મધ્યાહ્ન ભોજન યોજના : ભૂખ ભાંગે છે, ભેદ નહીં !

નિસબત

ચંદુ મહેરિયા

ભારતની પ્રાથમિક શાળાના બાળકોને પૂરક પોષણ પૂરું પાડતી મધ્યાહ્ન ભોજન યોજના હવે પીએમ પોષણ યોજના કહેવાશે.! કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ના પાંચ વરસ માટે મધ્યાહ્ન ભોજન યોજનાને  નવા નામે અને નવા રૂપે અમલી બનાવવા મંજૂરી આપી છે.

ઈ.સ.૧૯૨૩માં, મદ્રાસ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરી વિસ્તારોની શાળાનાં બાળકો માટે પોષક આહાર યોજના શરૂ કરી હતી ,તે ઘટનાને હવે તો સો વરસ થશે. ૧૯૩૦માં પોંડિચેરીમાં ફ્રેન્ચ વહીવટી તંત્રે પણ આવો પ્રયાસ કર્યો હતો. આઝાદી બાદ, ૧૯૬૨-૬૩માં, તમિલનાડુમાં કે.કામરાજે નાના પાયે અને પછી ૧૯૮૨માં એમ.જી.રામચન્દ્રને સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી હતી. બાળકો જોગ બપોરાંની આ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું. કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ૧૯મી નવેમ્બર ૧૯૮૪ના રોજ ગુજરાતમાં મ.ભો.યો.ના આરંભી હતી. રાજ્યના ૬૮ તાલુકાથી તેની શરૂઆત કરવામાં આવી હતી. ડિસેમ્બર ૧૯૮૪માં તેનો વ્યાપ વધારીને સમગ્ર રાજ્યમાં લાગુ પાડી હતી.

૧૯૯૫ના સ્વાતંત્ર્ય દિવસથી દેશના ૨૪૦૮ તાલુકામાં અમલી મધ્યાહ્ન ભોજના યોજના ,૧૯૯૭-૯૮માં, આખા દેશમાં લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર પુરસ્ક્રુત અર્થાત કેન્દ્ર સરકારના આર્થિક અનુદાનથી અમલી મ.ભો.યો માં પહેલાં કેન્દ્રનો ફાળો ૭૫ ટકા હતો, જે હવે ૬૦ ટકા છે. ધોરણ એક થી આઠના, છ થી ચૌદ વરસના, ૧૧.૨૦ લાખ શાળાના, ૧૧. ૮ કરોડ બાળકો આ યોજનાના લાભાર્થી છે. નિમ્ન પ્રાથમિક શાળાના બાળકો માટે ૪૫૦ કેલેરી અને ૧૨ ગ્રામ પ્રોટીન, ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો માટે ૭૦૦ કેલેરી અને ૨૦ ગ્રામ પ્રોટીનયુક્ત ગરમ રાંધેલું ભોજન આપવાના માપદંડ નક્કી કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર મ.ભો.યો.ના ધોરણ ૧ થી ૫ના બાળકો માટે પ્રત્યેક બાળકદીઠ ૧૦૦ ગ્રામ અને ૬ થી ૮ ધોરણના બાળકો માટે ૧૫૦ ગ્રામ અનાજ પૂરું પાડે છે બાળકોને દુકાળના સમયે વેકેશનમાં પણ આ ભોજન આપવાની જોગવાઈ છે. કોરોના મહામારીમાં શાળાઓ બંધ હોવાથી બાળકદીઠ નિર્ધારિત રોકડ રકમ કે અનાજ આપવામાં આવ્યું હતું.

મધ્યાહ્ન ભોજન યોજનાના- ઉદ્દેશ બાળકોને શિક્ષણ તરફ વાળવા, શિક્ષણનો વ્યાપ વધારવો, નિરક્ષરતા નિવારણ, પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડી કુપોષણ નાબૂદી, ગરીબી નિવારણ, આરોગ્યમાં સુધારો, રોજગારી પૂરી પાડી બેરોજગારી ઘટાડવી, શાળા બહાર ધકેલાતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, બાળકોમાં જ્ઞાતિ, લિંગ, ધર્મના ભેદભાવ સિવાય સામાજિક સમાનતા અને એકતા વિકસાવવી વગેરે – છે.પરંતુ યોજનાના ઘણાં ઉદ્દેશ કાગળ પર જ રહ્યાં છે.

