ભગવદગોમંડળના સંપાદક સ્વ. ચંદુલાલ બહેચરલાલ પટેલના જીવનની એ અસહ્ય ક્ષણો….

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

“એમનું જમણું અંગ ખોટું પડી ગયું છે, જમણો હાથ ઊપડતો નથી. વાચા છે, પણ બહુ કષ્ટથી ઉઘડે છે, લખી શકે તેમ નથી. છતાં જમણે હાથે પેન પકડીને લખવાનો મમત એ રાખે છે, જે પકડી શકાતી નથી. એટલે આંખમાં વરતાતી આજીજી સાથે પેનને દોરીથી અંગુઠા સાથે બાંધી આપવાની જીદ કરે છે કે હે મારા પ્રભુ, કોઈ પણ રીતે એકાદ શબ્દ પણ મારાથી લખી શકાય એટલી શક્તિ આપ ! મારે કાંઈક લખવું છે.”

“અરે!” મેં વિનેશને કહ્યું, ”શું વાત કરે છે તું, યાર ! લાખો શબ્દોને આમ કાગળ ઉપર સડસડાટ ઉતારનારો એક સાહિત્યકાર અને હજારો નિરક્ષરોને અક્ષરજ્ઞાન અપાવનારો ગુરુણામગુરુ ! આમ એક શબ્દ લખવા માટે ટળવળે ?”

“તમે બેસો શાંતિથી, એમ ઉભડક વાત નહીં થાય.” વિનેશે કહ્યું. હું બેઠો એટલે મિત્રે વાત સાંધી. “મારા તો એ બહેનનાં સસરા પણ થાય ને ! હું તો પંદરવીસ દિવસે એકાદી વાર ધોરાજીથી ગોંડલ આવું ત્યારે એમને ત્યાં આંટો મારું. એમ પરમ દિવસે જ હું ગયો તબિયતની ખબર કાઢવા, પણ ઉંબરામાં જ મારા પગ થંભી ગયા.’

“કેમ? શું થયું ?”

“અરે, હજુ તો આગળ ડગલું દઉં ત્યાં તો અંદરથી ચંદુબાપા ગળું ફાટી જાય એટલા ઉંચા પણ થોથવાતા અવાજે કોઈને ધમકાવતા હોય એવી બૂમાબૂમ સંભળાઈ. હું ખચકાઈને બહાર જ ઊભો રહી ગયો. લાગતું હતું કે બહુ ઉશ્કેરાઇ ગયા હતા. અવાજમાં કંપારી હતી અને ગરમી ! એટલે પછી મારા પગ અંદર જવા ઉપડ્યા જ નહીં. વિચારમાં પડી ગયો કે શું થયું હશે ? વિચારમાં ને વિચારમાં હજુ તો હું કાંઈક તાળો બેસારું ત્યાં તો અંદરથી પંદર-સત્તર વરસનો એક છોકરો ધોળો પૂણી જેવો ચહેરો લઈને ધ્રુજતો ધ્રુજતો ઓરડાની બહાર આવ્યો. એના હાથમાં એક કાગળ અને બીજા હાથમાં પ્લાસ્ટિકની નાની થેલી હતી. અંદર શું હોય શી ખબર?  એ નજીક આવ્યો ત્યારે મેં તરત ઓળખ્યો. અરે, આ તો નાનપણમાં બાપા જેને પોતાના ખોળામાં બેસાડીને હાથમાં પાટીપેન પકડાવીને એકડો-બગડો ઘુંટાવતા એ મયુરીયો ! એમના બહુ જૂના વખતના વફાદાર કારકુન મનજી વનમાળીદાસના છોકરા ભોગીલાલનો છોકરો !’

“તે આ નેવું વરસના ચંદુબાપા વળી માંદા માંદા આ બાળક ઉપર વળી શું કોપાયમાન થયા હશે?”

ચંદુલાલ બહેચરલાલ પટેલ

“મને ય ખબર ના પડી. ને પેલોય મોઢામાંથી કાંઈ ઓચર્યો નહીં, અરે !” વિનેશ  બોલ્યો : “બાકી હું જાણુંને, ગરમ થવાનું કોઈ કારણ આ રાંક છોકરો એને આપે એવું તો બને જ નહીં, પણ, પણ તો પછી..મનેય થયું કે કેમ આજે બાપા આટલા બધા ધગી ગયા હશે !”

