સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૧) પ્રેરણા અને અનુસર્જન


નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

લાહોર શહેરમાં ઉનાળાની એક રાતે સંગીતકાર ગુલામ હૈદર ઊંઘ ન આવવાથી બેચેનીના માર્યા પથારીમાં પડખાં ફેરવી રહ્યા હતા. એવામાં એમના કાને કોઈ ભીખારીનો આર્તનાદ પડ્યો, ‘બાબા એક પૈસા દે દે બાબા.’ ભીખ માંગવા માટેના એ સાદમાં જે સંગીત ભળેલું હતું એનાથી એમના કાન ચમક્યા. એની અસરમાં તે તરત બેઠા થઈ ગયા અને હાર્મોનિયમ લઈ, એ દર્દભર્યા સૂરને તર્જમાં ઢાળવા લાગ્યા. પછીથી એની અસરમાં હૈદરે એક દર્દભર્યું ગેરફિલ્મી ગીત બનાવ્યું,… રાવી કે ઉસ પાર સજનવા’ ( જીનોફોન રેકોર્ડ નં. JP857). આ ગીત ઉમરા ઝીયા બેગમ (જેમની સાથે હૈદર પછી લગ્નગ્રંથીથી જોડાયા)ના સ્વરમાં મૂદ્રીત થયું, ૧૯૩૦ના વચગાળાના સમયમાં આ ગીત અતિશય લોકપ્રિય થયું હતું.

ગુલામ હૈદર

આ વાત સને ૧૯૪૪માં –  જ્યારે તે કવિ પ્રદીપ સાથે ફિલ્મ ‘ચલ ચલ રે નૌજવાન’નાં ગીતો માટે કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે પ્રદીપને જણાવી હતી. પૂનાની પ્રભાત ફિલ્મ્સના સંગીતકાર કેશવરાવ ભોળેએ કબૂલ્યું હતું કે પોતે ૧૯૩૮માં ફિલ્મ ‘મેરા લડકા’ના લાગણીનીતરતા ગીત દેખું કબ તક વાટ‘ના સર્જન વેળાએ લાહોર રેડીઓ ઉપર સાંભળેલી ગુલામ હૈદરની બનાવેલી તર્જનો આધાર લીધો હતો.

આ જ ગીત, ‘રાવીકે ઉસ પાર સજનવા’ પરથી નૌશાદને ફિલ્મ ‘મેલા’(૧૯૪૮)ના ગીત ‘ધરતી કો આકાશ પૂકારે’ની તર્જ માટેની પ્રેરણા મળી. નૌશાદને ગુલામ હૈદરની સ્વરનિયોજનની ક્ષમતા માટે ખુબ જ આદર હતો. એમણે મને જણાવ્યું હતું કે ફિલ્મ સંગીતના મહાનાયક આર. સી. બોરાલે ફિલ્મ ‘પ્રેસીડેન્ટ’(૧૯૩૭)ના સાયગલના કંઠે ગવાયેલ ગીત ‘એક બંગલા બને ન્યારા’નું સ્વરનિયોજન ગુલામ હૈદરના બનાવેલા એક ગેરફિલ્મી ગીત ‘અસ રબ કો જાનેવાલે મેરા સલામ લે જા’ પરથી કર્યું હતું.

ફિલ્મસંગીતમાં ઘણી વાર એવું બને છે કે મૂળ તર્જ કરતાં (એના આધારે જ બનેલી) પછીની રચના છવાઈ રહે છે. ફિલ્મ ‘આવારા’{૧૯૫૧)નું ગીત ‘ઘર આયા મેરા પરદેસી’ જ્યારે લોકપ્રિયતાનાં શીખરો પર બીરાજ્યું ત્યારે બહુ ઓછા લોકોને જાણ હશે કે શંકર જયકિશને એ ધૂન ‘વીદાદ’(૧૯૩૫) નામની એક ઈજિપ્શીયન ફિલ્મની ઓમ કલથુમ (કોઈ કોઈ જગ્યાએ ‘ઉમ કુલસુમ’ ઉચ્ચાર પણ જાણવા મળે છે.) નામની ગાયિકાએ ગાયેલા ગીત પરથી લીધી હતી.

