ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો – ૫

મૌલિકા દેરાસરી

સંગીતની સોહામણી સફર આપણે કરી રહ્યા છીએ. સફરમાં ખાટી-મીઠી કહાણીઓને સંગ આપણે અનેક ગીતો માણતા આવ્યા છીએ. ફિલ્મી દુનિયા અને એનાં કલાકારોના અવનવા રૂપ આપણી સમક્ષ પેશ થતાં રહ્યાં છીએ. એમાં પણ આ સફરમાં તો ખાસ કરીને કિશોર કુમારના અગણ્ય રૂપ આપણે જાણ્યા છે. અત્યારે તો આપણે સફરના એ રસ્તા પર છીએ જ્યાં શંકર જયકિશન બેલડી અને કિશોર કુમાર સંગ સંગ ચાલ્યા હતા.

છેલ્લે ૧૯૭૭ની ફિલ્મ દુનિયાદારી વિષે આપણે વાત કરી હતી. ત્યાર બાદ શંકર જયકિશન અને કિશોર કુમારની જુગલબંધીમાં ૧૯૭૮માં ફિલ્મ મહેફિલ આવી અને ૧૯૭૯માં ગંગા ગીતા અને આત્મારામ નામની ફિલ્મો આવી. આત્મારામ નામની ફિલ્મમાં એક સરસ કંપોઝિશન સાંભળવા મળી. જેની ધૂન તો સરસ બનાવી જ છે, સાથે શબ્દો અને ગાયકી પણ સાંભળવાની મજા આવે છે. આ ગીતમાં ગીતકાર હતા ડૉ. પ્રભા ઠાકુર.

કિશોર કુમારે જેમની સાથે જેમની સાથે બહુ થોડાં ગીતો ગાયા છે એવાં સુલક્ષણા પંડિત અને ઉષા મંગેશકર સાથેનું પણ એક અનન્ય ગીત છે ફિલ્મમાં.

આપણે સફરમાં આગળ વાત કરી એ પ્રમાણે વર્ષ ૧૯૭૧ પછીની અમુક ફિલ્મો બાદ કરતા લગભગ તમામ ફિલ્મોમાં શંકર જયકિશને કિશોરકુમારને મુખ્ય ગાયક તરીકે લીધા હતા.

વર્ષ ૧૯૮૦ની ફિલ્મ ગર્મ ખૂન અને ૧૯૮૧માં પણ તેઓની બે ફિલ્મો આવી – ચોરની અને નારી.

વર્ષ ૧૯૮૨ની ફિલ્મ – ઈંટ કા જવાબ પત્થરમાં મને એક મજાનું ગીત મળ્યું. ગીત સામાન્ય છે પણ એનું શંકર-જયકિશન બ્રાન્ડ સંગીત ધ્યાનાકર્ષક છે. સાંભળતા સાંભળતા ક્યારે કદમ થિરકવા લાગશે એ જ નહિ સમજાય! ગીતમાં સંગીત સહાયકોનો જમાવડો પણ જોવા જેવો છે. એ સમયમાં આખી ટીમ એક જગ્યાએ જમા થઈને કઈ રીતે સંગીતનું સર્જન કરતા એ જોવાનું પણ ગમે છે.

પાપી પેટ કા સવાલ હૈ – આ ફિલ્મ રિલીઝ થઈ હતી ૧૯૮૪માં અને કાંચ કી દીવાર ૧૯૮૬માં. આ બંને ફિલ્મોમાં પણ કિશોરદાએ પોતાનો અવાજ આપ્યો હતો. અને પછી ૧૯૯૧ની ફિલ્મ ગોરી, જેની વાત આપણે આ પહેલાની સફરમાં કરી.

પણ અંતિમ ફિલ્મ, જેની હવે વાત કરવાની છું એ ફિલ્મ રિલીઝ થઈ છેક ૨૦૧૩માં. એ પણ કિશોરકુમાર અશોકકુમાર જોય મુખર્જી અને વહીદા રહેમાન જેવા કલાકારોની સાથે. ચોંકી ગયા ને! ફિલ્મનું નામ છે – લવ ઇન બૉમ્બે.

ફિલ્મની કહાણી એવી છે કે, ફિલ્મ ૧૯૭૧માં જ પૂરી થઈ હોવા છતાં નાણાકીય કારણોસર રિલીઝ થઈ ન હતી. છેવટે ૨૦૧૩ માં ફિલ્મ રિસ્ટોર કરીને અંતે થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. જોય મુખર્જીએ આ ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ૩૯ વર્ષ ગુજરી ગયા પછી ૨૦૧૩માં ફિલ્મ રિલીઝ થઈ પણ એ પહેલા જ ૨૦૧૨માં જોય મુખર્જી ગુજરી ગયા. એ પછી જોય મુખર્જીના પુત્ર અને પત્નીએ ફિલ્મ રજૂ કરી.

