આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૩

પ્રવાસી યુ. ધોળકિયા

આપણા પ્રાચીન ઇતિહાસમાં ડોકીયું કરતી આ શ્રેણીના છેલ્લા અંકમાં આપણે એ પ્રાચીન ઇતિહાસના મધ્યકાળના બીજા તબક્કાના ઇ. સ. ૭૫૦થી ૧૦૦૦ના સમયખંડ દરમ્યાન ભારતીય મુળના જુદા જુદા રાજવંશોએ રાજ્ય કર્યું તેની ચર્ચા કરી રહ્યાં હતાં. આજના મણકામાં એ ચર્ચા આગળ ચલાવીશું.

(૧૪) આમ તો આપણે પાલ વંશ પર અગાઉના લેખમાં વાત કરી છે. પરંતુ ઇતિહાસમાં તેને માટે વધારે માહિતી મળે છે. તેના સ્થાપક ગોપાલ પછી ધર્મપાલ અને દેવપાલ પાલ વંશના શાસકો બન્યા. સમગ્ર બંગાળ, બિહાર તથા આસામ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારો પર પાલ રાજવીઓએ પ્રભુત્વ જમાવ્યું. તેઓ બૌદ્ધ ધર્મી હોવાથી, નાલંદા જેવી વિશ્વ કક્ષાની વિદ્યાપીઠ જેવી જ બૌદ્ધ વિદ્યાપીઠો તેઓએ વિક્રમશીલા અને ઓદંતપુરીમાં સ્થાપી.

કનોજ પર અધિકાર જમાવવા માટે પાલ વંશે ગૂર્જર પ્રતિહાર અને રાષ્ટ્રકૂટો સાથે ત્રિપક્ષીય યુદ્ધો કર્યાં. જોકે બહુ ઓછા સમય માટે જ કનોજ તેમના અધિકારમાં રહ્યું. ૧૨મી સદીમાં આંતરિક સંઘર્ષો અને મુસ્લિમ આક્રાંતાઓના આક્રમણોને લઈને પાલવંશનો નાશ થયો.

(૧૫) સેનવંશ: સેનવંશીઓ કર્ણાટકના મુળ નિવાસી હતા. બંગાળમાં પાલ વંશની પડતીના સમયમાં તેઓ પ્રકાશમાં આવ્યા.તેના મુળ રાજવીઓમાં વિજયસેન અને બલ્લારસેનને માનવામાં આવે છે. ધીરે ધીરે તેઓએ પાલ વંશના રાજ્ય વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. પરંતુ આ વંશ બહુ લાંબું ન ટક્યો. ૧૩મી સદીના પ્રારંભમાં દિલ્હીમાં જ્યારે મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ ત્યારે જ ગુલામ વંશે સેન રાજાઓને હરાવી તેમના રાજ્ય વિસ્તારોને મુસ્લિમ સલ્તનતમાં ભેળવી દીધા. આ વંશના સમય દરમ્યાન તેના રાજકવિ જયદેવ થયા, જેઓએ પ્રખ્યાત કૃતિ ‘ગીત ગોવિંદ’ની રચના કરી.