ઓમ કલથુમ

સંગીતકાર વિનોદે ફિલ્મ ‘એક થી લડકી’(૧૯૪૯)નું રમતીયાળ ગીત ‘લારા લપ્પા’ એક અરબી ગીત ‘યા મુસ્તફા યા મુસ્તફા’ની ધૂન પરથી બનાવ્યું હતું. આજે પણ આ ગીતની લોકપ્રિયતા ટકી રહી છે. અન્ય ગીતો પરથી પ્રેરણા લઈને બનાવાયેલાં(ક્યારેક તો ઉઠાવાયેલાં) આવાં ગીતો એવી રીતે બન્યાં છે કે લાંબો સમય વિત્યા પછીયે એમની તાજગી બરકરાર રહી છે.

આ પશ્ચાદભૂને ધ્યાને રાખીને વિચારીએ તો એ જરૂરી લાગે છે કે આ રીતે બનેલાં ગીતો સાથે સાથે મૂળ ધૂનની અને એ ગીતના સ્વરકારની મૌલિકતાને બરાબર સમજવી જોઈએ. ખાસ કરીને ૧૯૮૦ અને તત્પશ્ચાતના સમયગાળાનાં ગીતો કે જ્યારે (ફિલ્મી)સંગીત અવાજનો વેપાર માત્ર બની ગયું છે, ત્યારનાં ગીતો માટે આ બાબત વધારે પ્રસ્તુત બની રહે છે. ઉક્ત સમયનાં ‘તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત’, ‘મેરા પિયા ઘર આયા હો રામજી’, ‘એક દો તીન’ અને ‘રૂપ સુહાના લગતા હૈ’ જેવાં ગીતો જે ઝડપથી લોકપ્રિય થયાં એ જ ઝડપથી ભૂલાઈ પણ ગયાં.

ફિલ્મસંગીતનો મોટો મદાર શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની પરંપરા ઉપર રહેલો છે. જ્યાં સુધી આવાં ગીતો અસલ ધૂનની મૂળ ફોરમને વફાદાર રહે છે ત્યાં સુધી એ યાદગાર બની રહે છે. જેમ કે ગીતા રોય(દત્ત)નાં ગાયેલાં ફિલ્મ ‘જોગન’(૧૯૫૦)નાં ગીતો  ફિલ્મ ’મીરા’(૧૯૭૯)નાં વાણી જયરામના અવાજમાં ગવાયેલાં મીરાંબાઈનાં ભજનો કે ફિલ્મ ‘જનક જનક પાયલ બાજે’(૧૯૫૭)ના ગીત ‘જો તુમ તોડો પિયા’ કરતાં વધુ મનભાવન લાગે છે.

લોકસંગીતની ચોક્કસ ફોરમ સમયના વિતવા સાથે જરાય ઘસાતી નથી. જેમ કે

૧} મહારાષ્ટ્રની લાવણી પર આધારિત ફિલ્મ ‘દાગ’(૧૯૫૨)ના ગીત ‘દેખો આયા યે કૈસા જમાના’,

૨} ગુજરાતના ગરબાની અસર ધરાવતાં  ‘મૈં તો ભૂલ ગયી બાબૂલ કા દેસ‘ (‘સરસ્વતીચન્દ્ર’,૧૯૬૮) અને ફિલ્મ ’નાસ્તિક’(૧૯૫૪)નું ‘કાન્હા બજાયે બાંસુરી ઔર ગ્વાલે બજાયે મંજીરે’ જેવાં ગીતો,

૩} બંગાળના ભટીયાળી સંગીત પરથી બનેલા ફિલ્મ ‘સુજાતા’(૧૯૬૩)નું ‘સુન મોરે બન્ધુ રે’,

૪} ફિલ્મ ‘નૌકર’(૧૯૭૯)નું રાજસ્થાની લઢણમાં બનેલા ‘પલ્લો લટકે રે મ્હારો પલ્લો લટકે’ અને

૫} પંજાબી શૈલીમાં બનેલા ફિલ્મ ‘નયા દૌર’(૧૯૫૭)નું ‘ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી’ જેવાં ગીતોને અલગ ધૂનમાં ઢાળવાથી એ આટલાં કર્ણપ્રિય નહીં રહે.

