કાવ્યાસ્વાદ: હું એવો દીવો શોધું છું.

ગઝલ : હું એવો દીવો શોધું છું.-

-મહેશ રાવલ

અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.
ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું.

ખૂણેખૂણો ખોલી મનનો હર મનને નિર્મળતા બક્ષે
વાણી વર્તનને અજવાળે, હું એવો દીવો શોધું છું.

ઈર્ષાનું બળકટ  કદરૂપું  અંધારું જે વિખરાવી દે
માણસ જ્યાં માણસને ભાળે હું એવો દીવો શોધું છું.

પારેવા જેવા હૈયાને સધિયારો દઈ સંભાળી લે,
અવઢવનો ઓછાયો ખાળે હું એવો દીવો શોધું છું.

અધકચરા છે જ્યાં સગપણ ત્યાં,વાદળ શંકાના ઘેરાશે
સંબંધોના સંશય બાળે હું એવો દીવો શોધું છું.

અંગત આંખે તરકટ આંજી તત્પર બેઠા છે તકવાદી
ખુદ્દારીથી સંકટ ખાળે હું એવો દીવો શોધું છું.

સાચું એ કાયમ સાચુંને ખોટું એ ખોટું રેવાનું,
એવી સમજણ  દે સરવાળે હું એવો દીવો શોધું છું.

રસદર્શન

– દેવિકા ધ્રુવ

ચાર ચાર દાયકાઓથી ગઝલ લખતા કવિ શ્રી મહેશભાઈ રાવલની  ઉપરોકત ગઝલ એક અનોખું અજવાળું પાથરીને મનમાં ઝળહળી ગઈ.   સામાન્ય રીતે, નિજાનંદી ખુમારી અને અનોખા ઠાઠથી ચોટદાર લખતા કવિ શ્રી મહેશભાઈ આમાં એક નાજુક ઉમદા વાત લઈને આવ્યા છે.

સોળ ગુરુવાળી બહેરમાં લખાયેલી આ ગઝલનો ઉઘાડ તો જુઓ? મત્લાના શેરમાં જ એ કહે  છે કે,

અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.
ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું.

દીવા તો સૌ રોજ કરે છે, સદીઓથી કરતા આવ્યા છે પણ આ દીવો રોજીંદો કરતાં કંઈક વિશેષ છે. જાતજાતના સઘળા અંતરાયો ઓગાળી નાખે અને સૌને અજવાળું મળે એવા દીવાની શોધ છે.જગતમાં જોયેલી,અનુભવેલી અનેક વિષમતાને,અંધકારને, મલિનતાને,સંશયોને  હટાવવાની વાત આગળના ત્રણ શેરોમાં વ્યક્ત થાય છે.
માનવ મનના ખૂણે ખૂણામાં જાતજાતના જે કચરા ભરાતા રહે છે તેને, અને તે કારણે વાણી –વર્તનમાં જે  કાળાશ જામતી જાય છે તેને અજવાળતા દીવાની ઝંખના વ્યક્ત કરી છે. માણસની આસુરી વૃત્તિઓ જેવી ઈર્ષાને કારણે ઊભા થતાં કદરૂપા અંધારાને મિટાવી માણસ માણસને સાચી રીતે ઓળખે એવી સુંદર સૂફી વાત આગળના શેરમાં છતી થાય છે. એવું કંઈક બને તો જ કોઈ ગભરુની ઓથે ઉભા રહેવાની તૈયારી પણ થાય ને? જુઓ  હૈયાની સંવેદના કેવા મૃદુ શબ્દોમાં ગૂંથાઈ છે?

“પારેવા જેવા હૈયાને સધિયારો દઈ સંભાળી લે,
અવઢવનો ઓછાયો ખાળે હું એવો દીવો શોધું છું.”

ક્રમે ક્રમે કવિ આ જ વિષયને વિકસાવતા આગળ કહે છે કે, સંબંધોમાં કેટકેટલા સંશયોના વાદળો ઘેરાતા હોય છે તેને પણ બાળવાની જરૂર છે. સગપણ અને સંબંધના વિષયમાં  પણ  તકવાદીનો ક્યાં તોટો છે? સહજ કરેલો આ અછડતો ઉલ્લેખ, આંખે તરકટના પાટા બાંધી બેઠેલ ધૃતરાષ્ટ્રની અને એવા અનેક તકવાદીની કથાઓનું સ્મરણ કરાવી દે છે. એક જ શેરમાં વિચારનું વિશાળ ફલક  ભાવકના મનમાં વિસ્તારી આપવાનું  સરસ કવિકર્મ અહીં અનુભવાય છે.

છેલ્લે મક્તાના શેરમાં મહેશભાઈની અસલ ‘મિજાજે બયાં’ તાદૃશ થાય છે. સભામાં ઉભેલા અને પ્રેક્ષકોને હાથના એક ઝટકાથી જાણે ભારપૂર્વક કહેતા દેખાય છે કે, સાંભળો..
“સાચું એ કાયમ સાચું ‘ને ખોટું એ ખોટું  રે’વાનું…. આમાં કોઈ બાંધ છોડ નો હાલે..હોં…પણ મારા વહાલા, સમજો જરા..મારે જે કહેવું છે તે એ કે,

”એવી સમજણ દે સરવાળે, હું એવો દીવો શોધું

—————————————————————-

સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “કાવ્યાસ્વાદ: હું એવો દીવો શોધું છું.

Leave a Reply

Your email address will not be published.