લુત્ફ-એ-શેર: મણકો # ૭૭

ભગવાન થાવરાણી

જે સમયગાળાની વાત ચાલે છે એ યુગમાં ઉર્દૂના સાહિત્યાકાશમાં એક – એકથી ચડિયાતા સૂર્ય – ચંદ્ર ચમક્યા અને શેરો – શાયરીના ફલકને ઝળહળ કરી ગયા. વાત કરીએ જનાબ  ‘ સીમાબ અકબરાબાદીની. એમની ઉર્દૂ સાહિત્યમાં એ હેસિયત છે કે આજે પણ એમના અનેક શિષ્યો હયાત છે. ( સીમાબ એટલે પારો, મર્ક્યુરી. સીમ એટલે ચાંદી અને આબ એટલે પાણી. અને હા, અકબરાબાદ એટલે હાલનું આગરા.)  ‘ સીમાબ ‘ પોતે  દાગ દેહલવીના શિષ્ય હતા. એક જાણીતા શેરને આપણે બહાદુરશાહ  ‘ઝફર ‘ નો માનીએ છીએ પરંતુ એ અસલમાં  ‘ સીમાબ ‘ સાહેબનો છે :

ઉમ્ર – એ – દરાઝ માંગ કે લાઈ થી ચાર દિન
દો  આરઝૂ  મેં  કટ  ગએ   દો  ઈંતઝાર  મેં

એમણે રચેલી કેટલીક ગઝલો કુંદનલાલ સહગલે ગાઈ છે. કહે છે, પોતે કરેલા કુરાનના કાવ્ય-રુપાંતરણ માટે પ્રકાશક શોધવા તેઓ આગરાથી કરાચી ગયા અને ત્યાં એવા તો માંદા પડ્યા કે પાછા જ ન આવ્યા!

જીવન તરફ એમનો અભિગમ જોઈએ :

માઝી – એ – મરહૂમ કી નાકામિયોં કા ઝિક્ર છોડ
ઝિંદગી કી ફુરસત – એ – બાકી સે કોઈ કામ લે

(એટલે ગયું તેને છોડ. આગળ ઘણું બધું છે )

પોતાના શહેરના પોતાના પૂર્વજ શાયરો તરફનો એમનો આદર :

હો ગએ રુખસદ રઈસ-ઓ-આલી – ઓ – વાસિફ નિસાર
રફ્તા  રફ્તા  આગરા   ‘ સીમાબ ‘  સૂના  હો  ગયા ….

એમની એક ગઝલના સાતેય શેર મને બહુ પસંદ છે. આ ગઝલના મત્લા અને મકતામાં લગભગ એક જ વાત છે. બસ, અભિવ્યક્તિનો તરીકો અલગ. પહેલાં મક્તો જોઈએ :

જલવાગર હૈ ઈસ મેં ઐ સીમાબ ઈક દુનિયા – એ – હુસ્ન
જામ – એ – જમ  સે  હૈ  ઝિયાદા  દિલ  કા  આઈના મુજે

(જામ – એ – જમ = ઈરાની બાદશાહ જમશેદનો એ જામ જેમાં આખી દુનિયા જોઈ શકાય)

હવે આ જ ગઝલનો મારો પ્રિય મત્લો :

ગમ મુજે , હસરત મુજે, વહશત મુજે, સૌદા મુજે
એક દિલ દે કર ખુદા ને દે દિયા ક્યા – ક્યા મુજે ..

આ એક પ્રકારનું આભાર દર્શન છે ઈશ્વર સમક્ષ. એક દિલ આપીને ઉપરવાળાએ કેટકેટલા ખજાના ઠલવી દીધા ! ગમ, લાલસાઓ, પાગલપન અને પ્રેમ બધું જ આટલી નાનકડી જગ્યામાં ! બીજું જોઈએ પણ શું ?


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

4 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૭૭

  1. વાહ ખુબ જ સરસ અને સાચી વાત કરી છે સર. 👌🙏👌

Leave a Reply

Your email address will not be published.