શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૮થી ૧૯૬૦

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નો સ્વભાવ સહજ લગાવ લોકસંગીત તરફ હતો, જે તેમનાં સંગીતમાં માધુર્યભરી સુરાવલિઓમાં ઉતરી આવતો જણાય. તે ઉપરાંત પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત, અને ખાસ કરીને તેની  એક સાથે અનેક વાદ્યોને વાદ્યવૃંદમાં સાંકળીને બનતી સિમ્ફનીના તેમના અબ્યાસની અસર તેમની  ધુનને વધુ સમૃદ્ધ બનાવી રહેતી. તેઓ ઘણાં બધાં વાદ્યોને નિપુણતાપૂર્વક વગાડી શકતા. એમ કહેવાય છે કે તેમને કોઈ પણ નવું વાદ્ય આપવામાં આવે તો તે પણ તેઓ ખુબ આસાનીથી વગાડી બતાવી શકતા. તેમની ધુનોમાં ફિલ્મ સંગીત માટે લગભગ આવશ્યક ગણાતી સરળતા ન હતી, પણ તેમણે રચેલી ધુનોમાંથી પ્રગટતી ભારતીય લોક સંસ્કૃતિની સંવેદના અને પાશ્ચાત્ય સંગીતની વાદ્યવૃંદની સુબદ્ધતા સામાન્ય શ્રોતા તેમ જ વિવેચકોને પણ પોતાના ભાવમાં વહેતી કરી શકતી..

તેમનું સંગીત અમુકતમુક ઘરેડમાં તો ક્યારેય ન જ ઢળ્યું, પણ તેમની પોતાની આગવી શૈલી પણ ક્યારે મર્યાદિત પ્રવાહમાં વહીને કુંઠિત ન થઈ. સંગીત પ્રત્યેના તેમના પ્રયોગલક્ષી અભિગમને કારણે તેમનૂં સંગીત હંમેશાં તાજગીસભર મૌલિકતા જાળવી રહ્યું. પોતાના અંગત અને સામાજિક મૂલ્યો માટેની તેમની નિષ્ઠાનાં બળે તેમનાં સંગીતને તેમણે ફિલ્મ સંગીત જગતની સ્પર્ધાથી ક્યારે પણ પ્રભાવિત ન થવા દીધું. તેમના માટે માધુર્ય તો એ હદે અનુલ્લંઘનીય હતું કે તેઓ દૃઢપણે માનતા કે સુરાવલિનું માધુર્ય પહેલાં આવે અને પછી જ તેને અનુરૂપ શબ્દદેહ મળે. તેથી તેઓ ફિલ્મની વાર્તાને અનુરૂપ ગીત માટેની ધુન પહેલાં તૈયાર કરતા અને પછી પોતે જ કવિ પણ હોવાથી, પૂરક શબ્દોથી ધુનનાં તાલ, લય, માત્રા જેવાં અંગોને વ્યવસ્થિત બાંધણીમાં ગોઠવતા. ઘણી વાર એવું પણ બનતું કે તેમના આ પૂરક શબ્દો જ ગીત લેખકો પોતાના શબ્દોમાં ગોઠવી લેવાનું સગવડભર્યું સમજતા.

વાર્તામાં ગીતનું સ્થાનની ગીતના બોલ માટેની આવશ્ય્કતા કે આસપાસ બનતી ઘટનાઓમાંથી સ્વયં-સ્ફુરણા વડે પ્રગટી જતા સાવ સરળ અને ખુબ ભાવવાહી ગીતના બોલની શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)ની નૈસર્ગિક શક્તિ કદાચ એક એવું પરિબળ હતી જેને કારણે ધુન જ પહેલાં બને તેમ માનતા સંગીતકાર સલીલ ચૌધરી સાથે તેમનો મેળ દુધમાં સાકર ભળે તેમ મળી ગયો હશે. તે ઉપરાંત શૈલેન્દ્રની બંગાળી ભાષાની જાણકારી અને સામાન્ય માણસની ભાવનાને સીધા જ સ્પર્શે તેવા સરળ શબ્દોથી પોતાનાં ગીતોને દેહ આપવાની તેમની સાહજિકતાએ પણ સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણની સાથે જ એ બન્નેને નજદીક લાવી આપ્યા. એ સુમેળનું સીધું પરિણામ એ આવ્યું કે શૈલેન્દ્રાએ શંકર જયકિશન સિવાય અન્ય સંગીતકારો સાથેની ફિલ્મોના ત્રીજા ભાગની ફિલ્મ સલીલ ચૌધરી સાથે કરી.

નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,અને

૨૦૨૦માં વર્ષ ૧૯૫૭

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

સલીલ ચોધરીએ સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા સારૂ આજના અંકમાં આપણે ૧૯૫૮ની ફિલ્મ મધુમતી, ૧૯૫૯ની ફિલ્મ ‘હીરામોતી’નું એક માત્ર ગીત અને ૧૯૬૦ની ત્રણ ફિલ્મો ‘હનીમૂન’, ‘પરખ’ અને ‘ઉસને કહા થા’નાં ગીતો સાંભળીશું.

મધુમતી (૧૯૫૮)

સલીલ ચૌધરીએ તેમની પહેલવહેલી હિંદી ફિલ્મ ‘દો બીઘા ઝમીન (૧૯૫૩) સાથે જ તેમનું આગવું સ્થાન બનાવી લીધું હતું.   શૈલેન્દ્ર સાથેની તેમની તે પછીની ફિલ્મો ‘નૌકરી (૯૧૫૪), જાગતે રહો (૧૯૫૬) અને મુસાફિર (૧૯૫૭)નાં ગીતોની પણ સરી એવી નોંધ લેવાઈ, પરંતુ ફિલ્મ જ્યાં સુધી ટિકિટ બારીએ સફળ ન નીવડે ત્યાં સુધી સંગીતકારનું સ્થાન ‘સફળ’ સંગીતકાર તરીકે પ્રથમ હરોળમાં નથી બનતું. ‘મધુમતી’ની અપ્રતિમ સફળતાએ સલીલ ચૌધરીનું એ સ્થાન સુનિશ્ચિત કરી આપ્યું. ‘મધુમતી; જ્યાં સુધી સફળ નહોતી થઈ ત્યાં સુધી સલીલ ચૌધરી-શૈલેન્દ્ર સંયોજન માટે ચઢાણ કેવાં કપરાં હતાં તેનો અંદાજ બિમલ રોયનાં પુત્રી રિન્કી રોય ભટ્ટાચાર્યનાં રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તક Bimal Roy’s Madhumati: Untold Stories from Behind the Scenesના આ સંક્ષિપ્ત અંશમાંથી જાણવા મળી શકે છે. તેમાં જણાવાયું છે કે જો બિમલ રોયના સલીલ ચૌધરી સાથેના ઘનિષ્ઠ સંબંધનો સહારો ન હોત તો ઇતિહાસ કંઈક જુદો જ રચાયો હોત. ૧૯૫૭ અને ૧૯૫૮નાં વર્ષોમાં અત્યંત સફળ ગીતોની ફિલ્મોની વણઝાર લાગી હતી. એવી ઝાકઝમાળ વણઝારમાં પણ ‘મધુમતી’નાં ગીતો એવાં રણક્યાં કે એ વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર અને શ્રેષ્ઠ સ્ત્રી ગાયિકાના ફિલ્મફેર એવૉર્ડ અનુક્રમે સલીલ ચૌધરી અને લતા મંગેશકરને (આજા રે પરદેસી, મૈં તો કબસે ખડી ઈસ પાર માટે) મળ્યા. શૈલેન્દ્ર અને મુકેશ મધુમતીનાં સુહાના સફર યે મૌસમ હસીં અને યહુદી (શંકર જયકિશન)નાં યે મેરા દીવાનાપન હૈ એમ બે ગીતો માટે અનુક્રમે શ્રેષ્ઠ ગીતકાર અને પુરુષ ગાયક માટેના ઍવૉર્ડ માટે દોડમાં હતા. બન્નેને એવૉર્ડ છેવટે યે મેરા દિવાનાપનને મળ્યા હતા.

મધુમતીનાં બધાં જ ગીતો આજે પણ જબરદસ્ત લોકપ્રિયતા ભોગવે છે, એટલે આપણે માત્ર બે ગીત જ અહીં લઈએ છીએ.