“છોકરે કાંઈક અળવીતરાઈ કરી હશે? યા એમને કોઈ કારણસર આ છોકરો દીઠેય ગમતો નહીં હોય ! બીજું શું હોઈ પણ શું શકે ?’

“ના ભ’ઈ, ના,” વિનેશ બોલ્યો : ”તમે ના જાણો, પણ મને ખબર, એ છોકરો તો એમની બહુ સેવા કરે છે, પગચંપીય કરી દે ને શરીરે સ્પંજ પણ કરી આપે. એના દાદા તો ચંદુબાપાના બહુ વફાદાર સેવક, ને ચંદુબાપા નેય એમના ઉપર અથાગ પ્રેમ. જિંદગીભર બાપાની આંખમાં ક્યારેય ઝળઝળિયાંય જોવા ના મળે, પણ મનજી વનમાળીદાસના સાથરા પાસે તો એમણે રીતસર પોક જ મૂકેલી. પણ મનેય આ નવાઇ કે આ એના પોતરા ઉપર રાતાપીળા શું કરવા થાય ?

“હશે, પણ એ તો કહે કે પછી તું તો અંદર ગયો કે નહીં?”

“ના ગયો. હિંમત જ ના ચાલી. અરે, ભાઈસા’બ, ક્યાંક મારા પરેય વરસી પડે તો ? એટલે પછી અહીં પરસાળમાં જ સોફા પર બેઠો બેઠો શું કરવું તે વિચારતો હતો ને ત્યાં તો તમે આવ્યા અને આ તમને વાત કરી. ને તમે વળી કારણનું પૂછો છો! ‘

“તે વિનેશ, તને જ પૂછું ને? થોડું બાપાને પૂછવા જવાય છે ?”

પણ ત્યાં તો એ છોકરો જ નજરે પડ્યો. બીકમાં ને બીકમાં ચંપલ બારણે પડ્યાં રહ્યાં હશે તે બિચારો લેવા આવ્યો હશે, સિસકારો કરીને મેં એને પાસે બોલાવ્યો, પૂછ્યું : “અલ્યા, શું થયું હતું અંદર ? બાપા તને આટલું બધું શેનું વઢતા હતા ?”

ક્ષીણ અવાજે એણે કહ્યું. “શી ખબર ?”

“તેં કાંઈક તો કર્યું જ હશે ને? અમસ્તા અમસ્તા તે કાંઈ વઢતા હશે ?”

“કાંઈ નથી કર્યું, મા સોગન!”

મેં વિનેશ ભણી જોયું, : “ તને લાગે છે કે આ સાચું બોલતો હોય ?”

એણે હકારમાં ડોકી હલાવી : “ખોટું બોલવાની એનામાં તેવડ જ નથી. જે હોય તે કહી દે એવો છે.” પછી છોકરા તરફ કરડી નજર કરી : ‘તને કોઈ ફાંસી નથી આપવાનું. કહી દે જે હોય એ સાચેસાચું.”

મેં પણ જરી ઊંચો અવાજ કર્યો : “શું બન્યું હતું અંદર ? કહી દે જે હોય તે ! એમના એવા તે કેવા વાંકમાં તું આવી ગયો હતો ? એમની કોઈ ચીજ-વસ્તુને ભૂલથી અડી ગયો હતો ?”

કોશકચેરીમાં કાર્યરત ચંદુલાલ પટેલ

પણ છોકરો બોલે એ પહેલાં તો વિનેશ જ બોલ્યો : “ના, એવું કોઈ કારણ-બારણ ના હોય આમાં. બાપા આમ છે બહુ માયાળુ. એમ નાની નાની વાતમાં આવા ટિંડોરા પાસે ધગી જાય એવા નથી ! બહુ મોટા મનના છે. વિદ્વાન કોને કહે ? એમ વાતે વાતે છીંકાઈ જાય એવા ઘડી-બે ઘડીના અધુરિયા નથી આ ચંદુબાપા  !’

“ખેર,” મેં કહ્યું : “ વિનેશ, એ ગમે તે હોય. આપણે આજ તો કારણ જાણ્યે પાર કરવો છે.“ મેં ફરી છોકરા ભણી નજર તાકી : “બેટા, શું કામ લઈને તું અંદર ગયો હતો ?”

