કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
કોઇ માણસ કદિ અન્ય માણસને મારી નાખી એનું ભક્ષણ કરી ગયો હોય એવું સાંભળ્યું છે ક્યારેય ? ના, એવું એટલા માટે સાંભળ્યું ન હોય કે એવું હલકટ અને જધન્ય કૃત્ય કરવાનો વિચાર સુધ્ધાં આવવો એ માનવ પ્રકૃતિના લોહીમાં નથી. હા, કોઇ કારણોસર માણસ માણસના વેરી બની ગયા હોય, એકબીજાને હેરાન કરતા હોય, અંદરોઅંદર મારામારી કરતા હોય કે ક્યારેક કોઇનું ખૂન સુધ્ધાં થઈ જતું હોય એવું કોઇ કોઇ વાર બન્યા કરતું હોય છે એ વાત સાચી, પણ માનવ સમાજમાં એકબીજા વચ્ચે જગડો થવાનું કારણ કંઇ ખોરાક માટેની લોંટાઝોંટી માટેનું નથી હોતું. એના કજિયા-કંકાસનું મુખ્ય કારણ તો હોય છે એક બીજાના “અહં” ના ટકરાવનું ! એકબેજાને વટે ચડવાનું !
જ્યારે પશુ-પક્ષીઓમાં તો ઝગડો હોય છે મુખ્યત્વે ખોરાકની લોંટાઝોંટીનો ! એકબીજાનો ખોરાક પડાવી લેતાં કૂતરાં, બિલાડાં અને કૂકડાંને આપણે ક્યાં નથી જોયા? અને આમ જોઇએ તો પ્રાણી અને પંખી સમાજમાં તો પ્રકૃતિએ પહેલેથી જ “તૃણાહારી” અને “માંસભક્ષી” એમ બે પંકતિના જીવો બનાવ્યા છે. એટલે એકબીજા વર્ગ વચ્ચે–તૃણાહારી જીવોને માંસાહારી-પશુ-પક્ષીઓના શિકારમાંથી બચવા અને ઘાતકીઓએ શિકારને પકડીખાવા-એમ બન્ને વચ્ચે કાયમખાતે “ભાગ-પકડ” જેવો માહોલ રહ્યા જ કરતો હોય છે. તમે ધ્યાન કરજો ! માંસાહારી પશુ-પક્ષીઓ કાયમ એની ભૂખ સંતોષવા “ક્યારે શિકાર નજરે ચડે અને ક્યારે છાપો મારી પકડી દઈએ” એની જ પેરવીમાં હોય છે, એટલે જ વાડી-ખેતર કે વગડામાં ઘાસ-પૂસ જે ઝીણા જંતુ વીણી ખાનારા ઉંદર- ખિસકોલાં-કાચિંડા-ગરોળી જેવા જીવોને ભાળ્યા ભેળા બાજ-ઘુવડ-ચિબરી જેવા શિકારી પંખીઓ કે કૂતરાં-બિલાડાં-શિયાળવાં જેવાં ભોંય પર રખડતા શિકારી જીવો તેના પર તરાપ મારી જ દેતા હોય છે.
માનવ અને પશુ-પક્ષી બન્નેની “સ્વબચાવ” ની સુવિધાઓમાં ફેર છે : જ્યારે માણસો માણસો વચ્ચે મનદુ:ખ કે ઝગડો થયો હોય ત્યારે સામાવાળાથી બચવા કે એને હરાવવા બન્ને પક્ષો પાસે લડાઇ લડવાના ઘણા પ્રકારના પ્રકૃતિદત હથિયારો સાંપડેલા છે. જેમ કે ભાષાના ઉપયોગથી સામસામી બોલાચાલી ને દલીલો કરવી, હાથના ઉપયોગથી બથોબથ આવવું, કે છેવટે ભીંહ પડે તો લાગ જોઇ પગનો આશરો લઈ ભાગી છૂટવાની પણ સગવડ હોય છે માનવ પાસે. અરે ! વધારામાં બીજા કોઇ પ્રાણી-પંખીમાં નથી આપ્યું એવું વિકસિત મગજ માણસને બક્ષેલ હોઇ, બુદ્ધિના ઉપયોગ દ્વારા તીર, ભાલો, બરછી, તલવાર અરે બંદુક-દારૂગોળો અને હવે તો એટમબોમ જેવાં દારૂણ શસ્ત્રો શોધી કાઢ્યાં છે જેના દ્વારા એકબીજાનો હિસાબ ચૂકતે કરી શકે છે.
