ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૦

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન

– ચિરાગ પટેલ

उ. १२.३.२ (१३९७) गर्भे मातुः पितुः पिता विदिद्युतानो अक्षरे । सीदन्नृतस्य योनिमा ॥ (भरद्वाज बार्हस्पत्य)

પૃથ્વીમાતાના ગર્ભમાં વિશેષરૂપે દેદીપ્યમાન અને અંતરિક્ષમાં સંરક્ષકની ભૂમિકામાં નિયુક્ત અગ્નિદેવ યજ્ઞવેદી પર વિરાજમાન છે.

લાવારૂપે પૃથ્વીના ગર્ભમાં રહેલા અગ્નિ વિષે ઋષિ જ્વાળામુખીના અવલોકનથી સુપેરે પરિચિત હોય એમ માની શકાય. પરંતુ, ગર્ભનું રૂપક પ્રયોજવાનું એક માત્ર કારણ પૃથ્વી સપાટ નથી એ જ હોઈ શકે. એટલે કે, સામવેદ કાળમાં પૃથ્વી સપાટ ન હોવા અંગે લોકો પરિચિત હતા. વળી, ઋષિ અંતરિક્ષમાં અગ્નિને સંરક્ષક તરીકે લેખાવે છે. અંતરિક્ષમાં અગ્નિ જ સર્વે અવકાશી પદાર્થો અને જીવનના કારણરૂપ છે.

 

उ. १२.४.७ (१४११) त्वमिन्द्र यशा अस्यृजीषी शवसस्पतिः । त्वं वृत्राणि हंस्यप्रतीन्येक इत्पुर्वनुत्तश्चर्षणीधृतिः ॥ (नृमेध-पुरुमेध आङ्गिरस)

હે ઈન્દ્ર! આપ બળના અધિપતિ, સોનાની ઇચ્છાવાળા, યશસ્વી અને અપરાજેય છો. બધા મનુષ્યોના દૃષ્ટા આપ શક્તિશાળી દુષ્ટોનો નાશ કરનારા છો.

આ શ્લોકમાં ઋષિ ઈન્દ્રને સર્વે મનુષ્યોના દૃષ્ટા કહે છે. આ પહેલાંના શ્લોકમાં આવતા સંદર્ભો પરથી આપણે ઈન્દ્રને મનુષ્યમાં રહેલા મન તરીકે ગણ્યા છે. જો આ અર્થ આપણે સ્વીકારીએ તો ઋષિના આ શબ્દોમાં રહેલ નિર્દેશને સ્પષ્ટરૂપે જોઈ શકીએ છીએ.

 

उ. १२.५.९ (१४२३) त्रिरस्मै सप्त धेनवो दुदुह्रिरे  सत्यामाशिरं परमे व्योमनि । अस्माञ्चित्राभिरवतादभिष्टिभिरा नः सुम्नेषु यामय ॥ (रेणु वैश्वामित्र)

પરમ આકાશમાં વસેલા આ સોમને એકવીસ ગાયો ઉત્તમ દૂધ આપે છે. અને જ્યારે આ સોમ યજ્ઞાદિ દ્વારા વૃધ્ધિ મેળવે છે ત્યારે બીજાં ચાર પ્રકારના જળને શુદ્ધ કરવા કલ્યાણકારી ક્રમમા પ્રવાહિત કરે છે.

આ શ્લોકમાં ઋષિ “ત્રિસપ્ત ગાયો” એવા શબ્દોનો પ્રયોગ કરે છે. શ્રી દયાનંદ સરસ્વતીએ એનો અર્થ ત્રણ વેદમાં નિહિત સાત છંદો તરીકે કર્યો છે. જ્યારે સાયણાચાર્યે ૧૨ માસ, ૫ ઋતુ, ૩ લોક અને ૧ આદિત્ય એવો અર્થ કર્યો છે. અન્ય એક મત એવો છે કે, એનો ત્રણ લોકમાં પ્રવાહિત પ્રકાશની સાત ધારાઓ એવો અર્થ થાય. પૂર્વાપર સંદર્ભો પ્રમાણે હું સોમને ફોટોન તરીકે ગણું છું. વળી, અનેક શ્લોકોમાં ત્રણ લોક – પૃથ્વી, દ્યૌ અને અંતરીક્ષ -નો અનેક વાર ઉલ્લેખ થાય છે. એટલે, ત્રણ લોકમાં પ્રવાહિત પ્રકાશની સાત ધારાઓ એવો અર્થ ઉચિત છે. અહી ચાર જળનો પણ ઉલ્લેખ છે. ઋષિ કદાચિત ચાર મુખ્ય નદીઓ – ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ? – ના જળ કે ચાર પ્રકારના જળાશયો – સરોવર, નદી, સમુદ્ર, વાવ કે કૂવો – કે પછી ચાર પાત્રમાં રહેલા જળ અંગે જણાવી રહ્યા છે.

 

उ १२.५.१० (१४२४) स भक्षमाणो अमृतस्य चारुण उभे द्यावा काव्येना वि शश्रथे । तेजिष्ठा अपो मंहना परि व्यत यदी देवस्य श्रवसा सदो विदुः ॥ (रेणु वैश्वामित्र)

શ્રેષ્ઠ રસની ઈચ્છા કરનારાઓની સ્તુતિઓથી પ્રભાવિત દિવ્ય સોમ દ્યુલોક અને પૃથ્વીને જળથી પરિપૂર્ણ કરી દે છે. ઋત્વિજ જ્યારે દેવોના સ્થાનને યજ્ઞની હવિથી યુક્ત કરે છે ત્યારે તે જળને પોતાની મહિમાથી ભરી દે છે.

સોમ એટલે કે ફોટોનની ઊર્જાથી પૃથ્વી પર વર્ષા સહિતનું જળચક્ર ચાલતું રહે છે. એટલે, સોમ પૃથ્વી અને દ્યુલોક એટલે કે વાતાવરણને જળથી ભરી દે છે એમ ચોક્કસ કહી શકાય.

 

उ. १२.५.११ (१४२५) ते अस्य सन्तु केतवोऽमृत्यवोऽदाभ्यासो जनुषी उभे अनु । येभिर्नृम्णा च देव्या च पुनत आदिद्राजानं मनना अगृभ्णत ॥ (रेणु वैश्वामित्र)

પ્રબળ અને અમરત્વ મેળવેલ આ સોમરસના કિરણો બંને પ્રકારનાં પ્રાણીઓના રક્ષક છે. પોતાના સામર્થ્યથી આ સોમ અન્નને દેવો તરફ પ્રેરિત કરે છે. ત્યાર પછી રાજા સોમની સ્તુતિઓ કરવામાં આવે છે.

આ શ્લોકમાં ઋષિ સોમને અમરત્વ મેળવેલ કહે છે. જ્યાં સુધી સૂર્ય કે અન્ય તારાઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી ફોટોનનું અસ્તિત્વ રહેવાનું જ છે, એટલે ફોટોન અમર છે. વળી, આ સોમથી વનસ્પતિ અન્ન બનાવે છે અને એમ એ ઊર્જા પ્રાણીઓ ગ્રહણ કરે છે જેનાથી વિવિધ ઇન્દ્રિયોરૂપી દેવો કાર્યાન્વિત રહે છે.શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.