એક નિવૃત્ત જજની જે વૃત્તિ હતી તે હવે પ્રવૃત્તિ બની છે

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

એક યુવાન સ્ત્રીનો પત્ર છે, જો કે ખાસ્સો લાંબો છે, પણ અહીં એના થોડાક જ સૂચક વાક્યો જોઇએ:

‘”માનનીય જજ સાહેબ,

અહીંની કૉર્ટની એક પણ મુદત એવી ન હતી કે જેમાં હું રડી ન હોઉં. દરેક મુદતમાં હું આવતી ત્યારે અલગ અલગ પ્રકારનો અનુભવ મને થતો, પણ આપના માર્ગદર્શનથી જ હું શીખી કે દરેક વ્યક્તિએ મન મોટું રાખીને માફ કરતા શીખવું, કેમ કે ઇગો માણસના આખા જીવનને બરબાદ કરી દે છે. મારા સસરાને હું કહેતી કે મારા બાળકને હું તમને અડવા પણ નહિં દઉં, પણ આજે આ (પોઝિટિવ) નિર્ણયથી હું બહુ જ ખુશ છું. આ કેસમાં મેં મારો ગુસ્સો અને ઇગો છોડ્યો……આભાર ખૂબ આપનો શ્રી મહેતા સાહેબ, કે આપે મને ખૂબ સહકાર આપ્યો. આ ફક્ત આપના કારણે જ શક્ય બન્યું.’’

અમદાવાદ ઇન્કમટેક્સ સર્કલ પાસે જૂની હાઇકૉર્ટના બિલ્ડીંગમા બેસતી ફેમીલી કૉર્ટના એક નિવૃત્ત  જજસાહેબ મનહર જે. મહેતાને પોતે જ્યારે એ હોદ્દા પર કાર્યરત  હતા ત્યારે આ પત્ર મળેલો. હવે એમના કાર્યકાળના એ ગાળા દરમિયાન એક સંતુષ્ટ પક્ષકાર તરફથી  મળેલી બીજી એક ટિપ્પણી પણ જુઓ :

‘હું મારા આ કેસને બધા સામે લાવીને બીજી છોકરીઓ છે કે જે કાયદો નથી જાણતી અને દુઃખ સહન કર્યે જાય છે, આપઘાત કરે છે, બળી મરે છે તેને કહેવા માગું છું કે લાઇફ એક જ વાર મળે છે. માટે જીવો, જાણો અને આનંદ કરો. થેન્ક્સ ટુ મહેતાસાહેબ, એમણે સમજાવ્યું કે તમારાથી પણ દુઃખી લોકો છે,એમના કરતા આપણું દુઃખ ઓછું છે. થેન્ક્સ ટુ ફેમિલી કૉર્ટ !

આપણે જોયું છે કે ન્યાયની દેવીના આંખે પાટા છે. અને એ પાટા નિષ્પક્ષતાનું પ્રતિક છે. એના હાથમાં જે ત્રાજવું છે એ અદ્દલ ન્યાયનું પ્રતિક  છે. પણ ન્યાયમૂર્તી ચંદ્રભાનુ કહેતા કે એ આંધળા પાટા નિષ્પક્ષતા ભલે જાળવે, પણ એની આરપાર પણ બન્ને પક્ષકારના દુઃખદર્દ ન્યાયાધીશને સ્પર્શવા જોઇએ. એ કહેતા કે એ ફેમીલી કૉર્ટોનું માહૌલ બીજી કોર્ટો કરતા જુદું હોય છે. બીજી કૉર્ટોની જેમ એના પક્ષકારો એક બીજાના લોહીના તરસ્યા નથી હોતા. એ લોકોની માનસિકતા કેન્સર હૉસ્પિટલની વેઇટીંગ  લોન્જમાં વ્યથિત સિકલે ઉભેલા દર્દી જેવી હોય છે. એ લોકો ક્યારેક સ્વસ્થ સ્નેહબંધને બંધાયા હોય છે એટલે એમની નજરમાં એક જાતનો દટાયેલો કે છિન્નવિચ્છીન્ન થયેલો સ્નેહ પણ  ડોકાતો હોય છે. ક્યાંક તો વળી બચ્ચાંનું કોમળ અનુસંધાન પણ એમને પીડતું હોય છે, જે પરસ્પરથી વિછોડાવા માટે કોર્ટના આંગણે આવેલા બન્ને પક્ષકારોને પગે વજનદાર બેડીનું કામ કરે છે. ને આમ છતાં પણ ન્યાય પરંપરાની કેસ પતાવટની યાંત્રિક ઊતાવળને લીધે વિચ્છેદ થઇને જ રહે છે.સમાધાનની શક્યતાઓ તરફડતી હોય ત્યાં જ ટૂંપાઇ જાય છે.