જ્યારે પશુ-પંખી પાસે તો નથી કોઇ સ્વરક્ષણમાં સહાય કરી શકે એવું હથિયાર કે નથી મળ્યા એમને માણસ જેવા બથોબથ આવવામાં મદદગારી કરે તેવા બે હાથ ! અરે, એકબીજા સાથે જીભાજોડી કરવા જેવી ભાષાનોયે અભાવ હોવા છતાં જીવવું તો છે બધાને ! અને કુદરતે જીવાડવા પણ છે બધાને ! પણ ઘાસ-અન્ન ખાનારા અને હિંસક પ્રાણી-પક્ષીઓ વચ્ચે કાયમનો વેરભાવ તો રહેવાનો જ ! જો કે ગણતરીબાજ પ્રકૃતિએ બન્ને પ્રકારના જીવોને કંઇકને કંઇક પકડવાની કે બચવાની એવી સુવિધા આપી છે જેના થકી બન્ને પ્રકારના પ્રાણી-પક્ષીઓ પોતાનુ ધ્યેય સિદ્ધ કરી લે છે. જેમ કે પશુ-પક્ષીઓને પગ, શિંગડાં, દાંત, ચાંચ-પાંખ જેવા અંગઉપાંગો અને ગંધ તથા શરીરના ખાસ આકાર જેવી વિશિષ્ટ સુવિધાઓ જે આપી છે, એના વડે જ માંસાહારી સિંહ, વાધ, ચિત્તા, વરુ, લોંકડી, રણબિલાડી, ઝરખ, રીંછ અને કૂતરાં-બિલાડાં સુદ્ધાં તૃણ-ધાન્યભક્ષી જીવોને શિકાર અર્થે સંકજામાં લેવાનું અને નબળાં-દૂબળાં અને તૃણભક્ષી જીવોએ આ જ અંગઉપાંગો અને મળેલી સુવિધા થકી શિકારીના પંઝામાંથી છટકી જઈ સ્વરક્ષણ મેળવવાનું ગોઠવવું પડતું હોય છે.
સ્વરક્ષણમાં ભેરે આવતા શારીરિક હથિયારો :
@……પગ અને પાંખ : શિકારની પાછળ પડવા શિકારીઓ માટે પગ સૌથી ઉત્તમ હથિયાર છે. એમ શિકારીની ચુંગાલમાંથી બચવા માટે દોડીને ભાગી જવા માટે એનાથી પણ બળુકા પગ અને દોડવાની તાકાત તૃણાહારી જીવોને પ્રકૃતિએ જ આપી છે. જંગલમાં સિંહ-વાઘ કે ચિત્તો જ્યારે કોઇ હરણ, કાળિયાર કે નીલગાયની પાછળ પડ્યો હોય ત્યારે મરણિયા થઈ લાંબા કૂદકાવાળી દોડ લગાવતા આ જીવોના પગ જ એના ભેરુ બની રક્ષણ પૂરું પાડતા હોય છે. હું આપણી જેવા ખેડૂત-માલધારીઓની જ વાત કરું તો આપણા ગાય, ભેંશ, બળદ જેવા પાલતુ પશુઓ પણ પાછળથી ઓચિંતાના એના ધ્યાનબહાર કોઇ અથડાઇ ગયું હોય તો ઝઝકી જઈ પાછલા પગની પાટુ જૂડી દેતા હોય છે, એનો હેતુ પણ સ્વરક્ષણનો જ હોય છે.
