ગુજરાતી વાર્તાનો વળાંક: જયંત ખત્રી

શબ્દસંગ

નિરુપમ છાયા

ઈ. સ. ૧૯૧૮માં મલયાનિલની ‘ગોવાલણી’થી ગુજરાતી ટૂંકી વાર્તાનાં મંડાણ થયાં.વાર્તાસર્જનનો આ તબક્કો સ્વાભાવિક રીતે જ પરંપરાગત રહ્યો છે.  વિવિધ તબક્કામાંથી પસાર થતી ગુજરાતી વાર્તા ગાંધીયુગ સુધી પહોંચી. એ સમયે પણ  કેટલાક વાર્તાકારોમાં  ગાંધીજીના સિદ્ધાંતોમાંથી પ્રભાવિત સાહિત્યના વર્તુળમાંથી  છૂટીને માનવ અસ્તિત્વનાં મૂળભૂત તત્વોને વફાદાર રહીને વાર્તા લખવાની સભાનતા દેખાઈ આવે છે એવું સર્જક કિરીટ દૂધાત તારવે છે. એ જ સમયમાં જયંત ખત્રીનો પ્રવેશ થાય છે અને તેમની વાર્તાઓ ગુજરાતી વાર્તાના  પ્રવાહમાં નવો જ વળાંક લાવે છે. એટલું જ નહીં, આજે પણ એમની વાર્તાઓ આધુનિક ગણાય છે. એટલે જ જાણીતાં અભ્યાસુ વિવેચક અને સાહિત્યકાર શરીફા વીજળીવાળા કહે છે કે, ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં સર્વકાલીન નામ એટલે જયંત ખત્રી. ૫૦ વાર્તાના આ સર્જક એમાંની દસબાર વાર્તાને કારણે ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી વાર્તાકાર ખત્રી પણ જીવવાના.’  ગુજરાતી સાહિત્યના આ મહાન વાર્તાકારમાં આધુનિકતાનાં પગરણ સંભળાય છે. કોઈપણ ભાષામાં દુર્લભ ગણી શકાય એવા આ સર્જકની કેટલીક વાર્તાઓ કોઈપણ ભાષા માટે શોભા બની રહે છે. એમની વાર્તાઓ લગભગ છેલ્લાં પંચોતેર વર્ષથી ભાવકો અને  વિદ્વાનોને આકર્ષતી રહી છે. અને એટલે જ સમય સમય પર એમના વિષે વાત થતી રહે છે, એમનાં સર્જનોને વિવિધ દૃષ્ટિએ તપાસવામાં આવે છે ત્યારે એમાંથી કશુંક અનોખું નીપજે છે

તાજેતરમાં જ એવો એક વધુ પુરુષાર્થ જાણીતા સર્જક શ્રી કિરીટ દૂધાતે પ્રસ્તુત કર્યો છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઉપક્રમે ‘ભારતીય સાહિત્યના  નિર્માતા’ શ્રેણી હેઠળ એમનો આ અભ્યાસ પુસ્તકરૂપે પ્રકાશિત થયો છે. વ્યવસાયે અધિક કલેકટર રહી ચૂકેલા શ્રી કિરીટ દૂધાતનું ગુજરાતીમાં અનુઆધુનિક વાર્તાને સ્થિર કરવામાં મહત્વનું પ્રદાન છે. બે  વાર્તાસંગ્રહો ‘બાપાની પીંપર’ અને ‘આમ થાકી જવું’ પ્રગટ થયા છે. ગ્રામ્ય પરિવેશ, સરકારી તંત્ર અને સ્ત્રીપુરુષના સંબંધો એમની વાર્તાના મુખ્ય વિષયો રહ્યા છે. ગુજરાતી વાર્તાકારો ઘનશ્યામ દેસાઈ અને ચુનીલાલ મડિયાની ઉત્તમ વાર્તાઓ ઉપરાંત ઈ, સ. ૧૯૮૬ની શ્રેષ્ઠ નવલિકાઓનું પણ સંપાદન કર્યું છે.