કાયદામાં તો ન્યાયધીશો માટે એ હિદાયત છે કે આવા છૂટાછેડાનો કોઇ પણ  કેસ ચલાવતી વેળા તેમણે પતિ-પત્ની વચ્ચે સમાધાન (રિકન્સીલીએશન)ના પૂરેપૂરા પ્રયત્નો કરવા જોઇએ. આ સૂચનનું પાલન મોટાભાગના જજસાહેબો કરે છે, પણ કોઇ કોઇ કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે એવા પ્રયત્નો કેવળ એક ઔપચારિક વિધી પૂરો કરવા પૂરતા થતા હોય છે યા  બેમનથી (હાફ હાર્ટેડ્લી) થતા હોય છે.  એવા મામલે જ્યાં છૂટાછેડા નિવારી શકાય એવું હોય ત્યાં પક્ષકારોએ આવેશમાં આપેલી છૂટાછેડાની અરજી પણ કોર્ટ ઝટ ગ્રાહ્ય રાખી લે છે અને બે આશાસ્પદ જિંદગીઓનો  ભોગ લેવાઇ જાય છે અને જ્યાં બાળકોનો પ્રશ્ન હોય ત્યાં એ માસૂમોની  જીંદગી પણ ચૂંથાઇ જાય છે.

આવા માહોલમાં અમદાવાદની જજ મનહર મહેતાવાળી ફેમિલી કોર્ટની દિવાલો પર બેઉ પક્ષના મનમાં સુલેહના વિચારો પ્રેરે તેવા વિચારો આલેખવામાં આવ્યા હતા. એક તરફ દિવાલો પર ‘મોબાઇલ બંધ રાખવો’ કે ‘વાતચીત કરવી નહિં’ જેવા આદેશાત્મક પાટીયાં મારેલાં હોય છે ત્યાં એ જ દિવાલો પર ‘તમને પૂછો કે જ્યારે હું ગુસ્સે થાઉં છું ત્યારે તમારા પ્રેમપ્રસંગને યાદ કરો છો ?’ અથવા ‘બહાનાંબાજી નિષ્ફળતાની બિમારી છે’ અથવા ‘પ્રફુલ્લ સ્મિત સહ વિચાર કરો’,  ‘તમે  ખોટા છો તો તે સ્વીકારી લો’, ‘સુખ આપો, સુખ મળશે’,  ‘હું કડવી ભાષા ન વાપરું તો? મારી તકલીફો જો મારા ભાઇબંધને જણાવું તો? હું તમને ગુલાબનું એક ફૂલ આપું તો? મારી મુશ્કેલીને રેતીમાં લખું તો?..તમારી ભૂલોને ભૂલી જાઉં તો? …જેનો ઉકેલ નથી તે મુદ્દે સંમત થઈએ તો? તો ઘણા વિવાદનો અંત આવી જાય.’ જેવાં વાક્યો કોર્ટરૂમમાં બેઠેલા પતિ કે પત્નીના માનસ ઉપર પોઝીટીવ અસર પેદા કરીને બેઉ વચ્ચેના કંકાસનો-ક્લેશનો અંત આણી શકે અને છૂટાછેડા લેવાના છેલ્લા છેડાના અંતને કદાચ નિવારી શકે.

