નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૩

શું આને કહેવાતી હશે વેરની વસૂલાત !

નલિન શાહ

જ્યારે પરાગે માનસીને જણાવ્યું કે સાન્તાક્રુઝના એમના જૂના બંગલાની જગ્યાએ સાત માળની એક ભવ્ય ઇમારતનો પ્લાન સાગરે તૈયાર કર્યો હતો, ત્યારે માનસીએ કહ્યું કે બંગલો તૂટે એ પહેલાં ત્યાં એક છેલ્લો સમારંભ – મેળાવડા જેવું – કરવા માંગતી હતી. પરાગનું કુતૂહલ શમાવવા એણે એટલું જ કહ્યું કે યોજના હજી એના મગજમાં આકાર લઈ રહી હતી. અત્યારે હું એટલું જ કહીશ કે કોઈ સ્વામીના પુનિત પગલાંથી એ જગ્યાને પાવન કરવા માગતી હતી.

એ સમારંભની યોજનાની ચર્ચા કરવા માનસી સુનિતાને મળવા ગઈ.

‘સુનિતાબેન’ માનસી બોલી, ‘હું શશીની પ્રતિભા ને કાર્યકુશળતાથી બહુ જ પ્રભાવિત થઈ છું. એ તબીબી સારવારનાં ક્ષેત્રમાં જે કરવા માંગે છે એ બહુ જ ખર્ચાળ યોજના છે. હું એમાં મદદરૂપ થવા માગું છું.’

સુનિતાએ કહ્યું, ‘મેં શશીને વારંવાર કહ્યું છે કે પૈસાના અભાવે કામ અટકવું ના જોઈએ. આવા કામ માટે પૈસા ઊભા કરવાના મારી પાસે ઘણા રસ્તા છે,પણ રાજુલની સાસુના સંબંધે એ મારી પાસે કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં સંકોચ અનુભવે છે.’

‘ને આપણે વગર માંગે એને કાંઈ આપીએ તો?’ માનસી બોલી.

‘હું કાંઈ સમજી નહીં!’

‘હું એવું કાંઈક કરવા માગું છું જેના થકી શશીનાં કાર્યની જાહેરમાં ચર્ચા થાય, એનું માન વધે ને એની સંસ્થા સમૃદ્ધ થાય’ માનસી બોલી, ને ઉમેર્યું: ‘ને મારા સાસુએ કરેલા શશીના ઘોર અપમાનનો ભાર રાજુલનાં માથેથી ઊતરે.’

‘હું શું કરી શકું એમ છું એ મને જણાવ, હું કરીશ.’ સુનિતાએ આશ્વાસન આપ્યું.

‘મારી ઇચ્છા પચ્ચીસ લાખ રૂપિયા જેટલી રકમ શશીની સંસ્થાને દાનરૂપે ઊભી કરવાની છે જેની શરૂઆત હું મારાથી કરીશ. મારી એક મહિનાની કમાણી હું આપી દઈશ.’

‘રહી તમારી મદદની વાત. તો મારી એક જ વિનંતી છે કે તમારી વગ વાપરી તમે અંગ્રેજી ને ગુજરાતી ભાષાના મહત્ત્વના સમાચારપત્રોના પ્રતિનિધિઓને બે દિવસ ગામડાંના પ્રવાસ કરવા પ્રેરી શકો તો શશીએ સર્જેલી ક્રાંતિનું મહત્ત્વ એ લોકો સાચા અર્થમાં સમજી શકે ને એને પ્રસિદ્ધિ આપવા પ્રેરાય. બહારની દુનિયામાં શશીનાં કામની ચર્ચા પણ થાય ને મારું ડોનેશન ઊભું કરવાનું કામ આસાન થઈ શકે. ત્યાર બાદ શહેરની અગ્રગણ્ય વ્યક્તિઓની હાજરીમાં મુરલીધર સ્વામી જેવા કોઈ પ્રસિદ્ધ સંતના હસ્તક એ દાનની રકમ અપાય તો ફંક્શનનું મહત્ત્વ ઘણું વધી જાય.’

માનસીનાં સૂચનો વાસ્તવિક હતાં ને સુનિતા એ પૂરાં કરવા શક્તિમાન હતી. એણે એટલું જ પૂછ્યું કે એ ફંક્શન ક્યાં યોજવા માંગતી હતી.

‘અમારા બંગલામાં….’ માનસીએ કહ્યું, ‘જ્યાં શશીનું ઘોર અપમાન થયું’તું ત્યાંથી જ હું એને માનભેર વિદાય કરીશ. આ ફંક્શનને યાદગાર પ્રસંગ બનાવવા માટે જ હું તમારી મદદની અપેક્ષા રાખું છું.’