એ જ રીતે રાગ માંડ પર આધારિત ‘કેસરીયા બાલમા’ દેખીતી રીતે જ રાજસ્થાની શૈલીમાં ઢળાયેલી રચના છે. કોઈ સંગીતકાર કે ગાયક પોતાની આવડત દર્શાવવા માટે એ ધૂનમાં ફેરફાર કરે એ ન જચે એવી બાબત બની રહે છે. આ જ કારણથી જીવનના આઠમા દાયકામાં અલ્લાહ જિલાઈ બાઈએ ગાયેલા ‘કેસરીયા બાલમા‘ પાસે લતા મંગેશકરે ફિલ્મ ‘લેકીન’(૧૯૯૦) માટે ગાયેલું.

અલ્લાહ જિલાઈ બાઈ

એ જ ગીત ફીક્કું પડે છે. એક સ્વરનિયોજકનું કૌશલ્ય ત્યારે છતું થાય છે, જ્યારે તે મૂળ ધૂનને વફાદાર રહીને પણ પોતે ઢાળેલા ગીતને લોકપ્રિય બનાવી શકે છે. તાનસેન શાસ્ત્રીય સંગીતનો ધ્રુપદ પ્રકાર ગાતા હતા. સંગીતકાર ખેમચંદ પ્રકાશ પોતે પણ ધ્રુપદ ગાયક હતા. તેમ છતાં તેમણે એક ફિલ્મી ગીત માટે પણ ધ્રુપદ ધૂન (‘સપ્ત સૂરન તીન ગ્રામ’) એવી બનાવી કે એ ગીત લોકપ્રિય થયું. બીજી બાજુ જોઈએ તો એક સ્વરનિયોજક તરીકે ખાસ્સા સક્ષમ હોવા છતાં હ્રદયનાથ મંગેશકરે ફિલ્મ ‘લેકીન’ માટે ‘કેસરીયા બાલમા’ બનાવ્યું એમાં એ સ્વરનિયોજન એની પરંપરાગત ફોરમ ગુમાવી બેઠું.

ટાગોરનાં ૨૫૦૦ કરતાં પણ વધારે સ્વરનિયોજનો વડે મંડિત રબીન્દ્ર સંગીતના આધારે બનેલાં ‘જાયે તો જાયે કહાં’  ( ટેક્સી ડ્રાઇવર’, સચીન દેવ બર્મન, ૧૯૫૪), ‘રાહી મતવાલે’ ( ‘વારીસ’, અનિલ બિશ્વાસ, ૧૯૫૪), ‘તેરે મેરે મીલન કે યે રૈના’(અભિમાન’, એસ.ડી. બર્મન,૧૯૭૩) અને ‘છૂ કર મેરે મન કો’(યારાના’, રાજેશ રોશન, ૧૯૮૧) જેવાં કેટલાંયે લોકપ્રિય ગીતો બન્યાં છે.

આમ જોઈએ તો ખુદ ટાગોર પણ ભારતિય શાસ્ત્રીય સંગીતના વિવિધ (મુખ્યત્વે ધ્રુપદ પ્રકારના) સંગીતથી, બાઉલ, ભટીયાળી અને કિર્તન જેવાં બંગાળી લોકસંગીતથી, તેમ જ સીમ્ફની અને વૉલ્ટ્ઝ જેવા પાશ્ચાત્ય સંગીત થકી પ્રેરિત હતા.