લાંબાગાળાથી આ યોજના અમલી હોવા છતાં તે સામાજિક સમાનતા સ્થાપવામાં નિષ્ફળ અને ભ્રષ્ટાચારનો પર્યાય હોવાની વ્યાપક ફરિયાદો છે. આ વાત તેના મૂલ્યાંકનના સરકારી-બિનસરકારી પ્રયાસોમાં ઉજાગર થઈ છે. ખુદ ગુજરાત સરકારે યોજનાના અમલીકરણના ત્રીજા જ વરસે એનું મૂલ્યાંકન  જાણીતી સંશોધન સંસ્થા ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’(સુરત) પાસે કરાવ્યું હતું.  આ મૂલ્યાંકનનું મહત્વનું તારણ યોજનાના નબળા અમલીકરણનું, રાજકીય ઈચ્છાશક્તિના અભાવનું અને વહીવટી તંત્રની ઉપેક્ષાનું હતું. આજે સાડા ત્રણ દાયકે પણ તે સાચું છે.

યોજનાને કારણે બાળકોનું પ્રાથમિક શાળામાં દાખલ થવાનું પ્રમાણ નિ:શંક વધ્યું છે. પરંતુ યોજના માત્ર સરકારી અને સરકાર અનુદાનિત શાળાઓમાં જ અમલી છે દેશમાં હવે ખાનગી પ્રાથમિક શાળાઓનું પ્રમાણ વધી ગયું છે ત્યારે આ યોજના પર આદિવાસી-દલિત-પછાત-વંચિત-ગરીબ લાભાર્થી બાળકોને નબળા અને ગુણવત્તાહીન શિક્ષણમાં લિપ્ત રાખવાનું આળ છે.

૨૦૧૮નો નીતિ આયોગનો એક અભ્યાસ મધ્યાહ્ન ભોજન આરોગતી બાળાઓનાં કદ-કાઠી બિન લાભાર્થી બાળાઓના પ્રમાણમાં વધ્યાં હોવાનું જણાવે છે. તે થકી કુપોષણ નાબૂદીનું યોજનાનું લક્ષ  સંતોષાતું હોવાનું આશ્વાસન નીતિનિર્માતાઓ લે છે. દેશમાં પાંચ વરસથી ઓછી વયના ૫૦ ટકા બાળકો કુપોષિત છે. એટલે ૬ થી ૧૪ વરસના બાળકોને મધ્યાહ્ન ભોજનનું બટકું ફેંકીને કુપોષણની સમસ્યા હલ કરી શકાશે નહીં. વળી દેશમાં યોજનાની સફળતાનો દર ૭૨ ટકા અને ઉત્તર ભારતના રાજ્યોમાં ૪૦ થી ૬૦ ટકા છે. એટલે  આ યોજના  દ્વારા સંપૂર્ણ નહીં પણ આંશિક જ કુપોષણ મુક્તિ થઈ શકશે.

‘શાળાઓમાં જ્ઞાતિ, ધર્મ અને લિંગ આધારિત કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય બાળકોને એક સાથે જમવાનું આપવામાં આવે’ એવો યોજનાનો મહત્વનો અને ઉમદા હેતુ છે. આ યોજના દ્વારા સામાજિક સમાનતા સધાય અને બાળકો બચપણથી જ જ્ઞાતિ-ધર્મના પૂર્વગ્રહોથી મુક્ત બને તેવો યોજનાનો હેતુ હોય અને બીજી તરફ ન માત્ર ગુજરાતમાં દેશભરમાં દલિત બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદો સતત ઉઠે છે. ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાના ગડેરી અને મૈનપુરી જિલ્લાના દૌદાપુર ગામના બનાવો તાજેતરના છે. આ બંને ગામોમાં દલિત બાળકોને જુદા જમવા બેસાડાતા હતા. ભેદભાવની ફરિયાદ પછી ફરજમોકુફ થયેલા આચાર્યા બહેનોએ તેમના ક્રુત્યને સામાજિક પરંપરા લેખાવ્યું છે !.