૨૦૧૭ના જાન્યુઆરીની ૩૧ મી જાન્યુઆરીએ જેમણે સેવાનિવૃત્તિ પ્રાપ્ત કરી એવા અમદાવાદની ફેમિલી કૉર્ટના પ્રિન્સિપાલ  ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનહર જે. મહેતાની કોર્ટ હેઠળ કુલ છ ફેમિલી કૉર્ટ્સ હતી. એમણે  આ પ્રયોગનો વિસ્તાર પણ કર્યો હતો. તેમણે પોતાના ખર્ચે ‘મારું જીવન હું બનાવું’  નામની બત્રીસ પાનાની એક સુંદર પુસ્તિકા પણ તૈયાર કરી હતી, જે તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની કૉર્ટના પગથીયાં ચડનારા સૌ કોઇને નિઃશુલ્ક વહેંચતા રહ્યા હતા. એમણે એ પુસ્તિકા મફત વહેંચવા માટે કેટલીક નકલો ‘સદ્‍વિચાર પરિવાર’ જેવી સંસ્થાને  ભેટ પણ આપી હતી. અને જે કોઇ સંસ્થા કે વ્યક્તિ પોતાના ખર્ચે એ છાપવા માગે તો એ માટે મંજૂરી પણ આપતા હતા અને હજુ પણ આપે છે. એમણે તો પોતાની ચેમ્બરમાં આવા કિસ્સાના લાભાર્થીઓની એક અભિપ્રાયપોથી પણ રાખી હતી, જેમાં અનેકોના આવા અનુભવો શબ્દદેહ પામ્યા હતા.

આ બધાનું સુંદર પરિણામ પણ જોવા મળ્યું હતું. ડિવોર્સ માટે આવનારા મુકદ્દમામાંથી દસથી પંદર ટકાએ પોતાના દાવા આ સમજાવટને પરિણામે પાછા ખેંચી લીધા હતા અને મહેતાસાહેબને પિતાતુલ્ય સમજીને એમનો આભાર પણ માન્યો હતો. એક કેસમાં તો ડિવોર્સની કન્સેન્ટ ડીક્રી થઇ ગયા પછી પણ એક દંપતિએ તે રદ કરાવીને સાથે રહેવાની મંજૂરી માગી હતી.

આંકડાની રીતે વાત કરીએ તો પોતાના હોદ્દાની ૮૬૫ દિવસની કામગીરીમાં એમણે ૫૧૩૫ ચુકાદાઓ આપ્યા હતા અને ઓછામાં ઓછા બે હજાર ઘર તૂટતાં બચાવ્યાં હતાં.

ન્યાયાધીશના પદ પરથી નિવૃત્ત થયા પછી પણ મનહરભાઇ આ સદ્‍પ્રવૃત્તિ જારી રાખવા માગતા હતા. ડિવૉર્સ માટે પ્રવૃત્ત થતા દંપતિનું આવું કાઉન્સલીંગ તો કરવા માગતા જ હતા અને માત્ર પરિણિત દંપતિ સુધી જ નહિં પણ એનો વ્યાપ લગ્નોત્સુક જોડાં સુધી અને એથી આગળ વધીને એમના વડિલો અને ડિવોર્સ લેવા ચાહનારાના વડિલો સુધી પણ વધારવા માગતા હતા.  અને એટલે જ એમણે પોતાની નિવૃત્તિની  સાથોસાથ એ પ્રવૃત્તિ પણ છોડી ન દીધી, કારણ કે એમને તો એમ પણ લાગતું હતું અને સાચી રીતે જ લાગતું હતું કે એમના જેવા બીજા સમવિચારકો ભેગા મળે તો આ પ્રવૃતિને એક સેવાકીય સંસ્થાનું રૂપ પણ આપી શકાય.

અને ખરેખર એમણે એ કરી બતાવ્યું !