હમ હાલ-એ-દિલ સુનાએંગે સુનીયે કે ન સુનીયે, સૌ બાર મુસ્કરાયેંગે સુનીયે કે ન સુનીયે – મુબારક બેગમ

મુબારક બેગમના શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામતું આ મુજરા ગીત ફિલ્મમાં તો માત્ર સાખી-

તુમ્હારા દિલ મેરે દિલ કે બરાબર હો નહીં સકતા
વો શીશા હો નહીં સકતા યે પથ્થર હો નહીં સકતા

અને ઉપરોક્ત મુખડા પુરતું જ આવે છે.  બીજી કોઈ હિંદી ફિલ્મ હોય તો આખું ગીત પુરૂં થઈ જાય તે પછી જ હીરોનો પ્રવેશ થાય. પરંતુ આ તો બિમલ રોયનાં દિગ્દર્શન અને હૃષિકેશ મુખરજીનાં સંકલન હેઠળ બનેલી ફિલ્મ છે, એટલે મુખડો પુરો થતાં જ જ્યાં નૃત્ય ચાલી રહ્યું છે તે કક્ષનો દરવાજો ખોલીને, ચહેરા પર વ્યાકુળતાના ભાવ સાથે, દિલીપ કુમાર દાખલ થાય છે. એને જોતાંવેંત, સ્વાભાવિક્પણે, નર્તકી નૃત્ય થંભાવી દે છે.

આખું ગીત આ ઓડીઓ ક્લિપમાં સાંભળવા મળે છે –

આડ વાત :

સાખીનો શેર દાગ દહેલવીની ગ઼ઝલમાંથી (ઉઠાવી) લેવાયો છે. એ જ ગ઼ઝલના બીજા એક શેરને પ્રસ્તુત ગીતના બીજા અંતરાની પંક્તિઓ તરીકે મુકાયેલ છે –

અજબ હૈ આહ મેરી, નામ દાગહૈ મેરા
તમામ શહર જલા દોગે ક્યા જલા કે મુજ઼ે “

આ કહાની આટલેથી જ નથી અટકતી.

ગીતના પહેલા અંતરાની પંક્તિઓ, ‘રહેગા ઇસ્ક઼ તેરા ખાકમેં મિલાકે મુજ઼ે’ને શૈલેન્દ્રએ ‘તીસરી કસમ’ (૧૯૬૬)નાં ગીત આ આ આ ભી જા રાત ઢલને લગી (ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: શંકર જયકિશન) ની  સાખી તરીકે મુકેલ છે !

(માહિતી સ્રોત Atul’s Song A Day પર આ જ ગીત પરની પૉસ્ટ પરની કોમેન્ટ)

કાંચા લે કાંચી લૈ લાજો, બન કો બાટો લાલટીન લૈ બાલેરા – આશા ભોસલે, સબિતા ચૌધરી, ગુલામ મોહમ્મદ

ગીતનો ઉપાડ નેપાળી ભાષાનાં લોક ગીતની સમુહ ગાનમાં ગવાતી બે પંક્તિઓથી થાય છે. સલીલ ચૌધરીએ એ જ બે પંક્તિઓને અંતરાઓમાં વાદ્યરચના સાથે પણ ગોઠવી લીધી છે. મૂળ લોકગીત લાગે છે કે કોઈ છોકરી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે તેની ગીતમાં કહેવાતી લોકકથા હશે. લોકગીતોના શોખીન સલીલ ચૌધરીએ તે ક્યાંક સાંભળી હશે અને અહીં તેનો તેઓ અભિનવ પ્રયોગ કરે છે. શૈલેન્દ્ર ગીતના બોલ તેની સાથે વણી લે છે.

ગીતને એક વાર એમને એમ સાંભળ્યા પછી ફરી ફરીને ઝીણવટથી સાંભળીશું તો જણાશે કે ગીતની બાંધણીમાં સલીલ ચૌધરીએઆવા અનેક પ્રયોગો કર્યા છે.

