બંદિશ એક રૂપ અનેક (૮૩): “ગુઝર ગયા વો જમાના કૈસા..કૈસા” (૨)

નીતિન વ્યાસ

“તમે શું કેવળ છબી જ રહી ગયા ? ‘હાય છબી, તુમિ શુધ્ધ છબીના . . . ના. નયન સન્મુખે ભલે આજે તમે ન હો, તમારો સૂર, તમારા ગાન દ્વારા ચિરકાલ સુધી ગુંજતો રહેશે !’

ફેબ્રુઆરી ૧૯, ૧૯૭૮ના રવિવારે સંગીત સરસ્વતીના વ૨પુત્ર પંકજકુમાર મલ્લિકે બપોરે બાર ને પાંચે છેલ્લો શ્વાસ લીધો. સંગીત-જગતનો એક અધ્યાય સમાપ્ત થયો. ‘ગુઝર ગયા વો જમાના . . .’પંકજબાબુના અવસાન સાથે એક જમાનો ગુજરી ગયો. એક યુગની સમાપ્તિ.

સેવક વૈદ્ય સ્ટ્રીટ પરથી તેમની અસ્થિ   ઊઠી ત્યારે તેમની સમકાલીન કોકિલકંઠી કાનનદેવી ક્રંદન કરી ઊઠી, ‘અરે, રવીન્દ્રગાનનો દિક્‍પાલ ગયો !” ખરેખર, કાનનદેવીએ કેટલું સાચું કહ્યું છે? રવીન્દ્રનાથનાં ગીતો પંકજબાબુના ગળે ઝરતાં એટલે ‘રવીન્દ્ર સંગીત’  મટી જાણે ‘પંકજ-ગીતી’ બની જતાં ! કેવળ બંગાળમાં જ નહીં પણ ભારતભરમાં રવીન્દ્રનાથના સંગીતને પ્રતિષ્ઠા આપવામાં પંકજબાબુનો ફાળો સૌથી વિશેષ રહ્યો છે.

રવીન્દ્ર-ગીતોની વાત લખતાં લખતાં પંકજબાબુ સાથેનાં કંઈ કેટલાંયે સ્મરણો મનમાં જાગી ઊઠે છે. આ મહાપ્રાણના પ્રેમ અને આશીર્વાદ અમને સાંપડયા છે તે અમ દંપતીની જીવન-સંપદા, પરમ સૌભાગ્ય ગણું છું. ખૂબ નાનો હતો ત્યારે તેમનું પહેલું રવીન્દ્ર-ગીત રેકર્ડ પર સાંભળેલું, તે હતું ‘એમન દિન તારે બલા જાય’. સાંભળતાં જ મન પ્રાણખોઈ બેઠો હોઉં તેવું અનુભવેલું ! રવીન્દ્રના આ ગીતના સ્વર અને પંકજબાબુનો ગંભીર અવાજ મારા સચરાચરમાં છાઈ ગયેલા. આજે પણ રવીન્દ્ર-ગીતોમાં આ ગીત મારું સૌથી પ્રિય રહ્યું છે. નવાઈ તો એ છે કે પંકજબાબુએ આકાશવાણી પરથી પહેલવહેલું ગીત ગાયેલું તે પણ આ જ હતું ! આ ગીત વિશે પંકજબાબુએ એક વાત કહેલી તે અત્રે નોંધું છું :

આષાઢની એક મેઘલી સાંજ હતી. મુશળધાર વર્ષમાં મેં છત્રીના અભાવે કલકત્તાની એક ગલીમાં આવેલા એક મકાનના છજા હેઠળ આશ્રય લીધો. હું પહેલેથી જ ગીતોનો જીવ. મેં તો ધીરે ધીરે ગાવું શરૂ કર્યું:

“એમન દિન તારે બલા જાય”.

ગુજરાતી ભાષાંતર:

“આ જલધર ભીના નિભૃત નિર્જન એકાન્તમાં જ

આજ સુધી નહીં કહી શકાયેલી વાત કહી શકાય

આવે વખતે જ હૃદયનાં આજ સુધીનાં રુદ્ધ દ્વાર ખોલી શકાય.

આખા જનમારામાં કહેવાની રહી ગયેલી વાત,

આ દિવસે તેને કહી શકાય….આવી ઘનઘોર વર્ષામાં.”

(અનુ. ભોળાભાઈ પટેલ),

+                                     +                              +                           +

છજાની ઉપર ડૉ. રામસ્વામી આયરની બારી પડે. તેમણે ગીત સાંભળ્યું. તેઓ પ્રભાવિત થઈ ગયા. મને થોડા દિવસ પછી રેડિયોઘર પર તેડી ગયા અને તે જ રાત્રે મેં સર્વ પ્રથમ વાર રેડિયો પરથી ગાયું. એ ગીત હતું ‘એમન દિન તારે બધા જાય, એમન ઘનઘોર વર્ષાય . . .”

