નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૧

તારા વેરની વસૂલાતની જવાબદારી હવે મારી છે

નલિન શાહ

શશીનાં બાળકો રાધિકા અને અર્જુન આતુરતાથી રાજુલ માસીની વાટ જોતાં હતાં. એ કદી ખાલી હાથે નહોતી આવતી. ત્યાં જ મોટર આંગણે આવી ઊભી. જેવી રાજુલ આંગણામાં દાખલ થઈ કે બાળકો એને વળગી પડ્યાં. સુનિતાએ તેડેલા નાના કરણે પણ બાળકોને જોઈ કિકિયારી કરી ને નીચે ઊતરવા હાથ-પગ પછાડ્યા. રાજુલના બંને હાથમાં મોટી મોટી ભરેલી થેલીઓ હતી. વાર્તા અને શિક્ષણને લગતી ચોપડીઓ, રમકડાં અને રમત-ગમતને લગતી વસ્તુઓ તેણે બાળકોના હાથમાં થમાવી. બીજી થેલીમાં ખાવાનાં પેકેટો હતાં. મીઠાઈનાં બોક્ષ ડ્રાઇવર લઈને આવ્યો. બીજી થેલી બાઈના હાથમાં આપીને રાજુલ શશીને વળગી પડી. સુનિતાએ આગળ આવી શશીને ગળે લગાવી. માનસી તો આભી બની આકર્ષક વ્યક્તિત્વવાળી શશીને એકાગ્રતાથી નિહાળી રહી. રાજુલે માનસીની ઓળખાણ આપી અને કહ્યું ‘માનસી, આ છે તારાં-મારાં માસીબા.’

શશીએ તીક્ષ્ણ નજરે રાજુલ સામે જોયું. ‘દીદી, હવે કોઈ ભેદ રહ્યો નથી.’ રાજુલે ઘટસ્ફોટ કર્યો.

‘તમે તો મેં ધારેલાં એવાં જ છો.’ માનસીએ શશીને સંબોધીને કહ્યું.

‘કેવી ધારી હતી મને?’ શશીએ સસ્મિત પૂછ્યું.

‘જોનારને પહેલી નજરે આકર્ષે એવાં, સોહામણાં ને તેજસ્વી, પણ….’

‘પણ શું?’

માનસી ચુપ રહી.

‘કેમ બોલતાં અચકાય છે? કાંઈ ન ગમે એવું લાગ્યું હોય તોય કહે. મને જરાયે ખોટું નહીં લાગે.’

‘તમે જે દુનિયામાં રાચો છો ત્યાં એ તમારું વ્યક્તિત્વ વેડફાતું હશે.’ માનસીએ ગંભીરતાથી કહ્યું, ‘જંગલમાં ઊગેલાં ફૂલની જેમ ખીલે ને કરમાય કોઈ જોનાર ના મળે.’

‘મારું વ્યક્તિત્વ જેવું હોય તેવું, એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી.’ શશીએ હસીને કહ્યું, ‘ફૂલનું કામ ખીલવાનું ને કરમાવાનું છે. ફર્ક જોનારને પડે, ફૂલને નહીં. ને વિચાર કર બગીચામાં તો ફૂલ ખીલે ત્યાં જ ચૂંટાઈ જાય. શું એ ફૂલની બદનસીબી ના કહેવાય?’

‘વાહ, શું સુંદર જવાબ છે તમારો.’ માનસીએ પ્રશંસાયુક્ત સ્વરમાં કહ્યું.

‘છેવટે બહેન કોની છે!’ રાજુલે આંખો નચાવતાં કહ્યું.

‘સાચી વાત છે. રાજુલનો પ્રભાવ શશી પર પડ્યો છે ને હવે મારા પર પણ.’ સુનિતાએ રાજુલને પાસે ખેંચી કહ્યું.

‘હું તમારી વાત નથી કરતી, મમ્મી.’ રાજુલે શરમાઈને કહ્યું.

‘તે કર ને, અમે કબૂલ કરીએ છીએ, પછી શું?’ સુનિતાએ કહ્યું.

‘હવે ઊભાં ઊભાં જડ વાદ-વિવાદ કરશો કે ઠરીઠામ પણ થશો?’ કહીને શશીએ કરણને સુનિતાના હાથમાંથી લઈ લીધો એના ગાલ ચૂમ્યા ને બંને બાળકો સાથે રમવા છૂટો મૂક્યો.