પણ એ સવાલનો જવાબ મેળવતાં પહેલાં એમના પરિવારની અને એમની જજ તરીકેની કારકિર્દીની પશ્ચાદ્‍ભૂ પણ જાણવી જરૂરી છે.

નિવૃત્ત જજ મનહરભાઈ જયેન્દ્રભાઈ મહેતાનું વતન જૂનાગઢ છે અને એમના પિતા જનુભાઇ તરીકે ઓળખાતા હતા. અને જુનાગઢને અડીને આવેલા મજેવડી ગામમાં ગ્રામ પંચાયતના મંત્રી તરીકેની સામાન્ય નોકરી કરતા હતા. મનહરભાઈની જન્મતારીખ 19-1-57 છે. અને તેઓ જ્યારે માત્ર ત્રણ વર્ષના હતા અને મજેવડીને સાવ ઘસાઇને પસાર થતી ઉબેણ નદીમાં ઘોડાપુર આવ્યું ત્યારે પિતા જનુભાઇએ અને એમનાં પત્ની મૃદુલાબહેને મનહરભાઇ માત્ર ત્રણ વર્ષના હતા છતાં પણ આખા ગામની સેવા કરી હતી, અનેકોના જીવ બચાવ્યા હતા અને ગાંઠના ખર્ચે પૂરપીડિત ગ્રામજનોની ભોજનસેવા કરી હતી.

(નિવૃત્ત જજ મનહર મહેતા)

આવા સેવાભાવી પિતાના પુત્ર મનહરભાઇમાં પણ સેવાના આ સંસ્કાર ઉતર્યા. કાયદાનું ભણ્યા અને ૧૯૮૦માં તેમણે તેવીસ વર્ષેની ઉમરે જ્યુડિસરીમાં છએક મહિના વકિલાત કરીને કાયદાની કારકિર્દીનો આરંભ કર્યો. એ વખતે વકીલાતનો પૂરતો અનુભવ લીધો હોય તેમને જ જસ્ટિસની પદવી પર નિમણુંક આપવાની પ્રથા હતી. પરંતુ જસ્ટિસ દિવાનના સૂચન મુજબ તે પ્રથાને બદલે તેજસ્વી નવલોહિયાઓને પણ એવી તક આપવાની પૉલિસી અમલમાં આવી. એટલે સદ્‍ભાગ્યે મનહરભાઇને જ્યુડિસીયલ મેજીસ્ટ્રેટ તરીકે નિમણુંક મેળવવા માટે વકિલાતની બહુ પ્રેક્ટિસ કરવાની જરૂર ન પડી. પરિણામે સાલ ૧૯૮૧માં તેમને સર્વ પ્રથમ નિમણૂંક રાજકોટ ખાતે મળી. જો કે, એ કંઇ પુરુષાર્થ વગરની પ્રાપ્તિ નહોતી. ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન દ્વારા પૂરી પિસ્તાલીસ મિનિટ સુધી એમનો ઈન્ટરવ્યુ લેવાયો હતો. જસ્ટિસ નારણભાઇ ભટ્ટ નામના નામાંકિત અને વિદ્વાન જજ દ્વારા કડક પરિક્ષણ પછી એમની પસંદગી થઇ હતી. નિમણૂંક પછી રાજકોટમાં તેમણે દોઢેક વર્ષ કામ કર્યું અને પછી સિવિલ જજ સિનિયર ડિવિઝનના પદ પર તેમની બદલી ગાંધીનગર થઈ તરીકે. અને પછી ઉંચી પાયરીનું પ્રમોશન એમને દ્વારકાથી મળ્યું અને જામનગરના સિવિલ જજ સિનિયર ડિવિઝન તરીકે પણ. એ પછી ૨૦૦૧માં તેમને મોરબીના ડિસ્ટ્રીક્ટ જજ તરીકે પ્રમોશન મળ્યું. એ દરમિયાનની એમની કામ કરવાની તત્પરતા, કુશળતા, વિધેયાત્મકતા અને વિશેષ તો સમાજલક્ષિતાને લીધે તેમને ૨૦૧૩માં અમદાવાદમાં ફેમિલી કોર્ટના પ્રિન્સીપલ જજ તરીકે પોસ્ટીંગ મળ્યું.

