નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૨

ભગવાન એટલો નગુણો નથી કે બધું ભૂલી જાય

નલિન શાહ

માનસીને કન્સલ્ટિંગ રૂમની જગ્યા માટે બહુ તપાસ ના કરવી પડી. દોઢ-બે માઈલના અંતરે આવેલા પાર્લાની પોલીક્લિનિકમાં એની પસંદની જગ્યા મળી ગઈ. મધ્યમ વર્ગનો ઇલાકો હતો. જો કે,  તવંગરોનાં રહેઠાણ બહુ દૂર નહોતાં. ઘણી ખરી ફિલ્મી હસ્તીઓનાં રહેઠાણ પણ નજદીકના જુહુ વિસ્તારમાં હતાં.

પહેલું કામ માનસીએ દૂરનાં અંતરે આવેલી કે.ઈ.એમ. સાર્વજનિક હોસ્પિટલ સાથે સંકળાવવાનું કર્યું. ઘર અને ક્લિનિકની મધ્યમાં આવેલી પ્રખ્યાત નાણાવટી હોસ્પિટલમાં પણ એની લાયકાતના આધારે એટેચમેન્ટ મેળવવામાં કોઈ મુશ્કેલી ના પડી. આજુબાજુના વિસ્તારના જનરલ પ્રેક્ટિશનરોને પણ પોતાના ઓળખાણપત્રો મોકલ્યા ને જ્યાં જરૂર લાગી ત્યાં પ્રત્યક્ષ મુલાકાતો પણ કરી. વ્યવસાયની શરૂઆત માટે આ બધી ક્રિયા બહુ જરૂરી હતી.

વ્યાવસાયિક જિંદગીની શરૂઆત કરવા કોઈ પણ ઔપચારિક વિધિ કરવાનું માનસીએ જરૂરી ના સમજ્યું. એ જાણતી હતી કે પરાગે જોનારને આંજી દે એવા એવા કન્સલ્ટિંગ રૂમનું ઉદ્‌ઘાટન શહેરની કેટલીક નામાંકિત વ્યક્તિઓની હાજરીમાં એક પ્રખ્યાત ફિલ્મ તારિકાને હસ્તક કરાવ્યું હતું ને છાપાંમાં ખબરરૂપે છપાયું પણ હતું. જ્યારે માનસીએ ટકોર કરી ત્યારે પરાગે કહ્યું, ‘માલની ગુણવત્તા કરતાં એની ઇમેજ વધુ કામ કરે છે ને ઇમેજ પેદા કરવા આ બધું જરૂરી હતું.’

પાર્લામાં ક્લિનિકની શરૂઆત કરવા માનસીએ કોઈને નહોતાં આમંત્ર્યાં, ધનલક્ષ્મી અને પરાગને પણ નહીં. એણે કેવળ સુનિતાને વિનંતી કરી હતી કે શુકન રૂપે એની ક્લિનિકમાં પહેલું પગલું એ મૂકે ને એની ખુરશીમાં સ્થાન ગ્રહણ કરે. જે કામ એ એની નાની પાસે કરાવવાની હતી. સુનિતાએ બહુ સંકોચ અનુભવ્યો પણ માનસીની માંગણીને ઠુકરાવી ન શકી.