ગીતની બીજી નોંધપાત્ર બાબત ગુલામ મોહમ્મદનો સ્વર સાંભળવા મળે છે તે છે. ‘૪૦ના દાયકાં મોહમ્મદ રફીની કારકિર્દીની શરૂઆતમાં રફી જેમને ગીતની ગાયકી માટે પોતાનો આદર્શ માનતા એ ગુલામ મોહમ્મદ ‘૫૦ ના દાયકામાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. આ ગીતમાં તેમને તક આપીને તેમને મદદ કરવાનો પણ પ્રયાસ હોઈ શકે છે.

આડ વાત :

નેપાળી ભાષાના બોલનો  કાચોપાતળો અનુવાદ પ્રસ્તુત ગીતની Atul’s Song A Day પરની પોસ્ટમાં જેતા સંક્રિતાયયને કરેલ કોમેન્ટમાં છે, જે અહીં સાભાર લીધો છે –

નેપાળી યુવાન (કાંચા) નેપાળી યુવતી (કાંચી)ને લઈને વનની વાટે (બન કો બાટો) લાલટેન પ્રગટાવીને  (લાલટીન લૈ બાલેરો) ભાગી ગયો છે.

હીરા મોતી (૧૯૫૯)

નાચ રે ધરતીકે પ્યારે તેરે અરમાનોંકી દુનિયા સામને હૈ તેરે – હેમંત કુમાર, લતા મંગેશકર, સાથીઓ

ફિલ્મનું આ એક માત્ર ગીત સલીલ ચૌધરીએ તૈયાર કર્યું છે. World of Salil Chowdhuryની ફિલ્મ વિશેની નોંધમાં જાણાવાયું છે તે પ્રમાણે ગીતના રેકોર્ડિંગ પહેલાં ફિલ્મના મૂળ સંગીતકાર રોશન એક સાંસ્કૃતિક મિશનનના ભાગ રૂપે રશિયા ગયા હતા. ત્યાં તેઓ માંદા પડી ગયા. એટલે તેમણે ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણ ચોપરાને તાર કરીને જણાવ્યું કે ફિલ્મના ઉપાડમાં જ આવતું આ ગીત તેમજ ફિલ્મનું ટાઈટલ સંગીત સલીલ ચૌધરી પાસે તૈયાર કરાવી લેવું.

એ જ વેબ સાઈટની બંગાળી ફિલ્મ ‘રિક્ષાવાલા’ – દો બીઘા ઝમીનનું બઅાળી સંસ્કરણ – પરની નોંધમાં એમ પણ જણાવ્યું છે સલીલ ચૌધરીએ આ ગીતની મૂળ ધુન ‘૪૦ના દાયકામાં, સલીલ ચૌધરીના ઈપ્ટાના દિવસોમાં ‘આય રે પૌસાલી બાતાસે’ (હવામાં આવે રે પુશાલી – પોષ મહિનાની મહેક-) ગીત તરીકે રચી હતી, કમનસીબે એ ગીત ક્યારે પણ રીલીઝ ન થયું.

હનીમૂન (૧૯૬૦)

ફિલ્મના દિગ્દર્શક લેખરાજ ભાકરી ફિલ્મના હીરો મનોજ કુમારના પિત્રાઈ થાય અને ‘૪૦ના દાયકાના જાણીતા ગીતકાર મુલ્કરાજ ભાકરીના ભાઈ થાય થાયે. લેખરાજ ભાકરીએ આ પહેલાં સલીલ ચૌધરી સાથે પોતાની ફિલ્મ તાંગેવાલી (૧૯૫૫)માં પણ કામ કર્યું છે.

ટિકિટ બારી પર ફિલ્મ બહુ સફળ ન રહી પણ ફિલ્મનાં ગીતો એ સમયે બહુ વખણાયાં હતાં. ‘સાંજ ભયી સુન રી સખી’  અને ‘દુનિયા ન દેખે જમાના ન જાને’ સિવાયનાં બીજાં બધાં જ ગીતોનાં બંગાળી સંસ્કરણ પણ  થયાં છે જે World of Salil Chowdhury પર  આ જ ફિલ્મનાં – Honeymoon (1960)  – ગીતોના અન્ય ભાષાના સંસ્કરણના સંદર્ભમાં જોવાથી સાંભળી શકાય છે.

