નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૪

મારી પ્રેગનન્‍સી વાસનાનું ફળ છે, પ્રેમનું પ્રતીક નહીં

નલિન શાહ

માનસીનો સંવેદનશીલ સ્વભાવ અને ડૉક્ટર તરીકેની દક્ષતાના કારણે એની ખ્યાતિ થોડા સમયમાં સારી એવી પ્રસરી હતી. એણે કન્સલ્ટિંગ રૂમમાં પેશન્ટનું ધ્યાન ખેંચે એવું બોર્ડ લગાવ્યું હતું, જેમાં અંગ્રેજીમાં લખ્યું હતું ‘ડૉક્ટરના કન્સલ્ટેશનની ફી રૂા. ૫૦/- છે, શક્તિ મુજબ ઓછા પણ સ્વીકારાશે ને એ પણ શક્ય ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી.’ પોલિક્લિનિકમાં બેસતાં અન્ય ડોક્ટરોએ જ્યારે જાણ્યું ત્યારે તેઓએ માનસીને ચેતવી, ‘તમે કોઈ ખાસ કેસમાં તમારા પૈસા જતા કરો એ સમજી શકાય એમ છે પણ આવું જાહેરમાં લખવું એ તો ખુવાર થવાની નિશાની છે. લોકોનાં હૃદય તમારી જેમ વિશાળ નથી હોતાં. પૈસા આપતી વખતે તવંગર પણ ગરીબીનો દેખાડો કરશે.’ જવાબમાં માનસી હસીને કહેતી ‘હું કેવળ મારા અંતરાત્માને અનુસરું છું, પરિણામની ચિંતા નથી કરતી.’

પ્રેક્ટિસ શરૂ કર્યાને બે-અઢી મહિના થયા હશે ને મધરાતે એક જનરલ પ્રેક્ટિશનર ડૉ. માથુરનો ફોન આવ્યો. જુહુ વિસ્તારમાં રહેતા એક ખ્યાતનામ અભિનેતા અમિતકુમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો ને એના એર કન્ડિશન્‍ડ રૂમમાં પણ એને પરસેવો થતો હતો. દુઃખાવો ડાબા હાથ સુધી પ્રસરેલો હતો. ‘કદાચ, કાર્ડિયાક પ્રોબ્લેમ હોઈ શકે. તમે તત્કાળ આવી શકો તો મહેરબાની.’ માનસી પરાગની ગાડી લઈને ત્વરિત અભિનેતાના બંગલે પહોંચી. પેશન્ટને તપાસીને પોર્ટેબલ કાર્ડીયોગ્રામ મશીનમાં રિપોર્ટ કાઢ્યો. ‘ગયા અઠવાડીયે એમને શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગ્યું ત્યારે હાર્ટ ફિઝિશિયનને બતાવ્યું. એમને કાંઈ શંકાસ્પદ લાગ્યું તે મને સર્જન ડૉ. પરાગ શાહને બતાવવાનું સૂચન કર્યું.’

‘તમારે કોઈ સર્જન પાસે જવાની જરૂરિયાત મને નથી લાગતી.’

માનસી મનમાં હસી. નાના રોગને મોટું સ્વરૂપ આપી પેશન્ટને ડરાવવાની પરાગની આદતથી એ સારી રીતે વાકેફ હતી.

‘અત્યારે તો મને તમારાં હાર્ટમાં કોઈ ખાસ ખરાબી દેખાતી નથી. હું જે લખી આપું છું એ બ્લડ ટેસ્ટ કરાવી કાલે મને ક્લિનિક પર બતાવી જજો. પછી જોઈશું.’

‘ડૉક્ટર, કાલે સાંજે મોડેથી ઘેર જતાં પહેલાં અહીં વિઝિટ ના કરી શકો?’ ફેમિલી ફિઝિશિયને સૂચન કર્યું.

‘માફ કરજો, હું કેવળ ઇમરજન્સીમાં જ વિઝિટ પર જઉં છું.’