આ અરસામાં ત્યાં તેમના પોતાના પરિવારમાં એક સંસારભંગની એક એવી અપ્રિય ઘટના બની ગઇ કે એનાથી વિચલિત થવાને બદલે એ ઘટનામાંથી સારતત્વ પામીને તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે પોતે આ પદ પર રહીને સારાં-પોઝિટિવ કામ કરી શકે .મનહરભાઇનાં એક પુત્રી લોપાબહેન વ્યાસ, કે જેઓ રાજકોટની પ્રતિષ્ઠિત એવી રાજકુમાર કોલેજમાં બાળકો માટેનાં કો-ઓર્ડિનેટર છે તેઓ પણ પિતાના આ ધ્યેય બલકે મિશનમાં સહાયરુપ થવા આગળ આવ્યાં. કારણ કે એ મનોવિશેષજ્ઞની પદવી ધરાવે છે અને બીજાં પુત્રી એડ્વોકેટ પૌલોમીબહેન પણ લગ્નવિચ્છેદને આરે આવી ઉભેલા યુગલોનું કાઉન્સેલિંગ કરીને તેમને એ વિનાશક માર્ગેથી પાછા વાળવાના કાર્યમાં પિતાને સહાયરૂપ થાય છે. સાથોસાથ મનહરભાઇનાં પત્ની માયાબહેન પણ આવા મામલે સ્ત્રીઓનું કાઉન્સેલિંગ કરવામાં પતિની પડખે ઉભાં રહે છે. બેશક, કાયદાના આદેશ અનુસાર ફેમિલી કોર્ટે છૂટાછેડા માટે કોર્ટના આંગણે આવતા દરેક દંપતિને એ માર્ગેથી પાછા વાળવાનો અને સમાધાનને માર્ગે વાળવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવાનો હોય છે અને ન્યાયની અનિવાર્ય પ્રક્રિયાના એક ભાગરૂપે ન્યાયાધિશો એનું પાલન પણ કરતા હોય છે, પરંતુ મોટા ભાગના મામલે તેમના માટે પણ આ એક રોજિંદી ઘટમાળ બની રહેતી હોવાથી એ જોગવાઇનું પાલન પણ યાંત્રિક રીતે થતું જોવા મળે છે, એવો સૌનો અનુભવ છે. પરંતુ હવે મનહરભાઇએ પોતાની બન્ને પુત્રીઓ અને પત્ની સાથે મળીને એને એક મિશનનું રૂપ આપી દીધું અને એમાં એમને સારી એવી સફળતા પણ મળી. એથી આગળ વધીને એમણે પોતાના કાર્યકાળ દરમિયાન જ આવા મામલાઓને સ્પર્શતા સુવાક્યોની એક નાની એવી પુસ્તિકા પણ પોતાના ખર્ચે તૈયાર કરી અને જે કોઈ કોર્ટમાં કેસ આવે એના પક્ષકારોને અને એમની સાથે આવેલાઓને એ પુસ્તિકા નિઃશુલ્ક આપવાનો એક વણલખ્યો નિયમ જ કરી દીધો. કોઇ કોઇ અલ્પશિક્ષિત વ્યક્તિ હોય તો એને એ વાક્યોનો મતલબ હસીને જાતે સમજાવવામાં પણ એમની પદવી, એમનો હોદ્દો કે કોઇ પ્રોટોકોલ એમને નડતા નહીં.

આ પ્રયોગ ધાર્યા બહાર સફળ થયો. એક કાચી ગણતરી એવી છે કે આ રીતે લગભગ બે હજાર જેટલા વિચ્છેદના કિસ્સાઓમાં એ અટકાવવામાં એમને સફળતા મળી. મોટે ભાગે એવા મુકદ્દમાઓ એમની કોર્ટ દ્વારા ઉકેલાઇ ગયા અથવા અરજદારો પોતાના કેસીસ પાછા ખેંચી લીધા હોય, અને પતિ-પત્ની બન્ને એ સુખદ સહજીવન ફરી શરુ કર્યું હોય.

