ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૮ – ભારતમાં રાજકીય પડઘા

દીપક ધોળકિયા

બ્રિટનમાં સરકારની જાહેરાત સાથે જ ભારતમાં રાજકીય ખળભળાટ મચી ગયો.  જે ધ્યેય માટે કોંગ્રેસ ૧૮૮૫થી જહેમત કરતી હતી તે હવે માત્ર ૧૬ મહિના દૂર હતું. છઠ્ઠી માર્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ત્રણ દિવસ માટે દિલ્હીમાં મળી અને વડા પ્રધાન ઍટલીએ કરેલી જાહેરાતને વધાવી લેતો ઠરાવ પસાર કર્યો. પરંતુ, કોંગ્રેસે ઉમેર્યું કે સત્તાનું હસ્તાંતરણ સરળ રહે તે માટે બ્રિટને હવે વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર તરીકે માન્યતા આપવી જોઈએ અને વાઇસરૉય અને ગવર્નર જનરલ (આ બન્ને પદો એક જ હતાં. સરકારી રાહે વાઇસરૉયનું પદ ગવર્નર જનરલનું હતું)  માત્ર બંધારણીય વડા તરીકે પદ પર રહે અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ અધિકારો આપવા જોઈએ. કોંગ્રેસે કૅબિનેટ મિશનના ૧૬મી મેના નિવેદનનો સ્વીકાર કરી લીધો છે અને એનું બ્રિટિશ સરકાર જે અર્થઘટન કરે છે તે પણ સ્વીકાર્યું છે. બંધારણ સભા પણ કામ કરતી થઈ ગઈ છે અને એમાં દેશના બધા નાગરિકોને પ્રતિનિધિત્વ મળશે. વર્કિંગ કમિટીએ નવેસરથી મુસ્લિમ લીગને બંધારણ સભામાં આવવાનું આમંત્રણ આપ્યું.

વર્કિંગ કમિટીએ પંજાબમાં કેટલાક મહિનાથી ચાલતા હિંસાચારની નોંધ લીધી અને કહ્યું કે આ દેખાડે છે કે હિંસા દ્વારા પંજાબની સમસ્યાનો ઉકેલ નહીં આવે. આથી ઓછામાં ઓછું દબાણ વાપરવું પડે એવો રસ્તો શોધવાની જરૂર છે. એટલે કોંગ્રેસ માને છે કે પંજાબના બે ભાગ પાડવા જોઈએઃ મુસ્લિમ બહુમતીવાળો ભાગ અને બિનમુસ્લિમ બહુમતીવાળો ભાગ સાથે રહી શકે તેમ નથી. આ જ એક રસ્તો બધી કોમોના લાભમાં છે. આમ કોંગ્રેસે પંજાબના ભાગલાની માગણી કરી. મુસ્લિમ લીગ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં પાકિસ્તાન બનાવવાની માગણી કરતી હતી, એટલે કે આખું પંજાબ અને આખું બંગાળ પાકિસ્તાનમાં હોય એવી એની ગણતરી હતી. પરંતુ કોંગ્રેસે મુસ્લિમ લીગનો જ સિદ્ધાંત લાગુ પાડ્યો કે જો મુસલમાનો હિન્દુ બહુમતી સાથે આખા ભારતમાં ન રહી શકે તો એક પ્રાંતમાં બિનમુસ્લિમો પણ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતમાં ન રહી શકે. વળી બન્ને પ્રાંતોમાં બિનમુસ્લિમો લઘુમતીમાં હોવા છતાં એ બહુ નાની લઘુમતીઓ નહોતી જેની અવગણના કરી શકાય.

રજવાડાંની સ્વાધીનતા

કોંગ્રેસ વર્કિંગ કમિટીનો બીજો  ઠરાવ રજવાડાંઓ વિશે હતો. એમાં કોંગ્રેસે કોઈ રાજ્યના ભારતથી અલગ સ્વાધીન રાજ્ય તરીકે રહેવાના હકનું ખંડન કર્યું.  જવાહરલાલ નહેરુએ ઠરાવ પર બોલતાં કહ્યું કે અમે કોઈ પણ રજવાડાની સ્વતંત્રતાને માન્યતા નહીં આપીએ.  એટલું જ નહીં પરંતુ કોઈ પણ વિદેશી સત્તા, પછી એ ગમે તે હોય કે ગમે ત્યાં હોય, જો કોઈ રજવાડાની સ્વતંત્રતાને માન્યતા આપશે તો તેને અમે અમૈત્રીપૂર્ણ કૃત્ય માનીશું, નહેરુએ સમજાવ્યું કે ઇસ્ટ ઇંડિયા કંપની ભારતમાં મુખ્ય સત્તા બની તે વખતથી સર્વોપરિ સત્તાની વાત ઊભી થઈ, બ્રિટને સીધી સત્તા સંભાળી લીધી ત્યારે એણે કંપનીની સર્વોપરિતા પોતાના હસ્તક લઈ લીધી. તે પછી ભારત સરકાર બ્રિટન સરકારનું પીઠબળ હોવાથી એ આ સત્તાનો ઉપયોગ કરતી રહી. એ રજવાડાં અને બ્રિટિશ ઇંડિયાના પ્રાંતો પર એકસરખી હકુમત ચલાવતી હતી. પણ ૧૯૩૫માં નવા નિયમો આવ્યા અને પ્રાંતોમાં સરકારો બની ત્યારે સર્વોપરિતાનો સવાલ સામે આવ્યો કે રજવાડાંઓનું શું કરવું?

