નદીની રેતમાં રમતું નગર

ગઝલાવલોકન

સુરેશ જાની

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

–  આદિલ મન્સુરી

બહુ ઓછા ગુજરાતી હશે, જેમણે આ ગઝલ વાંચી કે સાંભળી નહીં હોય. અમેરિકામાં વસાહતી બનતા પહેલાં, અમદાવાદ છોડતી વખતે આદિલ ભાઈએ લખેલ આ ગઝલ માત્ર અમદાવાદી જ નહીં પણ વતન ઝૂરાપો વેઠેલ પ્રત્યેક ભારતીયના દિલની વાત છે. સાત કે તેથી વધારે પેઢીથી અમદાવાદી, એવો  આ લખનાર વીસ વરસથી આ અમેરિકન ધરતી પર ગુડાણો છે! એના ઘણા મિત્રો કે સંબંધીઓ તો છેક ૧૯૫૦ ની સાલથી અહીં કે ઇન્ગ્લેન્ડ કે બીજા દેશોમાં સ્થાયી થયા છે. એ સૌના દિલની ધડકન આ ગઝલમાં પડઘાય છે.

પણ ‘દિલસે હિંદુસ્તાની’ હોવું, એ માત્ર ગુજરાતી જ નહીં – સૌ ભારતીયના જિન્સમાં હોય છે. એથી પણ આગળ વધીએ તો, વતનની આ લગન એ માત્ર ભારતીય લાગણી જ નથી – એ એક વૈશ્વિક માનવ સ્વભાવ છે. આ અમર રચના યાદ આવી ગઈ –

Breathes there the man, with soul so dead,
Who never to himself hath said,
This is my own, my native land!
Whose heart hath ne’er within him burn’d,
As home his footsteps he hath turn’d,
From wandering on a foreign strand!

– Sir Walter Scott

       વતનમાં જ આખું જીવન વીત્યું હોય તેવી પ્રવાસ પ્રેમી ગુજરાતી વ્યક્તિને પણ માંડ એક બે અઠવાડિયા વીત્યાં હોય કે, તરત વતનની યાદ આવી જતી હોય છે. અરે! ગુજરાતમાં જ બીજા ગામે ગયા હોઈએ તો પણ બહુ જલદી ઘર યાદ આવી જાય છે! કદાચ આ વિષય પર ગુજરાતી સાહિત્યમાં ખાંખાં ખોળાં કરીએ તો આદિલ ભાઈની આ આરઝૂના ઘણા બધા પડધા સંભળાઈ આવે. વતન ઝૂરાપાની વેદના તો, જેણે વેઠી હોય તે જ જાણે.

એ દિલની લાગણીને સલામ સાથે – અહીં વાત એની નથી કરવાની! એ તો હોય જ.

આપણે દિલ બહેલાવવા આમ ગાઈએ, વાંચીએ, લખીએ, સાંભળીએ એ યોગ્ય જ છે-  જરૂર એમ કરીએ. પણ જીવનની બીજી અને એનાથી વધારે પ્રબળ વૃત્તિ survival  હોય છે. લેક્સિકોનમાં એને માટે ગુજરાતી પર્યાય શોધવા કોશિશ કરી, પણ મજા ન આવી! માનવ જાતને કદી વતનમાં રહેવાનું ગમ્યું નથી, અથવા એના નસીબમાં એ નથી હોતું. એમ મનાય છે કે, ટાન્ઝાનિયાના સરન્ગેટી પાર્ક વાળી જગ્યાએ આદિ માનવ રહેતો હતો, પણ એ વતન છોડીને એ આખા વિશ્વમાં પથરાઈ ગયો. એ વાતની એક વાત અહીં લખી હતી.

https://gadyasoor.wordpress.com/2021/05/17/algari/

કદાચ એ માન્યતા સાચી ન પણ હોય. કદાચ ઘણી બધી જગ્યાઓએ આદિ માનવની અલગ અલગ જાતિઓ રહેતી હતી – એમ પણ હોઈ શકે. પણ એ વિવાદની વાત પણ અહીં નથી કરવી!

અમદાવાદી મરાઠી કે તામિલ/ બંગાળી ગુજરાતી એકલ દોકલ નથી હોતા! એમ જ ફાધર વાલેસ જેવા સ્પેનિશ ગુજરાતી પણ હોય જ છે.  એના માટે survival ઉપરાંત પણ બીજી એક માનવ સહજ વૃત્તિ હોય છે – Human enetprise. એને માટે આપણે ‘માનવસાહસ’ શબ્દ વાપરી શકીએ. માનવેતર પશુ કે વનસ્પતિ પણ સ્થળાંતર કરતાં હોય છે. પણ એ માટેનું પરિબળ survival હોય છે. જીવનની એ અનિવાર્ય ઘટનાને અતિક્રમીને માનવે માત્ર રહેઠાણના સ્થળમાં જ અવનવી સફર આદરવા ઉપરાંત ઘણી પીઠિકાઓમાં અદકેરી સફર આદરી છે. માનવ ઈતિહાસ એની સાક્ષી પૂરે છે.  એટલું જ નહીં – જ્ઞાન/  વિજ્ઞાનના સીમાડા ઓળંગી તેણે દસે દિશાની ક્ષિતિજો આંબી છે. બ્રહ્માંડનું મૂળ શોધવા એણે નજર લંબાવી છે. અને એવું તો ઘણું બધું. એને માટે બે જ શબદ –

अलं अनेन ।

     અદકપાંસળી માણસ માટે બીજો શબ્દ, માનવ અને એ શબદનું મૂળ – મન. એનું માંકડા જેવું મન આ સાહસવૃત્તિ  માટે જવાબદાર પરિબળ હોય છે. પણ  મનની વાત કરવા બેસીએ  તો તો –  આ વતન ઝૂરાપા કરતાં મસ  મોટું શાસ્તર ખૂલી જાય!

ચાલો, એ શાસ્તર ઉખેળવા કરતાં વતન ઝૂરાપાના આદિલ ભાઈના  ગીતને ગણગણાવીને વીરમીએ.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “નદીની રેતમાં રમતું નગર

  1. આદિલભાઈની ગઝલનું અવલોકન દિલથી લખીને સુરેશભાઈએ તેને ઉચ્ચતા બક્ષી. ફાળિયાં ટપોટપ હેઠે!

  2. રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
    પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
    ફરી ફરીને વાંચવી ગમતી ગઝલ.

Leave a Reply

Your email address will not be published.