તો પછી સ્વરનિયોજનની કહેવાતી મૌલિકતા શું હોઈ શકે? મૌલિકતા એટલે પકડાઈ ન ગઈ હોય એવી નકલ. કલાને લગતું કોઈ પણ સર્જન સંપૂર્ણપણે મૌલિક તો હોતું જ નથી. એ (ક્યાંકથી સાંપડેલી) પ્રેરણાનું જ ફળ હોય છે. તો પછી સંગીતનું ક્ષેત્ર અલગ કેવી રીતે હોય? સ્વરનિયોજકો કેટલીયે વાર દેશના સિમાડાઓ વટાવીને અન્ય દેશોના સંગીતપ્રકારો વડે પણ પ્રેરિત થયા પછી એ આયાતિ સંગીતને સ્થાનિક સ્પર્શ આપતા આવ્યા છે. ઉદાહરણ તરીકે મોઝાર્ટની ૪૦મી સીમ્ફની પરથી સલિલ ચૌધરીએ વડે બનાવેલું ફિલ્મ ‘છાયા’(૧૯૬૧)નું ગીત ‘ઈતના ના મુઝ સે તુ પ્યાર બઢા’ લઈ શકાય.

પ્રેરણાત્મક અનુસર્જનથી વિપરીત, સીધી ઉઠાંતરી કે જે પહેલાં જવલ્લે જ બનતી ઘટના હતી, તે હવે ફિલ્મી સંગીતના ક્ષેત્રમાં કાયમી ધોરણે જોવા મળે છે. કમનસીબે નકલ કરીને બનાવાયેલાં ગીતોની બજારુ સફળતા પછી તો કશાય છોછ વિના ઉઠાંતરી કરવાનો પરવાનો મળી ગયો હોય એવો માહોલ થઈ ગયો છે. હાસ્યાસ્પદ સ્થિતિ તો ત્યારે ઉભી થઈ, જ્યારે લક્ષ્મીકાંત-પ્યારેલાલે બપ્પી લાહીરી ઉપર પોતાની તર્જ ’જુમ્મા ચુમ્મા દે દે’ ( ‘હમ’, ૧૯૯૧)ની ઉઠાંતરી ફિલ્મ ‘થાણેદાર’ (૧૯૯૦)ના ગીત ‘તમ્મા તમ્મા દે દે’, માટે કર્યાનો આરોપ મૂક્યો. હકિકતે લક્ષ્મી-પ્યારે એ ધૂન પર માલીકીહક એટલે બતાવતા હતા કે તેમણે એની ‘આયાત’ પહેલાં કરી હતી! થોડાં વર્ષો અગાઉ અનુ મલિકે બપ્પી લાહીરી ઉપર આક્ષેપ મૂક્યો કે એમણે ફિલ્મ ‘શરાબી’(૧૯૮૪)ના ‘ દે દે પ્યાર દે’ની ધૂન ૧૯૬૫માં એસ.ડી.બર્મને ફિલ્મ ‘ગાઈડ’ માટે બનાવેલા ગીત ‘અલ્લા મેઘ દે મેઘ દે’ પરથી ઉઠાવી હતી. અનુ મલિકને જાણ નહતી કે એ બેય(ગીતોની તર્જ)નું પ્રેરણાસ્થાન રબીન્દ્ર સંગીતમાં હતું.

૧૯૫૦ના દાયકામાં નૌશાદે પોતાની બનાવેલી ધૂન ‘મેરા સલામ લે જા’( અનમોલ ઘડી, ૧૯૫૫)ને ઉઠાવીને ૧૯૫૪ની ફિલ્મ ‘શમા-પરવાના’નું ગીત ‘શામ એ બહાર આયી’ બનાવ્યું હોવાનો આક્ષેપ હુશ્નલાલ-ભગતરામ ઉપર મૂક્યો હતો. એ સંગીતકાર બેલડીએ સામું પરખાવ્યું કે તેમણે એ જ પાશ્ચાત્ય સંગીતમાંથી પ્રેરણા લીધી હતી, જેમાંથી નૌશાદે પ્રેરણા મેળવી હતી. આ બાબતે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં હોય કે દરેક સ્વરનિયોજનની પાછળ કોઈ ને કોઈ સાંગીતિક પ્રેરણાસ્રોત હોય જ છે.

