નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૪૦

હું પણ ઇચ્છું છું કે ખૂબ જીવે ને એના કર્મોનું ફળ ભોગવે

નલિન શાહ

હવે ટેલિફોનની વ્યવસ્થા બંને ઘરોમાં હતી. રાજુલે માને સાદી રસોઈ બનાવવા કહ્યું હતું. ‘કેવળ મહેમાનગતિ કર્યાંનો તને સંતોષ થાય એટલે મીઠાઈ પણ હું લાવીશ એટલે તારે કોઈ તસદી લેવાની નથી.’ ને શશીને પણ જણાવ્યું હતું કે ‘બા-બાપુ સાથે થોડા કલાકો ગાળી સાંજ સુધીમાં તારે ત્યાં પહોંચશું ને જમવામાં કેવળ ખીચડી, કઢી ને એકાદ શાક વધુ કાંઈ નહીં.’ શશી સુનિતાની સાદાઈથી પરિચિત હતી એટલે ચિંતાનો કોઈ વિષય નહોતો. ડૉ. માનસીને એ નહોતી જાણતી, પણ એને ભરોસો હતો કે એ પણ આવી જ હશે. કેવળ સુનિતા માટે એટેચ્ડ બાથરૂમ-ટોઈલેટવાળા ઓરડામાં સૂવાની વ્યસ્થા રાખી હતી ને ત્રણ ખાટલા ટેરેસ પર બિછાવ્યા હતા. વાતાવરણમાં આહ્લાદક લાગે એવી આછી ઠંડીનો ચમકાર હતો. ઘર ગામની બહાર હોવાથી કુદરતી વાતાવરણ પણ આનંદમય હતું. શશી ને રાજુલ તો ટેવાયેલાં હતાં અને એમને ખાતરી હતી કે ડૉ. માનસી પણ એ અનુભવશે ને માણશે.

રતિલાલ હવે ઘણું ખરું ઘરમાં જ રહેતા. સાવ પથારીવશ તો નહોતા થયા, પણ શક્તિ ક્ષિણ થતી જતી હતી. રાજુલ અને સુનિતાએ લોકોના એશોઆરામની વ્યવસ્થામાં કોઈ કમી નહોતી રાખી. સવિતા ક્યારેક ક્યારેક કહેતી, ‘જિંદગીના છેલ્લા દિવસો આટલા સુખમાં વીતશે એ તો કદી નહોતું ધાર્યું. બંને દીકરીઓએ રંગ રાખ્યો.’ ત્રીજીનો ઉલ્લેખ હંમેશાં ટાળતાં.

રતિલાલ અને સવિતાએ હાથ જોડી મહેમાનોને આવકાર્યાં. રાજુલે માનસીની ઓળખ આપી. પગે પડવા જતી માનસીને રોકી સવિતાએ એને ગળે લગાવી, ‘અરે, તું તો મારી ચોથી દીકરી જેવી છે.’

‘ચોથી!’ માનસી વિચારમાં પડી ગઈ પણ પૂછવાનું ટાળ્યું. જમી પરવારીને ગ્રામ્ય વાતાવરણની ઝાંખી કરવા બહાર નીકળી તેણે વરંડામાં આંટા માર્યા. ધીમી ગતિએ સરકતું ગ્રામ્ય જીવન એને શાંતિમય લાગ્યું. ઘર ગામને છેડે હોવાથી અવરજવર ઓછી હતી. થોડી વાર બહાર આંટા મારી એ ઘરમાં દાખલ થઈ. રતિલાલ સિવાય બધાં સાદડી પર બેસી વાતો કરતાં હતાં. હવે તો સોફાસેટ પણ હતો, છતાં સુનિતા ભીંતને અઢેલીને નીચે બેસવામાં જ આરામ અનુભવતી હતી. માનસી નીચે બેસવા જતી હતી ત્યાં જ એની નજર ઘરની દીવાલો પર ફરી વળી. એક બાજુની ભીંત ઉપર રાધા-કૃષ્ણની હાર ચઢાવેલી તસ્વીર હતી ને એની સામેની ભીંત પર બે છોકરીઓનો ફ્રેમમાં મઢેલો ફોટો હતો. એમાં માથે ઓઢેલી બનારસી સાડીમાં ને ઘરેણાં શણગારેલી નવોઢા હતી ને એની બાજુમાં ત્રણ-ચાર વરસની સોહામણી દેખાતી બાળા હતી. માનસીએ નજદીક જઈ ફોટાનું નિરીક્ષણ કર્યું.

‘આ કોનો ફોટો છે?’ એણે સાહજિક કુતૂહલતાવશ પૂછ્યું.

રાજુલ ઊભી થઈ એની પાસે આવી ઊભી અને કહ્યું, ‘આ બેબી શશી છે.’

‘વાહ! કેટલી સૌમ્ય દેખાય છે!’ માનસીએ ઉચ્ચાર્યું.

‘હજી પણ એવી જ છે.’ રાજુલ બોલી.

‘ને આ નવવધૂ કોણ છે?’

‘તું જ કહે ને!’ રાજુલે પૂછ્યું.

