દિલોજાન દોસ્તી

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

માણસની આ નાદાની પણ
ખરેખર બેમિસાલ છે,
અંધારુ હૃદયમાં છે અને
દીવો મંદિરમાં પેટાવે છે.

સમાજજીવન એકબીજા ઉપર આધારિત હોય છે. સામાન્ય રીતે જીવન વ્યવહાર આપલે (Give and take) ઉપર ટકે છે. કોઈકને આપીએ તો તે અનુકૂળતાએ અને તેની રીતે પાછું તો વાળે છે. પરંતુ એકબીજા ઉપર શ્રદ્ધા કે ભરોસો રાખવાનું દિવસે દિવસે ઓછું થતું હોય તેવું નજરે પડે છે. એક જમાનામાં સમાજ બાર્ટર પદ્ધતિ (Barter system) ઉપર નભતો હતો. તે સમયે નાણાંના વિનિમયને બદલે વસ્તુનો વિનિમય થતો. થોડાક દસકાઓ પહેલાં જ ગૃહિણીઓ ઘરનાં વસ્ત્રો ભેગાં કરી વાસણ વેચવાવાળા ફેરિયાને આપતી અને તેના બદલામાં ફેરિયો મનપસંદ વાસણ આપતો. બાળકોને ગમતી કાગળની ચકરડીઓ લઈને ગરીબ બહેનો સાંજે ગામમાં ફરતી હતી. તેઓ વધેલું ખાવાનું લઈ સામે બાળકોને ચકરડી અથવા કાગળના રમકડાં આપી રાજી કરતાં જોવા મળતી. શિક્ષકો કે ડૉંકટરોને શાકભાજી કે દૂધ જેવી વસ્તુઓ નિઃસ્વાર્થભાવે આપવામાં સમાજ ગૌરવની લાગણી અનુભવતો. અહીંયાં કોઈ લેણદેણનો સંબંધ નહોતો. પરંતુ એકબીજા તરફ કૃતજ્ઞતા દર્શાવવાની રસમ હતી. અહીંયાં ધંધાકીય વ્યવહાર નહોતો, પરંતુ મેત્રીપૂર્ણ મહોબત હતી.

ક્રિસ્ટીનો રોનાલ્ડ (Christiano Ronald)ના જીવનની આ ઘટના છે. તેનો જન્મ પાંચમી ફેબ્રુઆરી,  ૧૯૮૫ના રોજ થયો હતો. તે પોટુગલ તરફથી ફૂટબોલ રમતો હતો. તે ફૂટબોલનો એક ઉત્તમ ખેલાડી હતો. એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તે પ્રથમ ક્રમે આવ્યો. વિજેતા સમારંભ દરમિયાન પત્રકારોએ તેની જીતનું રહસ્ય જાણવા પ્રયત્ન કર્યો. તેણે પોતાને મળેલ માન આલબર્ટો ફંતરુ (Alberto Fantrau)ને આપવાનું જાહેર કર્યું. તેણે જણાવ્યું, “મારી આજની સફળતાનું તમામ શ્રેય હું મારા મિત્ર અને ફૂટબોલના ઉત્તમ ખેલાડી આલબર્ટોને આપવા માંગું છું. હું તેનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરતાં અત્યંત આનંદની લાગણી અનભવું છું.”

દોસ્ત, તારું નામ શું રાખું?
સપનું રાખું તો અધૂરું રહેશે,
દિલ રાખું તો તૂટી જશે,
ચાલ શ્વાસ રાખું છું,
મૃત્યુ સુધી તો સાથે રહેશે.”

લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. આ આલ્બર્ટો કોણ છે તે જાણવા સૌ ઉત્સુક હતા. રોનાલ્ડે પોતાની વાત વિસ્તારથી જણાવી : “અમે સૌ યુવાનોની ટીમમાં સાથે રમતાં હતાં. લિસ્બનની રમતગમત અકાદમીના સભ્યો ફૂટબોલની રમતમાં અમારી પસંદગી કરવા માટે આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે જે સૌથી વધારે ગોલ કરશે તેની લિસ્બનની રમતગમત અકાદમીમાં પસંદગી કરવામાં આવશે.”

