બાળવાર્તાઓ : ૨૭ – ભૂરિયું અને કાબરું

પુષ્પા અંતાણી

કાળુડી કૂતરીએ ચાર ગલુડિયાંને જન્મ આપ્યો. એમાંનાં બે જન્મતાંની સાથે જ મરી ગયાં. બાકી બે બચ્યાં. એક હતું કાબરું. બીજું હતું ભૂરિયું. કાબરું અને ભૂરિયું બંને થોડાં મોટાં થયાં ત્યારે કાળુડી કૂતરી અચાનક બીમાર પડી અને મરી ગઈ. કાબરું અને ભૂરિયું એકલાં થઈ ગયાં. મા જીવતી હતી ત્યાં સુધી સારું હતું. એ બંનેની બધી વાતે સંભાળ રાખતી, પણ એ મરી ગઈ પછી કાબરા અને ભૂરિયાએ બધું જાતે જ કરવું પડતું હતું.

બંને ગલુડિયાં બહુ ડાહ્યાં અને સમજુ હતાં. બંને સંપીને રહેવા લાગ્યાં. એ જે મહોલ્લામાં રહેતાં હતાં તે મહોલ્લામાં ખૂબ પૈસાદાર લોકો રહેતા હતા. તેઓ બધા મોટા મોટા બંગલામાં રહેતા હતા. બધા બંગલાવાળાઓને ત્યાં પાળેલાં કૂતરાં હતાં. તેમાંના કોઈ મોટાં તો કોઈ નાનાં નાનાં સફેદ સુંવાળી રુંવાટીવાળાં કૂતરાં હતાં. એમનાં નામ પણ જુદા પ્રકારનાં પાડવામાં આવ્યાં હતાં. કોઈ સ્વીટુ, કોઈ ટૉમી, કોઈ બિલ્લુ. તો કોઈને નોટી કહીને બોલાવવામાં આવતું હતું.

આ પાળેલાં કૂતરાં આખો દિવસ બંગલામાં રહેતાં અને સવાર-સાંજ બહાર ફરવા નીકળતાં. એ બધાંને બંગલાના નોકરો ફરાવવા લઈ જતા. ભૂરિયું અને કાબરું આ બધાંને જુએ. બંગલાનાં કૂતરાં એમની સામે વટ પડાવે. પોતે કેવાં સુખી છે એની વાતો ભૂરિયું અને કાબરું સાંભળે તેમ કહેતાં. એ સૌને કેવું સરસ સરસ ખાવાનું, સૂવાનું, રહેવાનું મળે છે, કારમાં ફરવા મળે છે અને અ…હા…હા… કેવા જલસા છે એવી વાતો કરતા. ભૂરિયું અને કાબરું બંગલાવાળાં કૂતરાંઓ જોડે બોલવાનો પ્રયત્ન કરે તો કોઈ એમની સાથે વાત જ ન કરે. એ બધાં ભૂરિયા અને કાબરાથી ઊંચા પ્રકારનાં હોય તે રીતે વર્તે.

આ કારણે ભૂરિયું અને કાબરું દુ:ખી થયા કરતાં. તેઓ મનમાં વિચારતાં: “જુઓ તો ખરા, એ બધાં  આપણાથી કેટલાં સુખી છે! એમને સારું-સારું ખાવાનું મળે છે, બંગલામાં રહેવાનું મળે છે, ગાડીઓમાં ફરવાનું મળે છે, પથારીમાં સૂવાનું મળે છે. અને આપણને? આપણે તો કંઈ ખાધું કે નહીં તે પૂછનાર પણ કોઈ નહીં. રસ્તા પર જ ખાડા કરીને સૂઈ જવાનું. આપણી તે કાંઈ જિંદગી છે! એમ વિચારીને દુ:ખી થતાં.

થોડે દૂર એક ડાઘિયો રહેતો હતો. શેરીનાં બધાં કૂતરાં એને દાદા કહેતા. એક દિવસ ભૂરિયા અને કાબરાએ નક્કી કર્યું – ચાલો, આપણે દાદાને મળીને વાત કરીએ. એ જરૂર આપણું દુ:ખ દૂર કરશે. બંને દાદા પાસે ગયાં અને પોતાના મનની બધી વાત કરી. પછી બોલ્યાં:

“દાદા, અમને પણ જીવવાની મજા આવે એવું કંઈક કરોને.”

દાદા સમજી ગયા કે આ બંને બંગલામાં રહેતાં કૂતરાંના ઠાઠમાઠથી અંજાઈ ગયાં છે. બિચારાં હજી નાનકડાં છે. એમને સાચી વાતની કંઈ ખબર નથી. મારે એમને યોગ્ય રસ્તો બતાવવો જ જોઈએ.

દાદાએ એમને પોતાની પાસે બેસાડ્યાં અને કહ્યું:

“તમે મારી પાસે આવ્યાં અને તમારા મનની બધી વાતો કરી તે સારું થયું. હવે વિચારો, તમને મારી પાસે આવવાનું મન થયું અને તમે મારી પાસે આવ્યા, એમ બંગલામાં રહેતું કોઈ કૂતરું આવી શકશે?”

બંને એકીસાથે બોલી ઊઠ્યાં:

“ના… ના… એમને તો બંગલાવાળા આવવા જ ન દેને!.”

“સારું. તમે મન થાય ત્યાં રમો છો, દોડો છો, એમ બંગલાનાં કૂતરાં કરી શકશે?”

“ના,” ભૂરિયું બોલ્યું.

“તમે ખાવાપીવાની વાત કરી, પણ તમને મહેનત કરી, જાતે ખાવાનું શોધવાનો જે આનંદ મળે છે, એવો આનંદ એ બધાંને મળશે ખરો?”

“ના,” કાબરાએ જવાબ આપ્યો.

“તમને ઉનાળામાં ખુલ્લા આકાશ નીચે ભીની માટીમાં સૂવાની જે મજા આવે છે એવી મજા એમને ક્યાંથી મળે? અને તેઓ ભલેને શિયાળામાં ગરમ ધાબળા નીચે સૂતાં હોય, પણ રસ્તામાં ખાડો કરીને, એમાં સૂવાની મજા જ જુદી છે. એવી મજા તો એમને  મળે જ નહીંને!”

ભૂરિયા અને કાબરાને થયું, દાદાની વાત તો સાચી છે. આપણને જે મજા આવે છે, જેવો આનંદ મળે છે, એવી મજા – એવો આનંદ બંગલામાં રહેતાં કૂતરાંને મળતો નથી.

દાદાએ વાત પૂરી કરતાં કહ્યું: “બેટા, એ બધાં તો ગુલામ છે, જ્યારે તમે તો સાવ સ્વતંત્ર છો. તમારા મનના માલિક તમે પોતે જ છો. તમે તમારી ઇચ્છા પ્રમાણે જીવી શકો છો. એટલે હું કહું છું કે એ બધાં દુ:ખી છે અને તમે જ સાચાં સુખી છો… માટે જાઓ, મસ્તીથી જીવો ને આનંદ કરો.”

બંને ખુશ થઈ પૂંછડી હલાવતા રમવા દોડી ગયા.

***

 

Author: Web Gurjari

1 thought on “બાળવાર્તાઓ : ૨૭ – ભૂરિયું અને કાબરું

Leave a Reply

Your email address will not be published.