કંઈ કેટકેટલી રેકર્ડો અને રવિગીતો આજે યાદ આવે છે. પંકજબાબુએ ગાયેલાં બંગાળી ગીતો હું નાનો હતો ત્યારથી વારંવાર સાંભળતો અને એ બધાં ગીતો જીભને ટેરવે રમતાં થઈ જતાં. ‘મરણેર મુખે રેખે’,‘કોન લગને જનમ આમાર’, ‘દિનેર શેષે ઘૂમેર દેશે’, ‘શેષ હોલોતોર અભિયાન’. બંગાળી ભાષા ત્યારે સમજતો નહીં, કવિતાની સમજતો બિલકુલ જ નહીં. પણ એ ગીતો ગાનારના સૂરથી હું મુગ્ધ થઈ જતો. એ સૂર કે જેણે ‘પ્રલય નાચન’ નૃત્ય કરીને મને લયવિભોર કરી દીધો હતો અને મેં ‘આપને હૃદય ગહન દ્વારે’ કાન માંડયા હતા!પોતાના હૃદયમાં કાન માંડવાથી કયારે નિભૃત, તો કયારે વિરાગી ભ્રમર બની જવું, એ બધું ચૌદ વર્ષે જ્યારે આ ગીતો શીખ્યો ત્યારે કશું સમજતો નહીં. પણ એ ગીતોનું અનુસરણ કર્યા કરતો અને પછી ધીરે ધીરે ગાયકના સ્વર તથા ગીતોના સૂરોનું અનુરણન પણ કરતો. થોડો સમય જતાં  ‘ઓ રે સાવધાની પથિક’ ગીતમાં પંકજબાબુને સાવધ પથિકનો મૃદુ પરિહાસ કરતા સાંભળ્યા. કિશોર અને યૌવનના સંગમ-સ્થાન પર ઊભા રહીને હું ધીરે ધીરે પંકજબાબુનાં આ બધાં ગીતો દ્વારા શીખતો ગયો કે બધું ગુમાવવામાં જ બધુ પામવાનું છે, પ્રત્યાઘાત અને પ્રતિભાવના ભારણ નીચે પણ શિર પર ધારણ કરવાની જયમાળા રહેલી છે.

ત્યાર બાદ અમારા ઘરે આવી ‘વર્ષણમન્દ્રિત અન્યકારે’, ‘આમાર અલ્પપ્રદીપ’ અને ‘સઘન ગહન શત્રિ’ ગીતોની રેકર્ડ, એ ગીતોની સુરાવલિ મધરાતની અનિદ્રાને ભરી દેતી ! પછી તો રવિવારે સવારે કલકત્તા રેડિયો-કેન્દ્ર સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો. રેડિયો પર પંકજબાબુનો અવાજ સાંભળતો અને છાતી ધડક ધડક થતી. તેમના જેવું જ ગાઈ શકતો નહીં પણ એ ગીતોના સૂર મનમાં સંઘરી રાખતો અને વાગોળતો.

રવીન્દ્ર અને અન્ય ગીતો સાંભળતાં-શીખતાં સાથે સાથે ન્યુ થિયેટર્સનાં  એમના સંગીતવાળા બધાં હિન્દી ચિત્રો જોયેલાં, અને તેમનો હિન્દી ગીતો બધાં જ મોઢે – ગીતની તરજ વચ્ચેનું ઇન્ટરલ્યુડ મ્યુઝિક સુધ્ધાં ! ‘ગૃહદાહ’, ‘મુક્તિ’, “ધરતીમાતા’, ‘નર્તકી’, ‘કપાલ કુંડલા’,‘ડૉકટર’ ને ‘આંધી’નાં તેમનાં બધાં જ ગીતો ગાતો, એટલું જ નહીં પણ તેમના સ્વરનિર્દેશનમાં કાનન, સાયગલ, ઉમાશશી, પહાડી સન્યાલ, આસિત બરન, ધનંજય ભટ્ટાચાર્ય (‘યાત્રિક’), ઉત્પલા સેન, ઇલા ઘોષ વગેરેએ ગાયેલાં ગીતો પણ મને ખૂબ ગમતાં.

આમ પંકજબાબુને પ્રત્યક્ષ મળ્યા પહેલાં પણ તેમનું સંગીત મારા સચરાચરમાં વ્યાપેલું જ. એમનાં ગીતો મર્મસ્થાનને સ્પર્શતાં. ગીતોનું વાતાવરણ જ મંત્રમુગ્ધ કરી દેતું. તેમનું ‘ગુજર ગયા..’ હો કે તેમણે સાયગલને શિખવાડેલું ‘કરું  ક્યા આશ-નિરાશ’ ગીત હો; જેમણે એ ગીતો ગાયાં તેની વેદના, જેમણે લખ્યાં તેની વેદના અને વારંવાર એ ગીતો સાંભળતાં શ્રોતાઓની એક અવ્યક્ત વેદના. એ ત્રણેના મિશ્રણથી એક અનામી વેદનાની અને એમાંથી ઉપજતા આનંદની ત્રિવેણી પ્રગટતી.

પંકજબાબુને પહેલવહેલું મળવાનું સૌભાગ્ય સાંપડયું ઈ.સ.૧૯૫૭માં, લગ્ન બાદ જમ્મુ-શ્રીનગર રેડિયોઘર પર હું અને નિરુપમા ગાયક બનવા મનીષા નથી, મારી તો આકાંક્ષા છે કે આ રસના સાગરમાં જન્મ-જન્માંતર ડૂબી રહું.’