જે અભિનેતાની એક ઝલક પામવા એના ઘરની સામે લોકોની ભીડ જામતી હતી એ માનસી માટે એક દરદી સિવાય વધુ કશું નહોતો.

માનસીનાં વલણથી અભિનેતા ઘણો જ પ્રભાવિત થયો. એણે સહર્ષ માનસીનાં ક્લિનિક પર આવવાનું કબુલ કર્યું.

માનસીએ એની બેગ બંધ કરી. ‘ડૉક્ટર, એક વાત પૂછું?’ ફેમિલી ફિઝિશિયને સવાલ કર્યો, ‘તમે કહો છો કે અત્યારે તમને કોઈ ખાસ ખરાબી દેખાતી નથી ને એમને ડૉ. પરાગ શાહ પાસે જવાની જરૂરિયાત દેખાતી નથી. એ તો તમારા પતિ છે ને?’

‘હું મારા વ્યવસાયમાં સંબંધો વચ્ચે લાવતી નથી. ને કાલે બ્લડ રિપોર્ટ જોઈને જો મારો અભિપ્રાય ના બદલું તો એનો એક જ અર્થ થાય કે રોગને પારખવાની ને એની માવજતની બાબતમાં બે ડૉક્ટરો વચ્ચે જુદા જુદા અભિપ્રાયો હોઈ શકે ને બંને પોતપોતાની રીતે સાચા પણ હોઈ શકે.  હું કેવળ મારા અભિપ્રાય માટે જવાબદાર છું. જેમ બ્લેક ને વ્હાઇટની વચ્ચે એક ગ્રે એરિયા હોય છે એટલે કેટલીક વાર બે ડૉક્ટરોનાં નિદાનમાં ફર્ક હોય છે.’

બીજે દિવસે બ્લડ ટેસ્ટનો રિપોર્ટ લઈ સાંજે અમિત કુમારે માનસીની મુલાકાત કરી. રિપોર્ટ જોઈ માનસીએ કહ્યું કે ‘તમારા હાર્ટમાં કોઈ ખરાબી નથી પણ. હા તમારી લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે. ખાવા-પીવાની આદતો પણ બદલવી પડશે. ચાલવાની આદત કેળવો ને યોગ-આસનો પણ મદદરૂપ થશે. તમારો દુઃખાવો મસ્ક્યુલર હોઈ શકે ને એમાં ડર પણ ભાગ ભજવે છે. ખાવા-પીવામાં ફ્રુટ ને શાકભાજી વધારે લ્યો, બ્રેડ ને કેક ના લ્યો કે તળેલું જરા પણ નહીં. જવ, જવાર, બાજરી ને નાચણીના લોટની વાનગીઓ વધુ લ્યો. થોડું ડ્રીંક કરો તો વાંધો નથી ને સિગરેટ તો તમે પીતા નથી. આ હું તમને ભવિષ્યમાં સ્વાસ્થ્યની ચિંતા ટાળવા માટે કહું છું. ને સૌથી વધુ મહત્ત્વનું એ કે તમે બને ત્યાં સુધી ડૉક્ટરોથી દૂર રહો. તમને હજી શંકા હોય તો બીજા કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લઈ શકો છો.’

‘ડૉક્ટર, તમે મને પળે પળે વિસ્મય પમાડો છો.’ અમિતકુમારે પ્રશંસાયુક્ત સ્વરમાં કહ્યું, ‘તમે એક જ એવાં છો જેણે મારે ત્યાં વગર કારણે આવવાની ના કહી. તમે તમારા જ ભોગે ડૉક્ટરોથી દૂર રહેવાની સલાહ આપો છો ને તમે અહીં લખ્યું છે કે તમારી ફી માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આજે જ્યારે શિક્ષણ ક્ષેત્ર ને તબીબી ક્ષેત્ર બદનામ થઈ રહ્યાં છે ત્યાં તમારા જેવા મસીહા જોઈ મસ્તક ઝુકાવવાનું મન થાય છે. મારે બીજા કોઈ ડૉક્ટરનો અભિપ્રાય નથી લેવો. તમારી ઇમાનદારી ને કાબેલિયત હું પામી ગયો છું. ભવિષ્યમાં જરૂર લાગે ત્યારે તમારા સિવાય કોઈ ડૉક્ટરના અભિપ્રાયની મારે આવશ્યક્તા નથી. હું તમારી સૂચનાઓને જ અનુસરીશ. હવે કહો મારે શું આપવાનું છે?’