સુનિતાએ સજળ નેત્રે માનસીને માથે હાથ મુક્યો. ‘તું જરા પણ ચિંતા ના કરીશ. આ ઉપરાંત તને ફંડ ઊભું કરવામાં પણ મદદ કરીશ. અગત્યની વ્યક્તિઓને અને મુરલીધર સ્વામીને આમંત્રવાની જવાબદારી મારી છે. સજાવટ વગેરેની વ્યવસ્થા કરવાની જવાબદારી સિવાય બીજી બધી જવાબદારી લેવા હું તૈયાર છું. બધું તારા ધાર્યા મુજબ પાર પડશે. ને હમણાં હમણાં તો તે પ્રેક્ટિસ શરૂ કરી છે. ડોનેશનની બાબતમાં તારે આટલો ભોગ આપવની જરૂર નથી. ઓછા પડે તો હું આપીશ.’ સુનિતાએ એને ખાતરી આપી ને તુરંત એને બીજો વિચાર આવ્યો, ‘પણ માનસી, આ બધામાં તે તારી સાસુનો વિચાર કર્યો છે? એની રજામંદી લીધી છે?’

‘મારા સાસુની હાજરી તો અત્યંત જરૂરી છે. શશી માનભેર વિદાય એની હાજરીમાં થાય તો જ કરેલું સાર્થક થાય. મને ખાતરી છે કે કોઈ સંત ઘરમાં પધારવાના છે એ જાણીને એટલી ઉત્તેજિત થશે કે સામે ચાલીને મને ફંક્શન યોજવામાં મદદરૂપ થશે. હા, એક વાતની તકેદારી ખાસ રાખવી પડશે કે ફંક્શનનું પ્રયોજન એનાથી ગુપ્ત રહે. એક વાર શશી ઘરમાં પ્રવેશ કરે પછી એ પ્રસંગની મૂક સાક્ષી બની એને સહન કર્યા વગર છૂટકો નથી. એનું સ્વમાન ઘવાશે ને થોડી ઘણી પણ અક્કલ હશે એનામાં તો એને શશીની સામે એની પોતાની તુચ્છતાનું ભાન થશે.’

‘પરિણામનો વિચાર કર્યો છે?’

‘જરૂર નથી. કેવળ મારા સાસુ જાણે છે કે હું ગર્ભવતી છું. બસ, જ્યારથી જાણ્યું છે ત્યારથી એમની પ્રભુની સેવાની માત્રા વધી ગઈ છે – કેવળ એ આશાએ કે સંપત્તિનો વારસ મેળવવાની એની આકાંક્ષા ફળે. આ પ્રસંગ પછી જો એ મને ઘરમાંથી જાકારો આપે તો હું રાજીખુશીથી ચાલી જઈશ; મારી નાનીને ઘેર; ફિલોમિના પાસે. પણ એવા કોઈ સંજોગ ઊભા થવાની શક્યતા નથી. મારી સાથે બાથ ભીડવાની હિમ્મત એ ખોઈ બેઠાં છે. રહ્યો પરાગનો સવાલ, તો શશી પ્રત્યે એનાં મનમાં કોઈ દ્વેષ નથી; એ તો એને જાણતો પણ નથી. એ તો કેવળ પૈસાનો ભૂખ્યો છે ને એની મા કુટુંબની અડધી સંપત્તિની માલિક હોવાથી નછૂટકે એની આમન્યા રાખે છે. બાકી તમે જે મારા ભોગની વાત કરી એ મારો ભોગ નથી; મારી ફરજ છે. ડોનેશન માટે હું કોઈ સામે હાથ ત્યારે જ ફેલાવી શકું જ્યારે એની શરૂઆત મારા પોતાનાથી થતી હોય. જ્યાં સુધી તમારો સાથ છે ત્યાં લગી મને કોઈ ચિંતા નથી. હા, હમણાં રાજુલને કશી જાણ કરતાં નહીં.’

ગ્રામસેવિકા તરીકે ને ગ્રામ્યજીવનને લગતી વેધક કથાઓને લીધે શશીની ખ્યાતિ ગુજરાતમાં સારી એવી પ્રસરી હતી. મુંબઈના, ખાસ કરીને ગુજરાતી વાચકો માટે પણ એનું નામ સાવ અજાણ્યું નહોતું. આ સંજોગોમાં મુંબઈના કેટલાક અંગ્રેજી અને ગુજરાતી પત્રકારોને ગામડાંની મુલાકાત લેવા પ્રેરવામાં સુનિતાને બહુ તકલીફ ના પડી. મીનિ-બસની વ્યવસ્થા પણ એણે જ કરી આપી. માનસી પણ બસમાં સાથે ગઈ. રહેવા-ખાવાની વ્યવસ્થા શશીની સંસ્થાના કાર્યકરોએ સહર્ષ સ્વીકારી લીધી. અપાર મુશ્કેલીઓનો સામનો કરી શશીએ ગ્રામ્યજીવનમાં સર્જેલી ક્રાંતિ સર્વેએ જાતે જોઈને જાણી. આવા નિઃસ્વાર્થ કાર્યને પ્રસિદ્ધિ આપવી એ પણ સમાજસેવાનું કામ સમજી મુંબઈના છાપાંઓએ એની નોંધપાત્ર વિગતો રસપ્રદ બનાવીને છાપી અને તે પણ શશીની તસવીર સાથે.