અરે, દુશ્મનો સાથેના ખરાખરીના જંગ વખતે ઘોડા-ગધેડા-ખચ્ચરના પાછાલા બન્ને ભેગા પગે ઝીંકાતી “ઝૂડ” પાછળ આવતા ભલભલા દુશ્મન ભુંડાઇનો માર ખાઇને ઊભો રહી જાય છે. અરે , જિરાફના પગ ભલે પાતળિયા હોય, પણ એ જ્યારે પાછલા પગોની બહબહાટી બોલાવવા માંડે ધાડાધડ ને ફટાફટ ! જાણે કડિયાળી ડાંગ લઈ મરણિયો ક્ષત્રિય દુશ્મનના કટક વચ્ચે ઘૂમી રહ્યો હોય ! આ લાતોના મારથી સિંહ જેવા ખુંખાર પ્રાણી પણ દૂર હટી જાય છે.
શિકારી પંખીઓમાં જેમ સમળી આકાશે ઊડતા ઊડતા નીચે સરપોલિયું ભાળી જાય તો ફટ કરતી નીચે આવી પોતાના પગના પંજા દ્વારા પકડી તેને અધ્ધર ને અધ્ધર લટકતું ઉપાડી લે છે, તેમ ધરતીને ખણી-ખોતરી ખાનાર જીવ પંખી-નરતેતરના પગના પંજામાં પાછલા ભાગે પ્રકૃતિએ એવો અણીદાર કાંટો આપ્યો છે જાણે “છરો” જ જોઇ લ્યો ! એના પ્રહારથી પ્રતિસ્પર્ધીની છાતી ચીરી ભગાડી મૂકાય છે બોલો ! મોટા અને શિકારી પંખીઓ પાછળ પડે ત્યારે તેનાથી બચવા નાના-અસોળ પંખીઓને દૂર ભાગી જવા એની પાંખો જ ભેરે રહેતી હોય છે. બિલાડી જેવા જીવોને પણ પગના પંજા-નહોર જ સ્વબચાવમાં મદદ કરતા હોય છે
@…….દાંત અને ચાંચ : જો કે પગની જેમ દાંત અને ચાંચ લડવાનું અને બચાવવાનું બન્ને કામ કરે છે. માંસભક્ષી જીવોમાં દાંત બહુ બળુકું હથિયાર છે. બિલાડીના દાંત તીણા અને વળેલા હોય ! બચકું ભરે તો માંસનો લોચો બહાર કાઢે ! જંગલી ભૂંડના દાંતનું જોર જાણ્યું છે ક્યારેય ? ઝઘડા વખતે મોટા વિકરાળ પ્રાણીને પણ ચીરી નાખે એવા મજબૂત હોય છે. અમને બરાબરનો અનુભવ છે કે વાડી-ખેતર-બાગમાં ઘૂસી જઈ જમીન-મોલને ખૂંદી-ખાઇ બગાડતા ભાળી તેને હાંકી કાઢવા જતાં જો મોઢા આગળના બે અણીદાર દંતશૂળ વાળો, વકરીને ફાટી ગયેલો ભૂંડડો ભાળી ગયા હોઇએ તો એને તગેડવું પડતું કરી પાછ હટી જવું પડે છે મિત્રો !
એવું જ હાથીના દંતશૂળ પણ એની ઉપર હૂમલો કરનારને પૂરીરીતે ઘાયલ કરી નાખવા સક્ષમ હોય છે.
ખુબ વહમા દાંત તો હોય છે ઝેરી સાપના ! સીધો મોતનો જ આદેશ ! એના આગલા ઉપલા દાંત હોય છે પોલા ! જાણે ઇંજેક્શનની સોય જ જોઇ લ્યો ! માથાની બેય બાજુ આવેલ ઝેરેની કોથળીઓ સાથે એનું જોડાણ હોઇ, દાંત દ્વારા જ ઘામાં ઝેર ઠલવાતું હોય છે. જો કે સાપના દાંત તેના સ્વરક્ષણ માટે જ હોય છે. તે છંછેડાય કે દબાય તો જ કરડે છે.