માનસીએ અચકાતાં કહ્યું, ‘તમે જે આપશો એ લઈ લઈશ, કારણ એક મહિનામાં જે ભેગા થશે એ બધા દાન માટે છે.’

‘હું સમજ્યો નહીં!’

માનસીએ અમિતકુમારને ટૂંકમાં શશીનાં કાર્યની આછી રૂપરેખા સમજાવી. એકલે હાથે ઝઝૂમી કેટલાંયે પછાત ગામોમાં ક્રાંતિ સર્જી. હવે જે મહત્ત્વના કામો શિક્ષણ ને તબીબીનાં ક્ષેત્રે કરવા માંગે છે એ બહુ જ ખર્ચાળ યોજનાઓ છે. હું મારા બનતા પ્રયત્નો કરી રહી છું કે એ ત્યાગમૂર્તિને અહીં આમંત્રી એનું જાહેરમાં સન્માન કરી ઓછામાં ઓછા પચ્ચીસ લાખનું દાન કરી શકું. એ દાન મારે ક્યાંકથી ને ક્યાંકથી ઊભુ કરવું રહ્યું. એ કાર્યની શરૂઆત હું મારાથી કરૂં તો જ મારા સિદ્ધાંતનો મહિમા જળવાઈ રહે.’

સાંભળીને અમિતકુમાર અત્યંત પ્રભાવિત થયો. એણે ખિસ્સામાંથી ચેકબુક કાઢીને એક કોરો ચેક સહી કરીને માનસીની સામે ધર્યો. તમે કહ્યું કે તમારો ચાર્જ હું ઇચ્છું એ મુજબ આપી શકું છું ને તે પણ આવાં સત્કર્મ માટે તો હું તમારો આભારી છું કે મને આ કાર્યમાં ભાગીદાર થવાની તક આપી. તમે આમાં જે રકમ ચાહો તે ભરી શકો છો.’

માનસી મૂંઝાઈ ગઈ, ‘હું શું ભરું એ નિશ્ચય કરવો મારે માટે મુશ્કેલી છે.’

‘હું તમારી મુશ્કેલી દૂર કરી આપું છું.’ કહીને અમિતકુમારે ચેક પર અંગ્રેજીમાં લખ્યું ‘રૂપિયા પચ્ચીસ લાખથી વધુ નહીં.’

‘ડૉક્ટર,’ અમિતકુમારે ઊભા થતાં કહ્યું, ‘કેટલીક વ્યક્તિઓ આખી જિંદગી વહી જાય છે તો એ નથી ઓળખાતી જ્યારે કેટલાંક એવાય હોય છે જેને સમજવા એક મુલાકાત પૂરતી છે. તમે એમાંના એક છો. હું નસીબદાર છું કે મને તમારા જેવા કાબેલ, નિઃસ્વાર્થી ને સહૃદયી ડૉક્ટર મળ્યાં.’

માનસી આભારવશ થઈ સાંભળી રહી, ‘એક વિનંતી કરી શકું?’

‘ચોક્કસ.’

‘હું જાણું છું કે તમારી પાસે ફુરસદ નથી હોતી, છતાં તમે આ કામમાં ભાગીદાર થવાની મહેરબાની કરી એટલે કહું છું. આ દાન-પ્રદાન કરવા એક સમારંભ યોજવાનું નિર્ધારિત કર્યું છે. સંત તરીકે ઓળખાતા એક સ્વામી પણ પધારવાના છે. તમારી હાજરી એ પ્રસંગની મહત્તા ઓર વધારશે જો તમે આવી શકો તો! રવિવારનો દિવસ હોવાથી આ માંગણી કરવાની હિમ્મત કરું છું.’