સાંજ થવાને હજી ઘણો સમય બાકી હતો. ચા-પાણી પતાવી બધાં નદીકાંઠે ફરવા નીકળ્યાં.

રસ્તામાં લોકો, ખાસ કરીને સ્ત્રીઓને અહોભાવથી શશીનું અભિવાદન કરતાં જોઈ માનસી એનો પ્રભાવ વરતી ગઈ. સમયની સાથે શહેરની સંસ્કૃતિએ પણ ગામમાં પગ પેસારો કર્યો હતો, પણ કુદરતી વાતાવરણ પર હજી એની અસર નહોતી વર્તાતી. સુનિતાએ શશીના સંઘર્ષ, એની જીદ અને હિંમત થકી સર્જાયેલી ક્રાંતિનું સચોટ વૃત્તાંત માનસીને આપ્યું. ગરીબ અને અભણ પ્રજામાં નવી ચેતનાનો સંચાર કરવાની વાતો કરી. શિક્ષણ અને તબીબી સેવામાં થયેલા સુધારાનો ખ્યાલ આપ્યો. નાના ઉદ્યોગોની સ્થાપના એની મહેનતનું ફળ હતું. સંખ્યાબંધ ગામડાંઓના લાભાર્થે એક હોસ્પિટલનું નિર્માણ એનું એક સપનું હતું, જેને સાકાર કરવા એ તનતોડ પ્રયાસો કરી રહી હતી. એને રાજકારણમાં રસ નહોતો, પણ રાજકારણીઓ પર એનો પ્રભાવ પુષ્કળ હતો. એના પતિ સુધાકરનો એને મોટો સાથ હતો ને શશીની પ્રતિભાને પણ એ કદી કુંઠિત થવા નહોતો દેતો. ‘શશીના ત્યાગ, ઝુંબેશ અને સફળતાને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે.’ નદી કિનારે બેસીને કુદરતી સૌંદર્ય માણતાં સુનિતાએ માનસીને કહ્યું, ‘કાલે આપણાં ગામડાંઓના પ્રવાસમાં તું જાતે જોજે અને અનુભવજે.’

રાત્રે જમી પરવારીને સુનિતા અને શશી સુનિતાના સૂવાના ઓરડામાં વાતે વળગ્યાં. રાજુલ અને માનસી ટેરેસમાં બિછાવેલા ખાટલામાં બેઠાં. માનસી વ્યક્તિ તરીકે ધનલક્ષ્મીને કોઈ મહત્ત્વ નહોતી આપતી; પણ એ પોતે પણ એ કુટુંબ સાથે સંકળાયેલી હોવાથી એને કુટુંબનો ભૂતકાળ જાણવાની ઉત્કંઠા જરૂર હતી. રાજુલે મા-બાપની ગરીબાઈની વાતો કરીને એવા સંજોગોમાં ચાર ચોપડી ભણેલી ચૌદ વર્ષની ધનલક્ષ્મીનું એકાવન વર્ષના, ચોથી વાર ઘોડે ચઢતા નજદીકના રાજાપુર ગામના ધનાઢ્ય જમીનદાર ભંવરલાલ સાથેનું લગ્ન કુટુંબ માટે એક મહત્ત્વની ઘટના હતી. કેવળ બા-બાપુ જ નહીં પણ આખી ન્યાતનું માનવું હતું કે ધનલક્ષ્મી નસીબદાર હતી. ‘રાજ કરશે ને સુખમાં મહાલશે. નવા ઘરમાં, કહો ને કે હવેલીમાં, મોંઘાદાટ કપડાં, દાગીના, મનગમતું ખાવાનું, નોકર-ચાકર ને ઘોડા-ગાડી વગેરે જોઈને ધનલક્ષ્મી અંજાઈ ગઈ. એ આ જ ગામ હતું જ્યાં એ પરણી હતી. રાજુલે કહ્યું, ‘કાલે બતાવીશ એની હવેલી. બંધ પડી છે ને વેચવા પણ માંગે છે, કારણ આ ગામ સાથે હવે એને કોઈ નિસબત નથી. નવા સાંપડેલા વૈભવે એના મગજમાં એવો મદ પેદા કર્યો કે નજદીકના ગામમાં રહેતાં ગરીબ મા-બાપ અને બહેનો સાથે સંબંધ રાખવામાં એણે નાનમ અનુભવી. પાંચ વરસ પછી પરાગના જનમ વખતે રિવાજ મુજબ સુવાવડ કરવા બોલાવી ને અહીંના પ્રમાણમાં ત્યાં દવાખાનાની સગવડ વધુ સારી હોવાથી એ નાછૂટકે આવી. ત્યાર પછી એણે પિયરીયાં પ્રત્યે વળીને જોયું નથી, જાણે એમનું કોઈ અસ્તિત્વ જ ના હોય! ‘શશી ના હોત તો હું કદાચ મામૂલી શિક્ષણ પામી કોઈ ગામમાં સબડતી હોત.’ રાજુલે ગુસ્સામાં કહ્યું. એણે વાર-તહેવારે પણ પિયરનાં કોઈને યાદ નથી કર્યાં, નથી કોઈની ભાળ કાઢી. એ જે દુનિયામાં વસી હતી ત્યાં અમારું કોઈ સ્થાન નહોતું.