આડ વાત:

શ્રી અરૂણ કુમાર દેશમુખ જણાવે છે કે ફિલ્મની ત્રણ મુખ્ય અભિનેત્રીઓમાંની એક કુલદીપ કૌરની આ છેલ્લી ફિલ્મ હતી. તે પછી તેમનું બહુ આકસ્મિક સંજોગોમાં અવસાન થયું હતું. કુલદીપ કૌરની જીવન કહાની KULDIP KAUR: A SPOILED RICH PUNJABAN ACTRESS પર વાંચી શકાશે.

સાંજ ભયી સુન રી સખી મન છીને કીસકી બંસી  – લતા મંગેશકર, ઉષા મંગેશકર

ગીતના ઉપાડમાં જે રીતે વાંસળીના સુરનો પ્રયોગ નૂત્યના બોલને આલેખવામાં થયો છે તે સલીલ ચૌધરીની પ્રયોગશીલતાનો આદર્શ નમુનો છે. પછીતો આ જ ટુકડાને બોલ સ્વરૂપે અંતરાનાં સંગીત વગેરેમાં ફરી ફરીને પ્રયોજાયો છે. ગીતનું મુખ્ય વાદ્ય વાંસળી છે, જે વાદ્યવૃંદમાં પણ પ્રધાન સ્થાને રહે છે. એટલે જ શૈલેન્દ્રએ ગીતના બોલમાં પણ એને જ વણી લીધેલ હશે?

આહા રે મગન મોરા ચંચલ મન નિસ દિન ગુન ગુન કુછ અપની હી ધુનમેં ગાયે – લતા મંગેશકર

દેખીતી રીતે તો આ એક સીધું સાદું સ્ટેજ પર ભજવાતું નૃત્ય ગીત છે, જે હિંદી ફિલ્મોમાં બહુ સામાન્યપણે વપરાતું હોય છે. પરંતુ સલીલ ચૌધરી અને શૈલેન્દ્ર સાથે થાય એટલે કંઇ અવનવું તો સાંભળવા મળવાનું જ. અહીં આખું ગીત લગભગ એક શ્વાસે ગવાતું હોય એ રીતે તેની બાંધણી કરવામાં આવી છે, શૈલેન્દ્રએ પણ એવા ટુંકા સરળ બોલ મુક્યા છે ગાયક માટે ગીતને એક શ્વાસે ગાવામાં મદદ મળી રહે. આવું ગીત સર્જવા માટે સંગીતકારનાં મનમાં સુરાવલી પહેલાં આકાર લે અને પછી ગીતકાર તેને શબ્દદેહ આપે જેથી  આવી કર્ણપ્રિય રચના મૂર્ત બની શકે  તે કેટલું આવશ્યક છે કલ્પી શકાય છે.

મેરે ખ્વાબોંમે ખયાલોંમેં છુપે મીત મેરે મેરી ગલી ચલે આયેંગે – મુકેશ, લતા મંગેશકર

ગીતની નોંધણી યુગલ ગીત તરીકે છે પરંતુ લતા મંગેશકર તો એક આલાપના સ્વરૂપે જ સાથ પુરાવે છે. સલીલ ચૌધરીએ વળી એ જ આલાપને સમુહ ગાન સ્વરૂપે કાઉન્ટર મેલોડી તરીકે પણ પ્રયોજેલ છે. આટલા પ્રયોગોથી સંતુષ્ટ થઈને સલીલ ચૌધરી ગીતને, તેમનાં પોતાનાં સામાન્ય ધોરણની સરખામણીમાં, ગાવામાં સરળ બનાવ્યું છે. એટલે જ કદાચ એ વધારે પ્રચલિત થયું !

ગીતનું લતા મંગેશકરનું સૉલો વર્ઝન પણ છે. એ વર્ઝનમાં મૂળ ગીતના અંતરાઓને ઉલટસુલટ કરી નખાયા છે. સલીલ ચૌધરીએ આ ધુનનું બંગાળી સંસ્કરણ બાંગલાદેશ સ્વાતંત્ર્ય થયા પછીના વર્ષે ત્યાં જ નિર્માણ પામેલ ‘રકતાકો બાંગલા’ (૧૯૭૨)માં પ્રયોજેલ છે.

