થાનના સિરામિક ઉદ્યોગોના કામદારોની આપદા

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

પીપલ્સ ટ્રેનિંગ અને રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (પીટીઆરસી0 ,  વડોદરા એ થાનના સિરામીક કામદારોને સામાજીક સુરક્ષાના લાભ મળે છે કે કેમ તે જાણવા એક અભ્યાસ કર્યો. ખાસ કરીને ઇએસઆઇ અને પીએફ એ બે કાયદા અગત્યના છે.

ઇએસઆઇનો કાયદો નોટીફાઇડ વિસ્તારમાં આવેલા ઉત્પાદન, દુકાન અને ઓફિસ, સીનેમાઘર વગેરે ક્ષેત્રોના ૧૦થી વધુ કામદારોને કામે રાખતા હોય તેવા એકમોને લાગુ પડે છે. આ એકમોમાં કામ કરતા અને ૨૧ હજાર કે તેથી ઓછો પગાર ધરાવનાર તમામ કામદારોને લાગુ પડે છે. કામદારોના પગારમાંથી ૧% અને માલિકના ફાળા પેટે પગારના ૪% જેટલો ફાળો કામદાર રાજય વીમા નિગમમાં જમા કરાવવાના હોય છે. કાનુની જોગવાઇ છતાં માલિકો કામદારોનો અને પોતાનો ફાળો નિગમમાં ભરતા નથી અને કામદારોને કાયદા નીચે મળવાપાત્ર ઓળખકાર્ડ અપાવતા નથી તેથી કામદારો કાયદાના લાભોથી વંચિત રહેતા હોય છે. આ કાયદામાં કામદારની વ્યાખ્યા વિસ્તૃત છે. કામ સંબંધે વેતનથી જેને કામે રખાયા હોય તે તમામ કામદાર ગણાય. વળી, કોન્ટ્રાકટના કામદારોને પણ કાયદો લાગુ પડે છે. એ જ રીતે ફેકટરીની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. છેલ્લા ૧૨ મહિનામાં કોઇપણ એક દિવસ જો દસ કે તેથી વધુ કામદારોને કામે રાખ્યા હોય તે એકમને કાયદો લાગુ પડી જાય અને કાયદો લાગુ પડયા પછી જો કામદારોની સંખ્યા ઓછી થાય તો પણ કાયદાનો અમલ ચાલુ રહે છે. આ બધીં વ્યાખ્યાઓને વાંચતાં થાનના સિરામીક એકમોને કાયદો લાગુ પડે છે. ૨૩/૦૩/૧૯૮૮ને રોજ થાનને કાયદો લાગુ કરતું જાહેરનામું પ્રગટ કરવામાં આવ્યું હતું જેની નકલ સંસ્થાએ કારાવી નિગમ સમક્ષ માહિતી અધિકાર કાયદા હેઠળ મેળવી લીધી હતી. આ જાહેરનામા મુજબ થાન, અમરાપર, જામવાડીના રેવન્યુ વિસ્તારો અને પંચાયત કે નગરપાલિકા વિસ્તારોને સદર કાયદો લાગુ પડે છે.

પીએફનો કાયદો ૨૦ કે તેથી વધુ કામદારોને કામે રખાતા હોય તેવા એકમોને લાગુ પડે છે.
વેતન ચૂકવણી ધારામાં પગાર પાવતી આપવાની જોગવાઇ છે. પગાર પાવતીમાં કારખાનાનું નામ, સરનામું, પગાર કયા મહિનાનો છે તેની વિગત, કેટલો પગાર ચુકવાયો તેની વિગત, કામદારે કેટલા દિવસ કામ કર્યું,  કેટલા દિવસની ભરપગારી કે વગર પગારની રજા લીધી, ઇએસઆઇ અને પીએફના ફાળા પેટે કેટલી રકમ કપાઇ, લોન લીધી હોય તેના હપ્તા કપાયા હોય કે સહકારી મંડળીના બીજા કોઇ ચૂકવણા હોય કે કેન્ટીનની કુપન  ખરીદી હોય તો તેની જે રકમ કપાઇ હોય, દંડ પેટે કોઇ રકમ કપાઇ હોય તો તે બધી વિગત હોય છે. કામદાર માટે આ એક બહુ મહત્ત્વનો દસ્તાવેજ ગણાય.
૧૯૧૩માં થાનગઢથી પસાર થતા એક પારસી સજ્જને દેશી ચલમ જોઇ અને તે પરથી ત્યાં નળિયાના ઉત્પાદનનું કામ શરૂ કર્યું તે વાતને ૧૦૮ વર્ષ થયાં. તે પછી ૧૯૩૪માં પરશુરામ ગણપુલેએ નળિયાનું કારખાનું હસ્તગત કર્યું અને તેમણે સિરામીક નિષ્ણાતોને નોતરી આ ઉદ્યોગના વિકાસનું કામ કર્યું. આજે ૨૨૫—૨૫૦ જેટલા એકમો છે જેમાં ૨૦—૨૫,૦૦૦ કામ કરતા હોવાનો અંદાજ છે જે સેનિટરી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. સિરામીકમાં સિલિકાની રજના સંપર્કમાં આવવાને કારણે કામદારોને માથે સીલીકોસીસ નામના ફેફસાંના જીવલેણ રોગનો ભોગ બનવાનું જોખમ હોય છે તે ઉપરાંત સીસું પણ વપરાય છે તેથી સીસાની ઝેરી અસરનું જોખમ પણ હોય છે. સીલીકોસીસને કારણે કામદારને પુરતો પ્રાણવાયુ મળે નહી તેથી નબળાઇ આવે, ચલાય નહી, શ્વાસ ચડે અને કામ કરી શકે નહી. કામ છૂટી ગયા પછી આવક બંધ થાય અને સારવારનો ખર્ચ ચાલુ થાય. તેવા સમયે સામાજીક સુરક્ષા ન હોવાને કારણે કામદારો લાચાર બને, દેવામાં ડુબે અને ગરીબીમાં ધકેલાય.