સુનિતા અંદર દાખલ થઈ ને એની પાછળ માનસી અને ફિલોમિનાએ પ્રવેશ કર્યો. કન્સલ્ટિંગ રૂમ નાનો પણ સુઘડ હતો. એક દીવાલ પર ફૂલનો હાર ચઢાવેલો નાનીનો ફોટો હતો ને એની સામેની બાજુ શશી અને સુનિતાનું સાથે એક તૈલચિત્ર હતું, જે રાજુલે માનસીની ઇચ્છા મુજબ ભેટરૂપે બનાવ્યું હતું. માનસીએ સુનિતાને માનથી એની ખુરશીમાં બેસાડી ને એ ફિલોમિના સાથે સામેની ખુરશીઓમાં બેઠી. ‘સુનિતાબેન’ માનસીએ કહ્યું, ‘હું નસીબદાર છું કે મને આ રૂમ મળ્યો. જ્યાં વર્ષો પહેલાં આંખના નિષ્ણાત ડૉક્ટર દવે બેસતા હતા. મને બરાબર યાદ છે હું કદાચ દસ વર્ષની હોઈશ. નાની મારી આંખ બતાવવા અહીં લાવ્યાં હતાં. એને ડૉક્ટર દવે પર બહુ વિશ્વાસ હતો પણ એ નાનીને નહોતા ઓળખતા. જ્યારે નાનીએ ફી માટે પૂછ્યું ત્યારે એમણે કહ્યું રૂપિયા પચ્ચીસ અથવા શક્તિ મુજબ જે આપી શકે તે અને કશુંયે ના અપાય તો ફિકર ના કરે. તે વેળા કન્સલ્ટન્ટોનો ચાર્જ લગભગ એટલો જ હતો. નાનીએ તો પૂરા પૈસા આપ્યા પણ કુતૂહલવશ પૂછ્યું કે પૈસાપાત્ર માણસો પણ શું પૈસા બચાવવા ગરીબાઈનો ડોળ નહોતા કરતા? ત્યારે તેમણે હસીને કહ્યું હતું, “શક્ય છે. હું તો કેવળ મારા અંતરાત્માને જવાબદાર છું, એમના નહીં.” હું એ વાત કદી નથી વીસરી. મને ત્યારે સપનામાં પણ ખ્યાલ નહોતો એવો, જેને સાચ અર્થમાં મસીહા કહેવાય, ડૉક્ટરની ખુરશીમાં બેસવાનો યોગ આવશે. મને આશીર્વાદ આપો કે હું ભલે પૈસાપાત્ર ના થઉં, પણ મારા શિક્ષણને કદી ના લજવું.’

સુનિતાએ ઊભી થઈ એને ગળે વળગાડી, ‘આશીર્વાદ તો ઉપરવાળો આપે. હું તો તારા માટે કેવળ પ્રાર્થના કરીશ ને સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ નહીં જાય.’

****

મોટા ઘરની ડૉક્ટર વહુ એક સામાન્ય પોલિક્લિનિકમાં બેસે જ્યારે એના ડૉક્ટર પતિના ધનાઢ્ય ઇલાકાઓમાં વિશાળ કન્સલ્ટિંગ રૂમો હોય એ લાગતાં-વળગતાં લોકો માટે અચરજનો વિષય હતો. કન્સલ્ટેશન માટે પોલિક્લિનિકમાં જગ્યા લેતી વખતે ઘરમાં કોઈને પણ પૂછવાની કે જણાવવાની માનસીને જરૂરી ના લાગ્યું. જ્યારે ખબર પડી ત્યારે પરાગને આ યોગ્ય ન લાગ્યું, પણ સમજીને ચૂપ રહ્યો. ધનલક્ષ્મીએ ભવાં ચઢાવ્યાં, ‘મને કહ્યું પણ નહીં કે આવીને કળશ મૂકો કે રીબન કાપો. એનો તો કોઈ ભાવ પણ પૂછતું નહીં હોય એટલે તો ચૂપચાપ જઈને બેસી ગઈ!’ એની સહેલીઓએ તો કટાક્ષમાં ચોખ્ખું કહ્યું, ‘તારી વહુને પણ તાબામાં નથી રાખી શકતી એ જ વિસ્મયકારક કહેવાય.’ ત્યારે ધનલક્ષ્મીને માનહાનિ થઈ હોય એવું લાગ્યું. પોતાની લાચારી છુપાવવા એણે સામે સંભળાવ્યું, ‘મારી વહુ તો શિષ્ટાચાર પણ સાચવે છે ને પહેરવા ઓઢવામાં કુટુંબને છાજે એવી ઢંકાયેલી રહે છે, જ્યારે તમારી વહુઓ તો કપડાં પહેર્યાં હોય તો યે ના પહેર્યાં હોય એવું લાગે છે તો તમે કેમ એને તાબામાં નથી રાખતાં?’