કિશોર કુમારના મસ્તીથી ભરપૂર ગીતો હતા ફિલ્મમાં.

મુહમ્મદ રફી અને કિશોર કુમારનું અંતિમ યુગલ ગીત પણ આ ફિલ્મમાં સાંભળવા મળ્યું.

કિશોરદાનું એક ઓર લોકપ્રિય થયેલું મસ્તીસભર ગીત –

તો આ અંતિમ રિલીઝ થયેલી ફિલ્મ લવ ઇન બૉમ્બે સાથે કિશોર કુમાર અને શંકર જયકિશનનો સાથ છૂટ્યો. એ પહેલા ત્રણેય લોકો આપણો સાથ છોડી ગયા હતા.

શંકર જયકિશન જેવા સંગીત નિર્દેશક, જેઓ પોતાના અનન્ય  સંગીત, વાદ્યો એના નવા નવા પ્રયોગો અને અવનવી ધૂનો સાથે હિન્દી ફિલ્મ સંગીતમાં ક્રાંતિ લઈ આવ્યા. સાથે કિશોર કુમાર, એક અત્યંત પ્રતિભાશાળી અભિનેતા-ગાયક અને બીજું ઘણું બધું… જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો ખુદ બનાવ્યો અને હિન્દી ફિલ્મ સંગીતને પણ એક અલગ ઊંચાઈ પર લઈ ગયા. જે વિષે ત્યારે લોકો સપનેય વિચારી ન શકતા!

આ ત્રણેય જણે ભેગા થઈને સંગીત જગતને કેવા કેવા રસપ્રદ આયામો અને કિસ્સાઓ આપ્યા એ આપણે આ સફરમાં માણ્યું.

કિશોર કુમાર સાથે અલગ અલગ તમામ સંગીતકારોની જુગલબંદી આપણે માણી રહ્યા છીએ.

સફરને અટકાવીએ એ પહેલા કિશોર કુમારનો એક મજાનો કિસ્સો યાદ આવે છે. એ તમારી સાથે પણ વહેંચતી જઉં.

એક મુલાકાત દરમ્યાન પ્રિતિશ નાંદીએ કિશોરદાને પૂછ્યું હતું કે તમને પ્રકૃતિ પસંદ છે?

કિશોરદાએ પોતાના આગવા અંદાજમાં જવાબ આપતા કહ્યું હતું કે – “એટલે જ હું ખંડવા જવા માંગુ છું.  મેં અહીં મુંબઈમાં પ્રકૃતિ સાથેનો તમામ સંપર્ક ગુમાવી દીધો છે. અહીં મારા બંગલાની આજુબાજુ મેં એક નહેર ખોદવાનો પ્રયાસ કર્યો. કારણકે હું એમાં ગોંડોલા ચલાવવા માંગતો હતો. (ગોંડોલા એક પ્રકારની હોડી છે.) અહીંની  મ્યુનિસિપાલિટીના માણસો બેસીને જોયા કરતા અને નકારમાં માથું હલાવતા રહેતા. જ્યારે મારા માણસો ખોદતાં જ રહેતાં.  પણ છેવટે તો એ કામ ન થયું.  એક દિવસ કોઈને એક હાડપિંજરનો હાથ અને કેટલાક અંગૂઠા મળ્યાં. પછી તો કોઈ અહીં ખોદવા માંગતું ન હતું.  અનૂપ કુમાર તો ગંગા જળ પણ લઈ આવ્યા અને મંત્રજાપ કરવા માંડ્યા. લોકોનો વિચાર હતો કે આ ઘર કબ્રસ્તાન પર બાંધવામાં આવ્યું છે.  કદાચ એવું પણ હોય!  પણ આખરે તો મેં મારું ઘર વેનિસ જેવું બનાવવાની તક ગુમાવી દીધી.”

જોયું ને! કિશોર કુમારની આ પણ એક ઈચ્છા હતી, જેના વિષે કદાચ બહુ ઓછાં લોકો જાણતાં હશે! કિશોરદાનો વૃક્ષપ્રેમ તો પ્રચલિત છે. ફિલ્મી માણસો તેમને બોર કરતાં પણ વૃક્ષો સાથે તેઓ કલાકો વાતો કરતા. તેમના ઘરનાં દરેક વૃક્ષોને કિશોરદા નામથી બોલાવતા.

મસ્તમૌલા અને મનમૌજી કિશોર કુમારના વ્યક્તિત્વના આવાં તો કેટલાંય આયામો હશે!

ખેર… હવે એક નવા જ સંગીતકાર સાથેની કિશોર કુમારની સફરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમારાં મનમાં આવે એ ગીત ગાઓ અને ચહેરા પર લાવો મુસ્કુરાહટ.


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.