અનોખું આભારદર્શન

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

સ્પર્શ
સંવેદન
પ્રેમ
લાગણી
સકળ છે ભાવ અંગત:
શબદથી મૂલવાય નહીં!
ભીતરે ઊભરે અવિરત…”

-મુકુન્‍દ પરીખ

 

આલ્બર્ટ કેમૂ (Albert Camas) ફેન્ચ ફિલોસોફર, પત્રકાર અને લેખક હતા. સાહિત્ય ક્ષેત્રના આગવા પ્રદાન બદલ તેઓને ૧૨ મે, ૧૯૫૭ના રોજ નોંબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. તેમના પિતાનું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ થયું ત્યારે તેઓની ઉંમર માત્ર એક વર્ષની હતી. તેઓ અને તેમના મોટાભાઈ, લગભગ બહેરી માતા અને તુંડમિજાજી દાદીની છત્રછાયામાં મોટા થયા હતા. આ સંજોગોમાં તેમનું ભવિષ્ય સહેજપણ ઊજળું નહોતું. સામાન્ય રીતે આવા સંજોગોમાં ઉછરતા બાળકોના વસયિતનામામાં શકિતશાળી ઉમરાવ થઈ ઉત્તમ માનવ બનવાનું હોતું નથી. પરંતુ લુઈસ જરમેઈન (Louis Germaine) નામના શિક્ષકે આ બાળકની વિશિષ્ટ શકિતઓ પારખી તેને બહાર લાવવાની જવાબદારી ઉઠાવવા માટે તેના માર્ગદર્શક બનવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું.

આલ્બર્ટ કેમૂ

શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેમનું સોગિયાપણું દૂર થયું. તેમની બુદ્ધિશકિતને સોળે કળાએ ખીલવાની અને પ્રતિભાસંપન્ન માનવ બનવાની તક પ્રાપ્ત થઈ. ત્રણ દસકા બાદ સૌથી યુવાન વ્યકિત તરીકે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરવાનું

બહુમાન પ્રાપ્ત થયું. તેમણે ‘આતુરતા–ઉત્સુકતાની સ્પષ્ટ સમજ’ બાબતે કાર્ય કર્યું હતું, જે આત્માના અવાજ, સદ્‍બુદ્ધિ અને વિવેકની સમસ્યાઓને ઉજાગર કરે છે. વિશ્વનું ઉત્તમ પારિતોષિક પ્રાપ્ત કર્યા બાદ માત્ર થોડા દિવસ પછી ૧૯મી નવેમ્બર, ૧૯૫૭ના દિવસે તેઓ તેમના શિક્ષકને યાદ કરી પોતાના માર્ગદર્શક બનવા બદલ આભાર વ્યકત કરતો અદ્વિતીય પત્ર લખે છે. એ પત્ર આ મુજબનો હતો.

શ્રી જરમેઈન

 

“૧૯મી નવેમ્બર, ૧૯૫૭

માનનીય જરમેઈન સાહેબ,

મારી આસપાસની તમામ ચહલપહલ પૂર્ણ થયા બાદ આપને મારા હૃદયના ઊંડાણમાંથી યાદ કરીને આ ધન્યવાદ પત્ર લખું છું. હાલમાં મને જે સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે તે બાબતે મેં કદી આશા કે અપેક્ષા પણ રાખી નહોતી. મને જ્યારે નોબેલ ઈનામના સમાચાર મળ્યા ત્યારે મારી માતા બાદ સૌ પ્રથમ મને આપનું સ્મરણ થયું હતું. તરત આપનો પ્રેમાળ ચહેરો મારી નજર સમક્ષ ઉપસ્થિત થયો હતો. આપના સહકાર અને માર્ગદર્શન વિના મારા જેવા એક નાનકડા ગરીબ બાળક માટે આ સિદ્ધિ મેળવવાનું શકય બન્યું ન હોત. આપના મદદ માટે લંબાયેલા હાથે મારામાં નવા પ્રાણ ફૂંકયા હતા. આપના શિક્ષણ અને ઉદાહરણીય માર્ગદર્શન વિના આ ઈનામ મને પ્રાપ્ત થઈ શકયું હોત નહીં. આ સન્માનને માટે હું લાયક છું કે કેમ તે ખબર નથી. પરંત આ સન્માન મને આપ મારે માટે શું હતા અને છો તે કહેવાની તક જરૂરથી પૂરી પાડે છે. હું આપને સંપૂર્ણપણે ખાત્રી આપું છું કે આપના પ્રયત્નો,

આપનું મારા જીવનમાં આગમન તથા યોગદાન, ઉદાર હૃદયે કરેલ પ્રેમ એક શાળાના નાનકડા વિદ્યાર્થીના મનમાં સદાય સંગ્રહાયેલો રહેશે. વર્ષો બાદ પણ આપનો ધન્યવાદ પ્રગટ કર્યા વિના રહી શકતો નથી, રહી શકીશ પણ નહીં. આપને હું મારા હૃદયના ઊંડાણમાંથી અત્યંત આદરપૂર્વક આલિંગન કરું છું.

– આપનો આલ્બર્ટ”

 

“ન હો જમીન, આભ પણ, ન શક્યની શક્યતા
ને શૂન્યમાંથી સર્જવું, અભૂતપૂર્વ છે સમજ!”

આલ્બર્ટ ૪ જાન્યુઆરી-૧૯૪૦ના રોજ અવસાન પામ્યા.

 

આચમન:

“આફતોને ગળે લગાવી જો,
આંસું કેરાં ઝરણ વહાવી જો,
કૈંક મોટી શમી જશે આંધી,
તૃણની જેમ શિર નમાવી જો.”

પુષ્કરરાય જોષી

 


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીરો નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “અનોખું આભારદર્શન

Leave a Reply to samir Cancel reply

Your email address will not be published.