અમે બધાની આઝાદી માટે સંઘર્ષ કર્યો છે અને અમને સર્વોપરિતા નથી જોઈતી. પરંતુ વચગાળામાં જૂની વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ. તે સિવાય અંધાધૂંધી ફેલાઈ જાય. એટલે અમે થોડા વખત માટે રાજ્યોને સંપૂર્ણ સ્વતંત્ર માનીને એમની સાથે વાટાઘાટો કરશું, પરંતુ રાજ્યો જો એનાથી આગળ જઈને આક્રમકતા દેખાડશે તો અમે વાટાઘાટો ચાલુ નહીં રાખીએ.

નહેરુના શબ્દોનું વજન રજવાડાંઓએ આઝાદી પછી અનુભવ્યું, જેમાં એમના અનન્ય સાથી સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા રહી.

મુસ્લિમ લીગની નીતિ

નવાઈની વાત  છે કે ઍટલીની આ જાહેરાતનો મુસ્લિમ લીગમાં સત્તાવાર રીતે તો કોઈ પડઘો ન પડ્યો. આનું કારણ એ હતું કે એટલીએ કહ્યું હતું કે એવું લાગે કે આ નિવેદનના ૭મા ફકરામાં સૂચવેલી સમયમર્યાદાની અંદર સંપૂર્ણ પ્રાતિનિધિક સભા દ્વારા બંધારણ ઘડાયું નથી, તો સરકારે વિચારવું પડશે કે કોના હાથમાં સત્તા સોંપવી; ભારતની કેન્દ્ર સરકારને સોંપવી, અત્યારે જે પ્રાંતો છે તેમને સોંપવી કે બીજી કોઈ વાજબી લાગતી સત્તાના હાથમાં સોંપવી.”

આમાં જિન્ના  જોઈ શક્યા કે બ્રિટને ભારતની એકતા ટકાવી રાખવાનો વિચાર છોડી દીધો છે અને એ કોઈને પણ સત્તા સોંપવા તૈયાર છે. માત્ર કેન્દ્ર સરકારને જ સત્તા સોંપવી, એવું નથી. પ્રાંતોને પણ સત્તા આપવાનો વિકલ્પ છે જ. અને તે પણ નહીં તો, “બીજી કોઈ વાજબી લાગતી સત્તાના હાથમાં” પણ સુકાન સોંપી શકાય છે. જિન્નાએ એમાં ‘પાકિસ્તાન’ જોયું. અને જિન્ના ખોટા નહોતા.  બ્રિટન સરકારની એ તૈયારી હતી, એટલે જ જિન્નાની દરેક વાતને એ કોમી મુદ્દો માનતી હતી અને કોઈ પણ રીતે જિન્નાને સંતોષ થાય એવી દરખાસ્તો છેક ૧૯૩૨ની બીજી ગોળમેજી પરિષદના વખતથી આવતી રહેતી હતી. હવે સ્થિતિ એ ઊભી થઈ હતી કે બ્રિટન પોતે જ ઊભી કરેલી ગૂંચમાં પોતે જ સપડાયું હતું. કોમવાદ એટલો મજબૂત બની ગયો હતો અને જિન્ના એટલા મજબૂત બની ગયા હતા કે ઍટલી સરકાર ઇચ્છે તો પણ એમની અવગણના કરવાનું બ્રિટન માટે શક્ય નહોતું રહ્યું, સિવાય કે એ હમણાં સુધીની બધી નીતિઓને ગેરવાજબી ગણાવે.

જિન્ના આ હકીકત જાણતા હતા. વળી એમને એ પણ ખબર હતી કે ચર્ચિલ જેવા મિત્રો અને આખો રૂઢીચુસ્ત પક્ષ એમની સાથે હતો. એટલે જિન્નાનો પ્રત્યાઘાત એક જ રહ્યો – જે કરવું હોય તે કરો, પણ અમે પાકિસ્તાનથી ઓછું કંઈ પણ સ્વીકારીશું નહીં.

લીગે હવે નવી નીતિ અખત્યાર કરી હતી અને તે કલકત્તામાં ‘ડાયરેક્ટ ઍક્શન’ના દિવસથી લાગુ પડી. પરંતુ કલકત્તામાં સુહરાવર્દીની સરકારના સંપૂર્ણ સાથ છતાં લીગના ઘણા કાર્યકરો અને મુસલમાનો મરાયા. આનો બદલો નોઆખલીમાં લેવાયો, અને નોઆખલીનો બદલો ફરી બિહારમાં લેવાયો. આ બધું આપણે વિગતવાર જોઈ ગયા છીએ પણ બ્રિટને ભારતને સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી તેના સંદર્ભમાં આ રમખાણોનો અર્થ સમજાશે. ૧૯૪૭ના જાન્યુઆરીની ૨૪મીએ લીગની બેઠક ચાલુ હતી ત્યારે જ પંજાબમાં પણ લીગ પ્રેરિત મારકાપ શરૂ થઈ ગઈ હતી. પંજાબની ઘટનાઓ પર પણ આપણે એક નજર તો નાખી જ છે, પણ એ રમખાણોનું કારણ પણ એ જ હતું.