અહીં મોટાભાગના કામદારોને માસિક પગાર નહી પણ નંગદીઠ મજુરી ચુકવાય છે. ઉધ્ધડ કે ઉચ્ચક કામનો સોદો થાય એટલે કારખાનું માલિકનું, કાચો માલ માલિકનો, પાકો માલ માલિકનો, નફો માલિકનો પણ મજૂર એકલો જ માલિકનો નહી તે સ્થિતિ છે! કેટલાક કામદાર પોતાને કોન્ટ્રાકટ કામદાર કહેવડાવે પણ કોન્ટ્રાકટ વર્કર (રેગ્યુલેશન એન્ડ એબોલીશન) એકટ, ૧૯૭૦ની જોગવાઇ મુજબ કોઇ કોન્ટ્રાકટરે લાઇસન્સ લીધું ન હોય. કેટલાક કામદાર પોતે કરેલા સોદા મુજબનું ઉત્પાદનનું કામ પતાવવા પોતાના કામદાર રોકે અને તેને પોતે પગાર ચૂકવે તેવું પણ જાણવા મળ્યું!

માહિતી અધિકાર કાયદા હેઠળ સંસ્થાએ કરેલી અરજીના જવાબમાં ૨૧/૦૮/૧૯ના રોજ અપાયેલા જવાબમાં અમને જણાવાયું કે વાંકાનેર અને થાનમાં થઇ ૩૧/૦૩/૧૮ના રોજ એમને ચોપડે ૬,૩૪૭ કામદારો નોંધાયા હતા. ત્રીસેક હાજર સામે માત્ર આટલા કામદારોને જ કાયદાનો લાભ મળે છે. થાનમાં કામદારોનું કોઇ સક્રિય સંગઠન નથી. પગાર અને કામની શરતો માટે કોઇ કરાર કામદારો અને માલિક વચ્ચે થતા નથી.

અમારા અભ્યાસમાં થાનના ૮૦૦ પુરુષ અને ૨૦૦ મહિલા થઇ કુલ ૧૦૦૦ કામદારો સામેલ થયા.માર્ચથી જુલાઇ, ૨૧ દરમિયાન કામદારોને મળીને આ અભ્યાસ કરવામાં આવ્યો. કામદારોને ઇએસઆઇ કાયદો અને તેના લાભ વિષે પૂરતી માહિતી ન હોય તેમ માની અમે એવી માહિતી આપતી એક પત્રિકા પ્રગટ કરી અને પહેલાં કામદારને એ આપી, સમજાવીને પછી તૈયાર કરેલ પ્રશ્નોત્તરી મુજબ સવાલજવાબ કરી માહિતી મેળવી. અભ્યાસની એક મર્યાદા એ રહી કે અમે એમને એ સવાલ પૂછયો નહી કે એ પોતે કોના કામદાર છે. એમને નંગદીઠ મજૂરી ચુકવાય છે કે માસિક પગાર ચૂકવાય છે એ પણ અમે પુછયું નહી.