મોટાભાગના પક્ષીઓમાં ઝગડા વખતે ચાંચ જ ભેરે રહેતી હોય છે. અમારે ઘેર “પંચવટી” મકાનમાં ઓંશરીની ધાર ઉપર, છત નીચે ગોળ દૂધી [તુંબડી] માંથી બનાવેલા વીસ જેટલા ઘરચકલીના માળા લટકાવ્યા છે. પણ ચકલીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે ઇંડા મૂકવાની વેળા વખતે માળા-દોતણી માટે કપલ કપલ વચ્ચે ખરેખરો ઝગડો થતો નિહાળ્યો છે. અરે, ચકા ચકા વચ્ચે એકબીજાની ચાંચ વડે એવી બાજણ જામે કે બાજતા બાજતા બન્ને નીચે પટકાય જાય તોયે ચાંચથી ભરેલ ચિંટિયો છોડે નહીં બોલો !
@……..શરીરનો ઘાટ – વાળ-પાંખ કે પીંછાનો રંગ : કેટલાક જીવોને પ્રકૃતિએ તેના વસવાટ પ્રમાણેનો રંગ અને ઘાટ આપીને રક્ષણ કર્યું છે. ધરતી અને વનસ્પતિના રંગ સાથે તેઓના શરીરના રંગ એવા તો મળી જતા હોય છે કે તેને શોધવા મુશ્કેલ થઈ પડે છે. દા.ત. સાબરનો રંગ ઝાડ અને પહાડ સાથે મળી જાય તેવો છે. પથ્થરવાળી ટેકરીઓમાં ઝાડ-બીડમાં તે ફરતું ને ચરતુ હોય-પણ આસપાસની સૃષ્ટિના રંગ સાથે એકરંગી થઈ જતું હોવાથી શિકારીની નજર જલ્દીથી એના પર નથી પડતી. બારાશીંગા, ચીતલ, રણ પ્રદેશના ગધેડાં, હીમ પ્રદેશના વરુ, અને આપણા વાડ-વગડામાં વિહરતાં સસલાં, લોંકડી પણ આસપાસના રંગ સાથે ભળી જાય તેવા રંગ ધરાવે છે, જે એના રક્ષણમાં ભેર કરતા હોય છે.
ઘણુખરું પંખીઓનાં પીંછાંનો રંગ તો ચળકતો હોય છે. પણ તેતર- બટાવરા-ટીટોડી જેવા જમીન પર રહેનારાં પક્ષીઓના પીંછાના રંગ નીરખજો ક્યારેક ! એના બચલાનો પકડવા તેની પાછળ પડ્યા હોઇએ તો થોડેક દૂર દોડી જઈ, જમીન પર જરા પણ હલ્યા ચલ્યા વિના લપાઇને એવીરીતે બેસી જશે કે આસપાસની જમીન-ઝાંખરાના રંગ સાથે એવા તો મળી જાય છે કે આપણને એને શોધવું મૂશ્કેલ બની જાય છે.