ધનલક્ષ્મીને છાપાંનાં લખાણોમાં તો રસ નહોતો, પણ ધ્યાન ખેંચે એવી શશીની તસવીર જોઈ એના હૃદયમાં અદેખાઈની આગ પ્રગટી ને સાથે સાથે આ મારી બહેન છે એ જાહેર કરવાની લોભની ભાવના પણ જાગી. ધનલક્ષ્મી સમસમીને બેસી રહી. પરાગને પણ ના કીધું કે ‘યાદ છે, આ તારી માસી છે.’ ચુપકીદી સેવવા સિવાય એને છૂટકો નહોતો.

પરાગ હોસ્પિટલમાં જવા તૈયાર થઈ રૂમમાંથી બહાર આવ્યો ને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો. ‘કેમ મમ્મી, આજે કાંઈ બહુ રસથી મુંબઈ સમાચાર વાંચી રહી છે, શું કોઈ સાડીના સેલની કે એક્ઝિબિશનની જાહેરાત છે શું?’ પરાગે હસતાં હસતાં પૂછ્યું.

‘ના રે, આ તો અમથી નજર ફેરવતી હતી’ અને તુરંત વાત બદલીને પૂછ્યું ‘આપણા બંગલાનું શું થયું?’ ‘સાગરે સાત માળના મકાનનો પ્લાન તૈયાર કર્યો છે. આપણો બંગલો બહુ જૂનો છે. હવે એની પાછળ મરમ્મતનો ખર્ચો કરવો નકામો છે. હવે એ બંગલો શોભે પણ નહીં. ઉપરના બે માળ આપણે માટે રાખી બાકીના પાંચ માળના ફ્લેટો વેચી દઈએ તો બહુ મોટી કમાણી થાય.’

ધનલક્ષ્મી વિચારમાં પડી ગઈ. બંગલો જાય એ એને જચતું નહોતું, પણ પરાગની વાત પણ વિચારવા જેવી હતી. બંગલો ખર્ચાળ વસ્તુ હતી ને સાત માળના મકાનમાં બહુ મોટો લાભ હતો.

‘તો મને એ કહે કે સાગરે જે સલાહ આપી એ માની લઈએ કે એ યોગ્ય છે તો પછી એવી સલાહ એના પોતાના નેપિયન સી રોડના મકાનને નથી લાગુ પડતી? ત્યાં તો મકાન બનાવવામાં કરોડોનો ફાયદો થાય.’

‘મમ્મી, એ તો વિચાર કર કે આપણો એમની સાથે કોઈ મુકાબલો ના થાય. એ લોકો માટે કરોડોની કોઈ વિસાત નથી. તેં જોયો છે એ બંગલો? વિશાળ જગ્યામાં વૃક્ષોથી ઘેરાયેલાં સુનિતાબેનનું કુટુંબ રાજવીની જેમ રહે છે. નથી એ લોકોને વધારે પૈસાની જરૂર કે નથી લાલસા. ટૂંકમાં આપણું એમની સામે કોઈ ગજું નહીં.’ ધનલક્ષ્મી વિસ્મયથી સાંભળી રહી, ‘અને બીજી વાત,’ પરાગે ઉમેર્યું, ‘એમના કુટુંબમાં બધું ચલણ સુનિતાબેનની વહુ અને સાગરની પત્નીનું ચાલે છે. મહત્ત્વના નિર્ણયો પણ એ જ લે છે.’

ધનલક્ષ્મીના કાને વિશ્વાસ ના બેઠો, ‘શું એટલી માથા ફરેલી છે કે સુનિતાનું પણ ના સાંભળે?’

‘શું વાત કરે છે તું મમ્મી? કાંઈ જાણ્યા વગર. એ બંને વચ્ચે મા-દીકરી કરતાંયે વધારે પ્રેમ છે. સુનિતાબેનને વહુ પર એટલો ભરોસો છે કે બધી સંપત્તિ ને કારભારનો ભાર એને સોંપ્યો છે ને વહુ પણ સાસુની એટલી જ આમન્યા રાખે છે. સાગર પણ ઘરને લગતા કોઈ નિર્ણય એની પત્નીને પૂછ્યા વિના નથી લેતો.’