જયંત ખત્રી વિશેનાં આ પુસ્તકમાં જયંત ખત્રીનો જીવન પરિચય, એમનાં કૃતિત્વ અને વ્યક્તિત્વ, વાર્તાકાર તરીકેનાં એમનાં ઉભરી આવતાં વિવિધ પાસાંઓ અને એમની વાર્તાઓ અને અન્ય સાહિત્ય હેઠળ દરેક વાર્તા અને સર્જનનું રસદર્શન પ્રસ્તુત થાય છે. આ બધા જ વિષયો અભ્યાસપૂર્ણ, સૂક્ષ્મ વિગતો સાથે લેખકના પોતાના આગવા અભિપ્રાય સાથે રસપ્રદ બને છે અને અંતિમ પૃષ્ઠ સુધી ભાવકને જકડી રાખે છે. આમ આ અભ્યાસ દ્વારા આ અપ્રતિમ સર્જકની એક સર્વાંગી આકૃતિ  ભાવકના ચિત્તમાં આકાર લે છે.

એમના પ્રારંભિક જીવન પરિચયમાં લેખક નોંધે છે કે, જયંત ખત્રીને પ્રાથમિક શિક્ષણ દરમિયાન મુન્દ્રા અને ભુજમાં ગરીબ કુટુંબો અને સાધારણ પરિસ્થિતિના બાળકોના પરિચયમાં આવવાનું થયું અને લેખક એને ‘ગરીબો અને વંચિતો તરફ સહાનુભૂતિનાં બીજ અજાણતાં જ રોપાયાં એવું તારણ પણ આપે છે. વળી, ઘર, ગામ અને શેરીઓમાં રમવાને બદલે શહેર બહાર બાવળ, આકડા, અને ખેરની ઝાડીઓમાં પથરાળ ભૂમિ અને ટેકરીઓમાં ભમતા કિશોર જયંતમાં ‘બપોરે દોડી જતાં ઊંટો, ઊડી જતા હોલા, તેતર, સતત ઉડયા કરતી ધૂળ અને લૂ તથા વંધ્ય જમીનનું અજબ આકર્ષણ. રખડપટ્ટીને લીધે માનસમાં કાયમને માટે અંકિત થઈ ગયેલાં આ લોકાલની અસર એમની અસંખ્ય વાર્તાઓમાં આવતા સ્થળ-કાળનાં વર્ણનોમાં છે.’ અને, ‘આ ભૌતિક વાતાવરણ …સર્જકીય દૃષ્ટિએ વિકાસ પામતું પામતું એક નિર્લેપ અને મોટેભાગે તો માનવવિરોધી પ્રકૃતિના પ્રતિક તરીકે એક સ્વતંત્ર ઘટકનું રૂપ ધારણ કરે છે. કચ્છની આ કરાળ પ્રકૃતિથી એ એટલા મુગ્ધ હતા કે એમના સર્જનોમાં સુંદર કુદરતનાં વર્ણનો બહુ નથી પણ રૌદ્ર પ્રકૃતિ ઠેર ઠેર દેખા દે છે.’ જેવાં તારણો લેખકની આગવી દૃષ્ટિના પરિચાયક બની રહે છે. એ જ રીતે પ્રસિદ્ધ ચિત્રકાર કનુ  દેસાઈ સાથે મૂકાતી એમની ચિત્રકળા અને એમાં વિકસાવેલી વિશિષ્ટ શૈલી, આજીવન ટકી રહેલા મિત્રો,  સંગીતપ્રેમ, દિલરુબા અને વાયોલીન  વાદન શીખ્યા વગેરે દ્વારા ખત્રીનાં સર્જક  ઉપરાંતનાં આ બહુઆયામી વ્યક્તિત્વનો પણ પરિચય મળે છે. સંગીતમાં રસ જગાવનાર ઘટના પણ વિશિષ્ટ છે અને એટલે જ એ નોધવાની લાલચ રોકી શકાતી નથી. એક પત્રકારમિત્રે મહાન શાસ્ત્રીય ગાયક બડે ગુલામઅલીખાનનો ઇન્ટરવ્યુ લેવા માટે સમય નક્કી કરેલો પણ એ જઈ શકે એમ ન  હોવાથી એમણે ખત્રીને કહ્યું. ખત્રીને એ સમયે સંગીત વિષે કોઈ જાણકારી નહોતી પણ પડકાર તરીકે આખી રાત જાગીને સંગીત વિશેનાં પુસ્તકો વાંચીને પોતાનું અજ્ઞાન છતું ન થાય એ રીતે ખાન સાહેબનો ઈન્ટરવ્યુ લીધો પણ આ ઘટનાને કારણે એમને સંગીતમાં રસ જન્મ્યો અને એમાં આગળ અભ્યાસ પણ કર્યો. એ જ રીતે ચિત્રકળા સંદર્ભે પણ લેખક એક ઘટનાનો ઉલ્લેખ કરે છે કે તેઓ પ્રખ્યાત ભારતીય ચિત્રકાર અમૃતા શેરગિલનાં ચિત્રોનાં પ્રદર્શન જોવા આર્ટ ગેલેરી જતા. તેઓ શેરગિલના પરિચયમાં પણ આવેલા અને એમની યુરોપિય ચિત્રકળા વિશેના અભ્યાસને આધારે એવું પણ કહેલું કે શેરગિલનાં ચિત્રો પર ફ્રેંચ ચિત્રકાર પોલ ગોગાની અસર છે.