કુદરતનો કરિશ્મો તો જુઓ ! વાડી-ખેતરો અને બાગ-બગીચામાં ઊડાઊડ કરતાં પતંગિયાની પાંખોના રંગ પણ વનસ્પતિના ફૂલોના રંગ સાથે મળતા જ હોય છે ને ! ખડમાકડીને ઓળખો છોને ? ખડની સળીઓ જેવાજ-પાતળા સલેખડા જેવા એના ટાંગા ! અને વનસ્પતિના ડાળી-પાંખડા જેવો જ એનો રંગ અને ઘાટ ! અરે લીમડામાં દેખાતા એક ટીડડાનો રંગ અને પાંખોનો ઘાટ જોયો હોય તો અસ્સલ લીમડાનું પાન જ જોઇ લ્યો ! પાન અંદરની નસોની ગુંથણી પણ આબેહૂબ ! કહેવું પડે ભાઇ આવા કીટ-પતંગિયાનું ! એમને ઘાટ અને રંગ કુદરતે એવા આપ્યા છે કે જ્યાં હોય ત્યાં સ્થળને એકરૂપ થઈ સ્વરક્ષણ સાધી શકે. તમે માનશો ? કુદરતના આ કરિશ્માનો ધડો લઈ પોષાક-સંશોધકોએ સપાટ પ્રદેશમાં વસતા સૈનિકો ઓળખાય ન જાય માટે તેમનો પહેરવેષ ખાખી રંગનો અને ડુંગર-ઝાડીઓમાં ફરજ બજાવતા સૈનિકોનો પહેરવેષ કાબરચીતરો નક્કી કર્યો હશે !
@…..શીંગડા : ગાય-બળદ,ભેંશ-પાડા, બકરાં, કાળિયાર કે નીલગાયના નર વગેરેને પ્રકૃતિએ જરૂર પડ્યે દુશ્મનોનો સામનો કરી પોતાનું રક્ષણ કરી શકે માટે જ શીંગડાંની સુવિધા બક્ષી છે. આપણે ટીવીમાં એવા દ્રશ્યો નિહાળીએ છીએ કે જંગલી પાડા અને ભેંશો દુશ્મનોના ઘા ઝીલતા ઝીલતા લાગ મળેથી તેમના પર હુમલો કરી વાઘ-સિંહ જેવાના પેટમાં અણીવાળા શીંગડા ખોસી દઈ તેનાયે પ્રાણ હરી લે છે. જંગલી ભેંસ-પાડાની જિગર તો જુઓ ! એમના ટોળાં પર શિકારી પ્રાણી હુમલો કરે ત્યારે મોટા અને સશક્ત ઢોરાં ગોળાકારમાં ગોઠવાઇ જઈ,નબળાં-દૂબળાં અને નાનાંને વચમાં રાખી, શીંગડા વડે જ દુશ્મનોને ખાળતા ભળાય છે.
કેટલીક ગૌશાળાઓમાં ગાયને “કમોડી”નું દર્દ ન થાય માટે વાછરું જન્મતાંની સાથે જ તેના શીંગના અંકુર પર કૌષ્ટિક પોટાશ રસાયણ ચોપડી કુમળા શીંગના કોષો બાળી દેવાય છે,તેથી શીંગડાં ઉગતાં નથી. પણ હકિકતે આપણે એ જાનવરનું હથિયાર ઝુંટવી લઈ,તેના જીવ પર જોખમ થાય, ઝગડા વખતે નિરાંતે માર ખાય, સામાવાળાનો સામનો ન કરી શકે તેવું નિમાણું બનાવી દઈ, કુદરતે બક્ષેલ સ્વરક્ષણના હક પર આપણા દ્વારા થયેલ હુમલો સાબિત કરીએ છીએ. જે ન થવું જોઇએ.
@…….પીઠ પર “ઢાલ” જેવી કઠ્ઠણ ચામડી “કાચબા, મગર, ગેંડા, ઘો જેવા કેટલાય જીવોને પ્રકૃતિએ પીઠ પર જાડી ઢાલ જેવી કઠ્ઠણ ચામડી આપી છે. આપણે ત્યાં જૂના જમાનામાં તો કાચબાની પીઠની ચામડીનો “ઢાલ” તરીકે ઉપયોગ થતો. તે વખતના યોધ્ધાઓ તલવારનો ઘા ઝીલવા તેને હાથમાં રાખતા. અરે ! દક્ષિણ આફ્રિકાના “આર્માડીલો” પ્રાણીની પીઠ તો પથ્થર જેટલી સખત હોય છે. જેના પર કુહાડીના ઘા ઝીંકો તો પણ પાછો પડતો હોય ત્યાં સિંહ-વાઘ જેવાના દાંત કે નહોર શું ઇજા કરી શકે કહો ! કાચબો અને આર્માડીલો તો સંકટ સમયે શરીરના બધા ભાગો સંકેલી, ઢાલમાં સંતાડી દઈ, ન હલે કે ન ચલે, જાણે શીલા પડી હોય ! દુશ્મનો શું કરે, કહો !