(૧૬) રાષ્ટ્રકૂટ: આ વંશના સ્થાપક દન્તિદુર્ગ હતા. પ્રારંભમાં તેઓ ચાલુક્યોના સામંત હતા. પણ પછી તેઓ સ્વતંત્ર રાજવી થયા. આ વંશ ૨૨૫ વર્ષ ટક્યો. તેનું કેન્દ્ર વાતાપી હતું. તે ઉપરાંત રાષ્ટ્રકૂટોએ કાંચી, કલિંગ,કૌશલ, માળવા અને ગુજરાતના અનેક પ્રદેશો પર આધિપત્ય જમાવ્યું. દન્તિદુર્ગે ઉજ્જૈનમાં હિરણ્યગર્ભ નામનો વૈદિક યજ્ઞ કરેલ. ઇ.સ. ૭૫૮માં તેનું મૃત્યુ થયું. તેના પછી કૃષ્ણ (૧) ગાદી પર આવ્યા. તેઓએ રાષ્ટ્રકૂટના રાજ્યવિસ્તારને સુદૃઢ કર્યો. તેમના પછી ગોવિંદ (૨) અને ધ્રુવે રાષ્ટ્રકૂટની ગાદી સંભાળી. તેમણે પાલોનો પરાજય કર્યો. વત્સરાજ નામના ગૂર્જર પ્રતિહાર રાજવીને પણ હરાવ્યો. તેના પછી ગોવિંદ (૩)એ પણ છેક દક્ષિણ સુધી આણ વર્તાવી. આ વંશના સૌથી પ્રતાપી રાજા અમોઘવર્ષ હતા. તેઓએ ઇ. સ. ૮૧૭થી ૮૭૭ એમ ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. વેંગીના ચાલુક્યો અને ગંગો નાં યુદ્ધોએ પણ તેમના રાજ્ય કારભારનો દીર્ઘકાળ લઈ લીધો. પાલવંશના રાજવીને પણ તેમણે હરાવ્યા. પોતાની રાજધાની નાશિકથી માન્યખેત (કર્ણાટક)માં કરી. સુલેમાન નામના મુસ્લિમ યાત્રિકે અમોઘવર્ષને વિશ્વના ચાર મહાન રાજવીઓઆં ગણાવ્યા છે. કાળક્રમે આ રાજ્ય નબળું પડ્યું પરંતુ કૃષ્ણ(૨)એ રાષ્ટ્રકૂટ વંશની કીર્તિ પુનઃસ્થાપિત કરી. ધીરે ધીરે ચાલુક્ય વંશનાં નવાં રાજ્યના ઉદય સાથે રાષ્ટ્રકૂટ વંશનો અંત આવ્યો.

(૧૭) કલ્યાણીના ચાલુક્યો: આ વંશના સ્થાપક તૈલપ (૨) હતા. આજના મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં તેણે આ રાજ્ય સ્થાપી આજુબાજુના અન્ય રાજ્યોના વિસ્તારો પર પુનઃ અધિકાર પ્રાપ્ત કર્યો. પરંતુ પરમાર વંશના રાજવી મુંજાલે તેનો પરાજય  કર્યો. ચોલ વંશ પણ હવે પોતાની સત્તા દક્ષિણ ભારતમાં જમાવી રહ્યો હતો. તેને હાથે પણ કલ્યાણીના ચાલુક્યોને પરાજયનો સામનો કરવો પડ્યો. આ વંશના સોમેશ્વર(૧) અને વિક્રમાદિત્યે ચોલ લોકોને ભારે ટક્કર આપેલી. આખરે આ વંશ પણ નબળો પડ્યો. દેવગીરીના યાદવોએ પશ્ચિમમાં અને દક્ષિણથી દ્વાર સમુદ્રના હોયસલોએ કલ્યાણીના ચાલુક્ય  વંશનો અંત કર્યો.

(૧૮) ચોલ વંશ: સુદુર દક્ષિણ ભારતમાં ચોલ વંશના સમ્રાટોની પ્રતિષ્ઠા પણ ઉત્તર ભારતના સમ્રાટ શ્રી હર્ષની સમાન હતી. કાવેરી નદીની આસપાસ આ રાજ્યની સ્થાપના વૈજયાલયે (ઇ. સ. ૮૫૦થી ૮૭૧) કરી હતી. તેણે પલ્લવોને હરાવ્યા હતા. તેના પછી ચોલવંશની ગાદી સંભાળનાર પરાંતક (૧) (ઇ. સ. ૯૦૭થી ૯૪૭) મદુરાઇના પાંડ્ય રાજાઓનો પરાજય કરી શ્રી લંકા પણ જીતી લીધું. આ પછી રાજ દેવે ઇ. સ. ૯૮૫માં ૨૮ વર્ષ રાજ્ય કરી  સમગ્ર માલદીવ અને લક્ષ્યદીપ સહિત સમગ્ર દક્ષિણ ભારત પર પોતાનો અધિકાર સ્થાપ્યો. તેણે તાંજોરમાં ભવ્ય બૃહદેશ્વર મંદિર બનાવ્યું.