આવાં બહુઆયામી વ્યક્તિત્વનાં રાજકીય અને સામાજિક પ્રવૃત્તિ વડે જાહેર જીવનમાંની  સક્રિયતાનાં  એક વધુ પાસાંનું ચિત્રણ પણ લેખક કરે છે. કચ્છી પ્રજાકીય પરિષદ સાથે સંબંધ, ૧૯૫૧ની નગરપાલિકાની ચૂંટણી, માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ, જાણીતા અર્થશાસ્ત્રી  કે. ટી. શાહને કચ્છમાંથી સંસદીય ચૂંટણી લડવા આમંત્રણ, સામ્યવાદી સિદ્ધાંતોમાં નિષ્ઠા, ખારવાઓના પ્રશ્નો માટે લડત, કંડલા પોર્ટ વર્કર્સ યુનિયનની સ્થાપનામાં માર્ગદર્શન અને ટ્રસ્ટી તરીકે જવાબદારી વગેરે અનેક પ્રવૃત્તિઓ દ્વારા એક સર્જકની સામાજિક નિસબતનું પણ પ્રેરક ઉદાહરણ  પૂરું પાડ્યું એમ કહી શકાય.

વાર્તાકાર જયંત ખત્રીનાં વિવિધ પાસામાં તેમનાં જીવનદર્શન વિષે કિરીટ દૂધાત પ્રકાશ ફેંકતાં મુખ્ય ચાર મુદ્દા તારવે છે. બેપરવા દૈવ, સ્ત્રીપુરુષ સંબંધોનું ચિત્રણ, તેમની પાત્રસૃષ્ટિ અને આધુનિક વાર્તાકાર  તરીકેનાં લક્ષણો. આ ચારેય પાસાંઓમાં તેમણે મૌલિક રીતે ઉદાહરણ સાથે વિશ્લેષણ કર્યું છે. ‘લોહીનું ટીપું’ વાર્તાનું ઉદાહરણ આપીને લેખક કહે છે કે ‘આ વિશ્વમાં કોઈ તાર્કિક ન્યાય વ્યવસ્થા નથી અને કોઈવાર કવિન્યાય જેવી ઘટના બનતી હોય તો એ પણ એક અકસ્માત છે. આવું ઘટક ખત્રીની અગાઉ કોઈ વાર્તાકારે ઉજાગર કર્યું નથી અને એમના પછી પણ કોઈ સર્જકને આ કથાવસ્તુ એટલું હસ્તગત થયું નથી. એ જોતાં ખત્રીની આ એક મૌલિક વિચારણા છે. ટોમસ હાર્ડીએ પોતાની કરુણ આલેખન કરતી વાર્તાઓ માટે ઈંગ્લેન્ડના  દક્ષિણ અને અગ્નિ ખૂણામાં આવેલ એક ભૌગોલિકસ્થાનની પસંદગી કરી છે જેને વેસેક્સ એવું કાલ્પનિક નામ આપ્યું છે. એ રીતે ખત્રીએ પોતાની આ જીવનદૃષ્ટિ માટે કચ્છનો ભૌગીલિક પ્રદેશ પસંદ કર્યો છે. ફરી શરીફા બહેનને ટાંકીએ તો, ‘ખત્રીની વાર્તાઓમાંથી પરિવેશને બાદ નથી કરી શકાતો. સમગ્રપણે ઊભું થતું વાતાવરણ જ એમની વાર્તાની કરોડરજ્જુ છે… લૂ ઝરતું ઉદાસીન આકાશ, વંધ્ય અને કાળઝાળ ધરતી વાર્તાના વિષય સાથે એકરૂપ થઈ, પ્રતિકાત્મક રૂપ ધારણ કરે છે.’