દુનિયા ના દેખે જ઼માના ના જાને ચલો કહીં દુર ચલેં – દ્વિજેન મુખર્જી, લતા મંગેશકર

ઘોડાના ડાબલાની ધુન પરનાં ટાંગાગાડીનાં ગીત માટે પણ સલીલ ચૌધરીની પોતાની આગવી શૈલી બની રહી છે. અહીં પણ તેઓએ પોતાનાં પ્રિય વાદ્ય વાંસળીને જ પ્રાધાન્ય આપ્યું છે.

છુઓ ના છુઓ અલબેલે મેરે સૈંયા મૈં તો નાજ઼ુક બદન છુઇ-મુઈ – સબિતા બેનર્જી, મુકેશ

ખુબ આનંદથી છલકાતાં આ ગીતની પહેલી પંક્તિ જાણે શરમાઈ જઈને પ્રેમિકા ભાગવા લાગી હોય એવી રીતે બાંધણી કરાઈ છે. ગીતમાં પછીથી આ પંક્તિ જ્યારે જ્યારે પ્રયોજાયેલ છે ત્યારે એ જ સ્વરૂપ જાળવી રખાયું છે.

તુમ જો મિલે હૈ તો ખિલા હૈ ગુલાબ …. પિયા તુમ તોડ ન દેના, ખ્વાબ યે મેરે દિલકા …… – સબિતા બેનર્જી

પ્રેમિકા પ્રણયની ખીલી રહેલ કળીનો એકરાર આનંદમાં મગ્ન બનીને કરે છે. હિંદી ફિલ્મોમાં આ સીચ્યુએશન પર પણ અનેક ગીતો બન્યાં છે. જોકે આ ભાવની અભિવ્યક્તિ માટે સલીલ ચૌધરીની ધુન ખાસી અઘરી ગણી શકાય તેવી છે.

પરખ (૧૯૬૦)

 

બિમલ રોય દિગ્દર્શિત શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામતી ‘પરખ’ – (શુધ્ધતા, અહીં સાચી ઓળખ, ની) કસોટી – હળવી અને કટાક્ષમય શૈલીમાં રજુ થઈ છે. બિમલ રોયને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો તેમાં ખરેખર તો નવાઈ ન લાગવી જોઈએ. મધુમતી, અને સુજાતા પછી આ સળંગ ત્રીજો ઍવોર્ડ બિમલ રોયને મળ્યો હતો, જે એક રેકોર્ડ છે. ફિલ્મની વાર્તા સલીલ ચૌધરીએ તો સંવાદો શૈલેન્દ્રએ લખેલ છે. પરંપરાગત ધોરણો અનુસાર મુખ્ય પુરુષ અભિનેતા બંગાળી કલાકાર બસંત ચૌધરી છે (જે પછીથી કલકત્તાના શેરિફ પણ થયા હતા), પરંતુ વાર્તાનું મુખ્ય પાત્ર એક પગની ચાલમાં શારીરિક ખોડ ધરાવતા ટપાલીનાં પાત્રમાં મોતીલાલ છે. મોતીલાલને આ પાત્ર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર ઍવોર્ડ મળેલ.   ૧૯૬૦ની ફિલ્મોમાં ૧ કરોડનો વકરો રળનારી ફિલ્મોમાં  ‘પરખ’ પણ હતી.

લતા મંગેશકરના સ્વરમાં ગવાતાં ત્રણ સૉલો ગીતો – ઓ સજના બરખા બહાર આઈ (ગૈર ફિલ્મી બંગાળી સંસ્કરણ પણ લતા મંગેશકરના સ્વરમાં), મિલા હૈ કિસીકા ઝુમકા (એ જ બોલમાં પહેલી પંક્તિ સાથેનું બંગાળી સંસ્કરણ, સબિતા ચૌધરીના સ્વરમાં) અને યે બંસી ક્યું ગાયે (એ જ બોલની પહેલી પંક્તિ સાથેનું ગૈર-ફિલ્મી બંગાળી સંસ્કરણ લતા મંગેશકરના સ્વરમાં) તો આજે પણ એટલાં જ તરોતાજા લાગે છે.