બૃહદેશ્વર મંદિર

આ પછી તેના પુત્ર રાજેન્દ્ર ચોલ દેવે ગંગા સુધીના પ્રદેશો જીતી લઈને ગંગાઈ-કોંડાનું બિરુદ ધારણ કર્યું. ભારતમાં સર્વ પ્રથમ નૌકાદળની સ્થાપના તેણે કરી. આજના મલેશિયા રાજ્યને જીતી લીધું. તે ઉપરાંત ઇન્ડોનેશિયાના રાજાનો પણ તેણે પરાજય કર્યો. તેમનાં આ અભિયાનોનો મુખ્ય આશય રાજ્ય વિસ્તાર નહીં પણ દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીન સુધીના દરિયાઈ વેપારી માર્ગની સુરક્ષાનો હતો. આ પછીના કોઈ પણ ચોલ રાજા આટલા શક્તિશાળી ન નીવડ્યા, તેથી દક્ષિણ ભારતના આ મહાન વંશનો ઇ. સ. ૧૩૧૦માં અંત આવ્યો.

રાજેન્દ્ર ચોલ દેવ

હવે આપણે ભારતના ઇ. સ. ૬૦૦થી ૧૨૦૦ વચ્ચેના સમયગાળાના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજા તબક્કાના મહાન રાજવીઓમાં રાજપુતોના ૩૬ રાજ્ય કુળોનો ઇતિહાસ કેન્દ્રસ્થાન લે છે.

(૧૯) ચંદેલ: ચંદેલાઓએ યમુના અને નર્મદાના, આજે બુંદેલખંડ તરીકે ઓળખાતા, પ્રદેશની વચ્ચે નવમી સદીમાં તેમની રાજ્યસત્તા સ્થાપી. તેમના પ્રથમ રાજવી નાનુકે પરિહાર વંશનું આધિપત્ય છોડી ઇ. સ. ૮૩૧માં સ્વતંત્ર રીતે રાજ્ય કારભાર સંભાળ્યો. હર્ષ અને યશોવર્મન ચંદેલ વંશના પ્રતાપી રાજાઓ થયા. યશોવર્મને માળવાના રાજવી દેવપાલ પાસે વિષ્ણુની જે મૂર્તિ હતી તે છીનવીને ખજૂરાહોના મંદિરમાં પ્રસ્થાપિત કરી.

ઇ. સ. ૯૫૦થી ૯૯૯ દરમ્યાન આ વંશના ધંગે ગાદી સંભાળી. તેણે ખજૂરાહોનાં ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું. ભારતના દુર્ભાગ્યે તે સમયે મુસલમાની ગુલામ વંશના શાસકોએ ભારત પર આક્રમણ કર્યું. તેની સામે દક્ષિણ અફઘાનિસ્તાન અને પંજાબના જયપાલે રાજપૂત રાજાઓનો એક સંઘ બનાવેલો. તેમાં ધંગે ખાસ સહાયતા કરી હતી. તેના પછી ગંડ નામનો રાજા ચંદેલ વંશનો રાજવી બન્યો. કનોજના રાજવી રાજ્યપાલે મહમુદ ગઝનીનું શરણ સ્વીકાર્યું હતૂ, એટલા માટે કરીને ગંડે તેને મારી નાખેલો. જોકે મહમુદે ગંડનો પરાજય કર્યો હતો. તેના પછી ચંદેલ વંશની ગાદી કીર્તિવર્મને સંભાળી હતી. તેણે ગુજરાતના મહાન રાજવી કર્ણદેવનો પરાજય કરેલો. આ વંશના છેલ્લા રાજા પારમલને પહેલાં પૃથ્વીરાજ ચૌહાણે  હરાવેલો અને અંતમાં મુસ્લિમ શાસક કુતુબુદ્દિન ઐબકે અંત કર્યો.  

(૨૦) પરમાર વંશ: નર્મદા નદીના ઉત્તરમાં આવેલા માળવા પ્રદેશમાં નવમી સદીમાં કૃષ્ણરાજે આ વંશની સ્થાપના કરી, જે ૪૦૦ વર્ષ ટક્યો. તેના પ્રસિદ્ધ રાજા મુંજાલ થયા. રાજવી હોવાની સાથે સાથે તેઓ સાહિત્ય રસિક પણ હતા. ચાલુક્ય સાથેના યુદ્ધમાં તૈલબ(૨)એ તેમનો ૯૯૫માં વધ કર્યો. તેના પછી તેના ભત્રીજા, પ્રસિદ્ધ, રાજા ભોજે માળવાના ધાર પ્રદેશથી ૪૦ વર્ષ  માટે બહુ સારી રીતે રાજ્યવહીવટ કર્યો. રાજા ભોજ રાજવી હોવા ઉપરાંત વિદ્વાન પણ હતા. તેઓએ ખગોળ, સ્થાત્પત્ય, કળા, કાવ્ય, વ્યાકરણ અને બીજા અનેક વિષયો પર લખ્યું. દુર્ભાગ્યે ઇ. સ. ૧૦૬૦માં ગુજરાતના અને ચેદીના રાજપુતોએ જ તેમનો પરાજય કર્યો. પરમાર વંશનો અંત ઇ. સ. ૧૪૦૧માં મુસ્લિમોએ કર્યો.

