અતીતરાગ

અતીતરાગ

– આશા વીરેન્દ્ર

સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યા એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે કેવું દુ:ખ આવી પડ્યું? જમાઈને એરુ આભડી ગયો. મારી સુધી વિધવા થઈ ગઈ. હવે શું થશે? બિચારી આખો જન્મારો કેમ કરીને કાઢશે?’

તે દિવસથી માંડીને આજ સુધી એ પિયરમાં જ રહી. ન કદી સાસરેથી કોઈએ એના ખબર પૂછ્યા કે ન કોઈ તેડું આવ્યું. લગ્નનું આખું પ્રકરણ એની જીવન કિતાબમાંથી ભૂંસાઈ ગયું. જો કે, આ ઘરે એને હૂંફ, લાગણી, માન-સન્માન બધું જ આપ્યું હતું. મા તો પંદરેક વર્ષ પહેલાં પરલોક સિધાવી ગઈ હતી પણ બાપુ, બે ભાઈઓ, ભાભીઓ અને એમના કલબલાટ કરતાં સંતાનોથી ભર્યા ભર્યા આ પરિવારમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એક સવારે રસોડાના કામમાં ગૂંથાયેલી સુધાને નાની ભાભીએ કહ્યું, ‘દીદી, તમને મળવા કોઈ મહેમાન આવ્યા છે તે બાપુ બેઠકખંડમાં બોલાવે છે.’

સુધાને આશ્ર્ચર્ય થયું. ‘મને મળવા વળી કોણ આવે?’

એ બેઠકખંડમાં પહોંચી ત્યારે એને જોઈને ૫૦-૫૫ ની વયનો લાગતો પુરુષ ઊભો થઈને એને પગે લાગ્યો, ‘ભાભી, હું તમારો દિયર-વિપીન. તમારાં લગ્ન વખતે આઠેક વર્ષનો હોઈશ. ઓળખાણ પડે છે?’

સુધાના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ, ‘ના, હું તમને નથી ઓળખતી.’

સદાનંદબાબુએ કહ્યું, ‘વિપીનબાબુ કહેવા અવ્યા છે કે, એમને હવે બાપ-દાદાના વખતનો બંગલો વેચી દેવો છે. મિલકતની વહેંચણી કાયદેસર રીતે ત્રણ ભાગે થશે. એ બંને ભાઈઓનો એક એક ભાગ અને જમાઈબાબુની એકમાત્ર વારસ તરીકે તારો ત્રીજો ભાગ.’

‘બાપુ, મને આવી બધી ભાગ-લાગની વાતમાં કંઈ રસ નથી. વળી જે કદી મારું હતું જ નહીં એ ઘરમાંથી હું હિસ્સો શી રીતે લઈ શકું? મારે હજી ઘણું કામ પડ્યું છે. હું જાઉં?’ વિપીન એકદમ ઊભો થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘ભાભી, તમે ખૂબ મહાન છો. બાકી આટલી સહજતાથી પોતાના હિસ્સાનો મોહ કોઈ કેવી રીતે ત્યાગી શકે? પણ મારી એક વિનંતી છે. એક વખત તકલીફ લઈને તમારે ગામ તો આવવું જ પડશે.’

‘શા માટે?’

‘અમારા બે ભાઈઓના હક્કમાં તમે તમારો ભાગ જતો કરો છો એવા લખાણ પર કોર્ટમાં આવીને વકીલની રૂબરૂ સહી કરી આપવી પડશે.’ ‘એમાં મારી ના નથી. જે કંઈ કરવું ઘટે એ કરીને મારે આ બધામાંથી મુક્તિ જોઈએ છે. મને આવી બધી ઝંઝટ નથી ફાવતી. પણ હા, હું બાપુ સાથે ત્યાં આવું ત્યારે બંગલો જોવાની મારી ઇચ્છા છે. બતાવશો ને?’ વિપીન તરત બોલ્યો, ‘જરૂર તમને બંગલે લઈ જઈશ ભાભી, પણ હવે એમાં જોવા જેવું કંઈ રહ્યું નથી. સાવ ખંડેર થઈ ગયું છે. ત્યાં રહી શકાય એમ પણ ન હોવાથી અમે બંને ભાઈઓએ ભાડાનાં ઘર લીધાં છે.’