ક્યા હવા ચલી રે બાબા ઋત બદલી, શોર હૈ ગલી ગલી સૌ ચુહે ખાકે બિલ્લી હજ઼કો ચલી – મન્ના ડે

ગામના પોસ્ટ માસ્તરને પાંચ લાખ રૂપિયાનો એક ચેક મળે છે જે સૌથી પ્રમાણિક વ્યક્તિને દાન કરવાનો છે. એ વ્યક્તિની શોધ ફિલ્મની વાર્તાનું કથાવસ્તુ છે. એ મેળવવા સારૂ લોકો પ્રમાણિક દેખાવા માટેના કેવા કેવા તાગડા રચે છે તે ભાવને આ ગીતમાં પ્રસ્તુત કરાયેલ છે.

આ પ્રકારનાં ગીત તો કોઈ સાધુ ગાય એ જ હિંદી ફિલ્મોની પ્રણાલી છે. સલીલ ચૌધરી પણ બંગાળી બૌલ લોકગીતની ધુન પર પસંદ ઉતારે છે, પણ શૈલેન્દ્રને તો  સમાજમાં સમાનતાની ભાવનાને વ્યક્ત કરવાનું મોકળું મેદાન મળી ગયું, જોકે ફિલ્મના મુડને અનુરૂપ તેઓ પણ કટાક્ષની ધારે જ પોતાનું મન ખોલે છે.:

પહલે લોગ મર રહે થે ભુખ સે અભાવ સે
અબ કહીં યે મર ન જાયે અપની ખાવ ખાવ સે
અરે મીઠી બાત કડવી લગે ગાલીયાં ભલી

આજ તો જહાંકી ઊલટી હર એક બાત હૈ … ….  …
અરે હમ જો કહેં દિન હૈ ભાઈ લોગ કહે રાત હૈ ….. ….
રેતમેં ભી ખીલ રહી હૈ પ્યારકી કલી

આમમેં ઉગે ખજ઼ૂર, નીમમેં ફલે હૈ આમ
ડાકુઓંને જોગ લિયા ચોર બકે રામ રામ
હોશકી દવા કરો મિયાં ફઝલ અલી

મેરે મનકે દિયે … યુંહી ઘુટ કે જલ તુ મેરે લાડલે – લતા મંગેશકર

સલીલ ચૌધરી અને શૈલેન્દ્રએ ગીતમાં કારૂણ્યને ઘુંટ્યું છે, જેને લતા મંગેશકરે તેમના સ્વરમાં એટલી જ સંવેદનાથી ઝીલેલ છે અને સાધનાએ પરદા પર જીવંત કરેલ છે.

સલીલ ચૌધરીએ કૉયર સમુહ ગાનને કાઉન્ટર મેલોડી અને અંતરાઓનાં વાદ્ય સંગીતમાં મુકીને ગીતના ભાવને હજુ વધારે ગહન બનાવેલ છે.

કમલ બોઝની શ્વેત શ્યામ સિનેમેટોગ્રાફી પણ એક પદ્ય તરીકે જ અહીં દૃશ્યમાન થાય છે.

ખાસ આડ વાત:

શ્રી ભગવાન થાવરાણીએ તેમની ‘હૈ સબસે મધુર વો ગીત‘ શ્રેણીમાં આ ગીતના કરૂણાના ભાવ અને તેની સાથે જોડાયેલી એટલી જ સંવેદનશીલ બાબતોને સાંકળી લીધી છે.

ઉસને કહા થા (૧૯૬૦)