જાણીતા સમાજશાસ્ત્રી આઈ.પી.દેસાઈના ૧૯૭૬ના “અનટચેબિલિટી ઈન રુરલ ગુજરાત”ના અભ્યાસમાં, સંશોધન હેઠળના ૫૯માંથી ૫૮ ગામોમાં દલિત બાળકો સાથે શાળામાં આભડછેટ રાખવામાં આવતી ન હોવાનું જણાયું હતું. તેના દસ વરસ બાદના બે યુવા સંશોધકો કિરણ દેસાઈ અને સત્યકામ જોશીના અભ્યાસમાં, “મ.ભો.યો.ના અમલે શિક્ષકોના જ્ઞાતિકીય પૂર્વગ્રહો સપાટી પર આણ્યાનું, કથિત ઉચ્ચવર્ણીય શિક્ષકો ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં  સભાનપણે કથિત અસ્પ્રુશ્ય બાળકોને અલગ બેસાડતા હોઈ, બાળકોમાં બચપણથી સામાજિક દૂષણ રોપાઈ રહ્યાનું” નોંધાયું છે.. એ રીતે સામાજિક ભેદભાવને મિટાવવાનો ઉદ્દેશ ધરાવતી મ.ભો.યો.પોતે જ.નવા રૂપે આભડછેટ જન્માવનારી બની છે.

ભારતીય જ્ઞાતિવ્યવસ્થામાં રોટી-બેટી વ્યવસ્થાનો નિષેધ હોઈ ભોજન જ્ઞાતિવ્યવસ્થાનું કેન્દ્ર છે. તેનો વધુ એક પુરાવો ૨૦૧૦નો અમેરિકાના ‘રોબર્ટ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઈટ્સ’ અને ગુજરાતના ‘નવસર્જન ટ્રસ્ટ’નું ‘અન્ડરસ્ટેન્ડિંગ અનટચેબિલિટી’ સંશોધન છે. ગુજરાતના ૫૬ તાલુકાના ૨૫૮૯ ગામોમાં પ્રવર્તતી અસ્પ્રુશ્યતાનો આંખ ઉઘાડનારો આ અભ્યાસ, ગુજરાતમાં દલિત બાળકો પ્રત્યે મધ્યાહ્ન ભોજનમાં ૫૩.૮ ટકા જેટલી ઉંચી આભડછેટ પળાતી હોવાનું, જણાવે છે. સંશોધકોને દલિતોની આંતરિક આભડછેટ પણ મ.ભો.માં જોવા મળી હતી. ગુજરાતમાં દલિતોની કહેવાતી ઉંચી જાતિના બાળકો નીચી જાતિના મનાતા સફાઈ કામદારોના બાળકો પ્રત્યે મ.ભો.માં ૧૭.૪ ટકા આભડછેટ પાળતા હતા. એટલે રાજ્યની ૧૭.૪ ટકા શાળાઓમાં બપોરના સરકારી ભોજનમાં દલિત, બિનદલિત એવી બે જ નહીં પણ બિનદલિત, દલિત અને દલિતમાં દલિત એવા સફાઈકામદારોના બાળકો એવી ત્રણ પંગતો જોવા મળતી હતી.!

એકતાળીસ સંશોધન સંસ્થાઓ દ્વારા ૨૦૧૦ થી ૨૦૧૨ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ,રાજસ્થાન, ઓરિસ્સા અને ગુજરાતની ૧૮૬ શાળાઓની મધ્યાહ્ન ભોજન યોજનાની કરેલી તપાસમાં પણ દલિત બાળકો પ્રત્યેનો સામાજિક ભેદભાવ જોવા મળ્યો હતો.

દેશના આશરે બાર કરોડ બાળકોને આવરી લેતી મધ્યાહ્ન ભોજન યોજના, સરકાર દ્વારા દુનિયાની સૌથી મોટી આહાર યોજના તરીકે પ્રચારિત થયેલી છે. કલ્યાણ રાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો માટે આ એક મહત્વની યોજના છે.પરંતુ તેની સફળતા માત્ર આંકડાઓની માયાજાળથી કે નવા નામકરણથી  ન આંકવી જોઈએ.વાસ્તવમાં આ યોજનાથી સામાજિક સમાનતા, એકતા અને ભાઈચારાની દિશામાં કેટલા ડગ માંડી શકાયા તે પણ ચકાસવું રહ્યું.  આ યોજના બાળકોની  ભૂખ ભાંગવા સાથે ભેદ ભાંગવામાં કેટલી ખરી કે ઉણી ઉતરી છે તેના આધારે પણ તેની સફળતા મૂલવવી જોઈએ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.