ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૩: નોઆખલીમાં રમખાણ, બિહારમાં જવાબી હત્યાકાંડ

દીપક ધોળકિયા

હજી તો કલકત્તામાં મુસ્લિમ લીગે ડાયરેક્ટ ઍક્શન કાર્યક્રમમાં ખેલેલી ખૂનની હોળીને સાત જ અઠવાડિયાં થયાં હતાં. કલકત્તામાં લીગે ધાર્યું હતું તેના કરતાં મુસલમાઅનોને વધારે નુકસાન થયું હતું એટલે બંગાળ ‘કલકત્તાનો બદલો’ લેવાના હાકલાપડકારાથી ગૂંજી ઊઠ્યું હતું અને એની સૌથી ખરાબ  અસર પૂર્વ બંગાળના  નોઆખલી જિલ્લામાં થઈ. ત્યાં હિન્દુઓ વિરુદ્ધ રમખાણો તો ઑક્ટોબરની દસમીએ જ શરૂ થઈ ગયાં હતાં પણ બહારની દુનિયા સુધી ૧૫મીએ સમાચાર પહોંચ્યા.

એ જ દિવસે મુસ્લિમ લીગે સરકારમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો એટલે ગાંધીજીએ થોડી નિરાંત અનુભવી અને સેવાગ્રામ જવાનો વિચાર કર્યો. ૨૭મીએ એમની જવાની તારીખ નક્કી થઈ ગઈ, પરંતુ ત્યાં જ નોઆખલી ભડકે બળતું હોવાના સમાચાર આવ્યા.  નોઆખલી જિલ્લામાં મુસલમાનોની ભારે બહુમતી હતી. એમણે હિન્દુઓની મોટા પાયે કતલ શરૂ કરી દીધી. હિન્દુઓનાં ઘરો અને દુકાનોને આગ લગાડી દેવાઈ, પરાણે ધર્મ પરિવર્તનો, બળાત્કારો અને તે સાથે હિન્દુ છોકરીઓને બળજબરીથી મુસલમાનો સાથે પરણાવી દેવાની ચોંકાવનારી ઘટનાઓ બન્યાનું બહાર આવ્યું. નોઆખલીની કોમી કત્લેઆમ માટે મિયાં ગુલામ સરવર હુસેની નામનો એક માજી ધારાસભ્ય સીધી રીતે જવાબદાર હતો. સરવર ડેરા શરીફના ‘પીર સાહેબ’ તરીકે જાણીતો હતો અને ધર્મને નામે એની લોકોમાં સારી વગ હતી. એ કોંગ્રેસની ટિકિટ પર અથવા કોંગ્રેસની નાણાકીય સહાયથી ચૂંટણી લડ્યો હતો પણ મુસ્લિમ લીગના ઉમેદવારે એને હરાવી દીધો. મુસલમાનોમાં એનો મોભો હતો પણ હવે મુસ્લિમ લીગે એમાં ગાબડું પાડ્યું હતું. સરવર પોતાની વગ ફરી સ્થાપવા માગતો હતો એટલે એ મુસ્લિમ લીગમાં જોડાઈ ગયો અને પાર્ટીમાં બીજા નેતાઓ કરતાં આગળ નીકળી જવા માટે એણે  રોજેરોજની વાતોમાં પણ હિન્દુઓને ભાંડવાનું શરૂ કરી દીધું અને હિન્દુઓનું નિકંદન કાઢી નાખવા માટે મુસલમાનોને ઉશ્કેર્યા.