“પેન્શનના કાગળમાં બાપાની સહી કરાવવા.” એણે હાથમાંનો કાગળ ઊંચો કર્યો: “બાપા સહી કરે ત્યારે ટ્રેઝરી ઓફિસમાંથી ચેક ફાટે ને!”

“એમ તો દર મહિનાની ત્રીજી તારીખે તું જાય છે ને માંડ માંડ પેન પકડાવીને સહી લઈ આવે છે. તે આજે એમાં નવું શું છે ?” વિનેશ  બોલ્યો, “રૂટિન છે.”

છોકરાએ જવાબ ના આપ્યો.

“સારું સારું.” મેં કહ્યું: “જરી બતાવ તો એ કાગળ!”

કાગળ હાથમાં લઈને જોયો. કાગળ શું, વિથ્ડ્રોઅલ ફોર્મ હતું, પણ એમાં સહીની જગ્યા રાખેલી તે હજુ ખાલી હતી !

“કેમ?” મેં એને પૂછ્યું: “કેમ આમ? સાચું કહી દે. તું સહી કરાવવા ગયો હતો તો ય આ સહીનું ખાનું ખાલી કેમ છે ?

એ જવાબ દેતાં અચકાયો. પછી વળી માંડ માંડ બોલ્યો : “એમણે સહી કરવાની બહુ ટ્રાય કરી,  પણ દર વખતે કરે છે એમ આ વખતે તો માંડ માંડેય સહી ન કરી શક્યા.”

“હા,” વિનેશ બોલ્યો: “મેં તમને પહેલાં જ ન કહ્યું? આંગળામાં પેનની પકડ રહેતી નથી. આ છોકરો કાયમ પેનને ઉઘાડી કરીને પહેલી આંગળી સાથે દોરીથી બાંધી દે, એ પછી બાપા એની ઉપર અંગુઠો ટેકવીને જેમ તેમ સહી કરી દે, પણ આજ વળી..”

“આજ તો એમ પણ ના થયું.” છોકરો બોલ્યો: ”બે દિ’ પહેલાં આંગળીમાં સ્ટીલના ગ્લાસની ધાર ખૂંપી ગઈ ત્યાં જરી જરી પાક્યું છે એની મને ખબર છે, તોય એકવાર ટ્રાય ખાતર દોરીથી બોલપેન બાંધવા ગયો ત્યાં બાપા રાડ પાડી ગયા.”

“અરર, પછી ?” મેં પૂછ્યું.

“પછી-બછી શું વળી?” વિનેશ મારા નિરર્થક સવાલ પર જરી ચિડાઇ ગયો. “ લેખક  થઈને એટલું બી સમજી શકતા નથી કે એ બધી ખીજ આ બિચારા પર ઉતરી !”

“અને એટલે બાપા તારી ઉપર તૂટી પડ્યા, એમ જ ને? “ મેં એની સામે નજર તાકીને પૂછ્યું,

“ના, સાવ એમ તો નહીં.” છોકરો ડરતાં ડરતાં બોલ્યો” સાવ એમ તો નહિ પણ…’

”તો? “મેં જરી કડકાઈથી પૂછ્યું : “એમ નહિં તો કેમ ?”

“મેં બાપાને એટલું જ કીધું કે બાપા, સ્ટેમ્પપેડ લેતો આવ્યો છું. કહેતા હો તો કાઢું.  તો એમણે લગરીક મારી સામે તાકીને જોયું ને પછી પૂછ્યું ‘કેમ ? શું કરવા ? સ્ટેમ્પપેડનું શું કામ છે અત્યારે ?’ એટલે મેં કહ્યું કે ટ્રેઝરીવાળા સાહેબ કહેતા હતા કે બાપાથી સહી ના થઈ શકે તો કાંઈ નહિ. એમના ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેતો આવીશ તોય ચલાવી લેશું. બસ, આટલું બોલ્યો ત્યાં તો…બાપ રે એમણે એવી લાલઘૂમ આંખ કરી કે જાણે કે હમણા આંખના ગોખલાની બહાર ડોળા નીકળી જશે.”