સ્ત્રીપુરુષના સંબંધોને કેન્દ્રમાં રાખતી વાર્તાઓ, ‘તેજ,ગતિ અને ધ્વનિ’, ‘ધાડ’, ‘ખરા બપોર’, ‘સવિતાનું ગૂંથણ’, ‘કિરપાણ’ વગેરેની ચર્ચા કરતાં લેખક તારવે છે કે એમની પ્રસિદ્ધ વાર્તાઓમાં તો પુરુષ, સ્ત્રીનો નકાર કરતો હોય એવું નિરૂપણ થયું છે. વળી, પુરુષ પાત્રો માટે સ્ત્રીઓ પડકારરૂપે આવે છે જેનો મુકાબલો કરવામાં એ કાયમ ઊણા ઉતારે છે. સમગ્ર રીતે લેખક નોંધે છે કે ‘ખત્રીની વાર્તાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોને કોઈ સુખદ પરિણામ જણાતું નથી. એમને મન સ્ત્રીપુરુષનો સંબંધ એવી ગલી છે જ્યાં કોઈ ગંતવ્યે પહોંચી શકાતું નથી અને છેવટે એમાંથી અધવચ્ચેથી પાછા ફરવું પડે છે.’એમની વાર્તાઓની પાત્રસૃષ્ટિનું વૈવિધ્ય અપાર છે એમ જણાવી કચ્છી પાત્રો અને પરિવેશ પરની હથોટીની નોંધ લઈ, ઉમેરે છે કે એમના શહેરી પાત્રો પણ વિવિધ સામાજિક સ્તર અને વ્યવસાયમાંથી આવે છે. આધુનિક વાર્તાકાર તરીકે મૂલવતાં લેખક આગવી વાત કરે છે કે આકાર અને  કથાનકોનાં સ્થાપના, પ્રતિસ્થાપના અને સંયોજન પદ્ધતિએ જયારે ચર્ચા થશે ત્યારે જયંતિ દલાલ અને જયંત ખત્રી જેવા સર્જકોનાં પ્રદાન વિષે વધારે  મૂળગામી ચર્ચા થશે. ખત્રીને આધુનિક વાર્તાકાર દર્શાવતાં આપણે અગાઉ જોયાં તે લક્ષણો દર્શાવી લેખક નિરીક્ષણ આપે છે કે આધુનિક મનુષ્યની નિસ્સારતા અને અસ્તિત્વની વિસંગતિનાં લક્ષણો સ્પષ્ટ કરતી બાબત વિચારણાની કક્ષાએ ન  રહેતાં સમર્થ કલાકૃતિમાં રૂપાંતર પામે છે એ જોતાં ગુજરતીના આધુનિક વાર્તાકારોમાં ડૉ. જયંત ખત્રીનું સ્થાન આગળ પડતું છે અને રહેશે.

આ સર્જક વાર્તા લખતા કેમ થયા તેનો પ્રસંગ પણ શ્રી દૂધાતે નોંધ્યો છે. તેમણે મુંબઈમાં  ડૉ. તરીકેની કારકિર્દી શરુ કરી એની સાથે ત્યાંના વાર્તાવર્તુળમાં બકુલેશ સાથે જતા. ત્યારે ‘આપણી વાર્તાકારોની બેઠકમાં ડોક્ટર કેમ આવે છે ‘ એવી ટકોર થતાં પોતાની હાજરી સાર્થક ઠેરવવા ‘વર્ષાની વાદળી’ નામની નવલિકા લખી અને એ એ પળે ગુજરાતને સમર્થ વાર્તાકાર સાંપડ્યો. શ્રી ખત્રી વાર્તાનું શિલ્પ મોપાસા પાસેથી સાંપડ્યું એમ પણ સ્વીકારે છે.

