સંતાન બરાબર ન હોય તો માબાપને શિક્ષા કરી શકાય?

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કોઈ વ્યક્તિ રીતભાતના સામાજિક શિષ્ટાચારને ન પાળે, જે તે સમાજની દૃષ્ટિએ અનૈતિક ગણાય એવું કૃત્ય આચરે તો એ માટે તેના પારિવારિક ‘સંસ્કાર’ને, તેનાં માબાપને જવાબદાર ઠેરવવામાં આવે છે. થોડા સમય અગાઉ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનું નામ નશીલાં દ્રવ્યો સાથે સંકળાયું ત્યારે બાળઉછેર શી રીતે કરવો જોઈએ અને શાહરૂખ ખાન એમાં કઈ હદે નિષ્ફળ રહ્યા છે એ ચર્ચા સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોમાં બરાબર ચાલી હતી અને સહુ કોઈએ યથાશક્તિ તેમાં પોતાનું પ્રદાન કર્યું હતું. સંતાન ‘બગડેલું’ હોય તો એના માટે મોટે ભાગે માબાપ જવાબદાર ગણાય એમ હોય, પણ એ માટે કદી માબાપને સજા કરવામાં આવી જાણી? માબાપ બનવા માટે લગ્ન માટેની ઉંમર સિવાયની કોઈ કાનૂની જોગવાઈ યા અન્ય લાયકાતની જરૂર પડતી નથી. લગ્ન પછી પતિપત્ની બનેલાં લોકો સંતાનના જન્મ સાથે માબાપ બને છે ત્યારે ઘણાખરા કિસ્સામાં તો પતિપત્ની તરીકે સુદ્ધાં તેઓ હજી અનુકૂલન સાધવાની પ્રક્રિયામાં હોય છે. આ સંજોગોમાં તેમને સંતાનઉછેરની તાલિમ શી રીતે મળે? એક સમયે સંયુક્ત પારિવારિક જીવનને કારણે સંતાનઉછેર એવી સમસ્યા ન હતી, પણ હવે સંકોચાતા જતા પરિવારના આ યુગમાં સંતાનઉછેર એક પડકારરૂપ સમસ્યા બની રહી છે. પરિવારદીઠ સંતાનોની સંખ્યા મર્યાદિત થતાં માબાપ પોતાના સંતાન માટે આગ્રહી બની રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે.

આવા સંજોગોમાં ચીન એક પહેલની દિશામાં આગળ વધી રહ્યું છે. એ મુજબ કોઈ બાળકનું વર્તન ‘ખરાબ’ તેમજ ‘ગુનાહિત’ હોય તો તેનાં વાલીઓને ઠપકો અપાશે અને તેમને ‘પરિવાર કેળવણી માર્ગદર્શન કાર્યક્રમ’માં મોકલવાનો આદેશ કરવામાં આવશે. કાનૂની બાબતના પંચના પ્રવક્તાના જણાવ્યા મુજબ તરુણોની ગેરવર્તણૂંક માટે અનેક કારણો હોય છે. અયોગ્ય પારિવારિક કેળવણી કે એવી કેળવણીનો અભાવ એ માટે મોટે ભાગે જવાબદાર હોય છે.

અલબત્ત, આ ચીન છે. તેથી એવી ગેરસમજ કરવાની જરાય જરૂર નથી કે આ ખરડાના મૂળમાં બાળકોનું હિત રહેલું છે. ચીનની સરકાર એક યા બીજા કારણ અને ઓઠા હેઠળ વિવિધ નિયંત્રણો લાદવા માટે કુખ્યાત છે. આથી આ સૂચિત કાયદા પાછળનું કારણ આવું જ હોય એવી શંકા અસ્થાને નથી. અભિવ્યક્તિ પર કાપ તો ખરો જ, પણ મૂળભૂત રીતે વિચારવાની સ્વતંત્રતા પર જ કાપ મૂકવાનો તેનો ઈરાદો હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક યા બીજા પ્રકારે નિયંત્રણો લદાતાં જાય એમ નાગરિકોની વિચારવાની પ્રક્રિયા લાંબે ગાળે ખોરવાવા માંડે.