રવીન્દ્રથી પ્રભાવિત થયેલી  અનેક વ્યક્તિઓ જોઈ છે. તેમના કાવ્યસાહિત્યની અસરમાં વિકસેલી કંઈ કેટલીયે કાવ્યપ્રતિભાઓ પણ જોવા મળે છે. પણ રવીન્દ્રના સંગીતમાં જેની આખી ચેતના ઝબોળાઈ જઈ રગેરગમાં વ્યાપ્ત થઈ ગઈ હોય તેવી કોઈ વ્યક્તિ મેં જોઈ હોયતો તે કેવળ પંકજબાબુ. રવીન્દ્ર-ગીતોના સૂર જોડેનું તેમનું એકહૃદય એ મને એક ચમત્કાર જ લાગતો. ‘મરણેર મુખે રેખે’ કે ‘કી પાઇની’ સિવાય પણ અઢળક ઉદાહરણો મળશે કે જેમાં રવીન્દ્રિક સુરાવલિ પંકજબાબુના સ્પર્શે સજીવન થઈ નવાં સ્વરૂપો પામી છે.

આ સિવાય પંકજબાબુનું બીજું મોટું પ્રદાન રવીન્દ્રનાં બંગાળી ગીતોનું હિન્દીકરણ કરી મૂળ સ્વરને અકબંધ જાળવી, ભારતભરની પ્રજા પાસે હિન્દી ચલચિત્રો દ્વારા પ્રસાર. બંગાળ બહાર બહુ ઓછાને ખ્યાલ હશે કે પંકજબાબુનાં મોટા ભાગનાં હિન્દી ફિલ્મી ગીતોમાં રવીન્દ્ર સુરાવલિ ઝંકૃત થતી. રવીન્દ્રનાં ગીતોમાં ઢાળ અને વિષયોનું વૈવિધ્ય તેમજ સંગીતમાં સાહિત્યના – કવિતાના મહિમાનો આદર્શ જ્યારે ત્રીસીમાં ‘ટૉકી’ ફિલ્મ શરૂ થઈ ત્યારે પંકજબાબુને આકર્ષી ગયો. ત્રીસીમાં ‘ટાંકી’ ફિલ્મ એ એક નવું જ માધ્યમ હતું, તેની પાસે કોઈ ચોક્કસ પ્રણાલી નહોતી. પ્રસંગની નાટયાત્મકતાને ઉપકારક સંગીત મૂકવું જરૂરી હતું.

આમાં વળી સમયનું બંધન રહેતું. શાસ્ત્રીય સંગીત સમયવિસ્તાર માગે તેથી તેનું પ્રયોજન કઠતું. આથી શાસ્ત્રીય સંગીત સિવાય કોઈ બીજા પ્રકારના સંગીતની જરૂરત ઊભી થઈ. લોકસંગીતની એક પોતાની મર્યાદા હતી. પંકજબાબુને રવીન્દ્ર-સંગીતમાં આ બધાં જરૂરી અંગો તૈયાર મળી ગયાં. આથી રવીન્દ્રનાં ગીતો અને સંગીત ફિલ્મ માટે બધી રીતે અનુકૂળ અને પ્રેરણાદાયક થઈ પડયાં.

ન્યૂ થિયેટર્સનાં હિન્દી ચલચિત્રોમાં પંકજેબાબુએ પોતે ગાયેલાં તેમ જ અન્ય ગાયકોને ગવડાવેલાં અઢળક ગીતો મૂળ રવીન્દ્ર-ગીતો છે. દિશ જ નહીં પણ કાવ્યાર્થ પણ મૂળ રવીન્દ્રનો, એટલું જ નહીં પણ ન્યૂ થિયેટર્સનાં શરૂ શરૂનાં ચિત્રોમાં પાર્શ્વસંગીત માટેની તરજો.માટે પંકજબાબુ તેમ જ રાયચંદ બોરાલે રવીન્દ્ર-સંગીતનો જ ઉપયોગ કરેલો. આ તો થઈ રવીન્દ્રની મૂળ તરજોના પ્રચાર અને પ્રસારની વાત.

હકીકતમાં રવીન્દ્ર-સૂરોની- ગીતોની અસર પંકજબાબુના જીવન પર એટલી પ્રગાઢ હતી કે તેમની સ્વતંત્ર સ્વરરચનાઓમાં પણ રવીન્દ્રના ધબકારા ઘણીયે વાર સંભળાતા. રવીન્દ્ર-ગાનમાં જે કાંઈ સારરૂપ અને વિશ્વજનીન હતું તે પંકજબાબુએ પારખ્યું, સમજાવ્યું અને આધુનિક શ્રોતાની બુદ્ધિ અને હૃદયને સંતોષ એવા રૂપમાં રજુ કર્યું. વળી, પંકજબાબુની પૂર્વે રવીન્દ્રનાથનાં ગીતો ગવાતાં જ નહોતાં એવું નહોતું. ગવાતાં તો હતો જ; પૂરતા પ્રમાણમાં ગવાતાં હતાં, પણ શાંતિનિકેતન આશ્રમના તપોવનના વાતાવરણમાં બ્રાહ્મમંડળીની આસપાસ જ. એ ગીતો ગાઈને બધાને સુગમ કરી દેવામાં પ્રમુખ નામ આવે પંકજબાબુનું. જે સંગીત પ્રધાનત: દીવાનેખાસ જોડે સંકળાયેલું હતું, તેને પંકજબાબુએ દીવાને-આમમાં લાવી દીધું. આમ, સંગીતના ક્ષેત્રમાં નવા અર્થમાં ગણતંત્રની એમણે પ્રતિષ્ઠા કરી. રવીન્દ્રનાથનાં ગીતો બંગાળની આમજનતાનાં ગીતો બન્યાં, જે દિવસ-રાતના બધા પ્રહરોમાં ફેલાયાં – કયારેક એમના પોતાના તો કયારેક કાનનદેવી અથવા સાયગલના કંઠથી.

