પગદંડીનો પંથી : ભાગ ૧ – ૯. આધુનિક સાવિત્રી


પુરુષોતમ મેવાડા

Have faith in Almighty God and in your Medical Profession

તે વખતે ડૉ. પરેશ સર્જન થઈ ગયા બાદ સીનિયર રજિસ્ટ્રાર (Senior Registrar) તરીકે કામ કરતો હતા. આપણે જેને અરવિંદભાઈ તરીકે ઓળખીશું એ ભાઈ ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ થયેલા. શરીર કસાયેલું અને ઉંમર ૨૫ વર્ષ, પણ તપાસમાં ખબર પડી કે તેમને હાર્ટઍટેક (MI) આવેલો છે, મેડિકલ વૉર્ડમાંથી કૉલ હતો કે તેમનું પેટ ફૂલેલું છે અને સખત દુખાવા સાથે શૉકમાં છે (Shock, a serious medical condition), અને સર્જરીનો અભિપ્રાય જોઈએ છે.

ડૉ. પરેશે તપાસ્યું તો તાત્કાલિક ઑપરેશન કરવું પડે એમ લાગ્યું. તેમના અભિપ્રાય સાથે બીજા રિપૉર્ટ અને સીનિયર પ્રોફેસરનો અભિપ્રાય પણ એવો જ આવ્યો. હવે ઘણા પ્રશ્નો ઊભા થયા. દર્દી અરવિંદભાઈને પરણ્યે હજુ થોડા મહીના જ થયા હતા! આ જુવાનની ૨૫ વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવે એવું માન્યામાં ન આવે, અને આ સંજોગોમાં તેનું ઑપરેશન કરવામાં જાનનું જોખમ હતું. તેના બધા જ રિપૉર્ટ દર્શાવતા હતા કે ઑપરેશન કરીએ તો કદાચ બચી શકે! હૃદયરોગના હુમલાથી પેટમાં કઈ જાતનું નુકસાન થયું હશે એ તો માત્ર પેટ ખોલીને જોઈએ, તે પછી અને તો જ નક્કી થાય એમ હતું!

હાલમાં મળતી સોનોગ્રાફી (Sonography), સીટી સ્કેન (CT Scan) અને લોહીના આટલા સારા રિપૉર્ટની સગવડ તે વખતે ઉપલબ્ધ ન હતી. આઈસીસીયુ (ICCU) કે સીસીયુ (CCU)નું નામ તો મેડિકલ જર્નલો સિવાય ક્યાંય સાંભળ્યું નહોતું!

આ બધી જ પરિસ્થિતિની વાત સગાં અને દર્દી અરવિંદની નવોઢા, જેને આપણે અરુણા કહીશું, તેમને સમજાવીને કરવામાં આવી. સૌએ એક જ સુર પુરાવ્યો,

“ડૉક્ટર, તમને વધારે ખબર પડે, અમે તમારા વિશ્વાસે છીએ, જે યોગ્ય હોય તે કરો.”

હવે તેમની મંજૂરીની સહી લેવાની હતી, પત્ની તરીકે સહી કર્યા પછી અરુણાબેને કહ્યું;

“સાહેબ, તમે તમારા પ્રયત્નોમાં કશી જ કચાશ ના રાખશો, અને ખર્ચામાં પણ! મને ખાત્રી છે કે અરવિંદને કંઈ જ નહીં થાય. હું એને જિવાડીશ!”

તેની લાગણી સમજીને ડૉક્ટરોએ ફક્ત એટલું જ કહ્યુંઃ

“અમે બધા જ પ્રયત્નો કરીશું બહેન! પણ અમે તો ઘણીવાર નિમિત્ત બનતા હોઈએ છીએ, બાકી જીવન-મરણ અમારા હાથમાં નથી. ભગવાન ઉપર અને અમારા ઉપર પણ ભરોસો રાખો.”