એમની કારકિર્દી દરમિયાન અનેક વાર એવા વિશિષ્ટ કિસ્સા પણ જોવા મળ્યા કે મનહરભાઇની આવી સમજાવટની અસર પાછળથી થઇ હોય. સમજાવટની અસર કારગર ન નીવડી હોય અને છૂટાછેડાનો હુકમ કાયદા અનુસાર એક જજ તરીકે મનહરભાઇની કોર્ટે કરી જ દીધો હોય, પણ એ પછી પેલા સુવાક્યો અને સમજાવટ એની અસર દેખાડે અને પતિ- પત્ની નક્કી કરે કે ના, અમારે છૂટા પડવું નથી પણ સાથે જ રહેવું છે. ક્યારેક એવું પણ બન્યું છે કે ભલે, છુટા પડી જાય તો પડી પણ જાય પણ મનમાં પરસ્પર કોઇ દુર્ભાવ કે ખટરાગ સાથે નહીં. આમ એક પોઝિટિવ અને પ્રયોગશીલ ન્યાયાધીશ તરીકે મનહરભાઇને સફળતાની એવી લાગણી થઇ કે આ વિચારણામાં એક મિશન તરીકે આગળ વધવું જોઈએ.

વર્ષો સુધીના આવા સેંકડો અને અનેકવિધ અનુભવો પરથી મનહરભાઇને આવી નાજુક બાબતમાં બન્ને પક્ષ સાથે કેવી કેવી રીતે કામ પાડી શકાય એ સમજાઇ ગયું હતું. અત્યારે તો સમય અને પારિવારિક અને સામાજિક ઢાંચો બદલાયો છે. સંયુક્ત પરિવારોની જગ્યાએ માઈક્રો ફેમિલી પરિવાર એટલે માત્ર પતિ-પત્નીનું જ એક એકમ.  એમાં બાળકો પણ પુખ્ત થાય એટલે જુદાં રહેવા માંડે એવું એકમ અસ્તિત્વમાં આવતું જાય છે. એનું દુષ્પરિણામ એ આવ્યું છે કે ઘરમાં વડીલો કે તેમના સિવાયની પણ કોઇ ત્રીજી વ્યક્તિ નથી કે જે પતિ-પત્નીના ટકરાવમાં મધ્યસ્થી બને યા એમને સલાહસૂચનકે માર્ગદર્શન આપે. આને કારણે લગ્નવિચ્છેદ એક આવેશ અને ઉતાવળીયા નિર્ણયના પરિણામ જેવા અને બહોળા પ્રમાણમાં બની રહ્યા.

બાકી કોઇ કોઇ કિસ્સાઓ એવા પણ હોય છે કે જેમાં લગ્નજીવન તૂટી પડવાનું નક્કી જ હોય અને એમાં સમાધાન કે મેળ-મિલાપ થવાનો કોઇ જ અવકાશ નથી હોતો ..એવા કિસ્સા કે જેમાં પતિ-પત્ની વચ્ચે ફરી કોઇ સુમેળ સ્થપાવાનો લેશ માત્ર અવકાશ નથી હોતો એવા કેસીસમાં તેમની છૂટાછેડાની અરજીનો ફેંસલો લાવવામાં જરા પણ વિલંબ ન થવો જોઇએ તેમ મનહરભાઇ માનતા હતા અને તેમ જ વર્તતા  હતા. કારણ કે તેઓ એમ માને અને સમજે છે કે એમાં જો પક્ષકારોની ઉંમર હજુ યુવાન હોય તો આવો વિચ્છેદ મેળવવામાં થતો વિલંબ બન્ને પક્ષ માટે અન્યાયકર્તા છે અને બન્નેના ભાવિને વિના વાંકે રુંધનારો છે.

વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા પછી પણ મનહરભાઇએ આ શુભ પ્રવૃત્તિ જારી રાખી છે. એ કાર્ય તેમના માટે નિવૃત્તિની પૂર્ણ સમયની પ્રવૃત્તિ બની રહી છે. આજે પણ રૂબરુ તો ખરું જ, પણ કોઇ તેમના ટેલિફોન પર પણ તેમના આ મિશન સાથે સુસંગત એવું માર્ગદર્શન માગે તો આપવા તેઓ તત્પર હોય છે. એમની સલાહ બેશક વિધેયાત્મક જ હોય છે, પણ જ્યાં તેમને એમની સમસ્યા સાંભળ્યા પછી એનો કોઇ રીતે સુખદ નિકાલ થઈ શકે તેમ નથી તેવી પ્રતીતિ થાય તો એમને એવી સલાહ પણ આપે છે કે હવે નિઃશંકપણે તમારે બન્નેએ છૂટા પડી જવું જરૂરી છે.

મનહરભાઇને આટલા વિપુલ અનુભવ પછી લાગે છે કે પોતાના જેવી એકલદોકલ વ્યક્તિ ઉપરાંત સંગઠિત સ્વરુપે-કોઇ સંસ્થા કે સમાન ધ્યેય ધરાવતા લોકોનું જુથ બનાવીને આવી પ્રવૃત્તિ મોટા પાયે થવી જોઇએ. એવું થશે તો જે લોકો કોઇ વચેટીયાઓ પાસે અથવા એવા કોઇ તકસાધુ વકિલો પાસે જઇને સમય, નાણાં અને તે ઉપરાંત પોતાની અંગતતા (પ્રાઇવસી)ની બરબાદી નોંતરે છે તે મહ્દ અંશે અટકી જશે. છૂટાછેડાના કિસ્સા કેવળ શ્રીમંત વર્ગમાં જ હોય છે એવું નથી હોતું. તદ્દન મધ્યમ અથવા નિમ્ન આર્થિક સ્તરના લોકોમાં પણ આવા કિસ્સાઓ વ્યાપક પ્રમાણમાં આકાર લે છે અને તેવા સંજોગોમાં જો મનહરભાઇએ આદરી છે એવી કોઇ સુખદ સમાધાનના પ્રયત્નોની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય તો લોકોએ વકીલોનો આશરો લેવો પડે છે અને એમાં ક્યારેક એવું પણ બને છે કે પેટે પાટા બાંધીને જીવતા લોકો વકીલોની ફી પણ ચૂકવવાની આર્થિક ક્ષમતા ધરાવતા હોતા નથી. અને વળી એવું પણ બનતું જોવામાં આવ્યું છે કે મોટા વકીલોના ખોફને કારણે લોકો પોતાની મુશ્કેલી ખુલ્લા દિલથી તેમની આગળ મૂકી પણ શકતા નથી.

મનહરભાઇ એમ માને છે કે સમાજની વાસ્તવિક સેવા કરવાનો આ તરીકો બહુ ઉત્તમ છે. જે લોકો પોતે સમાજને કંઈ પ્રદાન કરવું છે એવી ભાવના સેવે છે અને એ પરત્વે કટિબધ્ધ પણ છે તેમને માટે આ એક પવિત્ર અને રચનાત્મક સેવાપ્રવૃત્તિ છે. લોકોને જેટલી આવશ્યકતા રોટી, કપડાં અને મકાનની છે તેટલી જ જરૂર ન્યાયપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવનની પણ છે.

કદાચ કોઇ વ્યક્તિ પોતાના સમયવ્યયની સામે વાજબી ફી લઈને કામ કરવા ઈચ્છતી હોયતો તેણે પ્રમાણિક ફી લઈને પણ આ કામ કરવું જોઈએ. મનહરભાઇએ પોતાની લાંબી કારકિર્દી દરમિયાન એ પણ જોયું છે કે ઘણા કિસ્સાઓમાં કેટલાક માનવતાવાદી વકીલોએ એક પણ પૈસો ફી લીધા વગર લોકોનાં આવાં કામ કરી આપ્યાં છે.

