બૉમ્બ ટોકિઝના એક અદ્‍ભુત ચિત્રકલાકાર

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

(હાલ જેમની જન્મશતાબ્દિનું વર્ષ ચાલે છે તેવા, બૉમ્બે ટોકિઝના એક ચિત્ર-કલાકાર સ્વ નાનુભાઇ ચોકસીની સ્મૃતિમાં)

“ગાને-બાનેકી બાત બાદમેં….” સત્તાવાહી નારીસ્વરે કહ્યું : “ચાહે તુમ્હારી કિતની ભી રેકૉર્ડઝ ગ્રેટ ઈંડિયા રેકૉર્ડઝ કંપનીને ક્યું ન નિકાલી હો – મગર મૈં ચાહતી હું તુમ ફોટુ ખિંચને કા કામ કરો.”

બાવીસ વરસની ઉંમરના નાનુભાઈ કેશવલાલ ચોકસી બિચારા આ રૂઆબદાર બંગાળણ સામે શું બોલે? એ તો કર્મચારી હતા. ચિઠ્ઠીના ચાકર. બૉમ્બે ટૉકીઝના સર્વેસર્વા દેવિકા રાણીના પગારદાર.

“મુઝકો હમારે આર્ટ ડિપાર્ટમેન્ટ કે હેડ લાભચંદ્ર મેઘાણીને બતાયા હૈ. તુમ જે.જે. સ્કુલ ઓફ ફાઈન આર્ટસમેં પઢાઈ કરતે હો. ગાને કી બાત બાદમેં, પહેલે ફોટુ ખીંચો. દેખો વો કોને મેં એક લડકા ખડા અકેલે અકેલે શરમા રહા હૈ. ઉસકા એક-દો ફોટુ ખીંચકે મૂઝે બતાઓ…જાઓ.”

યુવાન વયે નાનુભાઈ ચોકસી

જુવાનીયા નાનુ ચોકસીએ કેમેરો હાથમાં લીધો. ઘાટા નેણવાળા એ શરમાળ, લગભગ એની જ ઉંમરના છોકરાનો ફોટો પાડ્યો. એ ફોટો, એ છોકરાનો ફિલ્મી જિંદગીનો પહેલો ફોટો, અને જે ‘જવાર ભાટા’ ફિલ્મના પોસ્ટરમાં મૂકવા માટે એ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો, એ એની પહેલી ફિલ્મ-સાલ ૧૯૪૪. એ ફોટો, એ પોસ્ટર આજે ફિલ્મ સંગ્રાહકો માટેની એક મહત્ત્વની સામગ્રી છે.

(નાનુભાઈએ ખેંચેલી દિલીપકુમારની તસવીર)

એ છોકરો આગળ જતાં દંતકથા સમાન એવો એક અભિનયસમ્રાટ બન્યો કે જેની છાયામાં, અમિતાભ સહિતના, આજ સુધીના નવ્વાણું ટકા અભિનેતાઓ, પાંગર્યા છે. એનું નામ દિલીપકુમાર (હવે તો જન્નતનશીન). જ્યારે એ ફોટો પાડનારા કલાકાર આજે શ્રીનાથજીના અતિ સુંદર ભક્તિગીતો આ ચોર્યાસી વર્ષની ઉંમરે ભીડ જમા કરાવી શકે એટલી સારી રીતે ગાય છે. ના, ફિલ્મી દુનિયા સાથે કાંઈ નાતો-રિશ્તો નથી. અરે! મુંબઈ પણ રહેતા નથી. અમદાવાદમાં મારા ફ્લેટથી તદ્દન નજીક રહે છે. (મંગલમ, શ્રીકુંજ કોલોની, મંગલ પાર્કની સામે, ગીતા મંદિર રોડ, અમદાવાદ. ૩૮૦૦૨૨, ફોન-૦૭૯-૨૫૩૨૭૦૫૮) એમના ખજાનામાં છે બૉમ્બે ટૉકીઝના એમના તેર વર્ષના કાર્યકાળ દરમ્યાન એમણે પાડેલા અસંખ્ય ફોટોગ્રાફ્સ, પોસ્ટર્સ, બીજી એક-બે નિર્માણસંસ્થાઓ માટે બનાવેલાં પોસ્ટર્સ, આર્ટવર્ક, કિશોરકુમારની પ્રથમ પત્ની રૂમાદેવીનો એમણે દોરેલો સ્કેચ, ફિલ્મોની શરૂઆતમાં પડદા ઉપર આવતી શ્રેય નામાવલીના અસલ ચીતરેલા પૂંઠા, ફિલ્મીસ્તાનમાંથી મળેલો એપોઈન્ટમેન્ટ લેટર, રેશનકાર્ડ, માત્ર દેવિકારાણીની સહીવાળો લેટર, રાજકપૂર, મુકેશ, હસરત, શૈલેન્દ્ર, શંકર જયકિશન, મદનમોહન, હુસેનલાલ, મન્ના ડે, માસ્ટર ભગવાન, રોશન એ બધા સાથે પોતે (નાનુભાઈ) જેમાં શામીલ હોય એવી અનન્ય મહેફીલના અનેક ફોટોગ્રાફ્સ, નૌશાદ, સી રામચંદ્ર, મુકેશના સાવ યૌવનકાળના ફોટોગ્રાફ્સ (સંયુક્ત).  પોસ્ટરોની વાત કરૂ તો અધધધ… મશાલ (૧૯૫૦), મજબૂર (૧૯૪૮), તિતલી (૧૯૫૧), મુન્ના (૧૯૫૪) માં (૧૯૫૨) પ્રતિમા (૧૯૪૫), જાલ (૧૯૫૨) અને બીજા અનેક જે આ નાનુભાઈ ચોકસીની પીંછીની જ કમાલ.

