ગર્લ ગાઈડ કે રોકેટ સર્જિકા?

વાંચનમાંથી ટાંચણ

– સુરેશ જાની

  

   ‘તું ટિમ્બલ ડ્રમ ના વગાડી શકે.’ સ્કુલના બેન્ડ શિક્ષકે સિલ્વિયાને રોકડું પરખાવી દીધું.

આમ તો શાળાના બેન્ડમાં કોઈ છોકરી ડ્રમ વગાડતી જ ન હતી. પણ સિલ્વિયાને બીજું કોઈ નાનું સાધન ગમતું ન હતું; કારણ કે, આખા બેન્ડમાં બધાંની નજર ડ્રમ વગાડનાર પર જ સૌથી વધારે રહેતી હોય છે! ગયા વર્ષે સિલ્વિયાએ ડ્રમ પર સતત મહાવરો કરીને એ વગાડવા પર હથોટી બેસાડી દીધી હતી અને શાળાની માર્ચ-પાસ્ટમાં ભાગ લઈ સૌની ચાહના મેળવી હતી.

આ ટિમ્બલ ડ્રમ તે દિવસે જ સ્કુલમાં આવ્યું હતું. ત્રણ ડ્રમ ભેગા કરીને બનાવેલું એ ડ્રમ ખાસું ભારે હોય છે. એક છોકરી એ ઊપાડી ન શકે- એવી માન્યતાના આધાર પર બેન્ડ માસ્તરે સિલ્વિયાને ના પાડી હતી. એટલે જ સિલ્વિયાએ મનોમન નક્કી કરી દીધું કે, તે ટિમ્બલ ડ્રમ વગાડવાની પરવાનગી લઈને જ જંપશે. ઘેર જઈ તેણે એ નિર્ધારનો અમલ કરવાનો પ્લાન બનાવી દીધો. ચાર  થેલીઓમાં પથરા ભેગા કરી તેણે પોતાની સાયકલની આગળ અને પાછળ એ થેલીઓ લટકાવી દીધી. ખભા પર પણ પથરા ભરેલું બેક પેક બાંધી દીધું . તે માંડ માંડ સાયકલ પર ચઢી શકી. હળવે હળવે તેણે સાયકલના પેડલ પર દમ લગાવી ઘરથી સ્કુલના રસ્તા પર પ્રયાણ આદર્યું. રસ્તે બે ત્રણ વખત તેને શ્વાસ ખાવા રોકાવું પડ્યું. પણ બેળે બેળે સ્કુલની આજુબાજુના રસ્તા પર ત્રણ આંટા લગાવ્યા બાદ જ તે ઘેર પાછી ફરી.

આ ક્રમ પંદર દિવસ ચાલુ રહ્યો. હવે આટલું બધું વજન ઊંચકી શકવાની તાકાત સિલ્વિયામાં આવી ગઈ. તેણે અઠવાડિક બેન્ડ-પ્રેક્ટિસ વખતે ટિમ્બલ ડ્રમ વગાડવાની પરવાનગી માંગી. અકળાઈને સાહેબે એને એક તક આપી. સૌના આશ્ચર્ય વચ્ચે સિલ્વિયાએ તાલબદ્ધ રીતે ડ્ર્મ વગાડતાં માર્ચ કરી બતાવી.  ત્રણ મહિનાની આમ પ્રેક્ટિસના અંતે સ્કુલના જાહેર માર્ચ-પાસ્ટના પ્રસંગે સૌથી મોટું એ ટિમ્બલ ડ્રમ વગાડી સિલ્વિયાએ સૌની પ્રશંસા મેળવી લીધી.

—–૦૦૦૦૦૦૦૦—-

      ૧૯૫૬માં અમેરિકાના દક્ષિણ ડાકોટા રાજ્યમાં જન્મેલી સિલ્વિયાનાં માબાપ મેક્સિકોમાંથી આવેલાં વસાહતી હતાં. મધ્યમ વર્ગના આ કુટુંબે પછી ન્યુ મેક્સિકોના લાસ ક્રુસેસ નામના નાના શહેરમાં સ્થળાંતર કર્યું હતું. તેના પિતા અમેરિકન સરકારની વ્હાઈટ સેન્ડ મિસાઈલ ટેસ્ટિંગ રેન્જમાં કેમિસ્ટનું કામ કરતા હતા. સાવ નાની હતી ત્યારથી સિલ્વિયાને ઢિંગલીઓ સાથે રમવા કરતાં છોકરાઓની રમતોમાં વધારે મજા આવતી. પિતા અને મોટા ભાઈને વાંચતાં જોઈ તેનો વાંચનનો શોખ પણ બાળપણથી જ જાગ્યો હતો.