એક સંગીતકારે લખ્યુંછે, ‘ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સેન્ટ પૉલનું અવસાન જેટલું  જવાબદાર હતું, શ્રી રામકૃષણ પરમહંસની વાણીના પ્રચાર માટે સ્વામી વિવેકાનંદની જે જરૂરત હતી, એવી રવીન્દ્ર-સંગીતના ક્ષેત્રે આવશ્યકતા હતી પંકજ મલિકની.

પંકજબાબુ શું કેવળ રવીન્દ્ર-સંગીતના સમર્થ ગાયક અને પ્રચારક જ હતા ? શું તેમનામાં સ્વતંત્ર સૂરકાર તરીકેની પ્રતિભા નહોતી ? તેના ઉત્તરમાં મારે એટલું જ કહેવાનું કે રવીન્દ્રના એ જેટલા જબરદસ્ત સેવક અને પ્રચારક હતા તેટલા જ, બલ્કે તેથીયે વિશેષ આધુનિક સંગીતના ઘડવૈયા, સ્વતંત્ર સ્વરનિયોજક અને ગાયક હતા. મૂળે. મને હંમેશાં પંકજભાબુમાં રવીન્દ્ર-સૂરોની ચિરપરિચિતતાનું સમાધાન અને અનુભૂત નવીનતાની ચમકૃતિ બન્ને એકસાથે જણાય છે. તેઓ સ્વતંત્ર અને સમર્થ સ્વરશિલ્પી ન હોત તો ન્યૂ થિયેટર્સમાં એકથી એક અણમોલ ગીતો કદી કે સાયગલને કંઠે ગવડાવેલાં છે એ ગીતો મળત ? અનેક ગીતોનું સ્વરશિલ્પ યાદ કરો. એક સ્વતંત્ર અને સમર્થ સ્વીકારની પ્રતિભા તેમનામાં ન હોત તો આવાં ચિરરમરાણીય ગીતો આપણને મળત ખરાં ? ‘કિસને યે સબ ખેલ રચાયા’, ‘કરું ક્યા  આશ નિરાશ ભઈ’, ‘દુનિયા રંગ રંગીલી બાબા’, ‘સો જા રાજકુમારી’, ‘દોનૈના  મતવાલે’, એય કાતિબે તકદિર’, તેમ જ પોતે ગાયેલા ‘પિયામિલન કો જાના’, ‘યે કૌન આજ આયા’, ‘મદભરી’, ‘કૌન દેશ હૈ જાના બાબુ કૌન હે જાના” . . . અને એવાં અનેક ગીતો શું સ્વતંત્ર સ્વરકારની ગવાહી નથી દેતાં ?

સૌંદર્યબોધની ચરમ સીમાએ પહોંચેલાં અને કયારેક તો તેની પેલે પાર પહોંચતાં અમરત્વને પામેલાં આ કાલાતીત ગીતો જે ન્યૂ થિયેટર્સના.કલાતીર્થમાંથી ઊઠયાં તેનું કારણ કદાચ યુગપ્રવાહ હતો. જીવનને સુવાસમય, સૌંદર્યમય અને આનંદમય બનાવવું એ જ કવિનો, સાચો કલાકારનો ધર્મછે એ વાત પંકજબાબુ રવીન્દ્રમાંથી જ પ્રેરણા પામ્યા હતા. તેથી જ તેમના.જીવન અને સંગીતમાં મને હંમેશ સર્વત્ર આર્યભાવના જ દેખાઈ છે.

અને એમનો કંઠ! જાણે સંસ્કૃતિનો બુલંદ અવાજ બોલી ના રહ્યો હોય !સંગીતની પરિભાષામાં કહું તો પંકજબાબુ સંસ્કૃતિ-સપ્તક હતા. જે પ્રમાણે બીજમાંથી અંકુર, તેમાંથી પાંદડું અને પછી ફૂલ અને ફળ આપોઆપ પ્રગટ થતાં રહે તેમ જીવનમાં સરળ રહીએ અને માંગલ્ય ઉપર નિષ્ઠા રાખીએ તો જીવનમાં બધી ઉપલબ્ધિ ઉત્તરોત્તર થતી જ રહે છે. દાદાની જીવનસાધનાનો ઉદ્દેશ સુંદરની ઉપાસના સાથે માંગલ્ય રહ્યો છે અને આમાં રવીન્દ્ર-સંસ્કારની પકડ મને ઘણી ઊંડી જણાયેલી છે. નહીં તોજીવનના શરૂના કાળમાં ન્યૂ થિયેટર્સમાં રાયચંદ બોરાલના હસ્તે થયેલ ઘોર અન્યાય, રવીન્દ્રનાથના અવસાન બાદ સંકુચિત માનસ ધરાવતા વિશ્વભારતીના સંચાલકો દ્વારા થયેલી તેમની સરિયામ અવહેલના, કે પચાસ વર્ષ સુધી મન ભરી ભરીને જેણે ઉચ્ચ પાથેયનાં ગીતો સજી આકાશવાણી પર વિક્રમ સર્યો તે જ આકાશવાણીએ તેમને ચાલુ કાર્યક્રમે રેડિયોઘરથી ઉતારી દીધા  – શું આ બધાનો તેઓ પ્રતિકાર ન કરી શકત ? પણ પ્રતિકારને બદલે શાંતિથી મનને ઝાઝું ક્ષુબ્ધ કર્યા વિના, બધુંય ગળી જવું એય શું ઓછો પુરુષાર્થ છે? જ્યારે પૈસાના આકર્ષણે એક પછીએક કલાકારો માતૃસંસ્થા ન્યૂ થિયેટર્સને છેહ દઈ મુંબઈ ચાલ્યા ગયા ત્યારે જીવનપર્યત નિષ્ઠાથી સંસ્થાને વળગી રહેવાનું દૃઢ મનોબળ પંકળજબાબુએ કયાંથી કેળવ્યું ? સમકાલીન સાયગલે સુરામાં ચકચૂર રહી અકાળે જિંદગી ગુમાવી ત્યારે આ મહાગાયકે વ્યસનથી પર રહી પોતાની ગાયકી સાયગલને કંઠે વહાવી ! એક અપ્રતિમ ગાયક પોતાના જેટલા પ્રસિદ્ધ સમવયસ્ક કલાકારને મન મૂકીને લાજવાબ સ્વરબંદિશો આપે ! આ બધા માટે વિશાળ હૃદય અને સંસ્કારો જોઈએ. દાદામાં આ બધી આર્યભાવનાનું પ્રાકટય રવીન્દ્ર-સંસ્કારને લીધે થયેલું એવું મારું દૃઢ રીતે માનવું છે.