‘લે, હું ક્યાંથી કહું; જ્યારે જાણતી જ ન હોઉં તો?’ માનસીએ વિસ્મયથી બોલી.

‘જરા ધારીને જો.’ રાજુલે કહ્યું, ‘કોઈ પરિચિત જેવું દેખાય છે… મગજમાં કોઈ ઘંટી નથી વાગતી?’

‘મને તો ઓળખાણ પડે એવું કોઈ નથી લાગતું.’

‘વાહ, અમેરિકામાં ભણી, માણસોને તપાસવાનું શીખી પણ ઓળખવાનું એ લોકોએ ના શીખવ્યું?’

‘એ તારી પાસે શીખીશ, પણ તારી વાતો ભેદી લાગે છે.’

‘એ તો છે જ.’

‘ફોટો તો બહુ જૂનો લાગે છે. કેટલાં વરસ પહેલાંનો છે?’

‘કેટલાં વરસ!’ રાજુલ વિચારમાં પડી. ‘પરાગની ઉંમર કેટલી છે?’

’૩૧.’

‘બસ, તો એના પાંચ વરસ પહેલાનો ફોટો છે.’

‘એમાં પરાગની ઉંમરને શું સંબંધ છે!’ માનસીએ કુતૂહલતાથી પૂછ્યું.

‘કારણ પરાગનો જનમ આ ઘરમાં થયો હતો.’

‘શું!!!’ માનસી ચમકી ગઈ, ‘હું કાંઈ સમજી નહીં.’

‘ને આ નવવધૂ તારી ધન્નો છે. બા-બાપુનું પહેલું બાળક.’

રાજુલ ધનલક્ષ્મી માટે બહેન જેવું સંબોધન કદી નહોતી વાપરતી. માનસી દિગ્મૂઢ થઈ જોઈ રહી. એના કાને વિશ્વાસ ના બેઠો.

‘શું શું શું, આ મારી સાસુ છે!!!’

‘એમાં મારો કાંઈ વાંક નથી, પણ છે તો એ જ.’

‘ઓ રાજુલ….’ કહી માનસી એને વળગી પડી, ‘માનવામાં નથી આવતું.’

રાજુલે એને છૂટી કરીને કૃત્રિમ ગુસ્સો કરી તતડાવી,       ‘તારામાં કોઈ શિષ્ટાચાર છે કે નહીં. નાનાં-મોટાંમાં ફર્ક પણ નથી કરતી. મને રાજુલ કહે છે. કેમ, માસીબા નથી કહેવાતું?’ બધાં ખડખડાટ હસી પડ્યાં. રાજુલે શરારતથી માનસીને ચૂંટી ભરી, ‘સાંપડ્યા તારા સવાલોના જવાબો?’

‘હા, પણ તું કેમ નથી આ ફોટામાં?’

‘હું જનમવા માટે એના ઘરમાંથી જવાની વાટ જોતી હતી.’ સાંભળીને બા-બાપુને પણ હસવું આવી ગયું.

‘રાજુલ, તેં મને ખરો શૉક આપ્યો છે આજે. જ્યારે બાએ કહ્યું હું એમની ચોથી દીકરી જેવી છું ત્યારે મને વિસ્મય થયું; પણ પૂછ્યું નહીં એમ માનીને કે કદાચ એક ગુજરી ગઈ હશે.’

‘બા-બાપુ માટે તો એ જીવતી છે ને હું પણ ઇચ્છું છું કે એ ખૂબ જીવે ને એના કર્મોનું ફળ ભોગવે.’

‘તમે તો જાણતાં જ હશો, સુનિતાબેન?’

‘હા’ સુનિતાએ જવાબ આપ્યો ને ઉમેર્યું, ‘રાજુલના દિલમાં કોઈ બૂરાઈની જગ્યા નથી કે નથી કોઈ વેર-ઝેરની ભાવના, પણ આ જ એક અપવાદ છે, જે એને માટે એક ઓબ્સેશન બની ગયું છે.’

‘સાચી વાત છે.’ રાજુલ બોલી, ‘એણે બા-બાપુને ગરીબ હોવાનાં કારણે તરછોડ્યાં એ પણ ભૂલી જઈએ, પણ મારી દેવી જેવી ત્યાગમૂર્તી – મારી બહેનની સાથે જે વર્તાવ કર્યો છે એ મારા મગજમાં સદા માટે કોતરાયેલો રહેશે. બદલો એને કુદરત આપશે.’

‘શું, રાજુલનું એ ઓબ્સેશન દૂર કરવામાં હું મદદરૂપ ના થઈ શકું?’ માનસીએ મનોમન વિચાર્યું પણ વિચારને વાચા ના આપી.

થોડી વારની ચુપકીદી પછી માનસી બોલી, ‘રાજુલ, હું આવી જ છું તો બાપુને તપાસી લઉં, બધાં સાધનો લેતી આવી છું.’

‘પણ તારી વિઝિટ ફી તો બહુ મોટી હશે ને!’ રાજુલે ઠાવકાઈથી પૂછ્યું.