(૨૧) કલ્ચુરી વશ: આ વંશ મધ્ય પ્રદેશના જબલપુર અને મહાકોશલના રતનપુરમાં એમ બે જગ્યાએ અસ્તિત્ત્વમાં આવ્યો. આ વંશના સ્થાપક તરીકે કોકલ્લ(૧)વંશ પ્રસિદ્ધ થયા. ઇ. સ. ૮૪૫માં ગાદીનશીન થયા પછી તેમને તે સમયની બે મહાસત્તાઓ, પ્રતિહારો અને રાષ્ટ્રકૂટો, સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું. તેણે તુર્કોનો પણ વીરતાપૂર્વક સામનો કરેલ. આ વંશના અન્ય મહાન રાજવીઓમાં જ્ઞાનદેવ અને કર્ણદેવ થયા. કર્ણદેવે ૧૧મી સદીમાં ગુજરાતના રાજા ભીમદેવ સાથે મળીને ભોજરાજાનો પરાજય કર્યો. તેમણે પાલ રાજાઓને પણ મગધમાં હરાવ્યા. પરંતુ તેનો પરાજય ચંદેલ રાજવી કીર્તિવર્મને કર્યો. ઇ. સ. ૧૧૮૫ પછીથી આ વંશનો ઇતિહાસ મળતો નથી.   

એવી પણ એક ઐતિહાસિક પરંપરા છે કે આઠમી સદીમાં આબુમાં એક યજ્ઞ કરવામાં આવેલો હતો અને તેમાંથી પવાર, પરિહાર, ચૌહાણ અને સોલંકી એમ ચાર નવાં રાજપુતોના વંશજોએ ઉત્તર ભારતનો રાજ્યકારભાર પોતાના હસ્તક લીધો. રાજપૂત વંશના આદ્ય સ્થાપક બાપ્પા રાવળ હતા. તેઓશ્રીએ સિંધમાં સ્થાપિત થયેલા આરબોનો ઇ. સ. ૭૫૦ પછી પરાજય કરી સિંધ છોડવા ફરજ પાડેલી.

બાપ્પા રાવળ

(૨૨) ગઢવાલ:  આ રાજવંશ રાજપુત કુળનો માનવામાં આવે છે. તેના સ્થાપક ચંદ્રદેવ હતા. તેની રાજધાની કનોજ હતી. ગઢવાલ વંશના અન્ય પ્રતાપી રાજવીઓએ આજુબાજુના પડોશી રાજ્યો પર વિજય મેળવેલો. આ વંશના દુર્ભાગ્યે તેનો અંતિમ રાજવી જયચંદ હતો. મુસ્લિમોના આક્રમણોમાં મદદ કરનાર દેશદ્રોહી તરીકેની ખોટી ઓળખ ઊભી થઈ ગઈ છે. હકીકત એ છે કે પૃથ્વીરાજ ત્રીજાએ તેની પુત્રી સંયુક્તાનું અપહરણ કરીને, તેનો પરાજય કરીને, તેને મુસ્લિમોનું શરણ લેવાની સ્થિતિમાં મુકી દીધેલ. બીજી બાજુ તેને જેનું શરણ લીધું એ મોહમ્મદ ઘોરીએ પણ તેને ગદ્દાર ગણ્યો અને ૧૧૯૪માં નાલેશી ભર્યો પરાજય કર્યો.

