બાળ ગગન વિહાર : મણકો – ૬ : એમપેંડા (આફ્રિકન છોકરો)

શૈલા મુન્શા

“વાયરા વનવગડામાં વાતા’તા વા વા વંટોળિયા !
હાં રે અમે વગડા વીંધતા જાતાં’તા.
વા વા વંટોળિયા !! ”

જગદીપ વીરાણી ની આ પંક્તિ મને યાદ આવી ગઈ.

જ્યારે આ વનવગડાના ફુલ જેવા એમપંડાને જોયો.

એમપેંડા લગભગ નવ વર્ષનો. થોડા મહિના પહેલાં જ આખુ કુટુંબ આફ્રિકાથી અહીં અમેરિકા આવીને વસ્યું. જાણે પોતાનો વગડો છોડી સીમેન્ટ રૂપી જંગલની ભુલભુલામણીમાં અટવાઈ પડ્યું. સહુને સ્વાહિલી સિવાય કોઈ ભાષા આવડે નહિ. આફ્રિકાના નાના કસબામાં વસતું આ કુટુંબ લોટરી પધ્ધતિમાં ગ્રીનકાર્ડ મેળવી અમેરિકા આવી પહોંચું. કુદરતના સાનિધ્યમાં જીવતું આ કુટુંબ જ્યાં વાહનોની અવરજવર ઓછી, નાના નાના ઘરો અને ખુલ્લી હવામાં શેરીમાં રમતાં બાળકો. રાતોરાત ત્યાંથી મોટા શહેરમાં જ્યાં રસ્તા પર લોકો ઓછા અને વાહનો વધુ દોડતાં હોય, ઊંચા મકાનો, કોઈ વાત કરવા નવરું ના હોય ત્યાં આવી પહોંચ્યા.
એમપંડા માટે તો એમ કહી શકાય કે એક પાંગરતો છોડ મૂળસોતો ઉખાડી બીજી જમીનમાં વાવવો.
એક પિતા જ થોડું થોડું અંગ્રેજી સમજે, પણ અમેરિકા એક એવો દેશ છે જ્યાં સહુને આવકાર મળે, ને ભાષાની મર્યાદા છતાં સહુ સમાઈ જાય.
એમપંડા સહિત સાત ભાઈ બહેનો, એમાંથી લગભગ ચાર અમારી સ્કૂલમાં આવે. દરરોજ સવારે હું જ્યારે ગાડીમાં સ્કૂલ તરફ આવું ત્યારે એની મમ્મીને રસ્તાની બીજી બાજુ ચાલતી અને આગળ પાછળ બાળકોની લંગાર અનુસરતી જોઊં. એકાદ નાનુ બાળક કાખમાં તેડેલું હોય. અપાર્ટમેંટ સ્કૂલ પાસે જ શોધી લીધું હતું, અથવા એમ પણ કહી શકાય કે અમેરિકામાં તમારા ઝીપ કોડમાં જેટલી સ્કૂલ આવતી હોય ત્યાં તમારા બાળકને વરસમાં ગમે ત્યારે એડમિશન મળી શકે. No child left behind (NCLB) એ કાયદા પ્રમાણે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એનુ ખાસ ધ્યાન રાખવામાં આવે.
આ આફ્રિકન પરિવાર હજી તો આ દેશમાં સ્થાયી થવાનો પ્રયત્ન કરી રહ્યું હતું એટલે આર્થિક વિટંબણા તો હોવાની જ, પણ સદા હસતું આ કુટુંબ ધીરે ધીરે ગોઠવાતું જતું હતુ.
હ્યુસ્ટનની અતિશય ગરમી કે ઠંડી અને અવારનવાર વરસતા વરસાદ જેવી પરિસ્થિતિમાં પણ એ બાળકો હમેશા હસતાં જ હોય. કાળો વાન અને વાંકડિયા વાળ. ગોળમટોળ ચહેરા પર સફેદ દુધ જેવા દાંત ચમકતા હોય.
બધા બાળકોમાં એમપેંડામાં બુધ્ધિની થોડી કસર એટલે એને ખાસ મંદ બુધ્ધિવાળા વાળા બાળકોના ક્લાસમાં મુક્યો. અમેરિકામાં આવા દિવ્યાંગ બાળકો માટે ઘણી જ સુવિધા હોય છે.
એમપંડાને એની નવ વર્ષની વયના કારણે મોટા બાળકોના ક્લાસમાં જ્યાં એકથી પાંચ ધોરણના બાળકો હોય એમાં પ્રવેશ મળ્યો. અમારી સ્કૂલમાં બે ક્લાસ નાના બાળકોનો અને મોટા બાળકોના બે ક્લાસ આજુબાજુમાં. બન્ને ક્લાસ વચ્ચે બાળકો માટે બધી જ સુવિધા. વોશર ડ્રાયર મશીન, રેફ્રિજરેટર, બાળકોના ડાયપર બદલવાની ખાસ જગ્યા, જાણે એક સંયુક્ત પરિવાર રહેતો હોય એવી સગવડ. હું પણ આવા દિવ્યાંગ બાળકો સાથે જ શિક્ષિકા તરીકે કામ કરૂં છું, પણ મારા બાળકો ત્રણ થી પાંચ વર્ષની ઉંમરના હોય અને પછી છ વર્ષની ઉંમરે ફરી એમની માનસિક ચકાસણી થાય.એમની માનસિક અવસ્થા પ્રમાણે ક્યાંતો એમને પહેલા ધોરણમાં રેગ્યુલર ક્લાસમાં મોકલવામાં આવે અને જો માનસિક વિકાસ એટલો ના હોય તો તો એમને “લાઈફ સ્કીલ” નામના દિવ્યાંગ બાળકોના ખાસ ક્લાસમાં મુકવામા આવે. એમપેંડા પણ એ ક્લાસમાં.
અમારા બન્ને ક્લાસની ઘણી પ્રવૃતિ સાથે જ થતી હોય. અમારો સવારના નાસ્તાનો અને બપોરના જમવાનો સમય સાથે જ. ધીરે ધીરે એમપંડા એ ક્લાસમાં ગોઠવાતો ગયો. એવો મીઠડો કે બધાને પરાણે વહાલો લાગે. ગોળમટોળ ચહેરા પરનુ એ નિર્દોષ સ્મિત ને કાળી આંખોની ચમક કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે. એમપેંડા થોડું અંગ્રેજી બોલતાં શીખ્યો અને ઘણુખરૂં તો આપણે જે બોલીએ એ જ શબ્દો પાછા બોલે.
આજે જમવાના સમયે એ મારી પાસે આવ્યો. એને દુધનુ કાર્ટન ખોલવું હતું અને એની ટીચર કોઈ બીજાને મદદ કરી રહી હતી. સોરી ને પ્લીઝ જેવા શબ્દો અને એનો અર્થ હવે સમજવા માંડ્યો હતો. હાથમાં દુધનુ કાર્ટન બતાવી મને કહે “મુન્શા પ્લીઝ”. એટલે મેં દુધનુ કાર્ટન ખોલી આપ્યું. જવાબમાં મને કહે ” Thank you baby”