પ્રાંતીય  સીમાડા વટાવી ઉજજવળ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર, ગીત-સંગીતનાં આરૂઢ અને સમર્થ જ્ઞાનષિ, જન્મ ગાયક, વિલક્ષણ સંગીત-દિર્ગ્દર્શક પંકજ મલિકનું સાંગીતિક મૂલ્યાંકન કરવું ઘણું કઠિન છે. પંકજબાબુ ની પ્રતિભા બહુમુખી અને પ્રદાન ઘણું વિશાળ. અને તે છતાં તેમના ગીત ને મૂલવવાનો ખાસ પ્રયત્ન થયો નથી. ઊલટાનું વિશ્વભારતી તેમજ અન્ય સ્થળે  તો તેમની સરિયામ અવહેલના થઈ છે. ખેર.

પંકજબાબુના સંગીતનું સૌ પ્રથમ ધ્યાન ખેંચે તેવું આગવું પાસું છે તે એમનો મુક્ત મધુર ગંભીર કંઠ. ખુબ જ થોડા કલાકારો એમના જેવા અદભુત કંઠના અધિકારી થઇ શક્યા  છે. અઢી -પોણા ત્રણ સપ્તક સુધી, નીચેના મંદ્રથી ઉપરના તાર – અતીતાર સુધી પાણીના રેલાની જેમ વહી જતો તેમનો અવાજ અનન્ય હતો. તેમના અવાજ જેવું અવાજમાં પૌરુષેય ભારતીય સંગીતમાં શોધવું મુશ્કેલ છે.  તાર સપ્તક પંકજબાબુના અવાજ માંથી સૂર માધુર્ય બુલંદી પર પહોંચતું.  પંકજબાબુના  અવાજમાં “ક્વોલિટી” એક સરખી રહેતી. “સોજા રાજ કુમારી સોજા”  વગેરે સાયગલનાં  ગીતોમાં એક પ્રકારની રૂમાની મધુરિમા છવાઈ જતી. સંભવતઃ  પંકજબાબુનું લક્ષ્ય તે બાજુ હતું જ નહિ. કૃષ્ણાભિસારિકાનું ગીત “પિયા મિલન કો  જાના”, સાયગલનાં કંઠે છવાયેલા રૂમાનીપણાને હટાવી,  પંકજબાબુએ એક જુદા જ રસમાં બાંધી ગાયું. “યે રાતેં યે  મૌસમ યે હંસના  હસાના”માં સ્વરને એવા મુકામે લાવી ખડો કરી દીધો કે જ્યાં ‘તુમ્હારા મેરે સાથ યહ ગુનગુનાના’ પંક્તિમાં શ્રોતાનું મન પણ.સાથે ગણગણવા મંડી જાય છે ! સ્વરક્ષેપણ, ઉચ્ચારણ, સ્વરના અલંકાર-વર્જન, કંઠમાં કંપમાન, ધ્વનિ-વ્યવહાર વગેરે લક્ષણો પંકજબાબુમાં વિશિષ્ટ હતાં. ભાવાવેગ, બલિષ્ઠતાના પ્રકાશ સાથે સુચારુતા એ એમના કંઠનાં ધ્યાન ખેંચે તેવાં લક્ષણ હતાં.

પ્રસિદ્ધ સંગીતસમીક્ષક રાજેશ્વર મિત્ર એક જગ્યાએ લખે છે.,શું ‘કેવળ અદ્‍ભૂત અવાજ જ પંકજબાબુને આટલી મહાન ખ્યાતિને શિખરે પ્રતિષ્ઠિત ના કરી શક્યો હોત, જે તેની સાથોસાથ જ તેમની છે અસાધારણ સૌંદર્યચેતના, પરિશીલિત રુચિ અને સુગંભીર ‘ડિગ્નિટી” અને મેં ‘ઇન્ટિગ્રિટી’ ના હોત. આખું જીવન એમણે વ્યાવસાયિક કળા અને કળાકારો સાથે વિતાવ્યું. પરંતુ તેના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા ન હતા. ઊલટું તેમણે તેમાં વિશુદ્ધ વિદ્વત્તા અને પ્રણાલિકા નિયંત્રિત રુચિબોધ વિકસાવ્યાં હતાં. કૉમશિયલ આર્ટ પણ તેમને મન તો આર્ટ જ હતી,