“તે દિવસની મેચ અમે ત્રણ વિરદ્ધ શૂન્ય ગોલથી જીતી ગયા. પહેલો ગોલ મેં કર્યો જ્યારે બીજો ગોલ આલબર્ટોએ કર્યો. પરંતુ ત્રીજો ગોલ અત્યંત કટોકટીભરી પરિસ્થિતિમાં થયો. આલબર્ટો મેદાનની બહારની બાજુએ ઊભો હતો. તે લગભગ ગોલકીપરની બરાબર સામે જ હતો. ગોલકીપર થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેના મોંમાંથી લાળ ટપકતી હતી. આ સંજોગોમાં આલબર્ટો અત્યંત સહેલાઈથી ગોલ કરી શકે તેમ હતો. પરંતુ તેણે તે સમયે બોલને મારા તરફ ફેંકયો. મેં બોલને અત્યંત જુસ્સાપૂર્વક પગથી ફટકારતાં હું ગોલ કરવામાં સફળ થયો. હું બે ગોલ કરી વિજેતા જાહેર થયો. આ રીતે મારી લિસ્બનની રમતગમત એકેડેમીમાં પસંદગી થઈ ગઈ.” રમત પૂર્ણ થતાં હું તેની પાસે ગયો અને પૂછયું કે તેણે આમ શા માટે કર્યું? આલબર્ટોનો ઉત્તર અત્યંત પ્રભાવક અને ખેલદિલીપૂર્ણ હતો. તેણે જણાવ્યું, “ભાઈ રોનાલ્ડ, મને ખબર છે કે તું મારાકરતાં બહેતર ખેલાડી હોઈ વધારે સારું ફૂટબોલ ૨મે છે. આપણી ટીમને તું જ વિજયના પંથે લઈ જઈ શકે તેમ છે. આપણા કરતાં રાષ્ટ્ર ઊંચું છે.”

પત્રકારોને રોનાલ્ડના જવાબથી સંતોષ ન થતાં તેઓ આલબર્ટોને મળવા ગયા. આતુર પત્રકારોએ સાચી વાત શોધી કાઢવા માટે આલબર્ટોનો ઈન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. તેઓએ પૂછયું કે શું રોનાલ્ડ કહે છે તે વાત સાચી છે? ત્યારે આલબર્ટોએ તે વાતને પુષ્ટિ આપી. વળી તેણે જણાવ્યું, “આ મેચ બાદ મારી ફૂટબોલના ખેલાડી તરીકેની કારકિર્દીનો અંત આવી ગયો. ધંધાકીય કારકિર્દી કરવાની આ અંતિમ તક હતી. તેથી ત્યાર બાદ હું હંમેશા વ્યવસાય વિનાનો રહ્યો.” તેમ છતાં પત્રકારોએ તેની જાહોજલાલી ભરેલી રહેણીકરણી જોતાં આશ્ચર્ય અનભવ્યું. ગેરેજમાં પડેલી અતિ કીંમતી મર્સિડિઝ કાર અને ભવ્ય બંગલો જોયાં. તેથી તેઓ આલબર્ટોને પૂછયા વિના રહી શકયા નહીં. તેઓએ સવાલ કર્યો, “જો આટલા વરસોથી તું બેકાર છે તો ભવ્ય મકાન અને કીમતી ગાડી કેવી રીતે વસાવી શકયો? તારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું છે, તો આ બધું કેવી રીતે શકય બન્યું?”

(દિલોજાન દોસ્તીની અદ્‍ભુત મિસાલ: રોનાલ્ડો અને આલબર્ટો)

આલબર્ટોએ હસતાં હસતાં જવાબ આપ્યો, “આ તમામ કીમતી અને ભવ્ય સગવડો માટે હું રોનાલ્ડનો સદાય આભારી છું !”

અહીંયાં સ્વાભાવિક રીતે જ વિચાર આવે કે કેટલા લોકો રોનાલ્ડ અને આલબર્ટો જેવી મૈત્રી નિભાવી શકતા હશે? આ સવાલ સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. ખરેખર તો આના કરતાં તદ્દન વિરદ્ધનું વર્તન મોટાભાગના લોકોમાં જોવા મળે છે. લોકો સ્વાર્થી, કૃતઘ્ની અને નિમકહરામ હોય છે. દોસ્તે કરેલા ઉપકારને મહદ્‌ અંશે ભૂલી જતા હોય છે. કેટલા લોકો તેમના ભાઈઓ, બહેનો, મિત્રો કે સગાઓએ કરેલ મદદ બદલ તેમના તરફ ઋણસ્વીકારનો ભાવ પ્રગટ કરતા હશે? જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થાય ત્યારે હંમેશાં સાથીઓએ કરેલ મદદને સતત યાદ રાખવી જોઈએ. કયારેય એક હાથે તાળી પડતી નથી.

જીવનની તમામ પરિસ્થિતિઓઉં પ્રભુ સદાય નિરીક્ષણ કરતો જ હોય છે. તે વ્યકિતની વર્તણૂક નિહાળતો હોય છે. પરિસ્થિતિઓ અને સંજોગોનો ન્યાય પ્રામાણિકપણે તોળતો હોય છે. સૌએ પોતાની વર્તણૂક અને કાર્યો પરમેશ્વરની સાક્ષીએ કરવાં જોઈએ. આટલું સમજાઈ જાય તો જીવનમાં આનંદ, સંતોષ અને ગૌરવ મળે જ  મળે. મિત્રો સાથે આ રીતનો વ્યવહાર હોય તો જ “દિલોજાન દોસ્તી’નો આનંદ પ્રાપ્ત થાય.

આચમન:

દોસ્તીની કોઈ સીમા હોતી નથી,
આ એવો પ્રદેશ છે જ્યાં ઈમારતો હોતી નથી,
અહીં રહે છે સૌ એકબીજાનાં દિલમાં
આ એવી અદાલત છે…
જ્યાં કોઈ ફરિયાદ હોતી નથી.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.