બસ, અહીં સંવાદો પૂરા થતા હતા. છોકરો એ પછી જે કાંઈ એના ભયભીત સ્વરે બોલતો હતો એ બધું મારા માટે “મ્યુટ” કરેલા (અવાજવિહીન) દૃશ્ય જેવું બની રહ્યું. મારા ચિત્ત સામે ચંદુબાપા, એટલે કે મૂર્ધન્ય સાહિત્યકાર અને હજારો હજારો નિરક્ષરોને અંગૂઠા આપતાં છોડાવીને એ અંગૂઠા અને આંગળી વચ્ચે કલમ પકડાવનારા ગોંડલ રાજયના એક વખતના વિદ્યાધિકારી અને રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા ચંદુલાલ બહેચરલાલ પટેલ તરવરી રહ્યા. કે જે તીવ્ર પ્રકોપિત સ્વરે બોલી રહ્યા હતા :”તમે બધાય મને સમજો છો શું ? હું પરવશ થઈ ગયો એટલે ? અરે, ભગવદગોમંડળના નવેનવ ગ્રંથોનો હું સંપાદક છું, એનાં હજારોને હજારો પાનાં મેં મારા આ હાથે લખ્યાં છે અને જે હવે તમારા હસ્તપ્રત સંગ્રહાલયમાં પડ્યા છે. એક વાર જઇને નજર તો કરો ! મારા જેવા એક વખતના વિદ્યાધિકારીને પેન્શન લેવા માટે અભણની જેમ ડાબા હાથનો અંગૂઠો મારવાનો?  અરે, એટલે તો વિચાર કરો કે અંગૂઠો તો ગોંડલ રાજ્યની કોઈ છોકરી પણ મારતી નથી ને હું અંગૂઠો મારીને પેન્શન લઉં ? જા, નથી જોઈતું મારે પેન્શન, લઈ જા કાગળિયાં પાછાં ! ફરી મને મોઢું બતાવીશ મા.’

બસ, અહીં આ સત્યઘટના પૂરી થાય છે.

આ સત્યઘટનાને પચાસ વર્ષ ઉપર વીતી ગયાં છે. પણ મારા ચિત્તમાં હજુય આ દૃશ્ય અવારનવાર ભજવાયા કરે છે. એ એક એવું દૃશ્ય છે કે જે ખરેખર ભજવાયું હોય કે ના ભજવાયું હોય, પણ કોઇ એવો પ્રસંગ પડે ત્યારે મનમાં ભજવાઇ જ જાય છે. મને એમ પણ દેખાય છે કે ચંદુબાપા એ બોલે છે ત્યારે એમની આંખોમાં સુક્કાં આંસુ તગતગતાં દેખાય છે.. નરમ પડી ગયેલા, દયામણા સ્વરે એ છોકરાને કહેતા દેખાય છે: “ મેં તને અને તારા બાપને પણ ખોળામાં બેસારીને, હાથમાં પેન પકડાવીને એકડો ઘુંટાવ્યો હતો તે શું આ દિવસ જોવા માટે?”

પણ મનમાં ભજવાતા આ કઠોર સત્યના દૃશ્યાંકન માટે કોઈ સ્ક્રિપ્ટ હોતી નથી કે નથી હોતો કોઈ કેમેરા…….


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “ભગવદગોમંડળના સંપાદક સ્વ. ચંદુલાલ બહેચરલાલ પટેલના જીવનની એ અસહ્ય ક્ષણો….

  1. હું કાંઇ જ લખી શકતો નથી ભાઈ તેઓ રાજકોટ માં ભક્તિનગર સોસાયટીમાં રહેતા અમારા પડોશી હું ભણું શાળા નંબર 20માં તેઓ સ્કુલમાં નિરીક્ષણ કરવા આવતા પણ એમની પ્રતિભા જ એવી કે બીક જ લાગે શિક્ષકોને અને હેડ માસ્તરનેય ખખડા વી નાખે
    👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  2. ખરેખર કેવી લાચારી ! અને કેવી ખુમારી. એમણે જે કામ કર્યું છે તે કેમ ભૂલાય. શત શત નમન

  3. વંદન એ મહાવિભુતિને અને આપને પણ એ હ્રદયદ્રાવક પ્રસંગને આગવી શૈલીમાં જીવંત કરવા બદલ.
    -સલિલ દલાલ

  4. કાબે અર્જુન લુંટ્યો..સમય,સમય બલવાન !!!

Leave a Reply

Your email address will not be published.