લેખકે ખત્રીની વાર્તાઓનું વિશદ મૂલ્યાંકન કરી ઘણા મહત્વના મુદ્દા તારવ્યા છે જે આ સર્જકની વાર્તાઓને પામવામાં ભાવકને સહાયક થાય છે. આવા કેટલાક જ મુદ્દાઓ જોઈએ.

(૧) ‘ફોરાં’ સંગ્રહની ૧૪માંથી નવ વાર્તાઓ માં મૃત્યુનું કથાવસ્તુ વારંવાર આવ્યા કરે છે. બીજા સંગ્રહમાં પણ પંદરમાંથી આઠ વાર્તાઓમાં પાત્રનું મૃત્યુ થતું હોય એવાં થીમ છે.( અને યોગાનુયોગ પણ કેવો કે એમણે પોતે પોતાનાં મૃત્યુને પળે પળે આવતું જોયું એટલું જ નહીં એમણે કોઈ ભય વિના, અન્યો માટે પણ આનંદ પ્રસરાવતાં જાણે કે એને સત્કાર્યું-એ તો આખી અલગ રીતે કરવા જેવી વાત છે.)

(૨) વાર્તાકાર તરીકે ખત્રીની સિદ્ધિ એ છે કે નીતિ, અનીતિ, અસ્તિત્વ, ઈશ્વર, અનિશ્વર જેવા કેટલાક તાત્વિક પ્રશ્નો પોતાની વાર્તામાં સફળતાથી ઊભા કરે છે. (લોહીનું ટીપું) –ખત્રી અહીંયાં ન્યાય અથવા તો યોગ્યની એક મૌલિક વિચારણા આપની આગળ રજુ કરે છે.

(3) ‘અમે’ વાર્તા વાસ્તવિકતા અને સ્વપ્નમાં બંને સ્તરે એકસાથે ચાલે છે. સ્વપ્ન વાસ્તવિકતા બની જાય છે અને વાસ્તવિકતા સ્વપ્ન બની જતી હોય તેવું વાચકને લાગ્યા વિના રહેતું નથી.

(૪) ખત્રીની વાર્તાઓમાં મુખ્ય કથાવસ્તુ પશુ કે માનવી પોતાની આજુબાજુના વાતાવરણ સાથે મેળ સાધી શકતાં નથી, મિસફિટ હોય છે અને કુદરત અને ઈશ્વર સાથે બાથ ભીડવા જાય ત્યારે તેમની હાર થાય છે, વિનાશ પણ થાય છે.

(૫) ખત્રીમાં સુખાંત વાર્તાઓ ઓછી છે અને ભારત પાકિસ્તાનના વિભાજનની વાર્તાઓ ગુજરાતી વાર્તાકારોએ લખી નથી એ ફરિયાદની સામે ખત્રીની ‘કીરપાણ’વાર્તા મૂકી શકાય એમ છે. (૬)  ખત્રીની અતિ પ્રસિદ્ધ અને ચર્ચિત વાર્તા ‘ધાડ’ને શ્રી દૂધાતે પણ  ખાસ્સી  જગ્યા ફાળવી છે અને નિરાંતે એનું વિશ્લેષણ કર્યું છે.આ વાર્તાની વિશેષતા ચીંધતા લેખક કહે છે, “ ઘેલો બળજબરી કરતાં પક્ષાઘાતને લીધે અટક્યો એમાં કવિન્યાય નહીં પણ કુદરતની અતાર્કિક પસંદગીનો ક્રમ નજરે ચઢે છે. આમ ખત્રીની સૃષ્ટિ અનિશ્વર તત્વોથી ચલન પામતી સૃષ્ટિ છે….આખી વાર્તામાં પ્રકૃતિનાં વર્ણનો, જિંદગી વિશેની ફિલોસોફી, વેગથી બનતી ઘટનાઓ એકબીજાં સાથે એવાં તો રસાઈણે વારાફરતી આવ્યા કરે છે કે જેનાથી વાર્તાનો એક અનુપમ કલાદેહ ઘડાતો આવે છે. એમ લાગે છે કે ખત્રીની વાર્તાકલા અને વિશેષતાઓ સમજવા આટલી નોંધ ઘણી થઈ પડશે.