એટલે ત્યાં પણ એમણે સર્જકનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. લોકરુચિના  શિકાર થઈ પડવાનું તેમના વ્યક્તિત્વમાં જ ન હતું. તે છતાં ‘જે લગનેજનમ અમાર’, “આકાશે ચાંદ છિલો, આકાશે ચાંદ છિલો રે’, તિતલિ,યે તિતલિ’ કે ‘ચલે પવન કી ચાલ’ સાંભળીએ તો તેના ‘લિલ્ટ’થી મન પુલકિત થઈ જાય છે. કલાકાર જ છે સાર્થકતા, કેમ કે અતિ-સાધારણ લોકચિત્તને માટે તેમણે રજૂઆત કરી તે છતાં એક પ્રકારનો લોકોત્તર અનુભવ કરાવે. અને આ જ છે અભિનવ કળાને ક્ષેત્રે પ્રતિભાનું પોતાનું અનુદાન.’એક સંધ્યાની સ્મૃતિ તાજી થાય છે.

૩૧ ડિસેમ્બર, ૧૯૬૦. રવીન્દ્ર- શતાબ્દી વર્ષની આગલી સાંજે તેમની એક રેકર્ડ મને અને નિરુને હસ્તાક્ષર કરી આપ્યા બાદ પોતાના ઘરે ઑર્ગન પર તેમણે ‘નમો રવીન્દ્ર-નાથાય’નો શ્લોક ગાયો. પછી રવીન્દ્રનું ‘ઓગો સ્વપ્ન સ્વરૂપિણી’ ગીત ગાયું. પંકજબાબુનો કંઠ ઑર્ગન પર અનુપમ મધુરતાથી ખીતી ઊઠતો.તે સંધ્યાએ પણ મેં એમના કંઠમાં અપૂર્વ રીતે ખીલી ઊઠતું મેલૉડીનું સ્વરૂપ અનુભવેલું. આ પ્રકારની મેલૉડીમાં પંકજબાબુ અદ્વિતીય હતા.

આ થઈ ગાયક પંકજકુમારની વાત. હવે સ્વરનિયોજક તરીકે પંકજબાબુની વિશિષ્ટતા તપાસીશું. ચારે તૂકનું ગીત અથવા ધ્રુપદ-પરંપરાનું ગાન એ હિન્દુસ્તાની સંગીતની પ્રચલિત રીતિ છે. રવીન્દ્રનાથે બંગાળીમાં ચાર તૂકના ગીતનું પ્રવર્તન એમની સંગીત-સૃષ્ટિના માધ્યમ દ્વારા કરેલું. ધ્રુપદ-પદ્ધતિના ગાયનમાં એ ચાર તૂકના વિભાગ છે સ્થાયી, અંતરા, સંચારી અને આભોગ. કવિગુરુએ એમના ગીતમાં આ પરંપરાગત સંગીતરીતિનો પ્રયોગ કરીને બંગાળી કાવ્ય સંગીતને અભૂતપૂર્વ સૌષ્ઠવ સમર્પ્યુ .

પંકજબાબુના સમકાલીન હિન્દી તેમ જ ઉર્દૂ સંગીતમાં ચાર તૂકના આંગિક  ઉપયોગ થતો નહોતો. ગીતના સૌષ્ઠવ-સાધનને માટે ચાર તૂકના આંગિક  લંઘન અનિવાર્ય છે એમ પંકજબાબુ રવીન્દ્ર સંગીતના પરિચયમાં આવતાં માનતા થયેલા અને એને પરિણામે હિન્દી ફિલ્મના ગીતમાં એ રીતનો સર્વ પ્રથમ પરિચય પંકજબાબુએ કરાવેલો. પંકજબાબુમાંથી પ્રેરણા લઇ ને આ પદ્ધતિનો ઉપયોગ હિન્દી ફિલ્મી ગીતોમાં બીજા બધા સ્વરનિયોજકોએ ત્યાર બાદ શરૂ કર્યો. પંકજબાબુ એ રીતે હિન્દી ફિલ્મી ગીતમાં ચાર તૂક અને તેના આદ્ય પુરસ્કર્તા હતા. જે લિરિકને તેઓ સૂરે શણગારતા તેને તેઓ પોતાના મનોભાવની સાથે તલ્લીનતા પૂર્વક સમન્વિત કરી લેતા. આ પ્રકારનો સમન્વય, ખાસ કરીને મેલૉડી પર આધાર રાખે છે. તેનો, ઉદ્દભવ પણ સ્વરકારના નિજી સંગીત-ચિંતનમાંથી જ થાય છે.

સંગીત વિશેષજ્ઞ શ્રી રાજેશ્વર મિત્રા લખે છે કે “પંકજબાબુ નું સંગીત સૌન્દર્ય આપણને આકર્ષે છે તે મેલૉડીનું અતિ કોમળ, મર્મસ્પણી સંચરણ- એ જ તેમના કંઠના સંયમિત વેદનાલુપ્ત ઉચ્છવાસથી એક પ્રકારના કરૂણરસને પ્રગાઢરૂપે પ્રસારિત કરી દે છે. તેમની મોટા ભાગે ની તરજમાં તાનનો પ્રયોગ સ્વલ્પ છે, જરા પણ કૃત્રિમ પ્રયોજન નહીં – માત્ર કેટલીક મીંડ અને સૂરોના લાલાયિત  વિકારસથી જ તેઓ અપૂર્વ રસસૃષ્ટિ કરતા. છંદ પણ તેમની રચનાઓમાં વિશિષ્ટ સ્થાન પામ્યા છે, પરંતુ એ છંદ મુળ ઉપાદાન સૂર અથવા મેલૉડીનો આશ્રય લેતા હોય છે. આ  બાબત માં તેઓ અત્યંન્ત ઓરિજિનલ હતા.”