આ જ વર્ષે ચીનની સરકારે યુવાનોને ઓનલાઈન ગેઈમ રમવાના કલાકો પર નિયંત્રણ મૂક્યું છે. એ મુજબ, ગયા ઑગષ્ટ મહિનાથી શાળાના દિવસો દરમિયાન બાળકો એ રમી શકશે નહીં, અને સપ્તાહાંતના દિવસોમાં માત્ર ત્રણ કલાક જ તે રમી શકાશે. ચીનનાં પ્રસાર માધ્યમોએ યુવાનોની ઑનલાઈન રમત રમવાની લતને ‘આધ્યાત્મિક અફીણ’ સાથે સરખાવીને સરકારના આ પગલાંમાં પોતાનો સૂર પુરાવ્યો છે. તદુપરાંત ઈન્‍ટરનેટ જગતની નામી વ્યક્તિઓની ‘અંધભક્તિ’ ઘટાડવાની પણ સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ચીની પુરુષો ‘સ્ત્રૈણ’ નહીં, પણ ‘પૌરુષત્વસભર’ બનવા પર ભાર મૂકવાની દરખાસ્ત ચીની સરકાર દ્વારા એકાદ વરસ અગાઉ અમલી બની ગયેલી છે.

શિક્ષા પામેલાં માબાપ પોતાનાં સંતાનોને ‘પક્ષ, રાષ્ટ્ર, રાષ્ટ્રજનો અને સમાજવાદ’ને પ્રેમ કરતાં શીખવે એવો આગ્રહ પણ રાખવામાં આવશે. માબાપ દ્વારા સંતાનના ઉછેરમાં ગમે એટલી કમી રહી ગઈ હોય, એ હકીકત છે કે આ મામલાને કાનૂની દાયરામાં લાવવો યોગ્ય નથી. સરકારની મથરાવટી આવી બાબતોમાં હંમેશાં શંકાસ્પદ નજરે જ જોવાવી જોઈએ, કેમ કે, પોતાના દેશના નાગરિકો સ્વતંત્રપણે નહીં, પણ એક ચોક્કસ ઘરેડમાં જ વિચારે એમ શાસકો ઈચ્છતા હોય છે, અને એ માટે જાતજાતના કાયદાકાનૂન રચતા હોય છે. આ કાયદાકાનૂન ઘણાખરા કિસ્સામાં તેના હાર્દને કોરાણે મૂકીને કોઈ ભળતા જ હેતુ માટે વપરાતા થઈ જાય છે.

માબાપ પોતાનાં સંતાનોના અભ્યાસના કલાકોનું વ્યવસ્થાપન કરે, તેમને શાળાકીય શિક્ષણ ઉપરાંત આરામ, અભ્યાસ, કસરત અને સર્જનશીલતા માટેનો સમય મળે એ ચીનમાં કાનૂન દ્વારા અમલી બનાવાઈ રહ્યું છે. પોતાનું સંતાન ઈન્‍ટરનેટનું હેવાયું ન થઈ જાય એ જોવાની કાનૂની જવાબદારી પણ માબાપની છે.

સંતાનોનાં વર્તન યા તેમને લગતી શિક્ષણાદિની બાબતો માટેની માબાપની જવાબદારી નૈતિક ગણાવી શકાય, નહીં કે કાનૂની. માબાપને ‘કેળવવા’ જ હોય તો એના માટે શિક્ષા સિવાયના બીજા અનેક વિકલ્પો વિચારી શકાય. શિક્ષણપ્રણાલિમાં પાયાગત ફેરફાર દ્વારા શિક્ષણને લગતી કેટલીક સમસ્યાઓ સીધેસીધી ઊકેલાઈ જાય એવી હોય છે, પણ સરકારની ઘૂસણખોરી છેક કયા સ્તરે થઈ રહી છે એ આ મામલે વિચારવા જેવું છે.

શું આ સ્થિતિ કેવળ ચીનમાં જ છે? હા, કેવળ કાનૂની રીતે વિચારીએ તો એમ જ છે, પણ કાનૂનની વાત બાજુએ રાખીને સરકારની મથરાવટીની રીતે જોઈએ તો આ સ્થિતિ વત્તેઓછે અંશે દરેક દેશમાં જોવા મળશે. નાગરિકો પર પોતાનો અંકુશ રહે, નાગરિકો એક યા બીજી રીતે શાસનથી ડરતા રહે, તેઓ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિને બદલે બીબાંઢાળ વિચાર ધરાવતો સમુદાય બની રહે એમ શાસકો ઈચ્છતા હોય છે. અનુશાસન જરૂરી છે, પણ અનુશાસન અને નિયંત્રણ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ હોવી જોઈએ. તે અસ્પષ્ટ રહે એવી પાતળી નથી હોતી. શાસકો તેને ભૂંસી નાખવા જ ચાહે છે, જેથી પેઢી દર પેઢી તેને ‘વફાદાર’ મતદારો મળતા રહે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૧૧ –૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.