અમારા અભ્યાસમાં જોડાયેલા ૧૦૦૦ કામદાર ૨૦૮ એકમોના હતા.તે પૈકી ૬૧ એકમના એક એક કામદારે અભ્યાસમાં ભાગ લીધો. ૪૧ એકમના બે બે કામદારોએ, ૨૮ એકમના ત્રણ ત્રણ કામદારોએ, ૧૯ એકમના ચાર ચાર કામદારોએ ભાગ લીધો. એક જ એકમના ૩૫,૩૯,૪૫ કામદારોએ ભાગ લીધો હોય તેવું પણ બન્યું.

ગ્રાફ—૧

ઉંમરઃ

૧૦૦૦ પૈકી ૭૧૫ કામદારો ૪૦ વર્ષથી નાના હતા. ૧૮થી ઓછી ઉંમરનું કોઇ ન હતું. ૨૭૭ કામદારો ૪૧-૬૦ વય જૂથના હતા અને ૬૦થી મોટી ઉંમરના માત્ર ૮ હતા.

ગ્રાફ—૨

ઇએસઆઇ હેઠળ આવરી લેવાયા છો?

અમે કામદારોને ઇએસઆઇ ઓળખ કાર્ડ નંબર આપવા વિનંતી કરી. તેના જવાબમાં જેમણે અમને નંબર જણાવ્યા તેમને આ કાયદા હેઠળ આવરી લેવાયા છે તેમ અમે સમજયા. અમને માત્ર ૧૨ પુરુષ અને ૪ મહિલા કામદારોએ નંબર જણાવ્યા એટલે કે ૧૦૦૦ પૈકી માત્ર ૧૬ કામદારોને સદર કાયદા હેઠળ આવરી લેવાયા છે. આ ૧૬ કામદાર ૮ એકમોમાં કામ કરતા હતા. તે પૈકી ૧૨ કામદાર ૯૦૦૦ કે તેથી ઓછું અને ૪ કામદાર ૯૦૦૦થી વધુ પણ ૧૬૦૦૦થી ઓછું કમાતા હતા. આ ૧૬ પૈકી ૧૫ને તો પીએફ કાયદાનો પણ લાભ મળતો હતો.

કોઠો—૧

પુરુષો સ્ત્રીઓ કુલ ટકાવારી (%)
ઇએસઆઇ હેઠળ આવરી લેવાયેલ ૧૨ (૧.૫%) ૪(૨%) ૧૬ ૧.૬
ઇએસઆઇ હેઠળ ન આવરી લેવાયેલ ૭૮૮ (૯૮.૫%) ૧૯૬ (૯૮%) ૯૮૪ ૯૮.૪
કુલ ૮૦૦ ૨૦૦ ૧૦૦૦ ૧૦૦

ગ્રાફ—૩

ઇએસઆઇ કાયદાનો અમલ કરતા એકમોઃ

આ આઠ એકમો પૈકી માત્ર એક જ એકમ હતું જે આ અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા તમામ કામદારોને કાયદાનો લાભ આપતું હતું બાકીના સાત એકમો કાયદાનો આંશિક અમલ કરતા હોવાનું જણાયું. ૨૭ કામદારોને પીએફ કાયદાનો લાભ મળતો હતો તેમાંથી ૧૫ એવા હતા જેમને બંને કાયદાનો લાભ મળતો હતો.

કોઠો— ૨

ઈએસઆઇ કાયદાનો અંશતઃ અમલ કરતાં એકમો ૩.૮૪%
ઈએસઆઇ કાયદાનો  અમલ ન કરતાં એકમો ૨૦૦ ૯૬.૧૫%
કુલ ૨૦૮ ૧૦૦

ગ્રાફ—૪

ભેદભાવઃ

એકમો પોતાના કામદારો વચ્ચે ભેદભાવ કરતા હોય તેમ જણાય છે. ૮ એકમના ૧૭૧ કામદારોએ આ અભ્યાસમાં ભાગ લીધો તે પૈકી માત્ર ૧૬ કામદારોએ પોતાને ઇએસઆઇનો લાભ મળતો હોવાનું જણાવ્યું છે, બાકીના ૧૫૫ કામદારોને લાભ મળતો ન હોવાનું જણાવ્યું. આમ આ એકમો પોતાના કામદારો વચ્ચે ભેદભાવ કરે છે તેમ જણાય છે.

વેતનઃ

તમામ કામદાર એવા હતા જેમનું વેતન રૂ. ૨૧૦૦૦/- કે તેથી ઓછું હતું તેથી તમામ સદર કાયદાનો લાભ મેળવવાને પાત્ર છે તેમ કહી શકાય. આ ૧૦૦૦ કામદારોને સરેરાશ માસિક રૂ. ૯૧૦૧.૫૦ વેતન મળતું હોવાની માહિતી મળી. ૫૭૦ કામદારોને આ સરેરાશ કરતાં ઓછું વેતન મળતું હતું અને ૪૩૦ને તેથી વધુ. ૩ કામદારોએ તો પોતાને માસિક રૂ. ૩૫૦૦/- વેતન મળતું હોવાની માહિતી આપી. ૭૩ કામદારોએ પોતાને  રૂ.૫૦૦૦/- કે તેથી ઓછું વેતન મળતું હોવાનું જણાવ્યું. સિરામીકની ચમકદમક પાછળની આ હકીકત શરમ ઉપજાવે તેવી છે. આ તો લઘુત્તમ વેતન કરતાં પણ ઘણું ઓછું વેતન કહેવાય.