(૨૩) ચૌહાણ વંશ: આ વંશ ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ સ્થાપિત થયેલો, પરંતુ તેનો સાચો પ્રારંભ આઠમી સદીમાં લાટ પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં શાકંભરી ખાતે થયેલો, જેની સ્થાપના વાસુદેવે કરેલી. ચૌહાણો લાંબો સમય સુધી પ્રતિહાર વંશના સામંતો તરીકે રહ્યા, પરંતુ સિંહરાજે પોતાને સ્વતંત્ર રાજવી તરીકે જાહેર કર્યો. તેના પછી વિગ્રહરાજ(૨)એ રાજ્યકારભાર સંભાળ્યો. તેણે ગુજરાત પર આક્રમણ કરી પ્રસિધ્ધ રાજા મુળરાજને સિંહાસન છોડી જવા ફરજ પાડી, તેના પછી આવેલ દુર્લભરાજે રાજસ્થાનનો લગભગ વિસ્તાર જીતી લીધો. શાકંભરી વંશના અન્ય એક રાજવી વિગ્રહરાજ(૪) સાહિત્ય સર્જક પણ હતા. પ્રસિધ્ધ પૃથ્વીરાજ તેમના ભત્રીજા થાય. પૃથીરાજે મુહમ્મદ ઘોરીનો પહેલાં ૧૧૯૧માં પરાજય કર્યો, પરંતુ મુસ્લિમ શાસકનો પીછો કરવાને બદલે તેને જવા દીધો. પરિણામે આ મુસ્લિમ આક્રાંતાએ બીજે જ વર્ષે પૃથ્વીરાજને તરાઈના યુદ્ધમાં હરાવીને તેનો વધ કર્યો. આ પછી ભારત ૬૫૦ વર્ષ મુસલમાનોના આધિપત્ય નીચે રહ્યું.

(૨૪) અફઘાનિસ્તાનના શાહી રાજવીઓ: આ વંશનો હિંદુ સ્થાપક કલ્લાર નામે એક બ્રાહ્મણ હતો. જોકે તેનો કાબુલ પ્રદેશ પરનો અધિકાર તુર્કોએ છીનવી લીધેલો.  પરિણામે શાહી વંશને અફઘાનિસ્તાનના બાકી પ્રદેશો અને પંજાબ તથા સરહિંદથી તે પ્રદેશનું શાસન કરવું પડ્યું. આ વંશે મુહમ્મદ ગઝનીનાં આક્રમણનો ભોગ પણ બનવું પડ્યું. પરિણામે, પેશાવર અને વાહિંદ જેવા પ્રદેશો  શાહી વંશને મુસલમાનોને આપી દેવા પડ્યા. આ વંશના ત્રિલોચનપાલ અને ભીમને પણ મુસલમાનો સામે લડીને પોતાનું રાજ્ય ગુમાવવું પડ્યું. મુહમ્મદ ગઝનીએ પછીથી અફઘાનિસ્તાન અને પંજાબના ઘણા ભાગો પોતાના રાજ્યમાં ભેળવી દીધા. આપણે જાણીએ છીએ તેમ ગઝનીએ  ભારત પર સત્તર વાર આક્રમણ કર્યું હતું. અનેક વાર તેનો પરાજય પણ થયો હતો, પરંતુ ઇ. સ. ૧૦૨૪ અને ૧૦૨૫માં સોમનાથ પર તેણે ચડાઈ કરી ત્યારે સોમનાથનો બચાવ ભારતીય મુળના રાજવીઓ કરી ન શક્યા. અત્રે એક સત્ય હકીકત બની કે આ પછી ૧૫૦ વર્ષ સુધી ભારત પર મુસલમાનોનાં કોઈ આક્રમણો નહોતાં થયાં.

ભારતની લગભગ ૪૦ પ્રતિશત વસ્તી ધરાવતાં દક્ષિણ ભારતની પ્રજાની એ ફરિયાદ રહી છે કે જ્યારે જ્યારે ભારતનો ઇતિહાસ શીખવવામાં આવે છે ત્યારે ત્યારે દક્ષિણ ભારતના ઈતિહાસની ઉપેક્ષા કરવામાં આવી છે. આ સંદર્ભમાં એ બાબતની નોંધ લેવી જોઈએ કે છેલ્લાં ૨,૫૦૦ વર્ષોથી વિદેશી આક્રમણોનો સામનો ઉત્તર ભારતે જ કરવાનો આવ્યો છે. જેમકે, જ્યારે ચોલવંશના રાજવી રાજ રાજદેવ મલયેશિયા અને ઇન્ડોનિશિયામાં આણ ફેલાવી રહ્યા હતા તે સમયે ઉત્તર ભારતને મુહમ્મદ ગઝની ધમરોળી રહ્યો હતો.