@……..પૂંછડી “મધમાખી એના ક્યા અંગથી આપણને દંશ દે છે એની ખબર છે ? એ મોઢેથી નથી કરડતી. પણ એની પીઠ પાછળ પૂંછડીને છેડે આવેલી તીણી સોય ટચકાવીને દંશ દેતી હોય છે. એ એવા જોરથી એની પૂંછડી દબાવે છે કે છેડે લાગેલી સોય દુશ્મનના શરીરમાં ખુંચી જાય છે અને તે સોય ત્યાંને ત્યા ચોટી રહે છે, જેથી એનું તો પેટ તો ફૂટી જાય છે. કહોને પોતાની વસાહત માટે એ શહાદત વહોરી લેતી હોય છે. એવું જ વીંછીની પૂંછડીમાં પણ કુદરતે ઝેર ભરી રાખ્યું છે. ડંખ મારે જાણે અંગારો ચંપાયો ! ડૉક્ટરના ઇંજેકશનની પીચકારી જ જાણી લ્યોને ! વીંછી અમથો અમથો આંકડો નથી મારતો, જો તે દબાય તો જ આવું કરે છે. ભમરી પણ પૂંછડીને છેડે આવેલ સોયથી જ દુશ્મનને મહાત કરવાનું કામ કરે છે.
@……..ગંધ છોડવી : વરસોથી બાગાયતી પાકોના સંપર્કથી જાણી શકાયું છે કે લીંબુ, મોસંબી,સંતરા ગ્રેફ્રુટ, મીઠીલીમડી જેવા પાકોમાં આવનારી પાન જેવો જ રંગ ધરાવતી નુકસાન કારક એક લીલી ઇયળ આવે છે, કે જે એ ઝાડના ડાળી-પાનને અડક્યા ભેળો એવો ગંધીલો ગેસ છોડે છે કે એ નાકમાં જઈ આપણને ઘૃણા ઉપજાવી દે ! આપણે જલ્દીથી ત્યાંથી આઘા ખસી જઇએ. જો માણસ જેવો માણસ પણ આવી ગંધથી દૂર ભાગતો હોય તો અન્ય શિકારી જીવડાં કે પંખીની શી વિસાત કે એનો શિકાર કરે ? એવું જ કેટલાંક પ્રાણીઓ પણ સંકટમાં આવી ગયે સ્વબચાવ માટે ગંધ મારતું પ્રવાહી છોડે છે. જેથી પાછળ પડેલ દુશ્મનની આંખો બંધ થઈ જાય અને દુર્ગંધથી મુંઝાઇ-શું કરવું એનું સૂઝી ન રહે ત્યાં શિકાર છટકી જાય છે. અરે, આફ્રિકામાં સાપની એક જાત તો એવી છે કે જે ગંધીલું ઝેર થૂંકે છે ! એ એવી રીત થૂંકે કે બરાબર માણસ કે પ્રાણીની આંખમાં જ પડે અને લાયના ભડકા ઊઠે ! ઘડીભર કશું ભાળે નહીં ત્યાં સાપ સલામત જગ્યાએ સરકી જાય.
જુઓ તો ખરા ! પ્રકૃતિએ પોતાનું નેટવર્ક ચાલુ રાખવા-એકબીજાની વસ્તીનું સમતોલન રહે તે વાસ્તે પશુ-પંખી-પ્રાણીઓ ને દાંત-શિંગડાં-વાળ-પગ-પૂંછડું અને શરીરના રંગ જેવા વિશિષ્ટ અંગો દ્વારા કેવા કેવા કામ કરાવ્યા છે ? એનો પાર પામવો જેવા તેવાનું કામ નથી.
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com