પરવીનને ગ્લેમર પચ્યું નહિ? કે પછી ગ્લેમર પરવીનને ગળી ગયું?!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

પરવીન બાબી વિશેના આ અંતિમ લેખમાં એની સમસ્યાઓના મૂળ વિષે થોડી વાત કરવી છે.

જૂનાગઢના બાબી પરિવારમાં જન્મેલી પરવીને શરૂઆતમાં મોડેલિંગ અને ત્યાર પછી ફિલ્મોમાં નસીબ અજમાવ્યું. ભલભલાને કોમ્પ્લેક્સ  થઇ આવે એવું ફાંકડું અંગ્રેજી બોલતી અત્યંત ખૂબસુરત છોકરીને અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ‘મજબૂર’માં મોટો બ્રેક મળ્યો. ફિલ્મ સુપરહિટ ગઈ અને પરવીનની કેરિયર પણ ચાલી નીકળી. એ સમયે એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા સુપરસ્ટારડમના પગથિયા ચડી રહેલા અમિતાભ બચ્ચન સાથે પરવીન બાબીની ઘણી ફિલ્મો આવી. બન્નેની ઓનસ્ક્રીન જોડી દર્શકોને ગમી ગયેલી. પણ અચાનક પરવીનમાં બદલાવ આવી ગયો, અને ગુરુ યુ.જી. કૃષ્ણમૂર્તિ સાથે એ અમેરિકાની અધ્યાત્મિક ટૂર પર જતી રહી! એ પછી એવા સમાચારો વહેતા થયા કે એ પેરાનોઈડ સ્ક્રીઝોફેનીયા નામના માનસિક રોગનો શિકાર બની ચૂકી છે. આ રોગને કારણે પરવીનને સતત એવું લાગતું કે કોઈક એની હત્યા કરવાની કોશિશ કરી રહ્યું છે. એક તબક્કો એવો આવ્યો કે પરવીન પોતાની આજુબાજુની દરેક વ્યક્તિ ઉપર શક કરવા માંડી. હદ તો ત્યારે થઇ જ્યારે એણે એક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચનને ‘ઈન્ટરનેશનલ ગેન્ગસ્ટર’ જાહેર કર્યો! એ સિવાય અનેક જાણીતા લોકો સામે પરવીનને ફરિયાદો હતી. એ માનતી હતી કે આ બધા પ્રસિદ્ધ લોકો એનું કાસળ કાઢી નાખવા માંગે છે! ટૂંકમાં, પરવીનની માનસિક હાલત એ હદે ડામાડોળ થઇ ગયેલી કે લોકોએ એના શબ્દોને ગંભીરતાથી લેવાનું બંધ કર્યું. પણ પરવીનની માનસિક સમતુલા આ હદે ખોરવાઈ જવા પાછળનું કારણ શું?

અમુક પ્રશ્નો અનુત્તર રહેવા સર્જાય છે. પરવીન બાબીના કેસમાં ખરેખર શું બન્યું, એક સમયે ટોચની હિરોઈન ગણાતી પરવીન શા માટે કોઈ સાઈડ એક્ટ્રેસની માફક મરી? એ પાગલ હતી? કે પછી સંજોગોએ એને પાગલ કરી નાખેલી? પરવીન બાબી આજે હયાત નથી અને આ પ્રશ્નોના કોઈ સ્પષ્ટ ઉત્તરો પણ મળતા નથી. લગભગ એવું સ્વીકારી લેવાયું છે કે પરવીનને થયેલી પેરાનોઈડ સ્ક્રીઝોફેનીયા નામની માનસિક બીમારીએ એનો ભોગ લીધો. એના જીવનમાં જે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બની, એની કેરિયર મધ્યાહનેથી અચાનક અસ્તાચળે ગઈ કે અનેક સંબંધો તૂટ્યા… એ બધા પાછળ પરવીનની આ માનસિક બીમારીને જ જવાબદાર ગણી લેવામાં આવી છે. અને પરવીનના જીવનમાં અગાઉ બનેલી કેટલીક ઘટનાઓને પરવીનની માનસિક બીમારી માટે જવાબદાર માનવામાં આવે છે.