‘અરે ડૉક્ટર, મને કોઈ વિનંતી કરવાની જરૂર નથી. એક અઠવાડિયા પહેલાં કહેજો. હું જરૂર આવીશ. રવિવાર હોવો જરૂરી નથી.’

‘કાલે તમે કોઈને મોકલશો? હું તમારા ખાવા-પીવાનો રોજિંદા કાર્યક્રમનો ચાર્ટ બનાવી રાખીશ – જેનું ચુસ્તપણે પાલન થવું જોઈએ અને યોગનાં આસનો પણ શરૂ કરો. ઉંમરનો કોઈ બાધ નથી. જેટલું વહેલું એટલું વધુ સારૂં.’

‘તમે યોગ્ય ટીચર સૂચવો જે ઘરે આવી શકે, ભલે ચાર્જ વધુ હોય.’ અને અમિતકુમારે રજા લીધી.

બહાર નીકળ્યો ને તુરંત પાછો દરવાજો ખોલી કાંઈ બોલવા જતો હતો ત્યાં જ માનસીએ કહ્યું, ‘હું તમને તમારા ડોનેશનની રસીદ પછી મોકલીશ, જે તમને તમારા ઈન્કમટેક્ષમાં ઉપયોગી થશે.’

‘હું તમને એ જ પૂછવા જતો હતો, ને બીજી વાત ડૉક્ટર કે એ જરૂરી નથી કે તમે મારે ત્યાં એક ડૉક્ટર તરીકે જ આવો. જો સમય હોય તો ક્યારેક ફોન કરીને રવિવારે બપોર મારી સાથે ગાળો તો મહેરબાની. ઘણું જાણવું ને સમજવું છે તમારી પાસે. ને આ ચેક જે આપ્યો છે એ તો એક શુભ શરૂઆત છે; અંત નહીં એટલું ધ્યાનમાં રાખજો. આભાર.’ કહીને બહાર નીકળી ગયો.

માનસી સજળ નેત્રે જોઈ રહી.

રાત્ર પથારીમાં સૂવાની તૈયારી કરતાં પરાગે ગુસ્સામાં કહ્યું, ‘આજે ડૉક્ટર માથુરનો ફોન હતો.’

એમણે કહ્યું કે અમિતકુમારે મારી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરીને તારી સલાહ લીધી?’

‘એપોઇન્ટમેન્ટ કેન્સલ એણે એની મરજીથી કરી હશે. પણ મારી સલાહ જરૂર લીધી, એના પ્રોબ્લેમ માટે.’

‘એટલે તું હવે મારા પેશન્ટ પણ છીનવી લેવા માંગે છે?’

‘એમાં પેશન્ટ છીનવી લેવાનો સવાલ ક્યાં આવે છે? એને પ્રોબ્લેમ થયો ને મારી સલાહ માંગી. મને જે યોગ્ય લાગી તે સલાહ આપી, એના ભલા માટે.’

‘મારું નુકસાન કરીને?’

‘મને જે યોગ્ય લાગ્યું તે કર્યું. એમાં તારા નુકસાન કે ફાયદાનો વિચાર કરવાનો સવાલ નથી ઉદ્‌ભવતો.’

‘કેમ તારી ફીના પ્રમાણાં મને જે તગડી ફી મળત એમાં તારું પણ ભલું નહોતું થવાનું?’

‘હું ડૉક્ટર થઈ છું દર્દીના ભલા માટે. તારા કે મારા સ્વાર્થ માટે નહીં.’

‘તું એમ કહેવા માંગે છે કે હું ખોટી સલાહ આપત?’