વાર્તાકલા અને એનાં સ્વરૂપ વિષે ખત્રી શું માનતા એ વિષે જાણવું પણ રસપ્રદ બનશે. પુત્ર કીર્તિ ખત્રી (આપણા ગુજરાતના વરિષ્ઠ રાષ્ટ્રીય પત્રકાર) પરના પત્રમાં તેઓ લખે છે, “ જો તને કોઈ ટૂંકી વાર્તાનાં સ્વરૂપ વિષે કશું વાંચવાનું કહે, તો લક્ષમાં લેતો નહીં. આધુનિક નવલિકાનું વ્યાખ્યા આપી શકાય તેવું સ્વરૂપ નથી. મેં આજથી ત્રીસ વર્ષ પર તે સમયની સ્વરૂપવાળી કોઈ વ્યાખ્યા સ્વીકારી ન  હતી. મનમાં આવ્યું હતું તેવું લખ્યું હતું. જે કહેવું છે તેની ચોટ આવે, એવું એકાગ્ર મન હોય-લખવાની તીવ્ર ઈચ્છા હોય, ત્યારે લખાઈ જાય છે. વાર્તાની પૂર્વ યોજના પણ મોટા ભાગના લેખકો કરતા નથી હોતા. એ તો વાર્તા લખવી શરુ થાય ત્યારે આપોઆપ બધું આવતું જાય છે.” વાત પુસ્તક બહારની છે. પણ પુસ્તકના સંદર્ભમાં ઉપયોગી લાગતાં મૂકી છ

સમયથી આગળ એવા આ સર્જકના અસ્વીકારની ઘટનાઓની નોંધ પણ શ્રી દૂધાતે લીધી છે. આપણા મોટા ગજાના વિવેચક રા. વિ. પાઠકને એમનાં સવિતા સામયિક માટે ખત્રીએ ખરા બપોર વાર્તા મોકલી ત્યારે એ પરત કરતાં તેમણે લખ્યું, ‘તમારી વાર્તા abnormal માનસની છે. એટલા બધા abnormal માનસની વાર્તા…હું લેવા ચાહતો નથી….આળા પશ્ચિમની એક આધુનિક ખાસિયત છતાં એ મને ઇષ્ટ નથી લાગી.’ તો લોકમિલાપની ગુજરાતી વાર્તાસમૃદ્ધિના  સંચયો અંતર્ગત મહેન્દ્ર મેઘાણી  વાર્તાઓ મગાવે છે પણ પરત કરતાં લખે છે, ‘જે વાચકવર્ગને નજરમાં રાખીને અમે શ્રેણી બહાર પાડી છે તેને અનુરૂપ આપની મોટાભાગની વાર્તાઓનું વસ્તુ અમારી નમ્ર નજરે નથી લાગ્યું. બેશક વાતાવરણનાં  અણુએ અણુને જીવંત કરી દેવાની આપની કળા પર આફરીન થઈ જવાય છે.’

પુસ્તકના અંતે આપેલી વિવિધ  સુચિ ઘણી ઉપયોગી બની રહે તેવી છે.

સાહિત્ય અકાદમી જેવી સંસ્થાનાં પ્રકાશનમાં ટાળી શકાય એવી  જોડણીની ભૂલો ખૂંચે જ.  પણ સર્વ રીતે જોતાં એક સમર્થ વાર્તાકારને વ્યાપક અને સૂક્ષ્મ દૃષ્ટિએ પ્રમાણતાં આ પુસ્તકે ખત્રી સુધી પહોચવા એક રાજમાર્ગ રચ્યો છે એમ કહીએ તો ખોટું નથી.

[ભારતીય સાહિત્યના નિર્માતા જયંત ખત્રી. લે. કિરીટ દૂધાત.
સાહિત્ય અકાદમી દિલ્હી.
પ્ર. આ. ૨૦૨૧
કિંમત રૂ. ૫૦.]  


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.