‘એ તો છે જ, પણ શું થાય? હુંય હવે સંબંધનાં તાંતણે બંધાઈ ગઈ છું.’

‘લે એનાથી રૂડું શું હોય!’ રાજુલ શરારતભર્યા અંદાજમાં બોલી, ‘ગામમાં ચર્ચા એ થશે કે રતિલાલ શેઠને જોવા છેક અમેરિકાથી ડોક્ટર આવ્યાં હતાં.’

‘રાજુલ, કોઈ વાતમાં તો જરા ગંભીર થા.’ સુનિતાએ નરમાશથી ઠપકો આપ્યો.

‘ના સુનિતાબેન, રાજુલ જો ગંભીર થશે તો એ રાજુલ મટી જશે.’ માનસી હસીને બોલી.

માનસીએ રતિલાલને તપાસ્યા, કાર્ડિયોગ્રામ લીધો ને કહ્યું, ‘હાલ પૂરતું ખાસ ચિંતા કરવા જેવું નથી, પણ જેમ બને તેમ જલદી એક વાર મુંબઈ આવી શકે તો સારું. તાત્કાલિક ઉપચાર થાય એ વધુ જરૂરી છે. કાંઈ ખામી હોય તો કેવળ કાર્ડિયોગ્રામથી નિદાન ન થાય.’

‘તો બાપુ, અમારી સાથે જ ચાલો.’ સુનિતાએ સૂચન કર્યું.

‘ના ભઈ ના, ઉંમરના કારણે થોડી નબળાઈ લાગે છે. બાકી મને થયું છે શું?’

‘ત્યારે શું ડૉક્ટર ખોટું કહે છે?’ રાજુલ બોલી.

‘ના રે, હોય કાંઈ. માનસી તો ઘરની દીકરી કહેવાય, પણ તો એ છે તો ડૉક્ટર ને! એમની તો આદતો હોય છે વાતને મોટું સ્વરૂપ આપવાની એટલે પેન્શટ ગભરાઈને પથારી પકડી લે.’

‘હોય છે એવા લાલચુ ડૉક્ટરો, પણ માનસી એમાંની નથી.’ સુનિતાએ કહ્યું,

‘અરે! એ તો અમારી દીકરી છે એને માટે કાંઈ એવું વિચારાય?’

‘આ તો મેં સાહજિક વાત કરી મુંબઈ આવવાનું ટાળવા. આ તો તમારો પ્રેમ છે એટલે ચિંતા કરો છો. બાકી મને કાંઈ નથી થયું.’

‘ભલે નથી થયું’ માનસીએ અવાજમાં થોડી સખતાઈ લાવી કહ્યું, ‘મેં કહ્યું ને કે ચેક અપ કરાવવાનું છે એટલે કરાવવાનું છે. બસ.’

‘હા ભઈ, હા’ રતિલાલે હાથ જોડી કહ્યું, ‘હવે હું તારા તાબામાં છું. શિયાળો ટળે એટલે આવશું. ગામનો શિયાળો માણો તો ખબર પડે તમને કે તબિયત માટે કેટલો ગુણકારી છે.’

‘વાંધો નહીં…’ સુનિતા બોલી, ‘રાજુલ ને સાગરની લગ્નતિથિની ઉજવણી પણ ત્યારે જ હશે એટલે એક પંથ ને બે કાજ જેવું થશે.’

શશીનું ગામ અડધો કલાકમાં પહોંચાય એટલું પાસે હતું એટલે બધાં સાંજ સુધી બેઠાં.

‘ક્યારેક સાગરને પણ આવવાનું કહે ને?’ રતિલાલે રાજુલને કહ્યું.

‘બહુ કામમાં અટવાયેલો રહે છે એટલે એની ફુરસદની વાટ જોઈએ તો અમારાથી પણ ના અવાય.’ રાજુલે ખુલાસો કર્યો.

‘અત્યારે આ નાના સાગરથી કામ ચલાવો.’ સુનિતાએ કરણને આગળ કરી કહ્યું. સવિતાએ એને ઊંચકીને રતિલાલની બાજુમાં ગોઠવ્યો, પણ મોકો જોઈને એ પાછો દોડીને દાદીની ગોદમાં લપાઈ ગયો.

‘જોયું?’ સુનિતાએ હસતાં હસતાં કહ્યું, ‘નિવૃત્ત થવાના મને કેટલા અભરખા હતા, પણ આ છોકરો મને કદી જંપીને બેસવા નહીં દે.’

મોડી બપોરે જ્યારે બધાં જવા તૈયાર થયાં ત્યારે રતિલાલે ગળગળા થઈને કહ્યું, ‘બહુ વખતે ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાયું. શશીનાં બાળકો ક્યારેક ક્યારેક રહેવા આવે છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે. ને સુનિતા તને પણ શશી અને એનું ગામ ગોઠી ગયાં છે એ જાણી બહુ સારું લાગ્યું. આવી રીતે વગર સંકોચે આવતાં રહો.’

ને રતિલાલને સવિતાએ હાથ જોડી વિદાય આપી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.