આખા બંગાળના ઇમામો અને મૌલવીઓમાં નોઆખલીનો ફાળો બહુ મોટો રહ્યો છે. સુહરાવર્દીના શાસન દરમિયાન એમણે મસ્જિદોમાં રહીને લીગનો ખૂબ પ્રચાર કર્યો. એમણે નોઆખલીનાં રમખાણમાં બહુ મોટો ભાગ ભજવ્યો. નોઆખલીમાં ચારે બાજુ જંગલ અને વચ્ચે છૂટાંછવાયાં ઝૂંપડાંઓ હતાં. એક જગ્યાએથી “બચાવો…બચાવો”ની ચીસો પડે તો બીજા કોઈ જૂથના ઝૂંપડાં સુધી અવાજ પણ ન પહોંચે. ૧૦મી ઑક્ટોબરે લક્ષ્મી પૂજા ઊજવવામાં હિન્દુઓ વ્યસ્ત હતા ત્યારે સરવરના ગુંડાઓએ આનો લાભ લીધો. એમણે  ઠેકઠેકાણે ઝૂંપડાંનાં જૂથોને ઘેરીને ચારે બાજુના રસ્તા બંધ કરી દીધા, કે જેથી કોઈ અંદર ન આવી શકે કે બહાર ન નીકળી શકે. ચારે બાજુથી ગુંડાઓએ, તલવારો, ખંજરો, ધારિયાં, કુહાડીઓ લઈને નિર્દોષ માણસો, સ્ત્રીઓ અને બાળકો પર હુમલા કર્યા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સૈનિકોને છૂટા કરવામાં આવ્યા, તેમાંથી ૫૬ હજાર સૈનિકો તો એકલા નોઆખલી જિલ્લાના હતા. એમણે સરવરના માણસોને લશ્કરી રીતરસમો સમજાવી. એના પ્રમાણે બધી નહેરો તોડી નાખવામાં આવી, પુલો બાળી નંખાયા અને રસ્તાઓ પર આડશો ઊભી કરી દેવાઈ. સુહરાવર્દીની સરકારે મોડે મોડે લશ્કરની મદદ લીધી પણ પુલો નહોતા અને ચારે બાજુ પાણી રેલાયાં હતાં. સુહરાવર્દીએ કબૂલ્યું કે નોઆખલીમાં કેમ હિંસા ફાટી નીકળી તે જાણી શકાયું નથી અને ચારે બાજુ ખૂનામરકી, બળાત્કારો અને ધર્મપરિવર્તનો થાય છે. આમ છતાં એણે નોઆખલી જવાને બદલે દાર્જીલિંગમાં ગવર્નરે બોલાવેલી કૅબિનેટની મીટિંગમાં જવાનું યોગ્ય માન્યું. નોઆખલી જિલ્લાનાં ચાર પોલિસ થાણાંનાં ૧૨૦ ગામોના ૯૦ હજાર હિન્દુઓ અને તિપેરા જિલ્લાનાં ૭૦ ગામોના ૪૦ હજાર હિન્દુઓ ફસાઈ ગયા હતા. પાંચસો વર્ગ માઇલના વિસ્તારમાં ગુંડાઓનું રાજ હતું. રસ્તા બંધ હોવા છતાં લોકો ગમે તેમ કરીને ભાગી છૂટતા હતા. આશ્રિત કૅમ્પોમાં ૪૦ હજાર લોકો પહોંચી ગયા હતા.

આમ તો તોફાનના ઓળા ૨૯મી ઑગસ્ટે જ નોઆખલી પર ઝળુંબતા હતા. એ દિવસે મુસલમાનો ઈદ ઉલ ફિત્ર ઊજવતા હતા ત્યાર અફવા એક કાનેથી બીજા કાને પહોંચી કે હિન્દુઓએ શીખોને રોક્યા છે અને મુસલમાનોની કતલ કરી છે. તે પછી બધા મુસલમાનો નોઆખલી શહેરની મસ્જિદમાં ભેગા થયા. સરવરે દાંડી પીટીને છઠ્ઠી સપ્ટેમ્બરે એક મીટિંગ બોલાવી અને એમાં કલકતાની નામોશીનો બદલો લેવાનું નક્કી કર્યું. આવી મીટિંગો કેટલાંય ગામોમાં મળી. તે સાથે મંદિરો પર હુમલા શરૂ થઈ ગયા. બીજા દિવસે હજારેકનું ટોળું આવ્યું અને બજારમાં લૂંટફાટ મચાવી. હિન્દુઓએ સરકાર પાસે મદદ માટે ધાં નાખી પણ સુહરાવર્દીની  સરકારે એમની કાકલૂદીઓ એક અઠવાડિયા સુધી કાને ન ધરી.

+++()+++

ભયંકર ઘટનાઓ વચ્ચે હિન્દુ મુસ્લિમ એકતાની ઘટનાઓ પણ બની. હસનાબાદ ગામના હિન્દુઓ અને મુસલમાનોએ ગામની શાંતિ ભંગ ન થવા દેવાનો સંકલ્પ કર્યો. એમને સમાચાર મળ્યા કે અમુક જગ્યાએ ગુંડાઓ ગામ પર હુમલો કરવાની યોજના બનાવવા મળવાના છે. એમણે એક ભલા સબઇન્સ્પેક્ટરને સમાચાર પહોંચાડી દીધા. પરિણામે બધા ગુંડા એક જ સ્થળેથી પકડાઈ ગયા.