તે સમયમાં ઉપલબ્ધ હતી એ બધી જ સગવડોની તૈયારી સાથે અમે અરવિંદભાઈને ઑપરેશન માટે લીધા. પેટ ખોલતાં જ (Exploratory Laparotomy) અમારા સૌના મોતિયા મરી ગયા. નાનું આંતરડું લગભગ ૭૦% જેટલું મરી ગયેલું (Gangrenous) હતું. જો કે શરૂઆતનો ૨-૩ ફૂટનો ભાગ બચે એવો હતો, તેનાથી આગળનો આખો મરેલો ભાગ કાપી કાઢવો પડે એમ હતું! પછી બચેલા ભાગ સાથે મોટા આંતરડાને જોડવું પડે (Intestinal Anastomosis)! આ નવો બનાવેલો રસ્તો (Stoma) ખરેખર કામ કરશે કે નહીં તે શંકા પ્રેરતું હતું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. બે ત્રણ કલાકની અથાક મહેનતથી અમે આ કામ પાર પાડ્યું. પણ ઑપરેશન પછી દર્દીને ભાનમાં લાવી શકાયો નહીં. સગાં સાથે હકીકતની ચર્ચા કરી જુનિયર ડૉક્ટરોને ચોવીસ કલાક ધ્યાન-સારવાર માટે રાખી ડૉ. પરેશે ભગવાનને પ્રાર્થના કરી.

દર્દી અરવિંદ ચોવીસ કલાક બેભાન (Unconscious) રહ્યો, પણ પછી ભાનમાં ધીરે-ધીરે આવ્યો. છતાં ડૉ. પરેશ અને બીજા ડૉક્ટરોને તેને જીવી જવાની આશા નહોતી. દરેક વખતે સગાં અને તેની પત્ની અરુણાબેન પૂછતાં;

“ડૉક્ટર હવે સારું થઈ જશે ને?”

“કંઈ કહેવાય નહીં, અને સાચું કહીએ તો અમને એના બચવાની આશા ઓછી છે!”

આ સાંભળીને અરુણાબેન ઢીલા થતા લાગે, પણ રડે નહીં, અને ડૉક્ટરોને ભાર દઈને કહેઃ

“સાહેબ, આવું ફરી બોલતા નહી, એ જીવશે, હું એને જિવાડીશ, તમે જે શક્ય હોય એ બધી જ સારવાર ચાલુ રાખો. મારો વિશ્વાસ તોડતા નહીં”

ત્યાર પછી ડૉ. પરેશે પોતાની ટીમને કહ્યું, કે હવેથી નિરાશાની કોઈ જ વાતો અરુણાબેનની હાજરીમાં કરવી નહીં. આમ દસેક દિવસ નીકળી ગયા. જે દર્દી ચોવીસ કે અડતાલીસ કલાક પણ જીવશે નહીં એવું લાગતું હતું એ હવે સારો દેખાતો હતો! ડૉક્ટરો જોડે હસીને વાતો કરતો હતો! પુષ્કળ દુખાવો રહે તો પણ શાંતિથી પોતાની તકલીફોની વાતો કરે! આથી ડૉક્ટરોએ તેના પર પણ વધારે ને વધારે ધ્યાન આપવા માંડ્યું. દરરોજનું ડ્રેસિંગ, નસમાં બાટલા ચઢાવવા, એન્ટિબાયોટિક્સ અને દર્દશામક દવાઓ ચાલુ હતી, નાક વાટે પેટની હોજરીમાં નળી ઉતારેલી, પેશાબની ટ્યૂબ, વગેરેની કાળજી રાખવી એ ખૂબ જ ધ્યાન માગી લે એવું હતું. નર્સિંગસ્ટાફ, વૉર્ડબોય સૌએ સાથ આપ્યો.

દસમા દિવસે સહેજ પાણી પીવાની, સાદો રસ પીવાની છૂટ મળી. નાકની ટ્યૂબ (Nasogastric Tube) કાઢી નાખી. આમ સારું પરિણામ આવતાં ટાંકા (Sutures) કાઢવા કહેવામાં આવ્યું. જુનિયર હાઉસમેને ટાંકા કાઢ્યા, દર્દીને થોડીવાર ફરવાની છૂટ આપી. પણ આ શું થયું?