ત્યાર બાદ રાજુલે શશીએ લગ્ન બાદ ધનલક્ષ્મીના આશીર્વાદ લેવા કરેલી એની મુલાકાતની વાત કરી. શશીને લપડાક મારી એને હડધૂત કર્યાની વાતનું વર્ણન કર્યું.

રાજુલની વાત સાંભળી માનસીને અનુભૂતિ થઈ કે એ પ્રસંગની દુઃખદ યાદ એના માનસ પર ભારરૂપ બની ગઈ હતી. શશી કેવળ એની બહેન નહોતી; એની ભાગ્યવિધાતા હતી. શશી ભલે એના હડધૂત થયાની વાતને ગૌણ માનતી હોય, પણ રાજુલ માટે એ ઘોર અપરાઘ હતો.

રાજુલની વાતો શાંતિથી સાંભળી થોડી વાર ચુપકીદી સેવી માનસી બોલી, ‘હવે આ વાત તું મગજમાંથી કાઢી નાખ. તારા વેરની વસૂલાતની જવાબદારી હવે મારી છે. સાચું કહું તો મારી સાસુ જેવાની સામે બદલો લેવા એની કક્ષાએ ઊતરવું પડે, જે આપણને ના શોભે. એ કામ હું પાર પાડીશ, મારી રીતે. મને થોડો સમય આપ.’

નજદીકનાં ગામડાનો પ્રવાસ પતાવી બે દિવસ શશી સાથેના વસવાટ દરમિયાન માનસીને શશીની નમ્રતા, એની કાબેલિયત ને એના પ્રેમાળ સ્વભાવની સારી એવી પ્રતીતિ થઈ. એણે શશીને ભરોસો આપ્યો કે એ જ્યારે ઇચ્છે ત્યારે એક ડૉક્ટર તરીકે માનસી એની સેવા આપવા તત્પર રહેશે.’

માનસીના મનમાં સવાલ ઊઠ્યો કે શશી ક્યાં સુધી એકલી ઝઝૂમશે? એનું જાહેરમાં સન્માન થાય, આધુનિક સમાજમાં પણ એના નિઃસ્વાર્થ કાર્યની ચર્ચા થાય એ આવશ્યક હતું. સમાજમાં એવા પણ સંવેદનશીલ લોકો હતાં, જે કદાચ જાતે કંઈ કરવાની ક્ષમતા ના ધરાવતાં હોય પણ અત્યંત જરૂરી એવું ધન પ્રદાન કરી શકે ને કેટલાંક એવાં પણ હોય છે જે નથી ધનવાન કે નથી ધર્માદા, પણ જે માનવસેવાને ધર્મ સમજે છે એવાને પ્રેરણા બળ મળે. શશીનું કાર્યક્ષેત્ર વિકસાવવા માટે એ જરૂરી હતું કે એના ત્યાગ અને એની સફળતા લોકોની નજરમાં આવે. રણમાં ઊગેલા આ ફૂલને એક આકર્ષક ફૂલદાનીમાં સજાવવાની જરૂર હતી, જે એને પ્રદર્શનિય વસ્તુ બનાવે. પરિણામસ્વરૂપ માનસીએ એની ધારેલી યોજનાને મનોમન છેલ્લું સ્વરૂપ આપ્યું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.