪ ઇંચ લંબાઈ – ૯ સે.મી – ૧૦ સે. મી.

જગત કીનખાબવાલા

આ તો અમદાવાદનું ખાસ પક્ષી. ભારતમાં સહુથી પહેલા આ પક્ષીની ઓળખ ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં થઇ હતી. તેના જુદા જુદા નામ હતા, અવાદવાત, અમીદાવાત, અમનદાવા જેવા અને માટે તેની ઓળખ Red avadavat તરીકે પ્રસ્થાપિત થઇ. આ વાત ૧૮૩૬ ની સાલની કે જ્યારે ગીલબર્ટ વ્હાઇટ આ પક્ષીની નોંધ કરી. જુના સાહિત્યમાં પણ તેનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે અને તે વખતે સાહિત્યમાં તેનો અમનદાવા જેવા નામે ઉલ્લેખ કરાતો. લાલ મુનિયા મૂળતો આફ્રિકાના જનીન/ જિન ની જાતિ અમાદિવાની પ્રજાતિ છે.

ટપૂસીયૂંની વિવિધ પ્રજાતિમાં સહુથી વધારે દેખાવડુ લાલ ટપૂસીયૂં છે. તેના રંગરૂપને કારણે તેને અમદાવાદથી પાંજરામાં પૂરીને એને દુનિયામાં પાળેલા પક્ષી તરીકે વેચાતું હતું અને તે પ્રખ્યાત બન્યું હતું જે કારણે તેનું નામ અમનદાવા/ અવાદવાત ગયું અને ત્યાર બાદ અમનદાવા/ અવાદવાત નું અપભ્રંશ અમદાવાદ ઉપરથી થયું છે. Amandava amandava આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ ભારતીય નામ બન્યું છે.

ચોમાસાની તેમની પ્રજનનની ઋતુમાં નર લાલ મુનિયાનાં પીંછા માદા લાલ મુનિયાને આકર્ષવા માટે વિવિધ લાલ રંગની છટા વાળા બને છે અને તે કારણે તે ખુબ અદભુત રૂપ ધારણ કરે છે અને આ આકર્ષક રંગરૂપ તેના દુશ્મન બની પાંજરે પુરાય છે. તેનો અવાજ પણ મીઠડો ઘંટડી જેવો જે તેને પિંજરે પૂરવા માટેનું એક વધારે કારણ છે.

સામાન્ય સંજોગોમાં તેની પૂંછડી કાળી હોય છે. પ્રજનનની ઋતુમાં નર લાલ ટપૂસીયૂંનો પૂંછડી પાસેનો ભાગ અને શરીરનો મોટા ભાગનો રંગ લાલ હોય છે અને તેમાં તેની આંખ પાસેની કાળી પટ્ટી, પેટાળનો ભાગ અને ઉડવાના પીંછા કાળાશ ઉપર હોય છે. ગળું અને છાતી બદામી ધૂળિયા રંગની હોય છે. પ્રજનનની ઋતુ સિવાયના સમયે નર લાલ મુનિયાના શરીરનો રંગ પૂંછડી પાસેના ભાગ સિવાય ડલ/ આછો લાલ હોય છે. તેઓને શરીર ઉપર અને પૂંછડીના લાલ રંગમાં સફેદ રંગના સુંદર ટપકા હોય છે. પૂંછડી કથ્થાઈ રંગની હોય છે જેનો છેડો થોડો સફેદ હોય છે. માદા લાલ મુનિયા પેટાળે બદામી રંગની વધારે ડલ અને આછી લાલ હોય છે તેમજ લાલ રંગમાં તેને ઓછા અને આછા સફેદ ટપકા હોય છે. તેઓની ચાંચ લાલ હોય છે. સામાન્ય રીતે લાલ ચાંચ મે મહિનામાં લાલ થવા માંડે છે અને નવેમ્બર – ડિસૅમ્બર મહિનામાં ઘેરી લાલ થઇ જાય છે. પ્રજનનની ઋતુમાં ચાંચ વધારે લાલ થઇ જાય છે. ઋતુ પ્રમાણે તેમની ચાંચનો રંગ બદલાતો હોય છે અને એપ્રિલ મહિનામાં એકાએક તે કાળી થઇ જાય છે. દિવસ લાંબો ટૂંકો થાય તેની સીધી અસર તેમની ચાંચના રંગ ઉપર પડે છે. ઋતુ પ્રમાણે નર લાલ મુનિયાના રંગ બદલાતા રહે છે અને લાલ ઘેરો રંગ હોઈ તરત આંખે ચઢે છે અને બાકીની ઋતુમાં નર અને માદાના રંગમાં ખાસ ફરક દેખાતો નથી. તેમના પગ ગુલાબી રંગના હોય છે.