પેટની સાંધેલી આખી દિવાલ ખૂલી ગઈ (Brust Abdomen), આંતરડાં અને બીજા અવયવો બહાર દેખાતા હતા, અને દર્દી ફરીથી શૉક (Shock)માં સરી પડ્યો. બધા રિપૉર્ટ તપાસીને લોહીની ખામી (Anaemia) જણાતાં બેભાન કરનારા ડૉક્ટરોએ કહ્યું કે બેભાન કરવાથી જાનનું જોખમ છે, ફરીથી ઑપરેશન લોકલ એનીસ્થેસિયા (Local Anaesthesia)માં જ કરો. આખરે પરિસ્થિતિનો વિચાર કરી, દર્દી અરવિંદ તેની પત્ની અરુણા અને સગાંઓની સંમતિથી સંપૂર્ણ બેભાન કર્યા વગર જ માસ સુચરિંગથી (Mass Suturing Abdominal Closure) પેટ સીવી લેવામાં આવ્યું. ઘણો દુખાવો થાય પણ અરવિંદભાઈએ સહેજ પણ ઊંહકારો ના કર્યો. ફરી એક વખત નસમાં બાટલા સાથેની પથારીવશ સ્થિતિમાં મુકાવા છતાં બંને પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ જોતાં સૌ સ્ટાફ ફરીથી સારવારમાં લાગી પડ્યો. સૌને આશા બંધાઈ હતી અને દર્દીનાં સગાંનો પણ સાથ-સહકાર હતો, એટલે દરેક જણ પડ્યો બોલ ઝીલતું હતું.

પણ, મુસીબત અરવિંદનો અને ડૉક્ટરોનો સાથ છોડવા તૈયાર ન હતી. જે જગ્યાએ આંતરડાને સાંધ્યાં હતાં એ જગ્યા(Stoma)એથી લીક (Anastomosis Leak) ચાલુ થઈ ગઈ, પાચક રસો (Digestive Juices) બહાર આવવા માંડ્યા, પેટમાં રસી-પરુ (Sepsis with Pus Discharge) થવાથી તાવ આવવા માંડ્યો. અરવિંદભાઈનું વજન ૭૦ કિલો હતું તે ૪૦ કિલો થઈ ગયું. દરરોજ બેથી ચાર વખત ડ્રેસિંગ (Dressings) કરવા છતાં ચામડી સડવા માંડી, જેને કારણે દુખાવો સહન ન થવાથી દર્દી બૂમો પાડે. આ બધા જ સમયે તેની પત્ની ખડે પગે, દિવસ-રાત તેની સારવારમાં હાજર હોય જ! ડૉક્ટરોને લાગવા માડ્યું કે હવે તો આને બચાવી શકાશે નહીં, કારણ કે દરરોજ બાટલા ચઢાવી કેટલા દિવસ જિવાડી શકાય? હાથ પગની નસો બંધ થઈ ગઈ હતી તેથી ગળાની મોટી નસમાં ટ્યૂબ નાખી હતી. ઘણી બોટલો લોહી અપાયું હતું. શરીરમાં શક્તિ માટે, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સ્નિગ્ધ-તૈલી પદાર્થો સાથે મિનરલ્સ અને વિટામિન્સ પણ આપવાં જરૂરી હતાં. પણ ખાઈ ન શકતા દર્દીને નસમાં એ કેવી રીતે આપવાં? જે સમયની આ વાત છે, ત્યારે નસમાં આપી શકાય એવાં આ પ્રકારનાં ઇન્જેક્શનો અને બાટલા ભારતમાં બનતા નહોતા. ફક્ત ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં આની શરૂઆત થઈ હતી અને ત્યાંથી મંગાવતાં ઘણો ખર્ચ થાય અને એ પણ સમયસર ન મળે એવું બને!

ડો. પરેશ અને ડૉક્ટરોની ટીમે આ બધી જ પરિસ્થિતિની વાત તેનાંં સગાં સાથે ચર્ચવાનું નક્કી કર્યું.

તેમણે અરવિંદભાઈનાં બધાં સગાંને અને અરુણાબેનને ઑફિસમાં બોલાવીને દર્દીની વણસી રહેલી અને સારવારની આગળની પરિસ્થિતિની ચર્ચા કરી. સારવાર કોઈપણ રીતે ચાલુ રાખવાનું નક્કી થયું. એ પણ નક્કી થયું કે બહારથી, ઇંગ્લૅંડથી પણ દવાઓ મંગાવવાની વ્યવસ્થા તેઓ કરશે જ કરશે! અરૂણાબેને પણ કહ્યું કેઃ

“ડૉક્ટર, મારે અરવિંદને કોઈ પણ ભોગે બચાવવો જ છે, તમતમારે સારવારની જરૂરિયાત લખી આપો!”

“બહેન, તમે જુઓ છો ને, કે બધો જ સ્ટાફ મન મૂકીને સારવાર કરે છે! અમારા સ્ટાફ બાબતે ખાત્રી રાખજો.”