અમદાવાદના રમખાણોની અસર? કે પછી ગ્લેમર ગળી ગયું?

એવું કહેવામાં આવે છે કે જ્યારે પરવીન બાબી અમદાવાદ રહીને સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી, એ સમયે અમદાવાદમાં મોટા રમખાણો ફાટી નીકળેલા. એ દરમિયાન એક દિવસ રમખાણોથી બચવા માટે કોલેજની નને વિદ્યાર્થીનીઓને છુપાવી દેવી પડી. આ બધી ઘટનાઓથી સત્તર-અઢાર વર્ષની પરવીન હેબતાઈ ગયેલી! પાછળથી આ ઘટનાઓ એના માનસપટ પર વારંવાર સવાર થઇ જતી, જે અંતે પરવીનને માનસિક બીમારી તરફ દોરી ગઈ! જો કે પ્રેક્ટિકલી વિચારતા આ દલીલ બહુ ગળે ઉતરે એવી નથી. કારણકે પરવીન જો ખરેખર રમખાણોને કારણે પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડર (PTSD)નો શિકાર બની હોય તો એનામાં એ પ્રકારના લક્ષણો દેખાવા જોઈતા હતા. બની શકે કે રમખાણોની ઘટનાએ એને વ્યથિત કરી હોય, પણ એને માનસિક રીતે બિમાર કરવા પાછળ બીજી કેટલીક ઘટનાઓ સ્પષ્ટપણે જવાબદાર હોવાનું જણાઈ આવે છે.

પરવીન હંમેશથી ‘ગ્લેમર ગર્લ’ રહી હતી. કોલેજના વર્ષોમાં મોડેલિંગ અને ત્યાર પછી ધડાધડ મળેલી સુપરહિટ ફિલ્મોએ પરવીનને આર્કલાઈટ્સની ઝાકમઝોળથી ભીંજવી દીધી, પણ એનું મન ભીંજાવાનું સુખ પૂરેપૂરું ભોગવી ન શક્યું, એ આજીવન તરસતું રહ્યું! પરવીન પાસે બધું જ હતું, પણ કોઈ કાયમી સાથ આપે એવો અડીખમ પુરુષ નહોતો! પરવીનને કદાચ કેન્દ્રસ્થાને રહેવું ગમતું હતું. એ બિન્ધાસ્ત ટૂંકા કપડા પહેરતી. જાહેરમાં સિગરેટ પીવામાં એને ક્યારેય છોછ નડતો નહિ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ એ ઇન્ડસ્ટ્રીની કુખ્યાત ‘જુહુ ગેંગ’માં સામેલ હતી. આ ગેંગમાં શેખર કપૂર, પ્રોતિમા બેદી, કબીર બેદી, પરીક્ષિત સહાની અને ડેની જેવા કલાકારો સામેલ હતા. એવું કહેવાય છે કે આ લોકો એ સમયે હિપ્પી કલ્ચર જેવું જીવન જીવતા, ફ્રી સેક્સનો છોછ નહોતો. આ પ્રકારનું જીવન યુવાવસ્થામાં બહુ આકર્ષક લાગે છે. ખાસ કરીને જ્યારે તમે સફળતાના એક પછી એક પગથિયા ધડાધડ ચડી રહ્યા હોવ, યુવાની પૂરબહારમાં હોય અને કોઈ પણ પ્રકારનું સામાજિક કે આર્થિક બંધન ન હોય ત્યારે આ પ્રકારની જીવનશૈલીનું ગ્લેમર તમને ખેંચતું હોય છે. આજે બોલીવુડમાં ડ્રગ્સ-સેક્સ રેકેટ્સના જે કિસ્સાઓ છાપે ચડતા રહે છે, એની પાછળ આ જ કારણો જવાબદાર છે. માત્ર બોલીવુડમાં જ નહિ, પણ દરેક ક્ષેત્રને આ બાબત લાગુ પડે છે. પણ આ પ્રકારના ગ્લેમરની ઉંમર લાંબી નથી હોતી! જુહુ ગેંગ પૈકી ડેનીએ પોતાની જાતને સાચવી લીધી અને કેરિયરમાં લાંબી ઇનિંગ રમી ગયો. બાકીના સભ્યો ખાસ કશું ઉકાળી ન શક્યા. સૌથી ખરાબ હાલત પરવીન બાબીની થઇ. ગ્લેમરની જે દુનિયામાં એ આળોટતી હતી, ત્યાં એને જે માંગે એ મળી શકે એમ હતું, બસ એક સાચો સંબંધ મળવો દુષ્કર હતો!