‘તારી યોગ્યતા પ્રમાણે તું સલાહ આપત, મારી યોગ્યતા પ્રમાણે મેં આપી. એમાં એને વિરોધાભાસ લાગે તો કઈ સલાહ અનુસરવી એ નિર્ણય દર્દીએ લેવાનો હોય છે. એ ધારે તો ત્રીજી સલાહ પણ લઈ શકે છે.’

‘એ દરમિયાન દર્દીની તબિયત વધારે લથડે તો જવાબદાર કોણ?’

‘તબિયત બગડવા માટે એકલો રોગ હંમેશાં કારણભૂત નથી હોતો. સ્વાસ્થ્યની બેદરકારી ને ખોટું સાહસ પણ ભાગ ભજવે છે.’

‘તને ખાતરી છે કે તારી સલાહથી એની તકલીફ દૂર થઈ જશે?’

‘મને ખાતરી છે કે મારી સલાહનું ચુસ્તપણે પાલન કરે તો એ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે. મારી પેશન્ટ ભારતી વ્યાસ, જેને તું જાણે છે, એણે કેવળ ખાવા-પીવા વગેરેની આદતો બદલીને સ્વસ્થતા પ્રાપ્ત કરી.’

‘અરે, એ તો એક રિટાયર્ડ શિક્ષિકા હતી. એ શું આપી શકવાની હતી. ને અહીં તો ખ્યાતનામ અમીર અભિનેતા હતો. એ પૈસા ફેંકવા તૈયાર થાત. તેમાં તારું શું નુકસાન હતું?’ પરાગ એની વાતને વળગી રહ્યો.

‘તને કેવળ પૈસાની ચિંતા છે, માણસના વિશ્વાસની કે જિંદગીની નહીં?’ માનસીએ મક્કમતાથી કહ્યું.

‘મારો કોઈ પેશન્ટ હજી સુધી મર્યો નથી, ને વિશ્વાસથી જીવ્યો છે.’

‘ને મરે તોયે શું? તારી ફી તો પહેલેથી ભરપાઈ થતી હોય છે.’

‘એ તો જેવાં જેનાં નસીબ.’

‘હવે લાગે છે કે દર્દીઓનાં નસીબના લેખ વિધાતાના હાથે નહીં, પણ તારા હાથે લખાય છે.’

‘મને ટોણા મારવા સિવાય તારી પાસે કહેવાનું છે પણ શું?’

‘સાચી વાત એ છે કે તારે વાસ્તવિકતાનો સામનો નથી કરવો. એટલે તું નહીં કબુલે કે તું જે કરી રહ્યો છે એ ખોટું છે, અનૈતિક છે. જેમ કોર્ટમાં ઘણુંખરું વકીલો ને સાક્ષીઓની સોગંદવિધિઓ એક ઔપચારિકતા હોય છે એમ તારા જેવા ડૉક્ટરોની ડિગ્રી લેતી વખતે કરેલી સોગંદવિધિ એક ઔપચારિકતાથી વધુ કશું નથી હોતું. તારે માટે પૈસાથી વધુ મહત્ત્વનું કશું જ નથી.’

‘આ બધી નીતિ અનીતિની વાતો ધાર્મિક ગ્રંથોમાં શોભે, વાસ્તવિક જીવનમાં હાસ્યાસ્પદ લાગે. સૌથી વધુ દુઃખ તો એ વાતનું થાય છે કે એક ડૉક્ટર તરીકે તું ભલે કાબેલ હોય, પણ વ્યાવસાયિક રીતે સફળ ડૉક્ટર થવાના લક્ષણ તારામાં નથી.’

‘તારે એનો અફસોસ કરવાની કોઈ જરૂર નથી, કારણ સફળતાની વ્યાખ્યા આપણા બંનેની જુદી જુદી છે. અફસોસ મને થવો જોઈએ – એ વાતનો કે તારું સ્વરૂપ બહુ મોડેથી જાણ્યું કે જેમાં સંવેદના, નીતિ ને સિદ્ધાંતોને કોઈ અવકાશ નથી.’