અને એ સાથે જ બધી વ્યવસ્થા થવા માંડી. ડૉ. પરેશે અંગત રીતે દવાખાનાની ફાર્મસીમાં થોડી નવી જાતની, નસમાં આપી શકાય એવી બોટલ મિનરલ્સ નાખીને બનાવડાવી. આવા કેસની જર્નલો અને અભ્યાસી ચોપડીઓમાંથી નવી સારવાર પદ્ધતિઓ શોધીને તેનો અમલ કરવા માટે ડૉક્ટરોની ટીમ તૈયાર કરી. ફરીથી ઑપરેશન કરી આંતરડાની લીકને રિપેર કરવાનું અશક્ય હતું, કારણ કે દર્દીની મેડિકલ સ્થિતિ સારી નહોતી, નાનું આંતરડું ખૂબ જ ઓછું બચ્યું હતું, અને આ બધા સમય દરમ્યાન પેટના બધા જ અવયવો અને આંતરડાં રસીને લીધે ચોંટી ગયાં હોય છે. હવે તો કુદરતી રીતે જ આંતરડાની લીક બંધ થાય એની રાહ જોવાની, અને દર્દીને પૂરતું પોષણ મળે એ માટે નસ વાટે જરૂરી કેલરીઝ અને બીજાં પોષક તત્વો આપ્યા કરવાં, એ જ રસ્તો બચ્યો હતો.

અરુણાબહેનની હાજરી સતત હોય જ! જરૂરી વસ્તુઓ, દવાઓ તરત જ હાજર કરી દેવાય, એ બધું ખરેખર દાદ માગી લે એવું હતું. સગાં અને અરુણાબેનનો સંપૂર્ણ સહકાર ડૉક્ટરોની ટીમને પ્રોત્સાહન પૂરું પાડતો હતો. આમ ધીરે-ધીરે અરવિંદભાઈની તબિયત સુધરવા માંડી હતી, તેને હવે થોડું-થોડું પ્રવાહી આપવાનું શરૂ કર્યું હતું. ખાટલામાં બેસીને તેઓ વાતો કરી શકતા હતા. આંતરડાની લીક પ્રમાણમાં ઓછી થતી હતી. સાથે ગુદાદ્વાર વાટે હવા છૂટતી હતી એટલે આંતરડાં કામ કરશે એની ખાત્રી થતી હતી. સૌને લાગવા માંડ્યું હતું કે હવે તે જીવી જશે. અરુણાબેન અને ડૉ. પરેશની ટીમના બીજા ડૉક્ટરોના ચહેરા પર સ્મિત ફરકવા માંડ્યું હતું. બધો સ્ટાફ અને સગાંઓ ખુશ જણાતાં હતાં, અને ભગવાનનો પાડ માનતાં અને પાર્થના કર્યે રાખતાં હતાં.

એક દિવસ રાઉન્ડ દરમિયાન સીનિયર પ્રોફેસરની નજર ડૉ. પરેશની આંખો પર પડી;

“ડૉ. પરેશ, Your eyes look yellow, get checked for Jaundice.”

બધાંની નજર પરેશની આંખો પર મંડાઈ, અને સૌનાં માથાં હકારમાં હલી ગયાં. ડૉ. પરેશને થોડા દિવસોથી અશક્તિ જેવું લાગતું તો હતું જ, પણ કમળો હશે એ તેના ધ્યાનમાં આવ્યું નહોતું! હવે શું?

બીજા દિવસે ડૉ. પરેશે લૅબોરેટરીમાં લોહીની તપાસ કરાવી તો પ્રોફેસરની વાત સાચી નીકળી, તેને કમળો હતો. પ્રોફેસર અને અન્ય ડૉક્ટર-મિત્રોની સલાહ પ્રમાણે તેણે આરામ કરવા માટે માંદગીની રજા પર ઊતરી જવું પડ્યું. દર્દી અરવિંદની સારવાર માટે વૉર્ડના જુનિયર ડૉક્ટરોને સોંપણી કરવી પડી, સૌએ પૂરતી કાળજી લેવાની ખાત્રી આપી.

