ભગવાન થાવરાણી
ઓગણીસમી શતાબ્દીના શાયરોનો સિલસિલો જારી રાખતાં આવો હવે મળીએ એક એવા સાહિત્યકારને જે દરેક દ્રષ્ટિથી એક મોટું નામ છે. પોતાની વ્યંગાત્મક નઝ્મો અને શેરોના કારણે સુખ્યાત આ શાયર અલ્લાહાબાદમાં સેશન્સ જજ પણ હતા. નામ અકબર ઈલાહાબાદી . જેમ હમેશાં બનતું આવ્યું છે તેમ, અકબર સાહેબના કટાક્ષયુક્ત શેરો પાછળ કોઈકને કોઈક અણીદાર વાત છુપાયેલી રહેતી. જેમ કે આ શેર :
હુએ ઈસ કદર મુહઝ્ઝબ કભી ઘર કા મુંહ ન દેખા
કટી ઉમ્ર હોટલોં મેં, મરે અસ્પતાલ જા કર ..
(મુહઝ્ઝબ = સુસંસ્કૃત)
અને અકબર સાહેબ જ આવો ગંભીર શેર આવી ઠાવકાઈથી કહી શકે :
ઈશ્ક નાઝુક – મિજાજ હૈ બેહદ
અક્લકા બોજ ઊઠા નહીં સકતા
ગુલામ અલી સાહેબે ગાયેલી એમની આ ગઝલ કોણે નથી સાંભળી ?
હંગામા હૈ કયું બરપા થોડી – સી જો પી લી હૈ
ડાકા તો નહીં ડાલા ચોરી તો નહીં કી હૈ
મોટા શાયરોમાં એક વાત ખાસ હોય છે. પોતાનાથી વરિષ્ઠ શાયરો આગળ એ લોકો પૂરા અદબથી પેશ આવે છે. અકબર સાહેબ પણ એમાં બાકાત નથી :
મૈં હું ક્યા ચીઝ જો ઉસ તર્જ પે જાઉં ‘ અકબર ‘
‘નાસિખ’-ઓ-‘ઝૌક’ ભી જબ ચલ ન સકે ‘મીર’ કે સાથ
અંતિમ ચર્ચા માટે એમનો કેવળ એક શેર પસંદ કરવો એ પણ એક મીઠી મૂંઝવણ છે પણ છેવટે નજર મંડાય છે એમના આ શેર પર :
બસ જાન ગયા મૈં તેરી પહચાન યહી હૈ
તૂ દિલ મેં તો આતા હૈ સમજ મેં નહીં આતા
જીવનમાં બધું જ કંઈં સમજાય નહીં. સમજાવું પણ ન જોઈએ. પ્રયત્ન પણ ન કરવો જોઈએ. કેટલીક અણસમજ, કેટલુંક અંધારું ભલે બાકી રહેતું. અેનાથી દુનિયાની ખૂબસૂરતી બરકરાર રહે છે. ઘૂંઘટમાં ઢંકાયેલું મુખ વધુ આકર્ષક લાગે તેમ ! આ ‘ પેલા ‘ ની પણ એ જ ઓળખ છે. એને સમજવાનો નથી કારણ કે એનો નિવાસ દિલમાં છે. જો એ દિમાગમાં વસ્યો તો સમજો, દિલની મહેફિલ સૂની – સૂની ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Wahhhh
કટાક્ષ અને રમૂજ સહજ રીતે મૂકી દેવાની એમની ખાસિયત એમના ઘણા શેરમાં પ્રગટ થાય છે.
रहता है इबादत में हमें मौत का खटका
हम यादें खुदा करते हैं, कर ले न खुदा याद।