કિન્ડર ગાર્ટનમાં જોડાયા પછી સિલ્વિયાને મેક્સિકન મૂળની હોવાના કારણે ઘણું સહન કરવું પડ્યું હતું. એ અવજ્ઞા ટાળવા એ વાંચન તરફ વધુ ને વધુ ઢળતી ગઈ. મેક્સિકોથી આવેલી એના જ નામની બીજી એક છોકરીની સંગાથે તે ‘બ્રાઉની’ નામના ગર્લ ગાઈડ પ્રોગ્રામમાં જોડાઈ. ત્યારથી તેને વિકાસ માટેની એક મજાની દિશા મળી ગઈ. તેમાં શિસ્ત, સહકાર અને સ્વગૌરવ સભર, વ્યવસ્થિત જીવન જીવવાના પાઠ તેને શીખવા મળ્યા.

કુટુમ્બમાં માતા ઉચ્ચ શિક્ષણ વિનાની અને માત્ર સ્પેનિશ ભાષા જ બોલી શકતી સામાન્ય ગૃહિણી હતી. પણ એ જ સિલ્વિયાનો પ્રેરણાસ્રોત હતી. સિલ્વિયા ગર્લ્સ ગાઈડમાં જોડાઈ પછી એની માને પણ એમાં બહુ રસ પડ્યો હતો. બાપ અમેરિકામાં જન્મેલ મેક્સિકન વસાહતી અને કેમિસ્ટ્રી વિષયમાં સ્નાતક હોવા છતાં, સાવ પુરાણા ખ્યાલો ધરાવતો હતો. ‘છોકરીઓનું જીવન લગ્ન કરી, બાળક પેદા કરી તેમના ઉછેર અને ઘરકામ પુરતું જ સીમિત હોય છે,’ એમ એ માનતો હતો. પણ એના વાંચનના અપ્રતિમ શોખની અસર સિલ્વિયા પર પડી હતી.

માબાપમાંથી કોઈને પણ ઘર સંચાલન અને ભાવિ આયોજન  અંગે કોઈ જાગૃતિ ન હતી. સિલ્વિયામાં આવેલ આ જાગૃતિ ઘરની ચીજો અને કારના સમારકામ અને  ભાવિ ખર્ચના આયોજન માટે કામમાં લાગી ગઈ. ગર્લ્સ ગાઈડનો ‘વિજ્ઞાન’ અંગેનો બિલ્લો મેળવવા તેણે રોકેટ બનાવવાનો પ્રોજેક્ટ સફળતાથી બનાવ્યો અને તેના કારણે જ વિજ્ઞાનના સ્નાતક બનવાની મહેચ્છા જન્મી. આ જ સ્વપ્નના કારણે તેણે હાઈસ્કૂલમાંથી જ બેન્કમાં બચત કરવાનું શરૂ કર્યું.

અને છેવટે તે આલ્બુકર્કીની યુનિ. માંથી વિજ્ઞાનમાં સ્નાતક બની. લેટિનો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મળવાથી તે છેવટે સ્ટેન્ફોર્ડની પ્રખ્યાત યુનિ. માંથી ઉચ્ચ યોગ્યતા સાથે  અનુસ્નાતક પણ બની ગઈ. આના પ્રતાપે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ માં રોકેટ રિસર્ચ વિજ્ઞાની તરીકે સ્થાન મેળવી તેણે પોતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું.

આગળ જતાં , ગર્લ્સ ગાઈડ સંસ્થાના પ્રેસિડેન્ટ પદે પણ તેણે સેવાઓ આપી છે.

      આમ તો આ સાવ ઉપરછલ્લો પરિચય છે. પણ એની આત્મકથાનું આ પુસ્તક જરૂર વાંચશો. એમાં મધ્યમ વર્ગના વસાહતી કુટુમ્બનો ધબકાર અને સ્વપ્ન સિદ્ધિ માટેની સિલ્વિયાની તપસ્યા તમારા દિલો દિમાગને તરબતર કરી નાંખશે.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Sylvia_Acevedo

https://sylviaacevedo.org/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: surpad2017@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.