એ જ રીતે ગુલામ સરવરનો ભાઈ એક જગ્યાએ મસ્જિદમાં મૌલવી હતો. એણે મુસલમાનોની ગુંડાગીરીનો વિરોધ કર્યો. એના હિન્દુ પાડોશીઓ એને મળ્યા અને ફરજિયાત ધર્માંતરણ કરાવતા હોવાની ફરિયાદ કરી. એણે એમને સલાહ આપી કે જીવ બચાવવા માટે ધર્મ ન બદલવો જોઈએ, એમને ઇસ્લામ સારો લાગે તો જ ધર્મ બદલવો.

એક હિન્દુ ડૉક્ટરનું દવાખાનું મુસલમાનોની ભીડનું શિકાર બન્યું. એમણે દેવીદેવતાઓના કાચમાં મઢેલા ફોટા તોડી નાખ્યા. આવો કાચ ટોળાના સરદારના પગમાં ઘૂસી ગયો અને પુષ્કળ લોહી વહી નીકળ્યું. ડૉક્ટર પોતાનું દુઃખ ભૂલી ગયો અને એને પોતાની ફરજ યાદ આવી. એ સરદારને પોતાના ખેદાનમેદાન દવાખાનામાં લઈ ગયો અને પાટાપીંડી કરી આપી. આભારવશ સરદાર સ્તબ્ધ રહી ગયો. આખા મહોલ્લામાં માત્ર ડૉક્ટરનું ઘર બચી ગયું.

+++()+++

૨૫મી ઑક્ટોબરે મુસ્લિમ લીગની ટીમે નોઆખલીની મુલાકાત લઈને રિપોર્ટ આપ્યો કે ઘટનાઓનું અતિશયોક્તિભર્યું વર્ણન કરવામાં આવે છે અને બળાત્કારનો એક પણ કિસ્સો નથી બન્યો. ૨૭મી ઑક્ટોબરે ગાંધીજીએ પ્રાર્થના સભામાં જાહેર કર્યું કે પોતે બીજા જ દિવસે સવારે કલકત્તા જવા રવાના થાય છે. ૨૯મીએ ગાંધીજી સોદપુર પહોંચ્યા.  તરત જ પ્રફુલ્લ ચંદ્ર ઘોષ, કિરણ શંકર રાય વગેરે નેતાઓ એમને મળવા આવ્યા. બીજા દિવસે ગાંધીજી ગવર્નરના આમંત્રણથી એને મળવા ગયા. ગવર્નરે એમને પૂછ્યું કે પોતે આ સ્થિતિમાં શું કરી શકે. ગાંધીજીએ રોકડો જવાબ આપ્યો કે જે કંઈ કરવાનું છે તે પ્રીમિયર સુહરાવર્દીએ કરવાનું છે. ગવર્નરની ઇચ્છા  કંઈક કરવાની હોય તો એ એટલું જ કરી શકે કે બ્રિટિશ સરકારની દરખાસ્ત પ્રમાણે જેમ બને તેમ  જલદી પોતાનું પદ છોડી દે. ઈસ્ટર્ન કમાંડનો ચીફ મેજર જનરલ બુચર ગાંધીજીને મળવા આવ્યો અને  આર્મીની મદદ જોઈએ તો આપવાની ઑફર કરી. ગાંધીજીએ આર્મીની મદદ લેવાની તો ના પાડી જ, પરંતુ એ સલાહ પણ આપી કે લશ્કરે નાગરિક સરકારની હેઠળ રહીને જ કામ કરવું જોઈએ. સુહરાવર્દીએ ગાંધીજીને મળીને નોઆખલી જવાનું થોડા દિવસ ટાળી દેવા માટે ખૂબ સમજાવ્યા અને કહ્યું કે બધા રિપોર્ટ અતિશયોક્તિભર્યા છે. પણ ગાંધીજીએ એને પણ કહી દીધું કે તેઓ જાતે જ જઈને સ્થિતિ જોશે.

ગાંધીજીએ શ્રીરામપુરમાં રોકાયા પરંતુ ત્યાં એમને ૪૩ દિવસ રહેવું પડ્યું કારણ કે વરસાદને કારણે નદીનાળાંઓ ઉપરના પુલો તૂટી પડ્યા હતા અને ખેતરોમાંથી જઈ શકાય તેમ નહોતું. અને આજુબાજુનાં ગામોની મુલાકાત લેતા રહ્યા. મોટા ભાગે તો એમને પગપાળા પ્રવાસ કરવો પડતો અથવા નાવની મદદ લેવી પડતી. સ્થાનિકના મુસલમાનો ગાંધીજી પગપાળા પણ ન ચાલી શકે  તે માટે રસ્તાઓ પર મળ નાખીને ગંદા કરી નાખતા. એમણે પોતાના નિકટના કોઈ પણ સાથીને સાથે નહોતો રાખ્યો. માત્ર એમના દુભાષિયા અને સહાયક તરીકે પ્રોફેસર નિર્મલ કુમાર બોઝ, સ્ટેનોગ્રાફર પરશુરામ અને બીજા એક-બે જણને જ સાથે રાખ્યા.