પોતાના નાના નાના સમૂહમાં તેઓ ઘાસ વાળા વિસ્તારમાં વસવાટ પસંદ કરે છે કે જેથી તેઓ જલ્દી ઓળખાઈ ન જાય. પ્રજનનની ઋતુમાં પોતાના જોડીદાર જોડે વધારે ફરે છે. ખુબજ ધીમો, એક સૂરમાં ‘સીપ… સીપ…’ જેવો અવાજ કાઢે છે જે ઉડતા ઉડતા વધારે બોલે છે. તેઓ એકબીજાના પીંછા સાફ કરી આપે છે અને તેના માટે પોતાના માથાના ભાગના પીંછા ફુલાવીને સફાઈ માટે સાથીદારોને આમંત્રણ આપે છે. સામાન્ય રીતે તેઓ ઘાસના બીજ ખાતા હોય છે અને જો ક્યારેક ઉધઈ અને તેના જેવા જીવડાં મળે તો તેને પણ ખાઈ લે છે. ફળ માખી, કીડીના ઈંડા, કૃમિ વગેરે પણ ખાઈ લે છે.

લાલ મુનિયા ને વસવાટ માટે આકર્ષવા માટે ઘાસ હોય, ઘાસના બીજ હોય, ખોરાકમાં તાજા બીજ ખાવા મળે, ગીચ બગીચો હોય, તેઓને માટી સ્નાન (સેન્ડ બાથ) કરવા માટે ભેજ વળી માટી હોય, તેમને માફક આવે તેવા બર્ડ ફીડર મુકો અને તેમને માટે યોગ્ય વાતાવરણ ઉભું કરો તો તેઓ આવી વસવાટ કરે.

સામાન્ય રીતે ઘાસની પટ્ટીઓની મદદથી ગોળાકાર માળો બનાવે છે. ઘાસ, પાંદડા, નારિયેળીના છોતરા વગેરેથી માળો બનાવે છે અને છેલ્લે પીંછા જેવી મુલાયમ વસ્તુઓથી તેની પથારી બનાવી દે છે. ૫ થી ૬ ઈંડા મુકિવાની ક્ષમતા ધરાવે છે. ૧૧ થી ૧૪ દિવસ માં નર અને માદા બંને વારાફરતી ઈંડા સેવવાનું કામ કરે છે અને લગભગ ૨૦ દિવસ ના ગાળામાં બચ્ચા કુદરતમાં આવી પોતાના જૂથ સાથે વસિ જાય છે. માળાની જાળવણી માટે તેઓ રક્ષણાત્મક થઇ જાય છે.

તેઓનું આયુષ્ય ૭ થી ૧૦ વર્ષનું હોય છે.

ભારતમાં ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ અને બાંગલાદેશ, નેપાળમાં જોવા મળે છે. એશિયાના ઉષ્ણકટિબદ્ધ પ્રદેશોમાં જોવા મળે છે. તેઓની બર્મીશ પ્રજાતિ ફલાવીદીવેન્ટ્રીસ ચાઇના, ઇન્ડોનેશિયા અને વિએટનામના ઘણા ભાગમાં જોવા મળે છે. જ્યારે જવા તરફ જે જોવા મળે છે તે પ્રજાતિ પુનીચેઆ તરીકે ઓળખાય છે. તેમની સુંદરતાના કારણે પક્ષી પ્રેમીઓએ તેમને સ્પેઇન, બ્રુનેઇ, ઇજિપ્ત, મલેશિયા, સિંગાપોર, પોર્ટુગલ, જાપાન, હવાઈ, ફીજી અને પોર્ટો રિકો જેવા દેશમાં સમયાંતરે વસાવ્યા છે.

આ મનોરમ્ય પક્ષી જોવા મળે તેટલે મન પ્રફુલ્લિત થઇ ઉઠે તે ચોક્કસ વાત છે.

(ફોટોગ્રાફ્સ સહયોગ: શ્રી સેજલ શાહ ડેનિઅલ, શ્રી કિરણ શાહ અને શ્રી મનીષ પંચાલ.

વિડિઓ : શ્રી સેજલ શાહ ડેનિઅલ).


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “અરે, આ પક્ષીનું નામ ‘અમનદાવા’ અમદાવાદ નામ ઉપરથી પડ્યું છે – અવાદવાત/ અમનદાવા

  1. લાલ મુનિયા પક્ષી બાબત માહિતી આપવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published.