હુશ્નલાલ(ડાબે) અને ભગતરામ(જમણે)

જો મૌલિકતા એ કેવળ કપોળ કલ્પના જ હોય તો તાજેતરનું સંગીત જે ઝડપથી લોકપ્રિય થાય છે એ જ ગતિ થી ભૂલાઈ જાય છે અને મોટા ભાગનાં જૂના જમાનાનાં ગીતો ચિરકાળ સુધી એટલી જ લોકપ્રિયતા સાથે ટકી રહ્યાં છે એ કઈ રીતે સમજાવી શકાય? ‘ઓલ્લે ઓલ્લે’, ‘ઓયે ઓયે’ અને ‘મસ્ત મસ્ત’ જેવાં ગીતો શ્રોતાઓને સાંભળતી વેળાએ ગમ્યાં હોય તો પણ ખુબ  ઝડપથી એમની યાદદાસ્તમાંથી એ ગીતોની અસર ભૂંસાઈ જાય છે. સામે પક્ષે એવાં સ્વરનિયોજનો પણ છે જે ધીમી ગતિથી શ્રોતાઓના મનમાં સ્થાન બનાવે છે, પણ પછીથી લાંબા ગાળા સુધી એમની અસર ટકી રહે છે.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ના દર્દભર્યા ગીત ‘મોહેં ભૂલ ગયે સાંવરીયા’માં નૌશાદે રાગ ભૈરવી પ્રયોજ્યો હતો. સુધીર ફડકેએ ફિલ્મ ‘માલતી માધવ’{૧૯૫૧)ના ગીત ‘બાંધ પ્રીત ફૂલ ડોર’માં રાગ જયજયવંતીનો ભૂરકી નાખી દે તેવો ઉપયોગ કર્યો. નૌશાદે ૧૯૬૦ની  ફિલ્મ ‘મુગલે આઝમ’ના ગીત ‘મોહે પનઘટ પર’ના ગીતની તર્જના અનુસર્જન માટે ૧૯૩૦માં ઈન્દુબાળાના ગાયેલા ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’ ( HMV રેકોર્ડ નં. P 10237)નો આધાર લીધો હતો. એજ રીતે એમણે ફિલ્મ ‘કોહિનૂર’(૧૯૬૦)ના ગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’ને સંગીતમાં ઢાળતી વખતે વિનાયકરાવ પટવર્ધને રાગ હમીરમાં રજુ કરેલ રચના ‘કરન ચાહું રઘુપતિ’ પરથી પ્રેરણા લીધી હશે.

નૌશાદે મૂળ ધૂનની જે રીતે માવજત કરીને એનો ગીતો માટે ઉપયોગ કર્યો, એ કારણથી જે તે સ્વરનિયોજનનો યશ તેમને મળે છે. આવું જ શંકર-જયકિશને અબ્દુલ કરીમ ખાનની ગાયેલી રાગ તિલકની ઠૂમરી ‘સજન તુમ કાહે નેહા લગાયે’ પરથી પ્રેરિત થઈને બનાવેલા ૧૯૫૯ની ફિલ્મ ‘મૈં નશે મેં હૂં’ ના ગીત ‘સજન સંગ કાહે નેહા લગાયે’ માટે કહી શકાય.

આમ, (મૂળ ધૂન) શાસ્રીય હોય, લોકસંગીત હોય કે પછી કોઈ પણ પ્રકારની હોય, એક સ્વરનિયોજક એની માવજત શી રીતે કરે છે તે મહત્વનું છે. આરસ પહાણમાંથી મકાન બનાવી શકાય, તાજમહાલ બનાવી શકાય કે પછી સૌંદર્યની દેવીની પ્રતિમા ઘડી શકાય. જે ફરક પડે છે, તે કલાકારના સ્પર્શ થકી પડે છે. આ રીતે જોઈએ તો ૧૯૪૦ના અને ૧૯૫૦ના દાયકાના સ્વરકારો પોતાને મળેલી પ્રેરણાને શાશ્વતકાળ માટે યાદગીરીમાં ટકી રહે એવાં નિયોજનો વડે સજાવી શકતા હતા.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.