હું ને મારી સાથે બીજા બેત્રણ ટીચર હતા એ બધા ખડખડાટ હસી પડ્યા. એમપેંડા તો બધાના મોં જોવા માંડ્યો. એને પહેલાં તો સમજ જ ના પડી કે શું થયું પણ અમને હસતાં જોઈ એ તો રાજી રાજી થઈ ગયો. અમે સમજી ગયા કે આપણે જે બાળકોને કહીએ તે જ એમપંડા એ સાંભળી ને પાછું કહ્યું. નવી ભાષા શીખતું બાળક અને એનો બોલવાનો લહેકો, એટલું પણ ગ્રહણ કરવાની આવડત, જરૂર એની પ્રગતિનુ સોપાન બની રહેશે.
એને તો એમ લાગ્યું કે બધા ખુશ થઈ ગયા અને એ તો હુલા હુલા ડાન્સ કરવા માંડ્યો. આફ્રિકન પ્રજાના લોહીમાં નૃત્ય વસેલું છે. એના એ ભોળપણ અને નૃત્ય પર બધા ફિદા થઈ ગયા.
આ બાળકોમાં પણ શિખવાની ધગશ હોય જ છે, માતા પિતા જ્યારે પોતાના બાળકની પ્રગતિ નજરે નિહાળે છે અને એમની આભારવશ આંખોમાં અમારા માટે જે સ્નેહ, વિશ્વાસ દેખાય છે એ જ તો અમારો અમૂલ્ય શિરપાવ છે.
એમપેંડા અને એના જેવા બીજા બાળકો બસ જીવનમાં કાંઈ શીખીને આગળ વધે એ જ અંતર અભિલાષા સાથે, વળતરમાં મળતાં એમના વ્હાલ થકી તો મને પણ જીવન જીવવાનુ બળ મળે છે. આ બાળકો જરુર એક દિવસ નભોમંડળના ચમકતાં સિતારા બની રહેશે,

અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.