બિમલ રોય પ્રોડક્શન્સના નેજા બનેલી ‘ઉસને કહા થા’ના દિગ્દર્શક, બિમલ રોયના દો બીઘા ઝમીન અને મધુમતી જેવી ફિલ્મોના એક સમયના સહાયક, મોની ભટ્ટાચાર્ય હતા. ચંદ્રશેખર શર્મા ગુલેરીની આ જ નામની  હિંદીમાં સૌ પ્રથમ પ્રેમ કહાની ગણાતી – વાર્તા પરથી આ ફિલ્મ બની છે.[1]  જોકે જાણકારોનું કહેવું છે કે વાર્તામાંનાં ઉત્કૃષ્ટ પાત્રાલેખન અને કથાવસ્તુના ઉઘાડની બાબતે વાર્તાનું ફિલ્માંકન ક્યાંક ચાતરી જતું જણાય છે. વાર્તાનું હાર્દ પ્રેમ, બહાદુરી અને ત્યાગના ભાવોનું, વિષાદમય મર્યાદાની ગોપિત રહેતું, નિરૂપણ છે .વાર્તાનું બીજાં વિશ્વ યુદ્ધના સમયનાં ગ્રામીણ પંજાબનાં વાતાવરણને જીવંત કરે છે. જોકે ફિલ્મ નિર્માણનું આખુ યુનીટ બંગાળી હોવાને કારણે એ પંજાબી વાતાવરણને પેદા કરવા માટેના ખાસ પ્રયાસોમાં ‘ઉસને કહા થા’ શીર્ષકની મૂળ વાર્તામાં અનુભવાતી યથાર્થતા ચુકતું અનુભવાય છે.

જોકે સલીલ ચૌધરીનાં પોતીકા સંગીતમાં વણી લેવાયેલ પંજાબીયત અને શૈલેન્દ્રના તેને અનુરૂપ રમતિયાળ બોલ ફિલ્મને કંઇક અંશે બચાવી લેવામાં સફળ રહે છે. મચલતી આરઝૂ ખડી બાહેં પુકારે (લતા મંગેશકર) અને આહા રિમઝિમ કે યે પ્યારે પ્યારે ગીત લીયે (તલત મહમૂદ, લતા મંગેશકર) આ બાબતની પુરતી સાહેદી પૂરે છે.

ચલતે હી જાના …. જહાં તક યે રાહ ચલે – મોહમ્મદ રફી, મન્ના ડે, કોરસ

ઘોડા ગાડીનાં ગીતના તાલમાં સલીલ ચૌધરીએ પંજાબી યુવા જોશની બુલંદીનો પ્રાણ પૂર્યો છે. ગીતની ઝડપ સાથે ઊંચા સુરમાં પણ બુલંદીમાં મસ્તી સંભળાય એવા સ્વરો માટે મોહમ્મ્દ રફી અને મન્ના ડેને જ પસંદ કર્યા હોય એ તો સ્વાભાવિક જ છે. પરંતુ, એક વાર બન્નેના સુરની રેન્જનો લાભ લેવાનું પણ સલીલ ચૌધરી છોડે ખરા! એટલે એ ઊંચા સુરમાં પણ અર્ધો સુર નીચો રાખીને રફી અને મન્ના ડે પાસે પંક્તિઓ (@૦.૨૭ થી ૦.૩૪ અને ૨.૧૧થી ૨.૧૭) ગવરાવી લીધી છે. એટલું જ નહીં મુખડાની એ પંક્તિઓ જ્યારે સમુહ ગાનમાં ફરી વાર મુકી છે ત્યારે સમુહ ગાનને પણ દ્રુતમાં અર્ધો સુર નીચે લઈ આવ્યા છે.

બલખાતી શરમાતી આ જા, લહેરોંસી લહેરાતી આ જા …. – મોહમ્મ્દ રફી, લતા મંગેશકર, કોરસ

સલીલ ચૌધરીની બહુમુખી પ્રતિભાનું એક જ ઉદાહરણ આપવું હોય તો આ એક ગીત જ કદાચ પુરતું બની રહે. બંગાળી-આસામી લોક ધુનોના અઠંગ ચાહક તરીકે જેમની ઓળખાણ કરાવાય છે એવા સંગીતકારે ધુનની બાંધણી અને વાદ્યસજ્જામાં અનેક વૈવિધ્યો સમાવી લેવાની પોતાની આગવી શૈલી જાળવી રાખીને નિર્ભેળ ભાંગડા ગીત રચ્યું છે.

વૈવિધ્ય, ગુણવત્તા, માધુર્ય અને લોકપ્રિયતાના આટલા મધુર મિશ્રણ દ્વારા સલીલ ચૌધરી અને શૈલેન્દ્રની જોડીની ગુંજતી સફળતાના સુરોની ટોચ પરથી હવે આગળની સફરમાં ધપવા પહેલાં આપણે એક વિરામ લઈશું…


[1]

चंद्रधर शर्मा गुलेरी की कहानी उसने कहा था @ Kahani Suno

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.