ધનલક્ષ્મીની તીતલી જેવી સહેલીઓમાંથી એક બોલી, ‘એ તો તું ગામડામાં ઊછરી છે ને એટલે તને ના સમજાય. આજકાલની ફેશનમાં તું શું સમજે? ફાઈવસ્ટાર હોટેલની પાર્ટીઓમાં એવાં જ કપડાં શોભે. ફેશનેબલ વહુઓ તો અમારાં ઘરોનો મોભો કહેવાય. એ તો આપણા સંબંધના કારણે તને સાહજિક પૂછ્યું. દરેક માણસને એનાં સમાજ, ભણતર ને મોભા પ્રમાણે પહેરવા-ઓઢવાનો ને બોલવા-ચાલવાનો અધિકાર છે – એમ અમે પણ ખુદને સુધરેલાં માનીએ છીએ – એટલે વહુઓને તાબામાં રાખવાનો સવાલ જ ઉદ્‍ભવતો નથી. ને જરા આટલું પૂછ્યું એમાં ખોટું શું લગાડવાનું? હવે અમારી પણ ઉંમર થવા આવી એટલે હાર્ટના પ્રોબ્લેમ ક્યારે ને ક્યારે તો થવાના ત્યારે તારી વહુ પાસે જ જઈશું. સાંભળ્યું છે કે બહુ હોંશિયાર છે?’

‘મારો દીકરો પણ ઓછો હોશિયાર નથી.’ ધનલક્ષ્મીએ સામે પરખાવ્યું.

‘એ તો હોય જ ને! એટલે તો પસંદગી ઊતરી હશે એકબીજા પર.’

વાતોમાં કડવાશ ઓછી કરવા બીજી એકે વાતને વળાંક આપ્યો ને હંમેશ મુજબ ચા-નાસ્તા સાથે આડીઅવળી વાતો કરી સૌ વિખેરાયાં.

ધનલક્ષ્મી એકલી પડી વિચારતી રહી. એ નહોતી ભૂલી કે એ પોતે કોડભરી નવી વહુનાં રૂપમાં ઘરમાં આવી હતી ત્યારે એ વેળાનું પ્રચલિત ગીત ‘ઓ ભાભી, તમે થોડાં થોડાં થાવ વરણાગી’ સાસુની ગેરહાજરીમાં છાનીમાની ચાવીવાળાં વાજાં પર સાંભળીને રાજીના રેડ થતી હતી. સાસુના અત્યાચારથી રિબાઈ રિબાઈને જીવતી ધનલક્ષ્મી આઝાદ જિંદગી જીવવાનાં સપનાં સેવતી હતી પણ વરણાગી થવાના કોડ પૂરા ન કરી શકી, એટલું જ નહીં પણ દીકરો પરણે એટલે દેવલોક પામેલાં સાસુનાં પગલે ચાલી સાસુપણું ભોગવવાના કોડ પણ અધુરા રહ્યા. એને માનસી પ્રત્યે ઘૃણા હોવા છતાં એના વર્તનને એ ઉદ્ધતાઈમાં ખપાવી શકે તેમ નહોતી. માનસી ઓછાબોલી હતી,પણ એનું વ્યક્તિત્વ જ એવું હતું કે સામાને ઝાખાં પાડી દે, એમાં એનો દીકરો પણ અપવાદ નહોતો. એટલે એને વહુ વિરુદ્ધ ઉશ્કેરવાનો સવાલ પણ નહોતો ઉદ્‌ભવતો. ધનલક્ષ્મીને એક વાત તો નછૂટકે સ્વીકારવી પડી કે આજના યુગની કેટલીક વરણાગી સ્ત્રીઓની સરખામણીમાં માનસીની રીત-ભાત ને હાલ-ચાલ સામેવાળાને આદરણીય લાગ્યા વગર નહોતાં રહેતાં.