માનસીનું સ્પષ્ટવાદીપણું પરાગને એની માનહાનિ થવા જેવું લાગ્યું. એ વાતને ગંભીર સ્વરૂપ આપવા નહોતો માંગતો. આ એની સિદ્ધાંતવાદી ને વિચારોમાં મક્કમ સ્ત્રીની સામે બાથ લેવાનું એનું ગજું નહોતું. માનસી ધારે તો એને મહાત કરી શકે; એનો સામનો કરી શકે પણ ઘરની સંપત્તિ ને એશોઆરામના પ્રલોભનમાં એના સિદ્ધાંતો સાથે બાંધછોડ કદી ના કરે. પરાગ જેટલો માનસીના વ્યક્તિત્વથી અંજાયો તો એટલા જ પ્રમાણમાં એના પ્રત્યે ગુસ્સાનો ઉદ્‌વેગ પણ અનુભવતો હતો. એને એ વાતની પણ ખાતરી હતી કે એના ગુસ્સાને શબ્દોમાં કે વર્તનમાં ઢાળવા જતાં એનો શિકાર એ પોતે જ બને તેમ હતો. જે વહુથી કડક વલણવાળી એની મા પણ ડરતી થઈ ગઈ હતી તો એનું શું ગજું!

શક્ય છે કે પૈસાની હવસ સંતોષવા જતાં એક ડૉક્ટર તરીકે અને માનસીના પતિ તરીકે ઊંડે ઊંડે ગુનાની ભાવના અનુભવતો હોય! અને એ પણ શક્ય છે કે ભૌતિક સુખ માટે અને એનાં શિક્ષણની પાછળ થયેલો ખર્ચો વસૂલ કરવા માટે અનીતિનો રસ્તો અપનાવવો જરૂરી સમજી મનને મનાવતો હોય કારણ ગમે તે હોય પણ સુલેહ કરવાના ઇરાદાથી વાત બદલી નરમાશથી પૂછ્યું, ‘તેં મને કહ્યું નહીં કે તું પ્રેગ્નન્ટ છે?’

‘હા, મમ્મીને જણાવ્યું હતું. તને કહેવાની હતી, પણ તારી પાસે વાત કરવાની ફુરસદ ક્યારે હોય છે! મોકો જોતી હતી કહેવા માટે.’

‘આવી મહત્ત્વની વાત કરવા માટે મોકો શોધવો પડે?’

‘હા, કારણ મોકાની સાથે સાથે હિમ્મત કેળવવાની પણ જરૂર હતી. કારણ હું ગુનાની ભાવનાથી પીડાતી હતી.’

‘ગુનાની ભાવના? હું સમજ્યો નહીં!’

‘એ સમજવા માટે વાસ્તવિકતાનો સામનો કરવા તું અસમર્થ છે.’

‘કઈ વાસ્તવિકતા?’ એણે પ્રેમથી માનસીનો હાથ થામી પૂછ્યું.

માનસીએ હાથ ખેંચી લીધો, ‘એ જ કે મારી પ્રેગનન્‍સી વાસનાનું ફળ છે, પ્રેમનું પ્રતીક નહીં.’ ને પડખું ફેરવી આંખ મીંચી દીધી.

પરાગ મોડે સુધી પડખું ફેરવતો રહ્યો.

 

Author: Web Gurjari

1 thought on “નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૪

  1. શ્રી નલીન શાહે આ પ્રકરણમાં અમિત કુમાર નામ લખ્યું છે અને જુહુમાં રહે છે તેમ જણાવ્યું છે. હવે જાણીતા કલાકાર અમિતાભ બચ્ચન અમિતના નામે ઓળખાય છે અને જુહુમાં જ રહે છે. એટલે આ નામને બદલે અન્ય કોઈ નામ મુક્યું હોત તો યોગ્ય રહેતે. કારણ મૂળ અમિતાભ બચ્ચનનું વર્તન જુદું જ હતે.

Leave a Reply

Your email address will not be published.