(ફિલ્મની શ્રેય નામાવલિનું નાનુભાઈએ ચીતરેલું પૂંઠું)

          પણ આ નાનુભાઈ ચોકસી જેવા મારી આગલી પેઢીના કલાકાર મણિનગરમાં જ રહે, ને હું પણ એની જ આજુ-બાજુમાં, છતાં અમારો ભેટો આટલો મોડો કેમ ?

નાટક કોને કહે ?

**** **** ****

જેમની સાથે મારે નિકટના સંબંધો બંધાયા હતા તે કવિ પ્રદીપજી સાથે ૧૯૯૧ની સાલમાં એક બેઠક થઈ હતી. એમની વાતોમાં વારંવાર લાભચંદ્ર મેઘાણીનું નામ આવે. મેઘાણીપ્રેમી એવા મને કાયમ જિજ્ઞાસા જાગે? ઝવેરચંદ મેઘાણીના એ સગા ? ‘હા, કઝીન.’ પ્રદીપજી કહેતા: ભારે શક્તિશાળી કલાકાર જીવ. સારા આર્ટિસ્ટ, સારા ગાયક પણ. બૉમ્બે ટૉકીઝમાં અમે બધા સમકાલીન. ‘એમના ભાઈ’ રમણિક મેઘાણી ? મારા પર ક્યારેક રાજી થઈને પત્રો લખે છે ? “હા” પ્રદીપજી કહે :“ આખો પરિવાર સાહિત્યરંગી, એમનાં પત્ની, એમની બેબી તરુ… “(તરૂબહેન કજારીયા).

 

 

(નાનુભાઈએ તૈયાર કરેલું ‘મા’ ફિલ્મનું પોસ્ટર)

પણ એક દિવસ પ્રદીપજી કહે : “ મારા એક પ્રિતીપાત્ર  કલાકાર અમદાવાદમાં રહે છે. નાનુભાઈ ચોકસી. એ પણ સરસ કલાકાર, અમદાવાદમાં રહે છે. લે, આ સરનામું – તું એને મળજે. બૉમ્બે ટૉકીઝની ભીતરની વાતો એ પણ કહેશે.”

સરનામું આપ્યું. મેં સાચવીને પાઉચમાં મૂક્યું. મુંબઈથી પાછા ફરતાં મણિનગર સ્ટેશનથી આગોતરા, બંગલામાં પાઉચ રાખીને બહાર નજર કરતાં પડી ગયું. ગયું જંતર વગાડતું. પછી તો એવું ને ! ભૂલ્યો ઘા છત્રીસ જોજન.!..

એક વાર એમને નાનુભાઈ મળ્યા હશે. પૂછ્યું : ‘રજનીકુમાર તને  મળ્યો ?‘ જવાબ નકારમાં આવ્યો. તો પ્રદીપજીએ એમને મારું સરનામું આપ્યું. એમની પાસેથી પણ ખોવાઈ ગયું. હશે, આપણને શી જરૂર? માનીને એમણે મને માંડી વાળ્યો.