ગાંધીજી અહીં મુસલમાનોને મળતા અને હિન્દુઓને પાછા ફરવાની હિંમત આપતા.  પરંતુ લીગનું ત્યાં એટલું જોર હતું કે મુસલમાનોએ એમનો લગભગ બહિષ્કાર કર્યો હતો. મુખ્યત્વે ગાંધીજી શરણાર્થીઓને મદદ મળે તેવા પ્રયાસોમાં લાગ્યા રહ્યા. એમણે નોઆખલીને એમની અહિંસાની પરીક્ષા જેવું ગણ્યું હતું. ગાંધીજીનો વ્યૂહ એ હતો કે શરણાર્થીઓને મદદ મળે, એ પાછા ફરે, એમનાં ઘરો બંધાય તે સરકારની જવાબદારી હતી અને સેવાભાવી સંસ્થાઓએ પણ સરકારની જવાબદારી સંભાળી ન લેવી જોઈએ. ગીતા પ્રેસ, ગોરખપુર તરફથી કેટલાક જણ એક લાખ રૂપિયાના ધાબળા વગેરે લઈને આવ્યા, પણ ગાંધીજીએ એ લેવાની ના પાડી. એમણે એનું કારણ આપ્યું કે ધાબળા વગેરે આપવાનું કામ સરકારનું છે અને પોતાની માગણી માટે દબાણ કરવું એ શરણાર્થીઓનો અધિકાર છે. સરકાર ન કરી શકે અને કબૂલે કે એની પાસે સાધનો નથી, તો જ ખાનગી સંસ્થાઓએ મદદ માટે આગળ આવવું જોઈએ. લોકો પોતાના અધિકારો વિશે જાગૃત ન થાય અને મુસીબતો વખતે કેમ કામ કરવું તે સમજે નહીં તો લોકશાહી વિકસે નહીં.

પરંતુ, નોઆખલીના રમખાણોનો પડઘો બિહારમાં પડ્યો. અહીં ચિત્ર અવળું હતું. નોઆખલીમાં મુસલમાનોએ હિન્દુઓ પર કાળો કેર વર્તાવ્યો તો બિહારમાં હિન્દુઓએ એનો બદલો લીધો અને મુસલમાનો કતલેઆમનો ભોગ બન્યા. ગાંધીજી પર મુસ્લિમ લીગાના પ્રધાનો અને બીજા નેતાઓ આક્ષેપ કરવા લાગ્યા કે એ હિન્દુઓને બચાવવા માટે નોઆખલીમાં બેઠા છે, પણ બિહારના મુસલમાનો પ્રત્યે એમનામાં દયામાયા નથી. ગાંધીજી પાસે આ રિપોર્ટ પહોંચ્યા ત્યારે એમણે જાહેર કર્યું કે બિહારમાં જે થયું છે તે હિન્દુઓ અને હિન્દુ ધર્મ માટે શરમજનક છે પરંતુ એ કારણે તેઓ નોઆખલી છોડવાના નથી. બિહારમાં કોંગ્રેસ સરકાર હતી. નોઆખલીમાં જે રીતે મુસ્લિમ લીગની સરકાર પર આક્ષેપ થતા હતા તેવા જ આક્ષેપો બિહારની કોંગ્રેસ સરકાર પર પણ થતા હતા. ગાંધીજીને સમાચાર મળતા હતા કે કોંગ્રેસ સરકાર મુસલમાનોને રક્ષણ આપવામાં નિષ્ફળ રહી હતી. ગાંધીજીએ ચિંતા દર્શાવી કે કોંગ્રેસ સરકાર બરાબર કામ નહીં કરે તો મુસ્લિમ લીગનો આક્ષેપ સાચો પડશે કે કોંગ્રેસ એક હિન્દુ સંગઠન છે.  જો કે પછી એમને એવા સમાચાર મળતા રહ્યા કે બિહાર ગયા વિના છૂટકો નથી. આમ એમણે ત્રણેક મહિને નોઆખલી છોડ્યું.

સંદર્ભઃ

  1. The Last Phase – Pyare Lal Vol 9 Book 1
  2. My Days with Gandhi – Nirmal Kumar Bose

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.