આ અભ્યાસમાં એ પણ જોવા મળ્યું કે પુરૂષ અને મહિલા કામદારોના વેતન વચ્ચે પણ ભેદભાવ જોવા મળે છે. મોટાભાગની મહિલા કામદારો માસીક રૂ.૧૫૦૦૦/- કે તેથી ઓછું કમાય છે. જે ૪૩૦ કામદારો સરેરાશ કરતાં વધુ કમાય છે તેમાં ૪૧૫ પુરૂષ અને માત્ર ૧૫ મહિલા હતા. રૂ ૩૫૦૦-૫૦૦૦ના પગારના જૂથમાં મહિલા કામદારો પુરૂષ કામદારો કરતાં વધુ છે! રૂ. ૧૦-૧૫,૦૦૦ કમાનારાઓમાં પુરૂષનું પ્રમાણ ૨૭% છે જયારે મહિલાઓનું પ્રમાણ માત્ર ૨.૫% છે.

કોઠો—૩

માસિક વેતનાવલિ (રૂપિયામાં) પુરુષો સ્ત્રીઓ કુલ
૩૫૦૦-૫૦૦૦ ૩૧ ૪૪ ૭૫
૫૦૦૧- ૮૦૦૦ ૨૭૩ ૧૨૫ ૩૯૮
૮૦૦૧ – ૧૦,૦૦૦ ૨૬૩ ૨૬ ૨૮૯
૧૦,૦૦૧ – ૧૫,૦૦૦ ૨૧૯ ૨૨૪
૧૫,૦૦૧ – ૨૦,૦૦૦ ૧૩ ૧૩
૨૦,૦૦૦ થી વધારે
કુલ ૮૦૦ ૨૦૦ ૧૦૦૦

ગ્રાફ—  ૫

પગાર પાવતીઃ

૧૦૦૦ પૈકી એકપણ કામદારને પગાર પાવતી આપવામાં આવતી નથી. પણ મજૂર વિભાગને આની કોઇ માહિતી નહી હોય. લોલમલોલ ચાલે તે આનું નામ. કાયદા એની જગ્યાએ અને ઉદ્યોગો એની જગ્યાએ.

બીમારીઃ

૬ પુરૂષ અને ૪ મહિલા કામદારોએ ટીબીની સારવાર લીધી હોવાનું જણાવ્યું. સિલિકાની રજના સંપર્કમાં આવનારા કામદારોને માથે ટીબીનું જોખમ હોય છે તે જાણીતી વાત છે. ભારત સરકાર ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદ કરવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક ધરાવે છે ત્યારે એ આંબવું હોય તો કામના સ્થળે સિલિકાના સંપર્કમાં નોંધપાત્ર ઘટાડો કરવો પડશે.

૪૨ વર્ષના એક પુરૂષ કામદારને સીલીકોસીસનું નિદાન થયું છે પણ એનું ઇએસઆઇ કપાતું નથી. તેમના બે બાળકો શાળાએ જાય છે. બીજા ૫૫ વર્ષના પુરૂષ કામદાર છે તેમનું પણ ઇએસઆઇ કપાતું નથી.બંને માસિક રૂ..૭૦૦૦/- કમાય છે જે લઘુત્તમ વેતન કરતાં ઓછું છે.

એ ૨૦૧૭થી હાલની નોકરીમાં છે. ૭૮૪ પુરૂષ અને ૧૯૧ મહિલા થઇ કુલ ૯૭૫ને કોઇ બીમારી નથી. બાકીના ૨૫માં ૩ને ડાયાબીટીસ, ૪ને બ્લડપ્રેશર, એકને સ્તન કેન્સર, ૧ને ફેફસાંનું કેન્સર, ૧ને મોંનું કેન્સર, ૧ને થેલેસેમીઆ, ૧ને માનસિક બીમારી અને બીજી બીમારીઓ જોવા મળી.


વિસ્તૃત અહેવાલ- Study of ESI Coverage in Ceramic Industry in Thangadh – A report by Peoples’ Training and Research Institute, Vadodara – માં વધુ વિગતો જોવા મળશે..


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.