પંકજબાબુને પાશ્ચાત્ય સંગીતની પણ સારી સમજ હતી. બીજા વિશ્વયુદ્ધ વેળા કલકત્તાની એક જાણીતી હોટેલમાં પાશ્ચાત્ય સંગીતવિદ્ કાસનોવા ઑર્કેસ્ટ્રા સંચાલન કરતા. પંકજબાબુએ ગુરુદેવનાં ગીતો‘પ્રાન ચાહે ચક્ષુ ન ચાહે’નું હિન્દીકરણ કરી ‘પ્રાણ ચાહે નૈન ન ચાહે’ તેમ જ ‘જિસે મેરી થાદ ન આયે’ ગીતો કાસનોવાના ઑર્કેસ્ટ્રા માં  ‘એરેન્જમેન્ટ’ કરી હાર્મનીમાં વાગતાં વાદ્યવૃન્દ જોડે ગાઈ રેકર્ડ કરાવેલાં. કાસનોવા એ યુરોપી ઑર્કેસ્ટ્રાનો સંચાલક. એણે ઑર્કેસ્ટ્રાનું વાદ્ય સંગીત આપેલું, ને રવીન્દ્રનાથનાં બંગાળી ગીતોના હિન્દી અનુવાદ પંકજબાબુએ ગાયેલા. એમાંના એક ગીત ‘પ્રાણ ચાય, ચક્ષુ ન ચાયુ’ .એ ગીતનો અર્થ પેલો વાદક પંકજબાબુને પૂછયા કરે. પણ પંકજબાબુના અનેક પ્રયત્નો છતાં પણ પેલો સમજે નહીં. એક વાર એવું બન્યું કેપંકજબાબુ તથા કાસનોવા એક ટ્રામમાં ચડયા. એમની પાછળ એક રૂપવતી યુરોપીય સ્ત્રી બેઠેલી. પંકજબાબુ એને જોઈ શકે, પણ કાસનોવાને જેવું હોય તો મોટું આખું વાળવું પડે તેમ હતું. પંકજબાબુ એની મૂંઝવણ સમજ્યા ને કહ્યું, ‘ડોકું ધુમાવીને જોઈ લો ને.’ ‘અભદ્ર લાગે.’પેલાએ કહ્યું. એટલે તરત જ પંકજબાબુ બોલ્યા, ‘આ જ વાત. ‘પ્રાણ ચાય ચક્ષુ ન ચાય’ ગીત દ્વારા રવીન્દ્રનાથ કહેવા માગે છે.” પેલાને અર્થ બરાબર સમજાયો ને એણે કહ્યું, ‘હવે મારા મનમાં ગીતનો અર્થ બહુ જ સ્પષ્ટ થયો છે.’ ગીતના અર્થને સમજી સ્વર બાંધવા કે ગાવા માટે પંકજબાબુ કેટલી ચીવટ રાખતા તેનું આ ઉદાહરણ છે.

ફિલ્મ ‘દુશ્મન’ માં સાયગલનું ‘મદદ કરો’, ‘મેરી બહન’ માં ‘જલ જાને દો’ અને ‘ડૉકટર’ માં ‘ચલે પવન કી ચાલ’ માં પશ્ચિમની ધૂન તેમજ ‘રીધમ’નો પંકજબાબુએ સફળ વિનિયોગ કર્યો છે.

( ક્રમશ:)

(નોંધ ગુજરાતી માં  “ગુઝર ગયા વો ઝમાના”  ૧૯૮૧ માં પુસ્તક રૂપે પ્રકાશિત થયું. પ્રકાશક: પંકજ મલિક મ્યુઝિક રીસર્ચ ફાઉન્ડેશન, આ પુસ્તકમાં  મહાન સંગીતકાર દાદા સાહેબ ફાળકે, પદ્મશ્રી સાથે અનેક પુરસ્કારથી સન્માનિત  પદ્મ પુરસ્કારથી નવાજિત શ્રી  પંકજ મલિકની સંગીતમય જીવન કથા  આલેખવામાં  આવી છે. લેખકો છે શ્રીમતી નિરુપમા શેઠ અને શ્રી અજિત શેઠ. આ અપ્રાપ્ય પુસ્તક ખોળી કાઢી તેમાંથી જરૂરી પાના ની નકલ કરી અને મોકલી આપવા માટે “લોકભારતી” સણોસરાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી, અને ભાવનગરના પ્રાધ્યાપક શ્રી વિક્રમભાઈ મુ. ભટ્ટ નો હૃદયપૂર્વક આભાર માનું છું.}

+                                     +                              +                           +

प्राण चाहे नैन न चाहे
अरे तुँ क्यूँ यूँ  शरमाए II”

સ્પૅનિશ સંગીતકાર  ફ્રાન્સિસ્કો કાસાનૉવા અને કલકત્તા ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા નું સંગીત.

આ ગીત મૂળ શ્રી રવીન્દ્ર નાથ ટાગોરે લખેલા અને ગુરુદેવે પોતેજ સ્વરબદ્ધ કરેલા બંગાળી ગીત,  “પ્રાણ ચાહે ચોખુ ન જાય” ઉપરથી હિન્દીમાં લખાયું.