(નિવૃત્ત જજ શ્રી મનહર મહેતા અત્યારે ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર સ્ટેટ કમિશનની અંદર જજ તરીકે ફરજ બજાવે છે. એમાં એક પ્રેસિડન્ટ જજ હોય અને બીજી ડિવિઝન બેંચ હોય. આ કમિશન જીલ્લા લેવલે કામ કરે છે.)

નિવૃત્ત જજ શ્રી મનહર મહેતાનો સંપર્ક: મોબાઇલ- +91 98252 13273 /  ઇમેલ:  9825213273mj@gmail.com


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

14 thoughts on “એક નિવૃત્ત જજની જે વૃત્તિ હતી તે હવે પ્રવૃત્તિ બની છે

 1. લેખ ની વિગતો ખૂબ ગમી.ઇગો સમગ્ર જીવન ને બરબાદ કરે છે એ વાક્ય ગમ્યું

 2. વાહ, ખુબજ માયાળુ અને ઉમદા વ્યક્તિ દ્વારા થતા ઉમદા કાર્ય અંગે ઉત્તમ લેખ- અભિનંદન – ધન્યવાદ 🙏

 3. I know personally Manohar Maheta Sir. He is very down to earth judicial officer n very sensible judge. We have lived nearby in same building/block in Rajkot.

 4. વાહ રજની કુમાર પંડયા,
  વેબ ગુર્જરી ની શ્રેણી માં નિવૃત જજ ની પ્રવૃતિ ” જેવા ખૂબ ઉત્તમ વિષય ની માહિતી ને સુંદર અને સરસ રીતે રજૂ કરી અને ” આ દ્રષ્ટાંત ને સમાજ માં દરેક વ્યક્તિ એ પોતાની સૂજબુજ થી અપનાવવું રહ્યું..
  I quote….
  To have an IMPACTFUL service activity, to leave a mark on community or on society…..
  POLITE… PURE… , SELF DISCIPLINED…,
  COMPASSIONATE qualities one should exhibit.. 🙏

 5. ન્યાયાધીશ શબ્દ ને સાચા અર્થમાં ચરિતાર્થ થતા અમે મનહરભાઈ માં નઝરે જોયો છે. શ્રી રજનીકુમાર પંડ્યા સાહેબ ની કલમે આ નોંધ્યું તેનો આનંદ છે. આત્યારે વ્યવસાયિક જીવન માં વ્યક્તિ ને જેમ કાતિલ હરીફાઈ નો યુગ ચાલી રહ્યો છે તેમ કેટલાક કુટુંબ પરિવાર માં પણ વ્યક્તિગત કોમ્પિટિશન નો સામનો કરવો પડી રહ્યો છે. કોમ્પ્રોમાઇઝ શબ્દ હવે શબ્દ કોષ માં જોવા મળી રહ્યો છે. જતું કરવા ની કૌટુંબિક ભાવના મૃત:પાય થતી જાય છે ત્યારે મનહરભાઈ નું આ મિશન સફળ થવું ખૂબ જરૂરી છે.

 6. His Highness Mr. Manhar Mehta has proved by his own example that a good judge, like a physician, should essentially be compassionate and interpret the laws in their spirit, not in letters. Laws are meant for humans, not vice versa. Salutes to Shri Manhar Mehta for taking extra care to go into the roots of the problem and convince both the parties to remain united rather than seated. Rare attribute to be found in most law men.

 7. Mehta Sir is one of the most professional & healping judicial officer I have met..
  As a person he is very supportive ,humble, God fearing and down to earth human being….
  I pray for his happy, healthy & Successful life ahead…
  Rajeev Pathak

 8. Perfect narration of honorable Mehtasaheb’s life and judicial services, which I personally know.
  God give him and his family healthy and long happy life, so they may fulfill their aims public may get benefits for their happy familiar life.

Leave a Reply

Your email address will not be published.