લુત્ફ-એ-શેર: મણકો # ૭૯

ભગવાન થાવરાણી

અઢારમી સદીના ઉર્દૂ શાયરોથી શરુ થયેલો આ સિલસિલો આવીને અટકે છે વીસમી સદીના પ્રારંભિક વર્ષો પર, વધુ એક મહત્વપૂર્ણ શાયર સાથે. નામ હરિચંદ અખ્તર  બીજા અનેકની જેમ હરિચંદ અખ્તર પણ વિભાજનનો ભોગ બનીને આવી વસ્યા લાહોરથી દિલ્હી અને પોતાની આપવીતી વિષે લખ્યું :

ખુદા તો ખૈર મુસલમાં થા, ઉસસે શિકવા ક્યા
મેરે  લિયે  મેરે  પરમાત્મા  ને  કુછ  ન  કિયા..

અને શાયર હોવાના નાતે ફરિયાદ તો એ અલ્લાહને પણ કરશે, એ  મુસલમાન છે એવો મીઠો છણકો કર્યા પછી તુરંત પોતાની નૈસર્ગિકતા ઉપર આવીને :

સૈર-એ-દુનિયા સે ગરઝ થી, મહ્વ-એ-દુનિયા કર દિયા
મૈને   ક્યા   ચાહા,   મેરે   અલ્લાહને   ક્યા   કર   દિયા ..

(ઈચ્છા હતી દુનિયા ફરવાની અને અલ્લાહે દુનિયામાં ડૂબાડી દીધો ! )

અને આ જમાનાના દોસ્તો પાસે શું આશા રાખવી જોઈએ એ વિષે આ તીખો વ્યંગ :

હમે ભી આ પડા હૈ દોસ્તોં સે કામ કુછ – યાની
હમારે  દોસ્તોં  કે બેવફા  હોને કા વક્ત આયા ..

પરંતુ મારે આપને દોરી લાવવા હતા આ શેર સુધી :

ઈંકાર-એ-સજદા  હૈ  યહાં  કિસ રૂ-સિયાહ કો
શાયાન-એ-સજદા ભી તો મગર કોઈ દર મિલે

નમવું મંજૂર છે. આ બદનામ નાચીઝ ક્યાંય ઝુકે નહીં એવો ઘમંડી હરગીઝ નથી પણ કોઈ ઝુકવાને પાત્ર તો મળે ! આપણને નમાવવાની જેનામાં લાયકાત હોય એવું કોઈ મળે તો હજાર વાર નમીએ. કરુણતા એ કે જેને પણ  મળીએ છીએ એ આપણા કરતાંય વામણા અને તુચ્છ મળે છે ! બેહતર છે, અણનમ રહીએ ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.