ડૉ. પરેશનો કમળો વધી ગયો હતો, બિલિરુબીન ૨૫ મી.ગ્રા. થઈ ગયું હતું. ખોરાકની પરેજી, આરામ અને બીજી સપોર્ટિવ સારવાર સિવાય કંઈ થઈ શકે એમ નહોતું. ઊલટીઓ થાય, જમવાનું ભાવે નહીં, થોડો તાવ આવે, પુષ્કળ કળતર થાય, એ બધું જ એક દર્દીની જેમ ડૉ. પરેશે પણ સહન કરવાનું હતું. આમ ને આમ ૩-૪ અઠવાડિયાં થવા આવ્યાં, પછી ધીરે-ધીરે તેને સારું થવા માડ્યું. આ દરમ્યાન દર્દી અરર્વિંદ તેને અનેકવાર યાદ આવી જાય, સમાચાર મળે કે એને સારું થાય છે, પણ ડૉક્ટર પરેશને પોતાની પણ ખૂબ જ ચિંતા થતી હતી. શરીર અશક્ત હતું. હજી થોડાં અઠવાડિયાં આરામ કરવાની સલાહ મળી હતી, એટલે એ તેના રૂમ પર આરામ કરતો હતો, અને સર્જરીને લગતું અને અન્ય સાહિત્ય વાંચતો હતો. ઘણીવાર મિત્રો મળવા આવે ખરા, પણ આરામ અને એકાંત અકળાવી મૂકે એવું હતું!

એક દિવસ બપોરના સમયની ઊંઘમાં હતો ત્યારે બારણે ટકોરા પડ્યા. ટકોરા સાંભળી તે સફાળો જાગી ગયો. જોયું તો કોઈ ભાઈ પૂછતા હતા;

“હું અંદર આવી શકું, ડૉક્ટર સાહેબ?”

“હા, આવો ને! પણ.. પણ.. મેં તમને ઓળખ્યા નહીં”

“ના ઓળખ્યો? હું એ જ પેલો દર્દી છું, જેના મરવાની રાહ તમે ડૉક્ટરો ઘણાં અઠવાડિયાં સુધી જોતા હતા! હું અરવિંદ!” એ હસવા માંડ્યો!

“અરે અરવિંદ, તું એકદમ સારો થઈ ગયો? આટલાં સારાં કપડાં પહેરેલો મેં તને કદી જોયો જ નહોતો! એટલે ક્યાંથી ઓળખું? તારા પત્ની ક્યાં છે?” એમ કહેતાં બંને ભેટી પડ્યા.

એટલામાં બહાર સંતાઈને ઊભેલાં અરુણાબેન હસતાં-હસતાં અંદર દાખલ થયાં, અને કહ્યું;

“તમે અરવિંદને ઓળખો છે કે નહીં તે જોવા માટે જ હું અહીં બારણા બહાર સંતાઈને ઊભી હતી. આજે તો ડૉ. પરેશભાઈ, અમે તમારો આભાર માનવા આવ્યાં છીએ. ગયા અઠવાડિયે અમને રજા મળી ગઈ, પણ ફરીથી આવીને તમને મળવાનું ગોઠવ્યું હતું. કારણ કે મારે બાધા પૂરી કરવાની હતી. અરવિંદને સાજા ઘરે લઈ જતાં પહેલાં મારે નાથદ્વારા દર્શન કરાવવા લઈ જવાના હતા.”

“તમને બંનેને જોઈ ખૂબ જ આનંદ થયો. અરવિંદભાઈ, તારી પત્નીએ જે સારવાર કરી છે એનો જોટો જડે એમ નથી! હું તો માનું છું કે એને આ જમાનાની સાવિત્રી કહેવું પડે!”

અને એ સાથે ત્રણે જણ ખૂબ જ આનંદપૂર્વક હસવા માંડ્યાં! તેમણે ડૉ. પરેશને સરસ મજાની ભેટ આપી. અને વારંવાર આભારના શબ્દો કહેતાં ગયાં. અરુણાબેનની આંખમાં હર્ષાશ્રુ ભરાયાં હતાં.

ડૉ. પરેશને એક સર્જન તરીકે ખૂબ જ સંતોષ થયો! લાગ્યું કે આધુનિક ડૉક્ટરી જ્ઞાન, ભગવાન ઉપરની આસ્થા અને અંગત સગાંનો સહકાર અશક્યને પણ શક્ય કરી શકે છે.


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

1 thought on “પગદંડીનો પંથી : ભાગ ૧ – ૯. આધુનિક સાવિત્રી

  1. આ સત્ય કથા જનકલ્યાણ સપ્ટેમ્બર ૨૦૨૧ માં પણ પ્રકાશિત થઈ છે, જાણ માટે.

Leave a Reply

Your email address will not be published.