ઉત્તર ભારત પર વર્ષો સુધી મુસ્લિમ આક્રાંતોના હુમલાઓ અને પછી થી દીર્ઘકાળ સુધી તેઓએ કરેલાં શાસનનું એક પરિણામ તો એ આવ્યું કે ઉત્તર ભારત પોતાની સ્વતંત્રતા અને સંસ્કૃતિ લગભગ ભુલી જ ગયું છે. આપણા ધર્મ, સંસ્કૃતિ, કળા અને સંસ્કારોની રક્ષા દક્ષિણ ભારતે જ કરી છે. આપણા સનાતન ધર્મ, તેની પરંપરા અને સંસ્કૃતિ પર દક્ષિણ ભારતની અમીટ છાટ રહી છે.

(૨૫) દક્ષિણ ભારતના વંશો: અત્યાર સુધી આપણે ભારતીય ઇતિહાસનું જે ટુંકું નિદર્શન કર્યું છે તેમં મહદ્ અંશે ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક પ્રદેશના વંશોની ચર્ચા કરેલી છે. દક્ષિણ ભારતના પલ્લવ વંશ અને ચોલ વંશનો આપણે પરિચય કર્યો છે.

આમ છતાં વાચકોની જાણ ખાતર દક્ષિણ ભારતના કેટલાક ગૌરવશાળી વંશોની યાદી બનાવીને સંતોષ પામીએ. આમાં તામીલનાડુના પાંડ્યો, કેરાલાના ચેરવંશીઓ, મદુરાના નાયકો, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના હોયસલો અને કાકતીયોનાં નામ ગણાવી શકાય. આપણે ઓરિસ્સા રાજ્યને પણ યોગ્ય સ્થાન આપી શક્યા નથી. ત્યાં ગંગવંશ પ્રખ્યાત હતો. ઓરિસ્સાના કોણાર્કનું સૂર્યરથ મંદિર, વિષ્ણુનું જગન્નાથ મંદિર અને શિવનું લિંગરાજ મંદિર જગપ્રસિદ્ધ બન્યાં.

અત્રે આંધ્ર અને કર્ણાટકના પ્રસિદ્ધ વિજયનગર રાજ્યનો ઉલ્લેખ ન કરીએ તો આ રાજ્યના ચાર જુદા જુદા વંશજોનો આપણે અનાદર કર્યો ગણાય. આ બધામાં સૌથી પ્રસિદ્ધ રાજા કૃષ્ણદેવ રાય થયા. તેઓએ ૧૫૦૯થી ૧૫૨૯ સુધી રાજ્યકારભાર કરીને વિજયનગર સામ્રાજ્યને વિશ્વપ્રસિદ્ધ કર્યું હતું. આ શાસકોની એક નબળાઈ એ રહી કે તેઓએ દક્ષિણ જુદા જુદા પાંચ મુસલમાની રાજ્યોની સામે લડવાને બદલે ઓરિસ્સાના મહાન શાસક ગજપતિ રાજુને હરાવવામાં પોતાની શક્તિ વેડફી નાખી. અંતે ૧૫૮૫માં તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યવંશોએ ભેગા મળીને વિજયનગર સામ્રાજ્યનો અંત આણ્યો. એટલેથી ન અટકતાં, આ ક્રુર મુસલમાનોએ વિજયનગરનાં ભવ્ય મંદિરો અને અને સ્થાપત્યોને ભારે ક્ષતિ પહોંચાડી. આમ છતાં હળેબીડુ ખાતે આવેલા હોયસલેશ્વરા અને કેદારેશ્વરા મંદિરોના ભગ્નાવશેષોને જોવા માટે હજારો પ્રવાસીઓ તેની મુલાકાત લે છે અને તેનાં છેલ્લાં મહાન હિંદુ રાજ્યને માટે ભારે ગ્લાનિ અનુભવે છે.


  ક્રમશ :….ભાગ ૧૪ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૩

  1. હજી પણ હિન્દુ ઓ જાગૃત થતા નથી
    કાયર રાષ્ટ્રીય ભાવના વિહીન પ્રજા
    Including my self

Leave a Reply

Your email address will not be published.