માણસજાતની નિયતી છે, તેની પાસે તમામ સુખ-સાહ્યબી હોય તો પણ એક સાચા સંબંધ વિના બધું અધૂરું જ લાગે છે. પરવીનથી પણ કદાચ મજબૂત સંબંધ વિનાનું ગ્લેમરસ સુખ જીરવાયું નહિ! અનેક પુરુષો જીવનમાં આવતા ગયા, પણ એમાંના કોઈ માટે પરવીન પ્રથમ સ્ત્રી નહોતી – અને અંતિમ તો નહોતી જ! પરિણામે પરવીન શટલ કોકની જેમ અથડાતી રહી. કહેવાય છે કે એની આ જરૂરિયાત – need of the soul – ને કારણે એ સતત અજંપો વેઠતી રહી. એક સમય એવો આવ્યો કે એના આખા વ્યક્તિત્વ ઉપર આ અજંપો હાવી થઇ ગયો! એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી!

મૃત્યુ બાદ પણ શાંતિ નહિ….

અજંપો આજીવન પરવીનનો એકમાત્ર સાથીદાર રહ્યો, અને મૃત્યુ પછી ય એને શાંતિ ન મળી! પરવીન બાબી મુસ્લિમ હતી. જીવનના અંતિમ વર્ષોમાં એ ઈસાઈ ધર્મ તરફ આકર્ષાઈ અને મલબાર હિલ ખાતે આવેલા પ્રોટેસ્ટન્ટ આંગ્લીકન ચર્ચમાં એણે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. એની ઈચ્છા મૃત્યુ બાદ ખ્રિસ્તી રીતિરિવાજ પ્રમાણે દફન થવાની હતી. પણ કમનસીબી એ હતી કે એની કોઈ ઈચ્છા પૂરી કરે એવી એકેકેય વ્યક્તિ એની આજુબાજુ નહોતી! અંતિમ વર્ષોમાં ભાગ્યે જ કોઈ મળવા આવતું. બાબી પરિવારના બીજા લોકો, અનેક સગા-વહાલા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સહકલાકારો… આ બધાએ પરવીન બાબીને વિસારે પાડી દીધી. એક સમયે જેની ખૂબસુરતી પર લાખો મરી ફીટતા, એ પરવીનને હવે કોઈ મળવા ય નહોતું આવતું. પોતાનું ભોજન એ બહારથી જ ઓર્ડર કરીને મંગાવતી. ઘરના કામકાજ માટે એક કામવાળી બાઈ આવતી હતી. પરવીનની ફરતે માનસિક બીમારીઓની સાથે સાથે શારીરિક બીમારીઓએ પણ ઘેરો ઘાલવા માંડયો હતો. સુગર કંટ્રોલમાં રાખવા એણે ઇન્જેક્શન્સ લેવા પડતા. સતત ઇન્જેક્શન્સ લેવાને કારણે ડાબા પગે ગેન્ગ્રીન થઇ ગયું હતું! આથી પરવીને વ્હીલચેરમાં જ ફરવું પડતું! સ્વાભાવિક રીતે આવી અવસ્થામાં માણસ ચીડિયો થઇ જાય. એક દિવસ પરવીને પોતાની કામવાળી બાઈને ખખડાવીને કાઢી મૂકી. એ પછી થોડા દિવસો સુધી પરવીનના ફલેટનો દરવાજો ખૂલ્યો જ નહિ! એણે મંગાવેલો સામાન અને રોજ સવારે મૂકાતી દુધની બોટલ્સ પણ ઘરની બહાર એમ જ પડ્યા રહ્યા! આથી પડોશીઓને વહેમ ગયો અને પોલીસને ખબર આપવામાં આવી. ૨૨ જાન્યુઆરી, ૨૦૦૫ના દિવસે પોલીસે દરવાજો ખોલીને જોયો તો આખું ઘર અસ્તવ્યસ્ત હતું. પરવીનની પસંદના થોડા પેઈન્ટીંગ્સ વિખરાયેલા પડ્યા હતા. જૂના છાપા પણ વીખરાઈને પડ્યા હતા. બેડની પાસે પરવીનની વ્હીલચેર હતી, અને પરવીન પોતે બેડ પર ચીર નિદ્રામાં પોઢી ગઈ હતી! તપાસકર્તા અધિકારીઓએ નોંધ્યું કે પરવીનના ડાબા પગમાં થયેલું ગેન્ગ્રીન બહુ વકરી ગયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડી કે ત્રણેક દિવસથી એણે કશું ખાધું ય નહોતું! પેટમાંથી માત્ર થોડો આલ્કોહોલ મળી આવ્યો!