જિન્નાની માગણી બંગાળ અને પંજાબને પાકિસ્તાનમાં ભેળવવાની હતી. એટલે એ દેખાડવા માગતા હતા કે હિન્દુ અને મુસલમાનો એક સાથે રહી જ ન શકે. અને  એ જ બન્ને પ્રાંતોમાં હુલ્લડો થયાં. પંજાબમાં તો ખીઝર હયાત ખાન તિવાનાની સરકારને હટાવવાનો પણ હેતુ હતો, એટલું જ નહીં પરંતુ ત્યાં મુસ્લિમ લીગ પોતે જ ગાદીએ બેસવા માગતી હતી. આથી ૧૯૪૬થી બંગાળ અને તે પછી ૧૯૪૭થી પંજાબ, બન્ને પ્રાંતોમાં ખૂનની હોળી ખેલાતી રહી તે ખરેખર તો ભાગલા સુધી સળગતી રહી.

૨૪મી ફેબ્રુઆરીએ અમૃતસરમાં પોલીસ અને લીગીઓ વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. ઘણી જગ્યાએ ગોળીબાર થયા. સરકારે અમૃતસરમાં સ્થિતિને “અત્યંત ગંભીર” બતાવીને લશ્કરની મદદ લીધી. તે જ સાંજે સરકાર અને મુસ્લિમ લીગ વચ્ચે વાતચીત શરૂ થઈ. સમાધાન કરવું કે નહીં તેનો નિર્ણય જિન્નાએ પંજાબની લીગ પર છોડી દીધો હતો. દેખીતી રીતે જ, પંજાબમાં શાંતિ રહેવાથી કે તોફાનો ચાલુ રહેવાથી ફાયદો થશે તે જિન્ના નક્કી કરી શકતા નહોતા.

૨૬મીએ લીગે પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું. સરકારે લીગના નેતાઓ અને બીજા દોઢેક હજાર કાર્યકરોને  છોડી મૂક્યા. માર્ચની ત્રીજીએ પ્રીમિયર ખીઝર હયાત ખાન તિવાનાએ રાજીનામું આપી દીધું. લીગને આ બહુ મોટી સફળતા મળી હતી. આમ છતાં લાહોરમાં તોફાનો ચાલુ રહ્યાં. આ બાજુ, નવી સરકાર બનવાના સંયોગો જ ઊભા ન થયા કારણ કે લીગ સાથે મળીને સરકાર બનાવવા કોઈ પણ પાર્ટી તૈયાર નહોતી. અંતે પાંચમી માર્ચે ગવર્નરે ઍસેમ્બલીનું વિસર્જન કરી નાખ્યું. આઠમી માર્ચે, મોટાં શહેરોમાં શાંતિની ઝલક જોવા મળી પણ એ ક્ષણજીવી હતી. ૧૫મી માર્ચે સરકારે બહાર પાડેલા નિવેદન પ્રમાણે એકલા લાહોરમાં એક હજારથી વધારે લોકોનાં મોત થયાં હતાં અને એક હજારથી વધારે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ તે પછી જનજીવન થાળે પડવા લાગ્યું.

વચગાળાની સરકારના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૭મી તારીખે લાહોરની મુલાકાત લઈને નિવેદન કર્યું કે “મેં માણસોએ  જે કર્યું તેની વાતો સાંભળી છે, આવું તો જનાવરો પણ ન કરે.”

પંજાબમાં શાંતિ થવા લાગી ત્યાં ફ્રંટિયર પ્રાંત ભડકે બળી ઊઠ્યો. કેટલાયે દિવસ કતલેઆમ ચાલુ રહી. પ્રાંતના પ્રીમિયર ડૉ. ખાન સાહેબે ૨૭મી એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે “અહીં જિન્નાનું અસ્તિત્વ જ નથી. લોકો શાંત રહ્યા હોય તો એનો યશ પ્રાંતની સરકારને મળે છે.

લીગે ડૉ. ખાન સાહેબની સરકારને બરતરફ કરવાની માગણી કરી તેના જવાબમાં કોંગ્રેસની એક ટીમે પ્રાંતની મુલાકાત લઈને આક્ષેપ  કર્યો કે ખરેખર તો પ્રાંતની સરકારને હટાવવા કરતાં ગવર્નરને હટાવવાની જરૂર છે. એમણે  ગવર્નર તોફાની તત્ત્વોને રક્ષણ આપતો હોવાનો આક્ષેપ કર્યો.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register  Vol. I Jan-June 1947


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.