પહેલાં સાંભળીયે શ્રી ટાગોર ની રચના શ્રી આરતી મુખોપાધ્યાય  ના કંઠે:

હવે સાંભળીયે પંડિત ભૂષણ ની હિન્દી રચના:

“प्राण चाहे नैन न चाहे”

ગીત, “याद आयी की  न आयी तुम्हारी” ગુરુદેવ ટાગોરની રચના, “मोने रोबे की न रोबे” ઉપર આધારિત હતું. આવા બીજાં બે ગીતો હતાં “जिसे मेरी याद न आये” અને “जब चाँद मेरा निकला” – આ ગીતો નાં મૂળ માં રવીન્દ્ર સંગીત હતું.

याद आए के ना आए तुम्हारी
मैं तुमको भूल ना जाऊँ

પંડિત ભૂષણ ની રચના,

શ્રી સુબોધ ઘોષની નવલકથા ઉપરથી શ્રી બિમલ રૉયે સન ૧૯૪૮ માં ન્યુ થીયેટર્સ માટે એક ફિલ્મ બનાવી “અંજનગઢ”. કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોનું માલિકો દ્વારા શોષણ. અને અન્યાય  સામે બળવાની વાત,  પટકથા બિમલ રોય અને સંવાદ સુબોધ ઘોષના લખેલા હતા. આ ફિલ્મમાં પંકજ મલિક ના ગાયેલાં ગીતો લોકપ્રિય થયેલાં.

ઐ ઝુલ્મ કી ઝંજીર સે જકડે હુવે કૈદી….તું ડરના જરા ભી

સંસાર કે આધાર દયા હમ પે દિખાવો” – પંકજ મલિક અને ઉત્પલા સેન

શ્રી પંકજ મલિકના અવાજ માં ગઝલ: શાયર શ્રી કૈફી આઝમી, શ્રી હેમંત કુમારની સંગીત રચના અને શ્રી પંકજ મલિકનો અવાજ:

पिया बीन निश दिन रोऊँ सहेली

સંગીતકાર શ્રી તિમિર બરન, ગીતકાર આરઝૂ લખનવી, ગાયક પંકજ મલિક,  1938 માં બનેલી ફિલ્મ “અધિકાર”

“बरखा की रात आई मनवा
कर ले मन की बात ll”

“प्रेम बेल में फूल न पत्ते ना फल, ना फल इसमें आये
फिर भी मन कितना मुरख है…..प्रीतम पर मर जाये I
प्रेम बेल में फूल न पत्ते II

“आशा ने जब खेल रचाया , तनमन में आग लगाई
सुख का संसार जलाया, आशा ने जब खेल रचाया II

“एक दिन पहले भी आया था …आया था यहीं  तूफान
जागकर जब से गए थे …सो गए थे मेरे अरमान
आज फिर छेड़े हैं कीसने …दिल की ख़ामोशी के तार
कौन करता है किसीका इंतज़ार
इंतज़ार II”

કવિ શ્રી વ્રજેન્દ્ર ગૌડની રચના, ગાયક અને સંગીતકાર શ્રી પંકજ મલિક

ફિલ્મ “મુક્તિ”નું આ ગીત મારી બા ને બહુ ગમતું. શબ્દો સમજાય તેવા અને સરળ. ફળીયામાં બાપુજી ખુરશી માં બેઠા છાપું વાંચતા હોય, અને બા ચાનો કપ લઇ બાજુના હીંચકે બેસે. અને ધીમેથી ગણગણે:

“कौन देश  है जाना, बाबू कौन देश है जाना
खड़े खड़े क्या सोच रहा है
हुआ कहाँ से आना ll“

“બાબુભાઇ” મારા બાપુજી નું નામ હતું.

“है प्यार दुःख का हार
पंछी ना कर इतना प्यार ll”

ગીતકાર પંડિત ભૂષણ અને ગાયક પંકજ મલિક

સાલ ૧૯૩૭: ગીતકાર અસગર હુસૈન “શોર”, સંગીતકાર રાયચંદ બોરાલ અને ગાયક પંકજ મલિક.  ફિલ્મ “મંઝિલ”

ભાવનગરમાં યુવાનો નું એક મંડળ ચાલતું “યંગક્લબ”  રમત ગમત, સ્કાઉટીંગ સાથે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિ માં કાર્યરત હતું. તે પૈકી ને એક ‘વાર્ષિક  કાર્યક્રમનું આયોજન’, તેમાં નાટકો,સંગીત, નૃત્ય માઇમ વગેરે રજુ થતું અને તે યુવાનોનાં કુટુંબીજનો ભેગા બેસી માણતા. ૧૯૩૮  ના પ્રોગ્રામ માં શ્રી હરેનભાઈ ભટ્ટ નું વાજાપેટી સાથે ગાયન, શ્રી જગદીપભાઇ વિરાણી ની તબલા સંગત પર અને ગીત હતું “સુંદર નારી પ્રીતમ પ્યારી”

આ પોતાની યુવાનીની વાત કરતા વડીલો પાસેથી સાંભળેલી વાત છે.

શ્રી પંકજ મલિકની સંગીતમય દુનિયા ને આલેખતી લેખમાળાનો આ બીજો મણકો છે.  હવે પછી પ્રગટ થનાર ત્રીજા, અને અંતિમ, મણકામાં પંકજ મલિકનાં ભક્તિ સંગીતનો આનંદ માણીશું.. આપ બધાનાં સહકાર અને સપ્રેમ પ્રતિભાવ બદલ આભાર.


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.