વિપીનના ગયા પછી સુધાની મન:સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. પચાસ વર્ષોનો દીર્ઘ કાળખંડ વટાવી એ બાર વર્ષની કિશોરી નવવધૂના સ્વાંગમાં શ્ર્વસુરગૃહે પહોંચી ગઈ. જો કે, આજે તો હવે પતિનો ચહેરો પણ યાદ નહોતો. હતી તો માત્ર એક સુમધુર સ્મૃતિ. વિશાળ બંગલાના એક ઓરડાની બારી પાસે બાર ને પંદર વર્ષનાં કિશોર-કિશોરી કે જે બે દિવસ પહેલાં પતિ-પત્ની બન્યાં છે, એ બંને બેઠાં છે. બારીની બહાર આંબા અને ફણસનાં વૃક્ષો ઝૂમી રહ્યાં છે. કિશોર કહે છે, ‘બધાં ભલે કહે કે, ફણસ કરતાં કેરીનો સ્વાદ વધુ સારો પણ મને તો ફણસ જ બહુ ભાવે. તને શું વધારે ભાવે?’

છોકરી શરમાઈને કહે છે, ‘કેરી’.

બીજે દિવસે કિશોર બધાંથી છુપાવીને બે પાકી કેરી લઈ આવીને કિશોરીને કહે છે-‘જલદી જલદી ખાઈ લે, નહીંતર કોઈ જોઈ જશે ને બધાં આપણી મજાક ઉડાવશે.’ સુધાને સમજાયું નહીં કે વર્ષો પહેલાંની આ યાદથી આજેય એની આંખો ભીની કેમ થઈ ગઈ? વિપીન ગાડી લઈને સ્ટેશને લેવા આવ્યો હતો. ‘ચાલો, પહેલાં તમને એક સારી હોટેલમાં લઈ જાઉં. ચા-નાસ્તો કરો અને ફ્રેશ થઈ જાવ. કોર્ટના સમયને હજી વાર છે.’

‘સૌથી પહેલાં મારે બંગલો જોવા જવું છે.’ સદાનંદબાબુને સુધાની આ ઉતાવળ સમજાઈ નહીં પણ એમણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. પડું પડું થતા એક બંગલા પાસે ગાડી ઊભી રહી. પોતાની પાસેની ચાવીથી તાળું ખોલતાં વિપીને કહ્યું, ‘જોયું ભાભી, મેં કહ્યું હતું ને કે, બંગલામાં કંઈ જોવાલાયક રહ્યું નથી. બધા ઓરડા ખાલીખમ છે. બેસવા માટે એક ખુરશી સુધ્ધાં નથી.’ ‘વાંધો નહીં. હું એક વાર ઉપરના માળે આંટો મારી આવું. તમે બંને વાતો કરો. હું હમણાં આવું છું.’

ધૂળથી ભરેલા ઓરડા પાસે જઈને સુધાએ ઊંડો શ્ર્વાસ લીધો. ધીમેથી બારી પાસે જઈ એણે બંધ બારીને ધક્કો માર્યો. જ્યાં બહાર નજર કરી ત્યાં એનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ક્યાં ગયાં એ આંબા અને ફણસનાં ઝાડ? અહીં તો હતા માત્ર પથ્થરો અને માટીના ઢગલા. અચાનક એને પેલા કિશોરનો રમતિયાળ સ્વર સંભળાયો, ‘તને શું ભાવે? ફણસ કે કેરી?’ કિશોરની આપેલી કેરી જોવા સુધાએ પોતાના અડવા હાથ ઊંચા કરીને જોયું. હથેળી તો સાવ ખાલી હતી. એમાં કશુંય નહોતું. એને જોરમાં ડૂસકું આવ્યું. સાડલાના છેડાથી આંખો લૂછતી એ નીચે આવી અને બોલી, ‘ચાલો, મારે જે જોવું હતું એ જોવાઈ ગયું.’

કંઈ ન સમજાતાં સદાનંદબાબુ અને વિપીન એકમેકનાં મોઢાં જોઈ રહ્યા.

(સમરેશ મુજુમદારની બંગાળી વાર્તાને આધારે)

સૌજન્ય ભૂમિપુત્ર

સુશ્રી આશા વીરેન્દ્રનો સંપર્ક  avs_50@yahoo.com   વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “અતીતરાગ

  1. કેટલી સુંદર અને હ્રદયસ્પર્શી વાર્તા !
    સાથે સાથે જુના જમાના ના કુરિવાજો આંખ ની સામે આવે છે .

Leave a Reply

Your email address will not be published.