એવું નહોતું કે પરવીન પાસે અંતિમ વર્ષોમાં રૂપિયા નહોતા. હકીકતે એની પાસે પૂરતા પ્રમાણમાં સંપત્તિ હતી. ઉલટાનું એણે પોતાની વસિયતમાં બાબી પરિવારના ગરીબ સભ્યો માટે ટ્રસ્ટ બનાવવાનું સૂચન કરેલું, જેમાં એ મિલકતનો મોટો હિસ્સો દાન કરવા માંગતી હતી. ખરું કરુણ-રમૂજી ચિત્ર તો હવે જોવા મળ્યું! પરવીન જ્યારે એકલતામાં સબડતી હતી, ત્યારે કોઈ સગું-વ્હાલું એને સધિયારો દેવા કે એની સાથે થોડો સમય વિતાવવા માટે ફરકતું નહોતું. પણ જ્યારે પરવીનના મૃત્યુ બાદ એની વસીયત જાહેર થઈ, ત્યારે પરવીન બાબીના અનેક વારસદારો ફૂટી નીકળ્યા અને આખો મામલો કોર્ટ સુધી પહોંચેલો! પરવીનને એની ઈચ્છા મુજબ ખ્રિસ્તી પરંપરા પ્રમાણે દફન પણ નહિ થવા દેવાઈ. એના સગાઓએ મુસ્લિમ પરંપરા મુજબ એને દફન કરી! જીવતેજીવ જેની કોઈએ ભાળ નહિ કાઢી, એની લાશની દફનક્રિયા બહુ મહત્વની થઇ પડી! જો કે થોડા વર્ષોમાં કબ્રસ્તાનમાં જગ્યાની તંગી ઉભી થતા મોહમ્મદ રફી, મધુબાલા, સાહિર લુધિયાનવી અને તલત મહેમુદ જેવા દિગ્ગજોની સાથે પરવીન બાબીની કબરને પણ ખસેડવામાં આવી. જીવતેજીવ ભયંકર અશાંતિ ભોગવનાર પરવીને મૃત્યુ પછી ય ભટકવું પડ્યું!

પરવીન બાબીના પ્રેમી ગણાવાયેલા ત્રણ વ્યક્તિઓ પૈકી મહેશ ભટ્ટ પરવીન બાબી સાથેના પોતાના સંબંધો ઉપરથી ‘અર્થ’ જેવી ફિલ્મ ઉતારીને પોતાનો પક્ષ રજૂ કરી ચૂક્યા છે. કબીર બેદીએ પણ પોતાની આત્મકથામાં પોતાનો પક્ષ રજૂ કરીને હાથ ખંખેરી લીધા છે. ડેની પણ ઇન્ટરવ્યુઝ દ્વારા સફાઈ આપી ચૂક્યો છે. પણ પરવીનનું મન ક્યાંય ઠલવાયું નથી. અને હવે ખબર છે કે પરવીન બાબીના જીવન ઉપરથી એક વેબ સિરીઝ પણ બનવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં પરવીનનું સત્ય ઉજાગર થશે કે એનું ગ્લેમર વેચવામાં આવશે, એ તો આવનારો સમય જ કહેશે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.