એ પછી વરસોનો અંતરાલ. પ્રદીપજી ૧૯૯૮ માં ચાલ્યા ગયા. પછી એક વાર નાનુભાઇએ ગ્રામોફોન ક્લબના એક કાર્યક્રમમાં મને સ્ટેજ પર જોયો. નામ પરિચિત લાગ્યું. નજીક આવીને પ્રદીપજીનો રેફરન્સ આપ્યો. ને એ સાથે જ બન્ને તરફે ચિઠ્ઠીઓ ખોવાઈ ગયાનો વસવસો ખોવાઈ ગયો. સ્વાર્થ મારો હતો. માહિતીભૂખ્યો હું હતો, એમને શો સ્વાર્થ?  બોલ્યા: “બસ, પ્રભુભક્તિ કરૂં છું. શ્રીજીબાવાના ગુણ ગાઉં છું. કોઈ ચિંતા નથી. દિકરો કિરણ અને વહુ કિન્નરી મણિનગરમાં જ ગોરધનવાડીના ટેકરે શ્રીજી જ્વેલર્સની દુકાન સંભાળે છે.”–પણ કહે :”બૉમ્બે ટૉકીઝમાં હતો ત્યારે આર્ટ ડિપાર્ટમેન્ટમાં રહેતો હતો. સંગીતનો શોખ બહુ નહોતો આગળ વધારી શક્યો, પણ અત્યારે એ સિવાય કંઈ નથી, સંગીત, ભજન, કિર્તન, અને શ્રીજીગુણ.”

**** **** ****

      એવી કોઈ જ્વલંત, ઝાકઝમાળભરી કથાવાર્તા નથી. પણ જળ રંગીન ન હોય, અંદર માછલીઓ સેલ્લારા ન મારતી હોય, બેકગ્રાઉન્ડમાં બત્તી ના જલતી હોય, ને જળ નર્યુ પારદર્શક, નિર્મળ, શાંત હોય તો એના નઝારાનો પણ એક સાત્વિક આનંદ હોય છે, એમ આ નાનુભાઈ ચોકસીની જિંદગીનો મૂઆયનો કરવાનો પણ.

બોરસદમાં ૧૯૨૨ના મેની પચ્ચીસમીએ જન્મેલા નાનુભાઈ કેશવલાલ ચોકસી, કુલ પાંચ ભાઈ અને પાંચ બહેનો. પણ, બીજા ભાંડરડા કરતા સંગીતનો શોખ અદકો એટલે એટલે મોટાભાઈ રમણલાલ પાસે મુંબઈ દોડી ગયાં.- મોટાભાઈની લાઈન સંગીતની નહીં, પણ ગમે તે રીતે ગ્રેટ ઈંડિયા રેકોર્ડ કંપનીમાં નાનુભાઈના ગીતોની રેકોર્ડ્ઝ ઉતરી ખરી. ભાઈના મિત્ર લક્ષ્મીચંદ ચોરડિયા પેઈન્ટર, એને કારણે દેવિકારાણી સાથે પરિચય થયો,– જબલપુરથી આવેલા ગીતકાર પ્યારેલાલ સંતોષી (રાજકુમાર સંતોષીના પિતા) સાથે દોસ્તી, એક રૂમમાં રહેવાનું, પરેશ બેનરજી નામના ગાયક સાથે મૈત્રી અને એને પરિણામે બોમ્બે ટોકિઝના આર્ટ ડિપાર્ટમેન્ટના વડા સ્વ.લાભચંદ મેઘાણી સાથે નાતો કેળવાયો અને બૉમ્બે ટૉકીઝમાં પ્રવેશ મળ્યો. હવે તો સ્વર્ગસ્થ એવા વિખ્યાત ચરિત્ર અભિનેતા દિગ્દર્શક કે.કે. (કૃષ્ણકાંત,સુરત )નો પણ એ ઉદગમકાળ, તો દિલીપકુમાર, દેવઆંનદ, શ્યામ, મુન્નાવર સુલતાના જેવાનો પણ ઉદગમકાળ. અશોકકુમારની ચડતી કળા, આર્ટ સેક્શનમાં તો બધું કરવું પડે. પણ સંગીતનો શોખ પ્રમુખ. ફિલ્મીસ્તાન નિર્માણસંસ્થાના ‘સરગમ’ (૧૯૫૦), બૉમ્બે ટૉકીઝના ‘મશાલ’ (૧૯૫૦) નાં ગીતો અનુક્રમે ‘યાર વઈ વઈ’ અને ‘ઉપર ગગન વિશાલ’ માં કોરસમાં ગાયું. ઑલ ઈન્ડિયા રેડિયો શ્રેષ્ઠ ગાયક કલાકારોના ‘હાઈલાઈટસ’ સામે, એમાં પણ નાનુભાઈ ચમક્યા