સાંભળીને ધનલક્ષ્મી આભી બની ગઈ, ‘એ તે કેવી સાસુ ને એ તે કેવી વહુ! જોવા પડશે.’

પરાગે ઊભા થતા કહ્યું,‘મમ્મી એક બીજી વાત. માનસીની ઇચ્છા છે કે બંગલો તૂટે એ પહેલાં એક સમારંભ થવો જોઈએ જેમાં શહેરની નામાંકિત વ્યક્તિઓની હાજરીમાં પ્રખ્યાત કથાકાર મુરલીધર સ્વામી એમનાં પગલાંથી આ ઘરને પાવન કરે.’

‘શું?’ ધનલક્ષ્મીએ ઉત્તેજના અનુભવી, ‘સાચ્ચે જ એ સંત આપણે ત્યાં આવશે? એના જેવું રૂંડું શું? આપણી આબરૂ વધશે ને આપણાં ભાગ ખૂલશે.’

બપોરે જ્યારે માનસી ઘેર આવી ત્યારે ધનલક્ષ્મીએ પૂછ્યું, ‘માનસી મેં સાંભળ્યું છે કે તું કોઈ મેળાવડો કરી રહી છે ને સંત મુરલીધર સ્વામી પણ પધારવાના છે?’

‘હા’ માનસીએ સાહજિકતાથી કહ્યું, ‘સુનિતાબેનના કહેવાથી એમણે આવવાનું કબૂલ કર્યું છે.’

‘સુનિતા શેઠ પણ આવશે ને?’

‘હા’

‘એની વહુને જરૂર કહેજે આવવાનું. બહુ સાંભળ્યું છે એના માટે. કહેવાય છે કે અબજોની સંપત્તિ સુનિતા શેઠે એને સોંપી દીધી છે?’

‘તો બોલાવશે ને એને પણ?’

‘ના.’

‘કેમ?’

‘મમ્મી, તમને ખબર નથી પણ એ બહુ મોટી કલાકાર છે. કારોબારના મહત્ત્વના નિર્ણય પણ એના હાથમાં છે. એની પાસે કદી ફુરસદનો સમય નથી હોતો.’ માનસીએ મનમાં હસીને ગંભીરતાથી જવાબ આપ્યો. એ હેતુપૂર્વક રાજુલની અલૌકિક પ્રતિભા ઉપજાવવા માંગતી હતી. માનસીએ ઇરાદાપૂર્વક વાતને લંબાવી, ‘એને તો મળવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. હજી સુનિતાબેનને મળવું સહેલું છે, એની વહુને નહીં, હું ધારો કે આમંત્રણ આપું તો કોઈ ખાતરી નથી કે એ આવે.’

આ સાંભળીને ધનલક્ષ્મીને સુનિતા શેઠની એ અદ્‌ભુત વહુને મળવાની ઉત્કંઠા વધી ગઈ.

‘તું પ્રયત્ન તો કરજે. જો એ આવે તો આપણા ઘરનો મોભો વધી જાય ને તારો મેળાવડો પણ શોભી ઊઠે.’

માનસીએ મનમાં વિચાર્યું, ‘પૈસાના મદમાં આ સાસુએ એનાં ગરીબ મા-બાપ અને બહેનોને તરછોડ્યાં. આશીર્વાદ માંગવા આવેલી બહેનને હડધૂત કરી. નાની બહેનની ક્યારેય ભાળ ન કાઢી ને પોતે સંપન્ન હોવા છતાં એના ઉછેરની ચિંતા ન કરી કે ન એના લગ્નમાં ગઈ ને આત્મસંતોષ ખાતર ધારી લીધું કે ‘હશે કોઈ લંગડો-લૂલો એનો વર.” હવે સુનિતાની વહુની હાજરીથી ઘરનો મોભો વધારવા માંગે છે! આ છે વિધિના ખેલ. જ્યારે એ વહુની ઓળખ થશે ત્યારે જે આંચકો અનુભવશે એ કેટલો અવર્ણનીય હશે! ને ત્યારે એના પ્રભુને વીનવશે કે “ધરતી મારગ આપે ને હું સમાઈ જાઉં.” શું આને કહેવાતી હશે વેરની વસૂલાત!’

‘તમે ઇચ્છો છો એટલે હું જરૂર સાગરને વિનંતી કરીશ કે એની પત્નીને જરૂર સાથે લાવે’ માનસી મનમાં હસીને બોલી. એની ઇચ્છાને માનસી મહત્ત્વ આપે છે એ જાણી ધનલક્ષ્મીને થોડો સંતોષ જરૂર થયો. બાકી તો મનમાં ગુસ્સો ઘણો હતો કે માનસીએ મેળાવડાની યોજના વિચારતાં પહેલાં સાસુને પૂછવાની પણ જરૂર ના લાગી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.