વ્યંગ્ય કવન: અત્તર રહી જાય નહીં ફૂલમાં !!!
– કૃષ્ણ દવે
અત્તર રહી જાય નહીં ફૂલમાં !!!
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,
ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
ભણવાનાં કારખાનાં ધમધમતાં રાખવાની
આપું બે ચાર તને ટીપ ?
માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની મોતી ભરેલ કંઈક છીપ.
માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું પણ જો જે આવે ન ક્યાંક ભૂલમાં ?
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
સીધેસીધું તો કદી મળવાનું નહીં થોડું બેસાડી રાખવાનું બ્હાર
થનગનતી ઇચ્છાને લાગવું
તો જોઈએ ને કેટલો છે મોટ્ટો વેપાર !
ઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ
પાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
ધારદાર ફતવાઓ પાડવાના બ્હાર અને ભાષણ પણ કરવાનું લિસ્સું,
અર્જુનને પંખીની આંખ જ દેખાય એમ તારે પણ વાલીનું ખિસ્સું.
શિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ જરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?
———————————————————————————
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
કૃષ્ણભાઈના શિક્ષણ વ્યવસ્થા પર વ્યંગબાણ. એકે એક વિચાર સચોટ છે.