૧૯૪૩ થી ૧૯૫૪ સુધી આમ, મુંબઈમાં જ રહ્યા અને સંગીતક્ષેત્રમાં નામના પેદા કરી. સંગીત નિર્દેશન પણ કર્યું. કેટલા બધા એમના ચાહકો? દિલીપ ધોળકીયા, નિનુ મઝુમદાર, કૌમુદી મુન્શી અને બીજા અનેક. વીણાબહેન મહેતા પણ ખરાં.

(ડાબેથી): નાનુભાઈ, લાભચંદ મેઘાણી અને કૃષ્ણકાન્‍ત (કે.કે.)

પણ ૧૯૫૮થી અમદાવાદ આવી ગયા. બૉમ્બે ટૉકીઝ કે એવી કલાપોષક સંસ્થાઓ રહી નહોતી. ફિલ્મોની અને સંગીતની આખી બજારના તેવર ફરી ગયા હતા. અમદાવાદમાં ફરી વ્યસ્ત થઈ ગયા. જવનિકાના ‘માટીનું ઘર’માં સંગીત નિર્દેશન, ઉપરાંત ‘મેંદીનો રંગ’, ‘દુનિયા શું કહેશે ?’ (આચાર્ય પી.કે.અત્રે લિખીત) નાટકોમાં સંગીતપક્ષ સંભાળ્યો અને સમાંતરે જ પબ્લીસીટી ડિઝાઈનમાં પણ પ્રતિષ્ઠા જમાવી.

૧૯૭૦માં મુર્ધન્ય સંગીતકાર રસિકલાલ ભોજકે ‘સ્વરમ’ સંસ્થા સ્થાપી. જેનો પાયો હરિપ્રસાદવ્યાસે નાખ્યો હતો.  અત્યારે આ નેવુંની વયે શ્રીજીમય છે.(લેખ લખ્યા સાલ-૨૦૧૨) એમણે ભજનો લખ્યાં, કેસેટ્સ અનેક બહાર પાડી. આ બધું બિનધંધાદારી ધોરણે, માત્ર સંગીત અને શ્રીજી પ્રીતિ એ જ જીવનમંત્ર. સરનામું આ લેખમાં જ આપેલું છે. ભાવકોને રસતરબોળ કરીને રસતરબોળ થવામાં એમને ઉંમર નડતી નથી. ફિલ્મોમાં ગયા અને જલકમલવત રહ્યાં અને શુભ્રકમળ જેવી વૃધ્ધાવસ્થા વીતાવી રહ્યા છે.

( તેમનું અવસાન –તા ૨૩-૩-૨૦૧૭)


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “બૉમ્બ ટોકિઝના એક અદ્‍ભુત ચિત્રકલાકાર

  1. પ્રદીપજી એ તમને બન્ને ને સરનામાં આપ્યા…પણ બેય ખોવણકાર નીકળ્યા ! મોડા મોડા મળ્યા તો નાનુભાઈ ને જાણ્યા.નિજાનંદ માં મસ્ત રહ્યા.

  2. સરસ લેખ.રસપ્રદ માહિતી.આવા નામી અનામી કલાકારો ને આજની પેઢી સામે લાવો છો.ધન્યવાદ.

  3. ‘ભૂલ્યો ઘા છત્રીશ જોજન’ જેવો સાવ અનોખો પ્રયોગ કેટલો બખૂબી ઉપયોગે લીધો છે! બહુ જ રસપ્રદ વ્યક્તિત્વનો પરિચય એકદમ આગવી, રોચક શૈલીમાં કરાવ્યો.

  4. વાહ વાહ સાહેબ !કેવો યોગાનુયોગ કે ક્યારે મળવાનું નિમિત્ત બન્યું !છતાં મળાયું પણ ખરું. ભૂલી બિસરી યાદે જેવી હકીકત. આભાર

  5. Bhai,Rajnikumar bhai
    બાકી વાંચવાની મઝા આવી ગઈ,પોસ્ટ ફોરવોર્ડ કરી તે માટે આપનો ખુબ ખુબ આભાર.
    વંદના એમ.કે.દવે.

Leave a Reply

Your email address will not be published.