વિચારોમાં ગરકાવ થયેલી ધનલક્ષ્મીને અચાનક ધ્યાનમાં આવ્યું કે પરાગની જમવાની થાળી હજી એમની એમ ઢાંકેલી પડી હતી. આજે પરાગ જમવા પણ નહોતો આવ્યો. બપોરથી એની સહેલીઓ સાથે વાતોમાં એને પરાગનો વિચાર પણ નહોતો આવ્યો. પ્રેક્ટિસની શરૂઆત ઘણી આશાસ્પદ હતી. દિવસે દિવસે કામની માત્રા વધી રહી હતી. હૃદયરોગની બીમારીનો ભોગ બનેલા દરદીઓને એક નિષ્ણાત સર્જન તરીકે પરાગના નામની સિફારિશ કરવામાં અન્ય ડૉક્ટરોને પણ આર્થિક ફાયદો થતો હતો.

પરાગની વ્યાવસાયિક સફળતાની કલ્પનામાં રાચતી ધનલક્ષ્મી વિચારોમાં ખોવાઈ ગઈ. ‘જ્યારથી ધંધાની શરૂઆત કરી ત્યારથી જ ઘરાકોમાં અટવાયેલો રહે છે. ઘરે જમવા આવવામાં એ કલાક બગડે એમાં એ કદાચ પચાસ હજાર – લાખનું નુકસાન થતું હશે. મુંબઈમાં હોટલોનો ક્યાં તોટો છે! મંગાવી લેતો હશે ખાવાનું ક્યાંકથી ને ક્યાંકથી. સવારથી રાત સુધી બસ કામ ને કામ. આને કહેવાતું હશે સેવાનું ફળ. મેં ભગવાનની મૂર્તિઓને પંચામૃતથી નવડાવી છે. વાઘા પણ પહેરાવ્યા છે. દેશી ઘીની મોંઘીદાટ મીઠાઈઓના થાળ પણ ધર્યા છે ને સમયસર પોઢાવી પણ દીધા છે. ભગવાન એટલો નગુણો નથી કે આ બધું ભૂલી જાય.’ ધનલક્ષ્મી મનમાં મલકાઈ ગઈ ત્યાં જ મગજમાં વહુનો વિચાર સ્ફુર્યો – ને મન ખાટું થઈ ગયું, ‘કહેવાય છે કે એ હોંશિયાર છે. જો હોંશિયાર હોત તો ઘરેથી રિક્ષામાં જઈ એક મામૂલી દવાખાનામાં ન બેસત!  બપોરે જમવા આવવાનો પણ ટાઇમ છે ને જમીને ચોપડીનાં થોથાં લઈ પલંગ પર લંબાવે છે. જ્યારે એનાં દવાખાનામાં કોઈ આવતું નહીં હોય ત્યારે જ આટલી ફુરસદ મળતી હશે ને! જ્યારે સવારે પૂજા કરવાનું ને બે – ચાર શ્લોકો બોલવાનું કહીએ તો કહેશે હું એવી વિધિઓમાં માનતી નથી કે નથી મારી પાસે એટલી ફુરસદ. શું ભગવાન આ બધું જાણતો ના હોય? ભોગવશે એ એનું કરેલું; મારે શું? છે પાછી એક મામૂલી નર્સની છોકરી પણ માથાની ફરેલ એવી કે જાણે કોઈ રાજઘરાણામાંથી ના આવી હોય! મારા ભોળા દીકરાને પણ ભરમાવ્યો. એને બચાડાને શું ખબર કે હલકા વરણની છોકરીઓના આવા જ ધંધા હોય; કોઈ ધનવાનના છોકરાને ફસાવવાના.’

વહુથી નિરાશ થયેલી ધનલક્ષ્મી દીકરાની સફળતાનો વિચાર કરતાં પ્રફુલ્લિત થઈ ઊઠી. એના ધાર્યા મુજબ કુટુંબની સંપત્તિમાં વધારો થઈ રહ્યો હતો. ‘ન સમયે જમવાની ફુરસદ, ન આરામનો સમય. હોય એ તો; કમાવાની ઉંમર છે તો કમાય છે પણ આ વહુ! ભગવાન જાણે શુંયે કરે છે!!’

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.